Mangal Prabhat - 5 books and stories free download online pdf in Gujarati

મંગળ પ્રભાત - 5

(5)

૯. જાતમહેનત

તા. ૧૬-૯-’૩૦

મંગળપ્રભાત

જાતમહેનત મનુષ્યમાત્રને સારુ અનિવાર્ય છે એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉચના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઇ ગયો હતો - રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ ‘બ્રેડ લેબર’નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી. રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઇએ, શરીર વાંકું વાળવું જોઇએ એ ઇશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૉયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બુર્નોહની છે. તેને ટૉલ્સ્ટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા રોટીમજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે તેમ હો, આપણા આ વ્રતની એ ઉત્પત્તિ છે. બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઇ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાો શો અધિકાર હોય ? બાઇબલ કહે છે : ‘તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.’ કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટયા કરે ને તેના મોંમાં કોઇ ખાવાનું મૂકે ત્યારે તે ખાય તો તે લાંબો વખત ખાઇ નહીં શકે, તેને તેમાં રસ પણ નહીં રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથમાં હલાવીને. જો આમ કોઇક રીતે અંગકસરત રાયરંક બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે. ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનું કોઇ કહેતું નથી, અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસોનો નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ બાકીના દશ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીચનો બેદ ટળી જાય. અત્યારે તો જ્યાં ઊંચનીચતાની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઇ છે, માલિક - મજૂરનો ભેદ સર્વવ્યાપક થઇ પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઇ કરે છે. જો સહુ રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિકવર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તેથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે - એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ. સહએ પોતપોતાના ભંગી તો થવું જ જોઇએ. ખાય છે તેને મળત્યાગ તો કરવાનો જ છે. મળત્યાગ કરે તે પોતાના મળને દાટે એ ઉત્તમ વસ્તુ છે. એ ન બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઇક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઇએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપુર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે. બાળક, બુઢ્ઢાં અને રોગથી અપંગ થયેલાં મજૂરી નકરે એને કોઇ અપવાદ ન સમજે. બાળક માતામાં સમાય છે. જો કુદરતના કાયદાનો ભંગ ન થતો હોય તો બુઢ્ઢાં અપંગ ન થાય, ને રોગ તો હોય જ શાને ?

૧૦. સર્વધર્મસમભાવ - ૧

તા. ૨૩-૯-’૩૦

મંગળપ્રભાત

આપણાં વ્રતોમાં જે વ્રતને સહિષ્ણુતાને નામે ઓળખીએ છીએ તેને આ નવું નામ આપ્યું છે. સહિષ્ણુતા અંગ્રેજી શબ્દ ‘ટૉલરેશન’નો અનુવાદ છે. એ મને ગમ્યો નહોતું ગમ્યું. પણ બીજું નામ સૂઝતું ન હતું. કાકાસાહેબને પણ એ નહોતું ગમ્યું. તેમણે સર્વધર્મઆદર શબ્દ સૂચવ્યો. મને એ પણ ન ગમ્યો. બીજા ધર્મોને સહન કરવામાં તેની ઊણપ માની લેવામાં આવે છે. આદરમાં મહેરબાનીનો ભાવ આવે છે. અહિંસા આપણને બીજા ધર્મો પ્રત્યે સમભાવ શીખવે છે. આદર અને સહિષ્ણુતા અહિંસા દૃષ્ટિએ પૂરતાં નથી. બીજા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાના મૂળમાં પોતાના ધર્મની અપૂર્ણતાનો સ્વીકાર આવી જ જાય છે. અને સત્યની આરાધના, અહિંસાની કસોટી એ જ શીખવે. સંપૂર્ણ સત્ય જો આપણે જોયું હોય તો પછી સત્યનો આગ્રહ શો ? તો તો આપણે પરમેશ્વર થયા. કેમ કે સત્ય એ જ પરમેશ્વર છે એવી આપણી ભાવના છે. આપણે પૂર્ણ સત્યને ઓળખાતા નથી તેથી તેનો આગ્રહ રાખીએ છીએ, તેથી જ પુરુષાર્થને અવકાશ છે. આમાં આપણી અપૂર્ણતાનો સ્વીકાર આવ્યો. જો આપણે અપૂર્ણ તો આપણે કલ્પેલો ધર્મ પણ અપૂર્ણ. સ્વતંત્ર ધર્મ સંપૂર્ણ છે. તે આપણે જોયો નથી, જેમ ઇશ્વરને જોયો નથી. આપણે માનેલો ધર્મ સંપૂર્ણ છે ને તેમાં નિત્ય ફેરફારો થયા કરે છે, થયા કરવાના આમ થાય તો જ આપણે ઉત્તરોત્તર ચડી શકીએ, સત્ય પ્રતિ, ઇશ્વર પ્રતિ રોજ ને રોજ આગળ જતા જોઇએ. અને જો મનુષ્યકલ્પિત બધા ધર્મ અપૂર્ણ માનીએ તો પછી કોઇને ઊંચનીચ માનવાપણું રહેતું નથી. બધા સાચા છે, પણ બધા અપૂર્ણ છે, તેથી દોષને પાત્ર છે. સમભાવ હોવા છતાં ્‌આપણે તેમાં દોષ જોઇ શકતા હોઇએ. પોતાનામાં પણ દોષ જોઇએ. એ દોષને લીધે તેનો ત્યાગ ન કરીએ પણ દોષ ટાળીએ. આમ સમભાવ રાખીએ એટલે બીજા ધર્મોમા જે કંઇ ગ્રાહ્ય લાગે તેને પોતાના ધર્મમાં સ્થાન આપતાં સંકોચન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ આપતાં સંકોચ ન થાય, એટલું જ નહીં પણ એમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય.

બધા ધર્મો ઇશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે, ઇશ્વરદત્ત ધર્મ અગમ્ય છે. તેને ભાષામાં મનુષ્ય મૂકે છે, તેનો અર્થ પણ મનુષ્ય કરે છે. કોનો અર્થ સાચો ? સહુ પોતપોતાની દૃષ્ટિએ જ્યાં લગી એ દૃષ્ટિ વર્તે ત્યાં લગી, સાચા. પણ સહું ખોટા પણ હોવાનો અસંભવ નથી. તેથી જ આપણે બધા ધર્મ પ્રત્યે સમભાવ રાખીએ. આમાં પોતાનાધર્મ પ્રત્યે ઉદાસીનતા નથી આવતી, પણ પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી જ્ઞાનમય થાય છે,તેથી વધારે સાત્ત્વિક, નિર્મળ બને છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણાં દિવ્યચક્ષુ ખૂલે. ધર્મન્ધતા ને દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર-દક્ષિણ જેટલું અંતર છે. ધર્મજ્ઞાન થતાં અંતરાયો ઊડી જાય છે અને સમભાવ પેદા થાય છે. આ સમભાવ કેળવતાં આપણે આપણા ધર્મને વધારે ઓળખવાના.

અહીં ધર્મઅધર્મનો ભેદ નથી ટળતો. અહીં જે અંકાયેલા ધર્મો તરીકે આપણે જાણીએ છીએ તેમની વાત છે. આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઇ ગયાં છે, આજે પણ મોજુદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવમાં ને ધર્મીઓ - મનુષ્યો - પ્રત્યેના સમભાવમાં કંઇક ભેદ છે. મનુષ્યમાત્ર - દુષ્ટ અને શ્રેષ્ઢ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભાવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહીં.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઘણા ધર્મો શાને સારુ જોઇએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક જ છે. પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહીં ટળે. છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું, પણ તેને પાતરાં અસંખ્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED