હું ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને બાજુની સીટ પર મારું બેગ મુક્યું... જેની ચેઈન ઉતાવળમાં લગભગ અડધી ખુલ્લી રહી ગઈ હતી. અને અંદરથી થોડાક કાગળ ડોક્યું કરી રહ્યા હતા!
પેલી બંને છોકરીઓ પાછળની સીટ પર ગોઠવાઈ. મેં ગાડી શરુ કરી ચલાવવા માંડી. હું હજી રાહ જોઈ રહ્યો હતો કે બંને માંથી કોઈ એકાદ વાતનો દોર માંડે અને મને સ્પષ્ટતા વાતની કરે!
થોડીવારે ગાડી મુંબઈની દિશામાં હાઇવે તરફ દોડવા માંડી, પણ પેલી બંને હજી પણ શાંત હતી ! એ જોઈ મારી ધીરજ ખૂટી પડી, અને મેં પૂછ્યું...
“તો મેડમ થયું શું હતું, એ તો જણાવો... !"
એ સાંભળી પેલી સ્ત્રીએ મને એ રીતે જોયું જાણે મેં એને કંઇક અજુગતું પૂછી લીધું હોય, પછી સ્વસ્થ થઇ ખોંખારો ખાધો અને બોલી...
"આ છોકરી... આ છોકરી એ ટેકરી પાસેના ગામની રહેવાસી છે. આજે એની વિવાહ હતું... બાલ વિવાહ !" હું જરા ચમક્યો, અને પાછળ ફરી એ છોકરી તરફ જોયું, અને પછી
તરત નજર ફેરવી દીધી.
પાવડર થોપેલા એના ચેહરા પર આંસુઓ સુકાઈ ચુક્યા હતા અને ચેહરા પર એક કાળાશ આવી ચુકી હતી. છતાં એની માસુમિયત બરકરાર હતી... એવી જ જેવી એક નાનકડી છોકરીમાં હોવી જોઈએ !
“તો તમે આના કોણ લાગો ?” મેં બીજો પ્રશ્ન કર્યો.
“કોઈ નહી...” એણે ટૂંકો જવાબ આપી નિસાસો નાખ્યો. પેલી છોકરી એના ખભા પર માથું ઢાળીને સુઈ ગઈ હતી...
એના ચેહરા પર કોઈક મોટી ઘાત ટળી ચુકી હોય, એવું સુકુન
હતું. એ જોઈ મારાથી એક સ્મિત કરી દેવાયું.
“તો મેડમ, આ બધું હતું શું.... જરા ડીટેઈલ્સમાં જણાવશો ?”
“હા, કહું તમને.. એક્ચ્યુલી હું મુંબઈ નજીકના એક એન.જી.ઓ. સાથે જોડાયેલી છું.
આજે સવારે હું મુંબઈથી કોલકત્તાની ફ્લાઈટ માટે એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. અને આજે જ વહેલી સવારે એન.જી.ઓ.ના કાર્યાલય પર આ છોકરી દ્વારા મોકલાયેલો પત્ર મળ્યો અને એમાં લખેલ વિગતો મુજબ આજે જ તેના લગ્ન હતા ! અને તેણે અમારી સંસ્થા પાસે મદદ માંગી હતી
અને એ સમયે સંસ્થા તરફથી કોઈ ત્યાં જઈ શકે તેમ ન હતું. માટે સંસ્થા પરથી મને ફોન આવ્યો... આની મદદે જવા માટે. હવે આવા સંજોગોમાં મોડું કરવું કેમ નું પોસાય !
એટલે હું તરત જ મુંબઈથી આ ગામ આવવા નીકળી ગઈ. આના ગામે જઈને જોયું તો કન્યા છેક લગ્નની વેદી સુધી પંહોચી ચુકી હતી !
મેં તેમને સમજાવવા પ્રયાસો કર્યા કે છોકરીની ઉમર હજી રમવાની, ભણવાની છે... હમણાં એના પર ગૃહસ્થ જીવનનો ભાર થોપવો યોગ્ય નથી પણ તેઓ ન માન્યા. અંતે મેં કાનુનનો ડર પણ બતાવી જોયો કે આમ બાળલગ્ન કરાવવા એ ગુનો છે. પણ એ જાડી ચામડીઓ પર મારા શબ્દોની કોઈ અસર ન થઇ.
હું ત્યાં આવતા પહેલા પોલીસને પણ જાણ કરીને આવી હતી પણ હજી સુધી પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ન હતી. માટે હવે જે કઈ કરવું પડે, એ મારે એકલીએ જ કરવું પડે તેમ હતું!
મેં જઈ પાણી ભરેલી ડોલ હવન કુંડમાં ઠાલવી દીધી. એ જોઈ ગામના લોકોમાં ઉહાપોહ મચી ગયો. 'આણે અગ્નિદેવતાનું અપમાન કર્યું અને આ લગ્ન હવે નહિ ટકે એવી કાનાફૂસીઓ થવા માંડી. પણ હું લગ્ન થવા દઉં તો ટકે ને..." કહી એ હસવા માંડી.
એ બોલતી જતી હતી અને મારા માનસપટ પર દ્રશ્ય રચાતું જતું હતું. ગામ આખાની હાજરીમાં આવું કામ કરવા માટે પણ હિંમત જોઈએ બોસ... આ છોકરીમાં કંઇક તો એવું ખાસ હતું, જે બધાથી અલગ હતું.
“પછી..?” મેં ઉત્સુકતાથી પૂછ્યું.
“...પછી શું ? તક નો લાભ લઇ હું એનકેન પ્રકારે એ છોકરીને ભગવવામાં સફળ રહી. અમે ભાગતાં ભાગતાં ગામ બહારની ટેકરી પર આવી પહોચ્યા અને પછી તમે મળ્યા, અને હવે તમે મદદ કરી રહ્યા છો. એ બદલ આભાર !"
"હા, એ તો ઠીક છે... પણ હવે આ છોકરી ?”
“એ હવે અમારા એન.જી.ઓ.ની જવાબદારી છે. પહેલા તો આખી ઘટના માટે એનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે. અને દરેક અપરાધીઓ પર જરૂરી કાનૂની કાર્યવાહી થશે. પછી એ ત્યાં રહીને ભણી પણ શકે છે અથવા તો એની મરજી હોય તો પાછી પણ ફરી શકે છે !
અમારા એન.જી.ઓ.માં આવી અનેક છોકરીઓ, સ્ત્રીઓ આશરો લે છે. કોઈકને ઘરેથી કાઢી મુકવામાં આવી હોય, તો કોઈકને સાસરીપક્ષ તરફથી દહેજ માટે દબાણ હોય, કોઈક બળાત્કાર પીડિતા, તો કોઈક ચોરીના કેસમાં જેલથી છુટીને આવેલ.
અમે મોટાભાગે તેમની મદદ કરી, તેમના પ્રશ્નોનું સમાધાન કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. અને પરિસ્થિતિ અનુકુળ ન હોય તો તેમને આશરો પણ આપતા હોઈએ છીએ !
"ખરેખર સારું કામ કરો છો...” મેં કહ્યું.
“થેંક યુ...”
થોડીવાર ગાડીમાં શાંતિ છવાઈ રહી. હું મનોમન વિચાર કરવા લાગ્યો, 'કે શું વિચારીને નીકળ્યો હતો, અને શું થયું ! મુંબઈથી દુર જવા નીકળ્યો હતો, અને મુંબઈ પરત જઈ રહ્યો હતો. શું ધાર્યું હતું હેં !
? આકાશમાં વીજળી ચમકે એમ તારી વાર્તા મળી જશે, કે પછી નદીના વ્હેણમાં લાકડું જેમ તરી જાય, એમ તને વાર્તા જડી જશે... ! શું મેળવવા ગયો હતો, અને શું મેળવીને આવ્યો... જાણવા માટે વાચતા રહો_કાચી એક રહસ્યમ્ય પ્રેમ કથા મત્રો તમે બધાએ એટલો સ્પોટ કર્યો છે તેના હું દહે દિલ ધન્યવાદ 🙂🙏🙏🙏