કાંચી - 7 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંચી - 7

પણ એક વાત નક્કી હતી... એણે એની વાત થાકી મને વિચારતો કરી મૂક્યો હતો ! હું પણ એ જ વિચારમાં હતો, કે શા માટે સુંદર દેખાતા છોકરા-છોકરીઓ જ વાર્તાના મુખ્ય પાત્રો બને છે...? શું સામાન્ય દેખાતા લોકોને પોતાની કહાની ન હોઈ શકે...?

"બાય ધ વે, તું લેખક જેવો લાગતો નથી હોં...!" કહેતા એ હસી પડી.

“શું મતલબ, કે લેખક નથી લાગતો..."

“ટીપીકલ લેખક કેવો હોય? જેના વાળ લાંબા હોય, દાઢી વધી ગઈ હોય, પેટ સહેજ ફૂલેલું હોય, અને પહેરવેશે લેંઘો-ઝભ્ભો પહેરતો હોય...! આવો કંઇક.." એ ફરી હસવા માંડી. હસતી વખતે એ વધુ સુંદર લાગી રહી હતી. એને હસતી જોઈ હું પણ હસી પડ્યો.

અનાયસે જ મારી નજર મારા દેખાવ પર ફરી ગઈ. કલીનશેવ ચેહરો, મજબૂત બાંધાની કાયા, પહેરવેશમાં ટી-શર્ટ અને જીન્સ ! ખરેખર કોઈ પહેલી વખતે મને જોઇને માને જ નહી કે, હું લેખક પણ હોઈશ ! મને પણ મારી પર હસવું આવી ગયું.

"એમ તો તમે પણ દેખાવે સમાજ-સેવિકા નથી જ લાગતા..." મેં એને જોતા કહ્યું.

"હું સમાજ-સેવિકા નથી જ... આ તો સમય સાથે બદલાવ આવે એમ બની જવાયું ! હું મૂળ તો એર-હોસ્ટેસ હતી...!”

એની વાત સાંભળી, મને સ્ટીયરીંગ પરથી હાથ હટાવી, આંગળી મોઢામાં નાખી દેવાનું મન થઇ આવ્યું ! આત્મવિશ્વાસુ, ધારદાર વિચારક, સ્વાભિમાની, લોકોની મદદ માટે ખડેપગે ઊભી રેહતી, આટલી ભાષાની જાણકાર, અને ઉપરથી એર-હોસ્ટેસ પણ...! આ ખરેખર એક અલગ જ વ્યક્તિત્વની સ્ત્રી હતી ! અને એની એ વાત જ મને આકર્ષી રહી હતી !

“પહેલા એર-હોસ્ટેસ હતી, ને હવે સમાજસેવિકા...? બે પ્રોફેશન વચ્ચેનું આટલું મોટું અંતર... !? વાત કઈ સમજાઈ નહીં!" મેં મૂંઝાતા રહી એને પૂછ્યું.

“હા, એ બધું સમય સમયની વાત છે...! જીવનમાં કેટલાય એવા કિસ્સાઓ બને છે, જે તમને અણધારી જગ્યાએ લાવીને ઊભા કરી દે છે ! હું પણ હમણાં એવી જ કોઈક જગ્યાએ છું, જ્યાં હું ક્યારેય પોતાને કલ્પી પણ ન શકું !" એની વાતમાં અચાનક ફિલોસોફી ભળવા માંડી.

એણે બારી બહાર નજર જમાવી લીધી. એને શું પૂછવું અને પૂછવું પણ કે નહીં? એ મને ન સમજાયું,

થોડીવારમાં જ અમે એરપોર્ટ પહોંચી ગયા.

“સો થેન્ક્સ અગેઇન..." કહી એ કારમાંથી ઉતરી.

મેં એને ‘બાય’ પણ ન કહ્યું. એ ચાલતી ચાલતી એરપોર્ટ તરફ આગળ વધી ગઈ !

હું એના અંતિમ વાક્યો પર વિચારતો રહી ગયો, 'હું હમણાં

એવી જગ્યા એ છું, જ્યાં હું પોતાને કલ્પી પણ નથી શકતી !'

શું મતલબ હતો એની એ વાત નો? અને શા માટે એનું એ વાક્ય મારા માનસપટ પર છવાઈ ચુક્યું હતું ! શું હતું એ, જે મને એના તરફ આકર્ષી રહ્યું હતું ?

અચાનક મારા મનમાં એક શબ્દ આવ્યો અને પસાર થઇ ગયો

- 'તારી નવી વાર્તા... '

હું આચર્ય થી એરપોર્ટ પરત જોઈ રહ્યો. એ અંદર પ્રવેશવાની
લાઈનમાં જોડાઈ ચુકી હતી અને થોડી જ ક્ષણોમાં દુર પણ ચાલી જવાની હતી...

મારી વાર્તા મારાથી દુર ચાલી જવાની હતી !
‘કાંચી બેનર્જી′ ! એમાં મને મારી નવી વાર્તા દેખાઈ રહી હતી. એક શ્યામ, આત્મવિશ્વાસથી ભરેલી, સ્વાભિમાની છોકરીની વાર્તા ! અને કદાચ બની શકે કે આ તેના વ્યક્તિત્વના માત્ર થોડાક જ પાસા હોય ! કદાચ તેની આખી સ્ટોરી આથી પણ વિશેષ હોય !

પણ હમણાં, કાંચી મારાથી દુર જઈ રહી હતી. એ લગભગ લાઈન માં થઇ એરપોર્ટની અંદર જઈ ચુકી હતી. હું એને બહારથી પારદર્શક કાચની આરપાર જોઈ રહ્યો.

હું ઝડપથી ગાડી બહાર નીકળ્યો અને એરપોર્ટ તરફ દોડ્યો. હું એને બુમ પાડી રહ્યો હતો,

“કાંચી... મિસ. કાંચી બેનર્જી, પ્લીઝ વેઇટ... કાંચી..." પણ કદાચ કાચની આરપાર અવાજ જઈ શકતો ન હતો. મેં કાચ નજીક જઈ હાથ હલાવવા માંડ્યા... એ જોઈ એનું ધ્યાન મારી તરફ ગયું અને હું સહેજ હસ્યો.

મેં એને ઇશારાથી બહાર આવવા કહ્યું. એ જરા મુંજાઈ એણે એરપોર્ટમાં અંદર નજર ફેરવી અને પછી મને જોયું. કંઇક વિચાર કર્યા બાદ એ બહાર તરફ આવવા ચાલવા માંડી.

હું એને જોઈ રહ્યો... સ્કાય બ્લ્યુ રંગની સાડી ઓઢી જાણે
મારી વાર્તા મારી સામે ચાલીને આવી રહી હતી !

“શું થયું...? કેમ પછી બોલાવી ?” એણે બહાર આવતા પૂછ્યું,

“કાંચી, મારે તારી સાથે વાત કરવી છે.” મેં પણ એને 'તું' કહી, એકવચને બોલાવી

“હા, બોલ...“

અહીં નહિ.. ચાલ કારમાં બેસીએ..”

“કારમાં...? અરે મારે કોલકત્તા જવા ફ્લાઈટ પકડવાની છે, અને તું..”

“અરે ચાલ તો ખરી...” કહી મેં એનો હાથ પકડી લઇ, આગળ થયો.

મેં જાણે કોઈ અજાણ્યા જ હકથી એનો હાથ પકડી લીધો હતો ! કદાચ એને મારું એવું કરવું ન પણ ગમ્યું હોય…!

“કાંચી, હું તારી સાથે કોલકત્તા આવવા માંગું છું... તને ડ્રોપ કરવા ! અને એ પણ મારી કારમાં... “ કાર નજીક પહોચી મેં કહ્યું.