ડાયરી - સીઝન ૨ - કેમ છો? Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - કેમ છો?

શીર્ષક : કેમ છો?
©લેખક : કમલેશ જોષી

દુનિયા આખીમાં ક્યાંય પણ બે ગુજરાતીઓ ભેગાં થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન ક્યો પૂછે ખબર છે? કેમ છો? અને આ પ્રશ્નનો એક અને માત્ર એક જ જવાબ સામેવાળા તરફથી મળે, એ કયો ખબર છે? મજામાં. દુનિયા આખીમાં, જો કોઈ મેજિકલ કાઉન્ટરથી ગણતરી કરવામાં આવે તો, આખા દિવસમાં ‘કેમ છો?’ અને ‘મજામાં’, એ છ અક્ષરની આપલે લગભગ બે-પાંચ કરોડ વખત થતી ડિટેકટ થાય. એક મિત્રે વિચિત્ર વિશ્લેષણ રજુ કર્યું: બે પરિચિતો શેરી, સોસાયટી કે ઓફિસમાં ભેગાં થતાં વેંત ‘કેમ છો’ અને ‘મજામાં’ની આપલે કરે એ તો સમજ્યા પણ ક્યારેક તો હોસ્પિટલના બિછાને હાથે, પગે, માથે પાટા બાંધીને પડેલા સ્વજનના ખબર અંતર પૂછવા આવનાર પણ એક જ પ્રશ્ન પૂછે ‘કેમ છો?’ અને આશ્ચર્ય કે મજાની વાત એ છે કે ખાટલે પડેલ પેશન્ટ, ભયંકર પીડા અનુભવતો હોવા છતાં જવાબ એક જ આપે ‘મજામાં’. કોઈ અમેરિકન કે જાપાનીસ વ્યક્તિ આ દૃશ્ય અને સંવાદને સમજે તો એની આંખોના ડોળા કલાક સુધી ગોળ ગોળ ફર્યા જ કરે. એક વ્યક્તિને બાટલા ચઢી રહ્યા છે, હોસ્પિટલના ખાટલે પડી છે એવા સમયે એને ‘કેમ છો?’ કેવી રીતે પૂછી શકાય. આટલું બધું સ્પષ્ટ દર્દ દેખાઈ રહ્યું છે, ચહેરો ઉતરી ગયો છે, ચોતરફ ડોક્ટર-નર્સથી વ્યક્તિ ઘેરાયેલ છે, શું આ બધું એ ‘મજામાં નથી’ એવું બુમો પાડી-પાડીને જાહેર કરતું નથી? એમાંય જયારે અમેરિકન કે જાપાનીઝ વ્યક્તિ પેશન્ટના મુખે ‘મજામાં’ સાંભળે ત્યારે તો એ બેહોશ જ થઈ જાય કેમ કે કડવી દવા અને ઇન્જેક્શન લેનાર વ્યક્તિ ‘કઈ જાતની મજા, ક્યા પ્રકારની હેપીનેસ’ માણતો હોય એ સમજવું એ લોકો માટે ઇમ્પોસીબલ બની જાય.

તમે પોતે પણ આજ સુધીમાં લાખો વખત ‘કેમ છો?’ પ્રશ્ન તમારા પરિચિતોને પૂછી ચુક્યા હશો. તમને કદી વળતા જવાબમાં ‘મજામાં નથી’ એવું સાંભળવા મળ્યું? અત્યારે જ પ્રયોગ કરી જુઓ. દસ વ્યક્તિને ફોન કરો. સાજાનેય કરો અને માંદાનેય કરો, જેની સગાઈ નક્કી થઈ છે એનેય કરો અને જેની વાઇફ રીસામણે ગઈ છે એનેય કરો, જેને નવી નોકરી મળી એનેય કરો અને જેણે ધંધામાં મોટી ખોટ ખાધી હોય એનેય કરો. પહેલો જવાબ તો એક જ મળશે ‘બસ, મજામાં’ અને વળતો પ્રશ્ન પણ આવે કે ‘તમે કેમ છો?’ અને મજાની વાત એ છે કે તમે પણ ગમે તે હાલતમાં હશો ‘મજામાં’ જ કહેશો. અમારા એક શિક્ષક કહેતા ‘કેમ છો?’ એવો પ્રશ્ન વડીલોને, વૃધ્ધોને કે કોઈ માંદા માણસને પૂછવામાં આવે એમાં કોઈ વાંધો નથી, પણ ઉગીને ઉભા થતા હટ્ટાકટ્ટા જુવાનીયાને ‘કેમ છો?’ પૂછવું એ એની ઈન્સલ્ટ ગણાય. ખીલેલા ગોટા જેવા પુષ્પને ‘સુગંધની’ કે બંને કાંઠે છલોછલ વહેતી નદીને ‘પાણીની’ ખોટ વર્તાય ખરી? એમ જુવાનીયાને તંદુરસ્તીની કે ઉમંગ, ઉત્સાહ, થનગનાટની કે હિમ્મત, સાહસ, શૌર્યની ખોટ વર્તાય ખરી? ગલીમાં કૂતરું જોઈને ફફડી ઉઠે, વધુ પડતું અંધારું જોઈને ગભરાઈ જાય, વીજળીના કડાકાભડાકા સાંભળી ગોદડામાં લપાઈ જાય કે કળિયુગ છે કળિયુગ છેની બુમો સાંભળી રડવા માંડે એ પંદર-પચ્ચીસ કે પાંત્રીસ વર્ષનો હોવા છતાં એના માટે યુવાન કે જુવાનીયો શબ્દ વાપરવો એ એ શબ્દનું અપમાન છે.

એવું કહેવાય છે કે ચોમાસામાં વીજળીના કડાકાભડાકા સાંભળી સિંહ ગુફામાંથી છલાંગ મારી બહાર આવી ગર્જના કરવા માંડે છે. કેમ? કેમ કે વીજળીના કડાકાભડાકાને એ ચેલેન્જ સમજે છે. ચેલેન્જને એસેપ્ટ કરવી એ સિંહત્વ છે, એ યુવાની છે એ આપણી સંસ્કૃતિમાં છે, એવું એક સંતે કહ્યું છે. રામાયણમાં એક પ્રસંગ છે. રામના અશ્વમેધ યજ્ઞનો ઘોડો જયારે લવ-કુશની નજરે ચઢે છે અને રાજાનું આધિપત્ય સ્વીકારવાની ચેલેન્જ જયારે એમની સામે આવે છે ત્યારે એ બંને એક ક્ષણનો પણ વિલંબ કે વિચાર કર્યા વિના ઘોડાને રોકે છે અને બાંધી લે છે. કોઈ પણ લાવલપેટ વિના સૈનિકોને સ્પષ્ટ કહે છે કે ચેલેન્જ એસેપ્ટેડ, આવી જાઓ મેદાનમાં. આ છે ભારતીય યુવાન. શું આવી ધસમસતી યુવાનીને ‘કેમ છો’ પૂછવાની હિમ્મત કરી શકાય ખરી?

અમારા શિક્ષક જયારે આ વાત કરતા ત્યારે અમારા રુંવાડા ઉભા થઈ જતા. એક સમયે હું અને તમે જે ભૂમિ પર ઉભા છીએ એ ભારત ભૂમિનો જુવાનીયો કેટલો બધો સેલ્ફ કોન્ફિડેન્સ, ખુમારી, સાહસ અને શૌર્ય ધરાવતો હતો? લવ-કુશની લાયન વૉકનું વર્ણન કરતા એ શિક્ષકે કહ્યું કે યુદ્ધ માટે મેદાન તરફ જઈ રહેલા લવ-કુશને રામના સૈનિકોએ જયારે દૂરથી આવતા જોયા ત્યારે એવું લાગ્યું કે જાણે જંગલમાં સિંહ ફરવા નીકળ્યો છે, એના પગલા એવી રીતે પડતા હતા કે જાણે પૃથ્વી એક ફૂટબોલનો દડો હોય અને લાત મારીને એને ઉછાળી દેવાનો ન હોય એવી રીતે મક્કમ અને જોશપૂર્ણ ડગલા ભરતા લવ-કુશને આવતા જોઈ તેઓ પણ બે ક્ષણ એ ભારતીય યુવાનીને નીરખી રહ્યા. લગભગ કેટવૉકની નજીક પહોંચી ગયેલી, શાળા-કોલેજોમાં, સોસાયટીઓમાં દંગલ કરતી આજની યુવા પેઢીને શું કહેવું? કેમ છો? મજામાં?

મિત્રો, શું ધીરે-ધીરે નબળી પડ્યે જતી આપણી માનસિક અને શારીરિક ક્ષમતાઓ ‘મજામાં’ નથી એવું તમને નથી લાગતું? બોંતેર પેઢી બેઠી-બેઠી ખાય એટલી આર્થિક સધ્ધરતા હાંસિલ કરવાની લ્હાયમાં આપણે આપણી માનસિકતા અને શારીરિક દુરસ્તીને વેન્ટિલેટર પર ચઢાવી નથી દીધી ને? રાજકારણ-રાજકારણ રમવામાં, ખુદ મુંઝાવામાં અને બીજાને મૂંઝવી મારવાની રમતો શોધી બેઠેલા આપણે ક્યાંક ફિયરલેસનેસ, પ્યોરીટી ઓફ માઈન્ડ અને ઓનેસ્ટ બિહેવિયરની તબિયત બગાડી તો નથી નાખી ને? કોઈ પણ ભોગે પદ, પ્રતિષ્ઠા અને પૈસો કમાવાની ઘેલછામાં આપણે આપણી ભીતરે રહેલા સત્ય, પ્રમાણિકતા, ઈમાનદારી અને સજ્જનતાનું ગળું તો નથી ટૂંપી રહ્યા ને? જિંદગીના સાચા-ખોટા સપનાઓ પાછળ દોડ્યે જતાં આપણે એક દિવસ કૃષ્ણ કાનુડો આપણને તેડવા, આપણો હિસાબ કરવા, કાયમ માટે આપણને લઈ જવા આવીને ઉભો રહેવાનો છે એ આપણે ભૂલી તો નથી ગયા ને? મિત્રો આજના દિવસે, ભીતરે બેઠેલા ઈશ્વરના અંશને ‘કેમ છો’ પૂછવાની હિમ્મત કરીએ તો કેવું? એમાય જો ભીતરથી ‘મજામાં’ સાંભળવા મળે તો તો તમારા ‘કુળ એકોતેર તરી ગયા’ એની મારી ગેરંટી. ઓલ ધી બેસ્ટ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)