‘રામાયણ’ સીરીયલનો પણ એક સમય હતો. અને ‘તારક મહેતાના ઊંધા ચશ્માં‘ એ પણ એક સમય છે. જોનારના ચશ્માના નંબર વધી ગયા, તો પણ ઊંધાં ચશ્માંવાળી સીરિયલે દમદમો જાળવી રાખ્યો. કારણ કે, એમાં કકળાટ નથી, ખડખડાટ છે. બધું ફાવે પણ કકળાટ નહિ ફાવે..! મામલો ત્યારે જ બગડે કે, નજર સ્થાન ભ્રષ્ટ થાય..! ચશ્માં ઊંધા હોય, ચતા હોય કે કાચ વગરના હોય, કોઈ ફરક નહિ પડે, પણ માણસ ઉંધો થવો ના જોઈએ. જે સમયે જે મળે તે ચલાવી લેવાનું. મોરલા ગમે એટલાં રૂપાળા હોય પણ સમડીની માફક આકાશી ઉડાન હરગીઝ નહિ કરી શકે. ફાટે ત્યાં સાંધણ કરીને જે જીવી જાય, એનો રૂપિયો ચલણમાં જ રહે..! મુશીબત આવે ત્યારે બહુ નશ્કોરા નહિ ફૂલાવવાના..! ચશ્માં ઉંધા પહેરો કે ચત્તા, કાન ક્યારેય વાંધો લેતું નથી. કાન પોતે જ એટલો સહનશીલ કે, કાનમાં બીડી ભેરવો, મેઝર ટેપ ભેરવો, પેન્સિલ ભેરવો, કે ચશ્માં ચઢાવો, નો પ્રોબ્લેમ..! કાન હૈ તો કહાન હૈ..! કાન ઉપર બધું જ સેટ કરવા દે. વિશ્વને ચશ્મા પહેરાવવાની શોધ ભારતે જ કરેલી, પછી એ રળિયામણા થવા યુરોપ ગયા. પ્રાશ્ચાત્ય સંસ્કૃતિનો ઢોળ માણસ જેવાં માણસને ચઢે, તો ચશ્માને કેમ નહિ..? થયું એવું કે,’તારક મહેતાના ઉંધા ચશ્માં’ વાળી સીરીયલમાં જેટલા જેઠાલાલ ઉંચકાયા એટલા ચશ્માં નહિ ઉંચકાયા..! કેટલાંય વર્ષથી આ સીરીયલ ઘર-ઘરમાં ઘર કરી ગઈ.! પહેલી પેઢી તો બચ્ચરવાળ થઇ ગઈ, અને બીજી કે ત્રીજી પેઢી પણ હજી આ સીરીયલના રસપાન કરે છે. છતાં, ચશ્માં હજી સીધા થયા નથી. આટલી લાંબી સીરીયલ તો દેવી-દેવતાઓની પણ નહિ ચાલેલી. આજે ગામેગામ બબીતા ને ગામેગામ જેઠાલાલ જોવા મળે છે, એ આ સીરીયલના ‘વાઈબ્રેશન’ પણ હોય શકે..! આ તો એક અનુમાન..! માણસને ઉંધા ચશ્મામાં રસ છે, ગાંધીજીના સીધા ચશ્માની ચર્ચા એટલી થઇ નથી, એ સમય-સમયનો પ્રભાવ છે. જે મહાત્મા ગાંધીજીએ સીધા ચશ્માં પહેરીને દ્રષ્ટિ આપી, એ હવે ખુરશી સુધી જવાનો રસ્તો અને તહેવાર બની ગયો. બાપુજીના સીધા ચશ્માએ તો ભારતને જગાડવાની તાકાત આપેલી. હાકલ કરેલી કે સ્વરાજને લેવું હોય તો સ્વદેશી બનો..!
એક છોકરો ગાંધીજીના ફોટાવાળી ૫૦૦ ની ચલણી નોટ લઈને ખરીદી કરવા ગયો.. દુકાનદારે ગાંધીજીની નોટને બેચાર વાર ઉથલાવી..! છોકરો કહે, તમે મારા બાપુને ગમે એટલીવાર ઉથલાવો પણ, એ તમને નોટમાં હસતાં જ દેખાશે. (દુકાનદારને ખબર નહિ કે, નોટમાં છપાયેલા ગાંધીજીએ, જલ્લાદ અંગ્રેજોને ઉથલાવ્યા હોય, એને તું શું ઉથલાવવાનો હતો..?) પણ દુકાનદાર એ જોતાં હતા કે, નોટ નકલી તો નથી ને..? કારણ કે, નોટમાં ગાંધીજીના ચશ્માની એક ગુમ હતી. દુકાનદારે કહ્યું, ‘ બેટા, આ નોટ ખોટી છે..! આ નોટમાં ગાંધીજીના ચશ્માની તો એક દાંડી જ નથી. છોકરો કહે, “ કદાચ દાંડી યાત્રા કરવા ગયેલા ત્યારનો આ ફોટો હશે. અને એક દાંડી દાંડી દાંડીયાત્રામાં ગયેલા ત્યારે નીકળી ગઈ હશે..! પણ અંકલ, ‘તમારે ગાંધીજી સાથે મતલબ છે કે, દાંડી સાથે..? દાંડી ના હોય તો એટલા પૈસા કાપી લો, પણ બાકીના પૈસાનો માલ તો આપો..?’ આવો જવાબ સાંભળીને દુકાનદારની તો દાઢ હલી ગઈ..! વિચારમાં પડી ગયો કે, આ છોકરો ખરેખર જન્મ્યો હશે કે, ‘ડાઉનલોડ’ થયો હશે..? બોલો, આને ઉંધા ચશ્માની સાઈડ ઈફેક્ટ કહેવાય કે નહિ કહેવાય..?
જ્યારે જ્યારે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિન આવે, ને અમારા રતનજીને ગાંધીજીનું પ્રિય ભજન યાદ આવે, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ..!’ (ઘણાને તો ગાંધીજી જ ત્યારે યાદ આવે..! અને ગાંધીજી કરતાં ઝભ્ભો પહેલો યાદ આવે..! ) આપણી પાસે ભલે નેતા જેવાં સર્વ સંપન્ન લક્ષણો નથી. પણ ક્યારેક તો ગાંધીગીરી કરવાની ચળ તો આપણને પણ ઉભરી આવે. ગાંધીજીનું આ પ્રિય ભજન ગાવા ૧૦-૧૫ વખત ગળું ખેંચી-ખેંચીને ખંખેરી જોયું, પણ ગળું ય નહિ ગાઠયું, ને ભજન પણ નહિ ગાંઠયું..! ગળાને બદલે ધડ ઉપર ડોક બેસાડેલી હોય એમ, ખોંખારા જ નીકળ્યા..! કોને ખબર કયો વાઈરસ આભડી ગયો, તે ગાવાનો દરવાજો ખુલ્યો જ નહિ. ચુંદડી ઓઢું-ઓઢું ને ઉડી જાય, એમ રાગ યાદ આવે આવે ને છટકી જાય..! જો કે, આઝાદીના સમયને ખાસ્સો સમય થયો એટલે, મગજ અને ગળા સુકાય પણ ગયાં હોય ને..! મહાત્મા ગાંધીજી ગયા પછી, એટલા બધાં ગાંધી પણ આવ્યા કે, ઓરીજીનલ ગાંધીને શોધવા ગુગલને પૂછવું પડે..! ગાંધીજીને ગમતા ભજનના ઢાળ તો ઠીક, શબ્દો પણ રફેદફે થઇ ગયાં..! કહેવાય છે કે, “જ્યાં નહિ પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એમ જ્યાં નહિ પહોંચે ગાંધી ત્યાં પહોંચે રેડિયો ટીવી” એમ, ચરણ ચાંપી મુછ મરડીને આપણું મીડિયા હજી બાપુની યાદ અપાવે છે, એ આપણા અહોભાગ્ય છે..! ગાંધીજી જેવી ટોપી ભલે માથેથી ઉડી ગઈ, પણ લોકોને ટોપી પહેરાવવાની વિદ્યામાં લોકો પાવરધા બની ગયા. (ચલણમાં ચાલે તે રૂપિયો..!) ગાદીઓ ભલે ઉથલ-પાથલ થઇ, પણ ગાદીએ ચઢ્યા પછી ‘મહાત્મા ગાંધી’ કી જય બોલતાં તો આવડી ગયું..! ? (ચલણમાં ચાલે તે રૂપિયો..! ) રોજ ભલે ‘બ્રાન્ડેડ’ કપડાં પહેરીને નીકળતા હોઈએ, પણ રાષ્ટ્રના વાર તહેવારે ખાદી તો ચઢાવે જ છે...! (ચલણમાં ચાલે તે રૂપિયો..!) બસ...જ્યાં જ્યાં નજર મારી ઠરે, એક જ ધ્યેય દેખાય છે કે ‘ચલણમાં ચાલે તે રૂપિયો..! ‘
ગાંધીજીના ત્રણ વાંદરાનું રમકડું, હવે ડ્રોઈંગ રૂમનો શો પીસ બની ગયું. એની વિચારધારા એકબીજાના હાથનું રમકડું બની ગયું. હાઈબ્રીડ સમયની ચાલમાં, જે વાંદરો મૂંગો હતો, એ બોલતો થઇ ગયો, આંધળો હતો એ દેખતો થઇ ગયો, ને બહેરો હતો એ સાંભળતો થઇ ગયો. વાંદરાઓ સુધરી ગયાં, પણ કેટલાંક હજી વાનરવેડા કરે છે..! ગાંધીજીના વ્યવહાર હવે માત્ર તહેવાર બની ગયા. ગાંધી નિર્વાણ દિને ટીવીની કોઈપણ ચેનલ દબાવો, તો આંધીને બદલે ગાંધી વધારે દેખાશે. પણ વાણી-વર્તન અને વ્યવહારમાં ગાંધીજી શોધવા હોય તો, એમના જેવા ઉપવાસ અને અહિંસક લડાઈ લડવી પડે..! થાય તો કરવાનું નહિ તો પછી, “ચલણમાં ચાલે એ રૂપિયો..! “ પાતાળ કુવામાં ડોકિયાં કરવા નહિ જવાનું...!
લાસ્ટ ધ બોલ