કાંચી - 2 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

કાંચી - 2

ઓફિસમાં પોતાનો ભૂતકાળ વાગોળવાનું પાછળ છોડી, હું કારમાં સેમીનાર આપવાના સ્થળ તરફ જવા નીકળ્યો.

મુંબઈના રસ્તાઓ પર તો અવારનવાર ટ્રાફિક જામ થતો જ હોય છે... પણ આજે ઘણા સમય બાદ મારા મનાં વિચારોનો ટ્રાફિક જામ થઇ આવ્યો હતો.

કદાચ ઘણા લાંબા સમય બાદ મનમાં આટલું મોટું વંટોળ ઊઠ્યું હતું. અને આ વખતે એ મને ગૂંગળાવી રહ્યું હતું.

ટ્રાફિક ચીરતો હું આગળ વધવા માંડ્યો. હું એક સેમીનાર આપવા જઈ રહ્યો હતો, ‘રાઇટીંગ સ્કીલ્સ' બાબતે... ! આવા સેમીનાર દેવા, પણ હવે કંઇ નવું ન’હોતું લાગતું. લગભગ મારી દિનચર્યાનો એક ભાગ જ ગણી લો !

થોડીવારે હું ઓડીટોરીયમ પહોચ્યો, અને ગાડી પાર્ક કરી અંદર પ્રવેશ્યો. સંચાલકો મને લેવા માટે ગેટ સુધી આવ્યા. અને પછી મને અંદર સુધી દોરી ગયા.

થોડીવારમાં સેમીનાર શરુ થવાનો સમય થવાનો હતો, અને હમણાં ભીડ પણ ઠીકઠાક પ્રમાણમાં આવી પહોંચી હતી. મોટાભાગની ઓડીયન્સ ટીનએજર હતી.સેમીનાર શરુ થતા પહેલાં, થોડાક પરિચિત વ્યક્તિઓ સાથે થોડીક ઔપચારિક વાતો થઈ, અને પછી એ વાતો ફરી-ફરીને મારી નવી બુક વિશેની ચર્ચાઓ પર આવી ચઢી. ત્યાં મારા સમકક્ષ થોડા લેખકો પણ હતા. જે કદાચ એ વાતથી જરા ચિડાઈ ગયા ! મને હંમેશાં એક પ્રશ્ન મુંજવતો આવ્યો છે. “બીજાની પ્રગતી અને અધોગતિથી કહેવાતા ’લેખકને જો ફેર પડતો હોય... તો એને ‘સાહિત્યકાર’ કઈ રીતે માનવો...? જે વ્યક્તિ હંમેશાં એકની એક વાતને ગોળ ગોળ ફેરવી, તોડી-મરોડીને પેશ કરે કે પછી શૃંગારરસના નામે અશ્લીલતા જ પીરસતો રહે એને હું ‘લેખક' કઈ રીતે માનું...?

ખૈર, હું એ બધામાં ઝાઝું માથું નથી મારતો... ! મેં મારી બુક વિશેની વાતને ટાળી દીધી, અને સદનસીબે ત્યારે જ સેમીનાર શરુ થવાનું એનાઉન્સમેન્ટ થયું... !

હું સ્ટેજ પર જઈ મારી જગ્યા એ ગોઠવાયો. મારી બેસવાની જગ્યાની સામે, “મોસ્ટ પોપ્યુલર રાઇટર’ ની તકતી મારેલ હતી. અને પાછળ લગાવેલ બેનરમાં મારો એ જ જુનો અને જાણીતો ફોટો લગાવેલો હતો ! આ મારી માટે નવું પણ ન હતું... પણ આજે તકતી પરનું લખાણ જરા ખૂંચ્યું. કદાચ ત્યાં માત્ર 'લેખક' લખેલ હોત તો મને વધુ ગમતું !સેમીનાર શરુ થયો. મને દીપ-પ્રાગટ્ય કરવા આગળ બોલાવ્યો.

ત્યાર બાદ આયોજકશ્રી એ નાની એવી સ્પીચ આપી, અને પછી મને સેમીનાર નો હવાલો સોંપવા આગળ કર્યો.

મારા નામની જાહેરાત થતા જ આખું ઓડીટોરીયમ તાળીઓના અવાજ થી ગુંજી ઉઠ્યું. અને જેમ મેં ‘નમસ્કાર’થી અભિવાદન કર્યું, કે તરત જ બધે શાંતિ વ્યાપી ગઈ. ડર લગી જાય એવી શાંતિ !

ત્યાં હાજર દરેક વ્યક્તિ મને સાંભળવા ઉત્સુક હતો... ! અને બસ આ જ પ્રેમ હતો, જે મને હજી સુધી જીવિત રેહવાનું કારણ આપતો હતો. નામ, હોદ્દો, પૈસા, બધું જ મારા વાચકોના 'પ્રેમ' સામે મને વામણું લાગ્યું છે !

મેં સેમીનાર ની દોર હાથમાં લીધી. ‘પોતાના મનની સાંભળી... વાર્તાઓ ને તોડી-મરોડી ને ન રજુ કરો... પોતાને ગમે એવું લખો... થોડા દિવસ બાદ અગાઉ નું લખાણ ન ગમે, તો એને પોતાની પ્રગતી તરીકે જુઓ.' આ અને આવી અનેક વાતો મેં એમને જણાવી.અને છેલ્લે એ પણ કહ્યું, 'મારી આ બધી જ વાતોને અવગણીને પણ લખશો તો મને વધુ ગમશે...!' આ વાત હું અચૂકપણે કહેતો જ ! કારણકે, ત્યાં હાજર દરેકમાં એક લેખક હોય જ છે... પણ જો હું એ કુમળાં છોડવાઓ પર મારો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરું... અને જો એ મારા પ્રભાવમાં લખવું શરુ કરે... તો બની શકે કે એ એની પોતાની આગવી શૈલી ગુમાવી બેસે...!

મારા ભાગનું કામ પતાવી, હું સ્ટેજ પરથી નીચે ઉતર્યો. થોડાક બાળકો તેમની વાર્તાઓ અને કવિતાઓ લઇ, મારી તરફ ધસી આવ્યા. હું એક એક કરી એ દરેકને વાંચવા માંડયો. ખરેખર એમાં એક તાજગી હતી. શરૂઆત ના દોરની તાજગી !

કેટલાક બાળકોએ મારી પાસે ઓટોગ્રાફની માંગણી કરી... અને મને અચાનક હસવું આવી ગયું.

"શું થયું સર... કેમ હસો છો...?" તેમાંના એકે પૂછ્યું.

“કંઇ નહિ દોસ્ત... મને એ દિવસ યાદ આવી ગયો, જ્યારે મેં મારો પહેલો ઓફોગ્રાફ આપ્યો હતો. અરે મને તો સરખી સહી કરતા પણ નહોતી આવડતી... અને મેં સાદા અક્ષરોમાં મારું નામ લખીને આપી દીધું હતું... !"“સર... સહી કરતા તો, મને પણ હજી સુધી નથી આવડતી...! પણ સર, એક દિવસ હું પણ તમારી જેમ મારી સહીને ઓટોગ્રાફ બનાવી ને રહીશ...!"

અને એના શબ્દોથી હું ભાવુક થઇ આવ્યો. હું પણ ક્યાંક આવો જ હતો... પણ કદાચ મારું એ વ્યક્તિત્વ આ ઝાકમઝોળમાં ઘણું પાછળ રહી ચુક્યું હતું.

"મને તમારા દરેક પર વિશ્વાસ છે... તમે દરેક એ કાબેલ છો... ગોડ બ્લેસ યુ માય બોયસ... !”, કહી હું સ્થળ છોડી બહાર નીકળી ગયો. અને કારમાં ગોઠવાઈ, હું ઑફિસે પરત જવા નીકળ્યો.

“લીના... પ્લીઝ મેક સ્પોર, નોટ ટુ ડીસ્ટર્બ મી ફોર સમ ટાઇમ..." કહી હું મારા કેબીનમાં ભરાયો.

“પણ સર, તમારું લંચ....?", લીનાનો અવાજ પાછળ દોરાયો, પણ મેં કેબીન અંદરથી બંધ કરી દીધી.

થોડીવાર ખુરસીમાં જઈ પડી રહ્યો, અને પછી ડેસ્ક નીચે થી કાગળોના થોકડા ભરેલી ફાઈલો કાઢવા માંડી, ડેસ્ક પર ગોઠવવા માંડી."સર."

મી.બંસલ ને કહ્યું તો હતું, કે હું તેમની જ સ્ટોરી પર કામ કરી રહ્યો છું... પણ એ ક્યાં સાચું હતું !

એક એક કરી, મેં બધી ફાઈલો ઉથલાવવા માંડી, દરેક ફાઈલમાં એક અધુરી મૂકી દેવાયેલી સ્ટોરી હતી. કોઈક લવ સ્ટોરી, તો કોઈક સસ્પેન્સ થ્રીલર... તો કોઈક હોરર તો કોઈક વિરહકથા...!

દરેક સ્ટોરી ના અમુક અમુક ભાગ વાંચી, હું તેના પાત્રો સાથે ઓતપ્રોત થવાના મરણીયા પ્રયાસ કરવા માંડ્યો... પણ ક્યાંક “કંઇક ખૂટી જતું હતું.. અને હું એની સાથે જોડાઈ જ નહોતો શકતો... ! અને એ ખૂટતું તત્વ હતું ‘વાર્તા...' ! મને એમાં ક્યાંય 'વાર્તા' જ નહોતી મળતી,અને વાર્તા મળે તો એમાં કંઇ ‘નવીનતા', કંઇક 'યુનીક્ટ્રેસ' નહોતી મળતી... !

મેં એક ઝાટકા સાથે એ બધી ફાઈલો બંધ કરી દીધી. અને અનાયસે જ મારું માથું એની પર ઢળી પડ્યું. ધીરે ધીરે આંખો ઘેરાવા માંડી. અને મનમાં ગુંગળામણ થવા લાગી.

લગભગ એકાદ કલાક સુધી હું ફાઈલો પર માથું ઢાળીને પડી રહ્યો. જોત જોતામાં સાંજ પડી, અને લીનાએ દરવાજે ટકોરા માર્યા...

“યસ લીના... વેઇટ ઘેર, બારણું ખોલું...", કહી હું બારણું ખોલવા આગળ વધ્યો.

“સર, તમે ઠીક તો છો ને..?”, લીનાએ ચિંતામય સ્વરે પૂછ્યું.

“હા... બસ થોડું માથું દુખે છે બસ..."

"સર, તમે ઘરે જાઓ. હું તમારું કેબીન અવેરી ને ચાલી જઈશ...” અંદર કેબીનમાં વેરવિખેર પડેલા કાગળો તરફ નજર કરતા એ બોલી.

“થેન્ક્સ લીના...", કહી હું બહાર નીકળી ગયો.

ક્યારેક વિચારું છું કે આ બધા ન હોત તો મારું શું થાત...? આમની નાની નાની મદદ પણ મારા માટે ઘણી મહત્વ ની બની રેહતી હોય છે...

ઘરે જઈ પલંગમાં આડો પડ્યો... અને કુકને જમવાનું બનાવવાનું કહ્યું. જમી પરવારીને ફરી પોતાના વિચારોમાં ખોવાઈ ગયો.યુ નીડ અ બુક...’ મી.બંસલનો અવાજ મારા કાનોમાં ગુંજી

ઊઠ્યો...!

ખરેખર... કંઇક પોતાને સારું લાગે એવું લખ્યું, ઘણો સમય વીતી ગયો હતો !

ઘરમાં ગુંગળામણ લાગતાં, હું કાર લઇ મરીન ડ્રાઈવ તરફ નીકળી પડ્યો.

આ દરિયો મને હંમેશાથી આકર્ષતો રહ્યો છે. એ મને સમજતો આવ્યો છે, મારા પ્રશ્નોને સમજતો આવ્યો છે ! મનમાં ચાલતા દરેક પ્રશ્નોનો જવાબ મને તેના મોજાંઓમાંથી મળી રહ્યો છે. આજે પણ સાચા જવાબની આશાએ હું એની તરફ ખેંચાઈ આવ્યો હતો.

અંધારું ઘણું થઇ ચુક્યું હતું... પણ આ તો મુંબઈ છે...! અહીં તો રાત પણ દિવસની જેમ ઉજવાય છે ! મરીન ડ્રાઈવ પર કેટલાય યંગ કપલ્સ બેઠાં હતા... જે મને મારી લખેલી લવ-સ્ટોરીમાં ના પાત્રોની યાદ અપાવતા હતાં !

હું એક જગ્યા એ શાંતિથી બેસી ગયો, અને આજુબાજુ નું નિરીક્ષણ કરતો, દરિયાને જોઈ રહ્યો.મને મુંબઈમાં શરૂઆતના દિવસો યાદ આવવા માંડ્યા....

એ દિવસ જયારે મુંબઈ નામની માયાનગરીમાં મેં, એક બેસ્ટ-સેલર ઓથર બન્યા બાદ પગ મૂક્યો હતો. અને આ મુંબઈએ પણ એટલા જ ચાવ થી મને આવકાર્યો હતો. અહીં જ રહી ને મેં મારી બાકીની ચાર સ્ટોરી લખી હતી... અહીં જ રહી હું સફળતાની સીડીઓ ચડ્યો હતો, અને એના પરથી નીચે પણ પાડ્યો હતો ! પણ એનો મને લેશમાત્ર વસવસો ન હતો... કારણકે મેં એ જ કર્યું હતું, જે મને એ ક્ષણે સાચું લાગ્યું હતું !

મને એ પણ યાદ છે, જ્યારે થોડાક શબ્દો લખવા માટે હું કેટલાય કિલોમીટરના પ્રવાસ ખેડતો હતો...!

આ વિચાર સાથે જ હું ઝબકી ગયો... અને એકાએક કંઇક વિસ્ફારિત નજરોએ હું દરિયાને જોઈ રહ્યો. શું આ દરિયાઈ મને મારો જવાબ શોધી આપ્યો હતો... !?

કદાચ હા... !

અચાનક મનમાં પ્રશ્ન આવ્યો, 'કે તું કેમ બદલાઈ ગયો ? જે માણસ થોડાક શબ્દો લખવા કેટલુંય ફરતો હતો, એ આજે ઓફિસની કેબીનમાં બેસી રહી... આખી નોવેલ લખવાનું

વિચારી પણ કઈ રીતે શકે...?’

આ સાથે જ હું અંદર સુધી હચમચી ગયો...!

મેં તરત લીનાને ફોન જોડ્યો...

“હલ્લો લીના...”

"યસ સર... આટલી રાત્રે ફોન...?" અવાજ પરથી એ ઊંઘમાં લાગી રહી હતી.

"લીના, કાલથી માંડી, થોડાક દિવસો સુધીના મારા બધા પ્લાન્સ કેન્સલ કરી દે...”

"પણ કેમ સર..." સામેથી કંઇક આશ્ચર્ય મિશ્રિત આવાજ આવ્યો.

“હું જાઉં છુ લીના... ફરવા જાઉં છું... નવી વાર્તાની શોધમાં જાઉં છું..."

સામે થોડીકવાર શાંતિ છવાઈ રહી... કદાચ એને મારી વાત સમજાતી ન હતી.

“ઓકે સર..." એણે ગુંચવાઈને સંમતી દર્શાવી.

હું ઊભો થયો, અને દરિયા તરફ આભારવશ નજરોએ જોવા લાગ્યો !