શમણાંના ડંખ.. (ભાગ - ૨) SONAL DIGANT KESARIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંના ડંખ.. (ભાગ - ૨)

સુમસામ સ્ટેશન પરથી ચડીને,
પેલી છોકરી બારી પાસે બેસી ગઈ હતી. આજે એ થોડી મોડી પડી હશે, એટલે ટ્રેન ચાલુ થઈ હતી. પછી લગભગ દોડતા દોડતા જ એ ચઢી ગઈ હતી.

દર વખતની જેમ આજે પણ કોઈ વાતચીત ના થઈ શકી.
એ સામે જોઈને થોડુ હસી ખરી, પછી સતત બારીની બહાર જોવા લાગી.

પ્રખરે સપ્તક તરફ નજર કરી.
એ કયારેય, એક પણ વાર બેઠા પછી ઉભો નહોતો થતો.
કયારેક નવાઈ પણ લાગતી.. કે ખરો માણસ છે,કયારેય વાત ના કરે.. કયારેય સામે જોઈને હસે નહીં,વળી વાત પણ ત્યારે જ કરે, જ્યારે પ્રખર સામેથી એને બોલાવે!!





અરે..પેલી છોકરી એના સ્ટેશનથી ચઢે, ત્યારે પણ.. એ ફોનમાંથી નજર ઉંચી નહોતો કરતો.

પોતાનું સ્ટેશન આવ્યું એટલે, પ્રખરે આખા ડબ્બામાં જોઈ લીધુ. સામેની સીટમાં બેઠેલા ત્રણેય મુસાફરો સુઈ ગયા હતા, કયાંય પણ ટ્રેન રોકાય.. એમને કોઈ ફરક નહોતો પડતો.. "આટલા વહેલા કોઈ સુઇ જતુ હશે??"
પ્રખર વિચારવા લાગ્યો..પોતાને તો ક્યારેય ટ્રેનમાં ઊંઘ ના આવે !

સપ્તક તરફ નજર કરી.એ આડો પડ્યો હતો..
એના ફોનમાં કંઈક મેસેજ લખતો હોય એવુ લાગ્યુ. જોકે એનુ ધ્યાન તો હતુ જ.. કે પ્રખરનું સ્ટેશન આવી ગયુ છે.
એણે પ્રખર સામે જોયું.. માંડ થોડો હસ્યો, અને.. નજરથી જ 'આવજો' કહી દીધું. ફરી પાછો એ. ફોનમાં વ્યસ્ત થઈ ગયો.

પ્રખર ઊભો થયો.
પેલી છોકરી હજુ બારીની બહાર જ જોઈ રહી હતી. ટ્રેન ઉભી રહેતા જ એણે પ્રખર તરફ નજર કરી. થોડું હસી લીધુ.. અને તરત પાછી નજર ફેરવી લીધી. પ્રખર પણ હસીને ઉતરી ગયો, ઘડિયાળ તરફ જોવાઈ ગયુ. સવા અગિયાર થયા હતા.. એણે ચાલવાનું શરૂ કર્યું.

સ્ટેશનથી એનું ઘર દસેક મિનિટ જ દૂર હતું, એટલે પ્રખર કાયમ ચાલતો જ ઘરે જતો હતો. આમ પણ એને ચાલવાનું ગમતું હતુ. નાનાગઢમાં પણ જમ્યા પછી એ કાયમ થોડુ ચાલી લેતો હતો, ત્યાં.. જંગલના કુદરતી વાતાવરણમાં,
ચાલવાની મજા જ કંઈક અલગ હતી !

ઘરે પહોંચવા માટે પ્રખરે ઝડપથી પગલાં ભરવા માંડ્યા..
ઠંડીના દિવસો હતા.. એટલે અંધારું કંઈક વધુ ઘેરું લાગતું હતું.

શું કંઈક સંભળાયું??
કોઈ પાછળ આવતુ હતુ?? કોઈના પગલાનો અવાજ હતો કદાચ.. પ્રખર ઉભો રહી ગયો.

ત્રણ શનિવારથી એવું થતું હતું, કે જાણે કોઈ પાછળ પાછળ ચાલે છે. બે-ત્રણ વાર તો એ પાછળ ફરીને જોઈ પણ લેતો હતો, કોઈ નજરે પડતું નહોતુ. આમ તો પ્રખર ખૂબ બહાદુર હતો. કોઈનાથી ડરે એમ નહોતો.

વળી.. ભૂત-પ્રેતમાં પણ બિલકુલ નહોતો માનતો. ત્યાં જંગલમાં તો ઘણી વાર ભૂત પ્રેતની વાતો નીકળતી હતી.
પ્રખર એમને કહેતો પણ ખરો, કે આ બધી અંધશ્રદ્ધા છે, એવુ બધુ કંઈ ના હોય ! છતાં ત્યાંના લોકોની ભૂત પ્રેત તરફની અંધશ્રદ્ધા અકબંધ હતી.

અત્યારે પણ ચાલવાનો અવાજ આવ્યો ખરો !પ્રખરે પાછળ ફરીને જોયું- કોઈ નજરે ના પડયુ.

પંદર દિવસ પહેલાના શનિવારે પણ આવુ જ થયુ હતુ. આ જ જગ્યાએ ચાલવાનો અવાજ આવ્યો હતો.એ વખતે તો પ્રખર, ત્યાં આવેલી થોડી દુકાનો પાછળ જઈને પણ, જોઈ આવ્યો હતો. કદાચ કોઈ મજાક કરતુ હોય!! પણ પછી એવુ કંઈ ના જણાતા, પાછો પોતાની મસ્તીમાં ચાલવા લાગ્યો હતો.

આજે પણ એવું જ કંઈક લાગ્યું.
જાણે કોઈ પાછળ છે.. પ્રખર ઊભો રહી ગયો. એક નજર કરી લીધી. સ્ટેશન તરફ પણ જોઈ લીધુ..એ બાજુથી.. એના જેવો જ કોઈ મુસાફર આવતો દેખાયો. એક ચાની દુકાન ખુલ્લી હતી.. જયાં ત્રણ ચાર જણા બેઠા હતા, એ સિવાય બધી દુકાનો બંધ હતી.

ટ્રેન પણ હવે ઉપડવાની તૈયારીમાં જ હતી. થોડી થોડી સરકવા પણ લાગી હતી. પ્રખર વળી પાછો ચાલવા લાગ્યો,
અને ઘર પણ આવી ગયુ.

***************************

"ભાઈ.. ચાલો જમી લો.. ભુખ નથી લાગી??"
કાવ્યા પ્રખરને રસોડા તરફ ખેંચી ગઈ. ટ્રેનમાં એ કંઈ ખાતો નહોતો.. દર વખતે આ રીતે જ આવતા મોડી રાત થઈ જતી હતી, તો ય એ ઘરે આવીને જ જમતો હતો.

સંધ્યા રોટલી બનાવતી હતી. એણે ગયા વર્ષે જ કોલેજ પૂરી કરી હતી. અને હવે આગળ ભણતી હતી.એ જમવાનું પણ બહુ સરસ બનાવતી હતી, બિલકુલ એના મમ્મી જેવું જ.. ખૂબ જ સરળ સ્વભાવની સંધ્યા.. શાંત અને ભોળી હતી..ભણવાની સાથે સાથે.. એ યોગ પણ નિયમિત કરતી..કયારેક પ્રખરને પણ સાથે યોગ કરવા બેસાડી દેતી હતી.

કાવ્યા સૌથી નાની..
એ બારમા ધોરણમાં ભણતી હતી. ઘણી નાની ઉંમરથી જ કાવ્યાએ, એનું ધ્યેય નક્કી કરી લીધું હતું.. કે એને ડોક્ટર બનવું છે.. એના માટે એ ખૂબ મહેનત પણ કરતી હતી.
વળી.. દસ વર્ષની ઉંમરે જ એને ચશ્મા આવી ગયા હતા,
એટલે પ્રખર લાડથી એને 'દાદીમાં' કહીને બોલાવતો હતો.

પ્રખર બંને બહેનો સામે જોઈ રહ્યો.
જાણે એકબીજાની પૂરક..એક શાંત..તો બીજી રમતિયાળ.
જે દિવસે પ્રખર આવવાનો હોય, એ શનિવાર સૌ માટે ઉત્સવ જેવો બની રહેતો.

પ્રખરને જોઈને બધા આનંદમાં આવી જતા હતા.. એના મમ્મી બીનાબહેન તો એ દિવસે, પણ પ્રખર આવે પછી જ જમતા, ગમે તેટલું મોડું થયું હોય તો ય.. એ પ્રખરની રાહ જોતા..આજે પણ બીનાબહેન પ્રખરની સાથે જમવા બેઠા,
આમેય એ રાતે બહુ ઓછુ જમતા.. એટલે પ્રખર સાથે થોડો હળવો ખોરાક લઈ લેતા હતા.

"શું મમ્મી તમે પણ.. વહેલા જમી લેતા હો તો"
આ પ્રખરની દર વખતની ટકોર હતી.

બીનાબહેન વ્હાલથી.. પ્રખર સામે જોઈ રહ્યા. પ્રખરને જોઈને જ એમના મોઢા પર સંતોષ આવી જતો હતો.

"ભાઈ..કાલે રેશમ આવી હતી"
કાવ્યાએ પ્રખરને ગરમ ગરમ રોટલી પીરસી.. પ્રખરનો કોળીયો હાથમાં જ રહી ગયો.
"શું.. રેશમ આવી હતી??"

બીનાબહેને કાવ્યા તરફ જોયું. "બેટા.. પહેલા એને જમી લેવા દે..પછી શાંતિથી વાત કરજો" કાવ્યા ચૂપચાપ ઉભી રહી ગઈ. એણે સંધ્યા તરફ જોઈને થોડું મલકી લીધું.

*************************

"હા તો.. રેશમ શું કહેતી હતી?"
પ્રખરે સંધ્યાના હાથમાંથી મુખવાસ લીધો.

"ભાઈ.. એ તો થોડી વાર માટે જ આવી હતી,
થોડુ બેસીને જતી રહી હતી"

પ્રખર હસ્યો. સંધ્યાને મળવા ઘણી વાર.. રેશમ આ રીતે આવી જતી હતી. પોતે અહીં ના હોય.. ત્યારે પણ રેશમ આવી જતી હતી.

પ્રખરના માનસપટ પર રેશમ ઉપસી આવી.
રેશમ એટલે જાણે ઝળહળતો પ્રકાશ પૂંજ!! લીસ્સી ત્વચા,
સફેદ રંગ.. આછી ભૂરી આંખો ! એની આંખો તો જાણે,
"કુદરતે વિદાય લેતી સાંજ પર.. રોશનીનો આછો લસરકો માર્યો હોય" એવી હતી.

રેશમે બોટનીમાં માસ્ટર કર્યુ હતું, અને હવે પીએચડી કરતી હતી. ફોટોગ્રાફીનો ય એને ખૂબ જ શોખ !

રેશમ સાથે વાત કરવા.. પ્રખરે ફોન હાથમાં લીધો.
"ભાઈ.. અમને જંગલના ભૂતની વાત કરો ને" કાવ્યા અને સંધ્યા.. પ્રખર પાસે આવ્યા.

પ્રખર હસ્યો.
"શું તમે લોકો પણ..આટલું ભણી ગણીને શું ફાયદો? મેં તો ભૂત જોયુ નથી, અને તમારે વાતો સાંભળવી છે!"

"કહોને ભાઈ.. તમારા મોઢે સાંભળવાની મજા આવે છે"

"સારું ચલો..તમને હું જંગલમાં ભૂતની એક વાત સંભળાવુ"
પ્રખર પણ વાતો કરવાના મૂડમાં આવી ગયો. બીનાબહેન તો આમ પણ જંગલથી ડરતા હતા,એમાં વળી ભૂતની વાત- એટલે એ તો..ત્યાંથી ઊઠીને સુવા માટે ચાલ્યા ગયા.

"કરોને ભાઈ.. ભૂતની વાત"
સંધ્યા અને કાવ્યા પ્રખરની બંને બાજુ બેસી ગયા.

તકિયાનો ટેકો લઈને.. પ્રખર આરામથી બેઠો.
"આ વાત મને મારા ડ્રાઈવર દિવાનસિંગે કરી હતી, એણે જે વાત મને કરી.. એ વાતને તો બહુ વર્ષો થઈ ગયા"

એક દિવસ જંગલમાં મધરાતે ભયાનક આગ દેખાઈ.
આગ પણ એવી કે.. છેક ગામ સુધી એની રોશની દેખાતી હતી. ગામના લોકો તો ખૂબ જ ગભરાઈ ગયા. નાસભાગ થઈ ગઈ હતી.

દૂરથી જે દાહક આગ દેખાઈ રહી હતી, એની બીક ઓછી નહોતી થઈ, ત્યાં જંગલી કુતરાનો રડવાનો અવાજ આવવા લાગ્યો. એ રડે પણ કેવું- સાંભળીને ભલભલા કાંપી ઊઠે !

કુતરાના રડ્યા પછી-
થોડીવાર પહેલા જે આગ દેખાતી હતી. એ એકદમ જ બુઝાઈ ગઈ. કોઈને ખબર ના પડી, કે એટલી વારમાં આગ ક્યાં જતી રહી !

કુતરાના રડવાનો અવાજ તો ચાલુ જ હતો.
ત્યારે ગામના દસ બાર લોકો, હિંમત કરીને જંગલ સુધી પહોંચ્યા. થોડા આગળ જઈને બધા જુએ છે તો, જંગલમાં વચ્ચોવચ્ચ, એક જંગલી કુતરો રડતો હતો!

વળી આગનું તો કોઈ નામોનિશાન નહીં.
કુતરાને જોઈને જ બધા ગભરાઈ ગયા હતા. સામાન્ય રીતે જંગલમાં જે કુતરા હોય છે, એવો આ કૂતરો નહોતો. એનું રૂપ જ કંઈક અલગ હતુ.. બીક લાગે એવું !

બધાએ ત્યાંથી પાછા વળવા પગ ઉપાડયા, પણ જેવું પાછા ફર્યા, કે તરત જ એમને 'જંગલી આદમ' દેખાયો..

"જંગલી આદમ.. એ વળી કોણ??"
સંધ્યાએ કુતૂહલથી પૂછ્યું.

"જંગલી આદમ - લગભગ સાતેક ફૂટ ઉંચો"
મોટો તગડો - લાલઘૂમ આંખો અને એકદમ મોટુ નાક..
તેના હાથમાં મોટો ભાલો હોય.. જેમાંથી કાયમ આગ ઝરતી હોય"

"ગામના લોકો માને છે કે જંગલની રક્ષા કરવા માટે, જંગલી આદમ સદીઓથી રાતે જંગલમાં ફરવા નીકળે છે,
જંગલની રખેવાળી કરે છે..લોકોને પણ જંગલની રખેવાળી કરવાનું કહે છે.

એને લાગે કે.. જંગલ તરફથી લોકોએ મોં ફેરવી લીધું છે,
ત્યારે એ મધરાતે આવે છે. ભાલાની અણીમાંથી.. અંગારા વરસાવે છે.

આમ, જંગલી આદમને સામે જોઈને, ગામના લોકો થથરી ગયા. પછી એ આદમે એનો ભાલો ઉઠાવ્યો, અને ગામના લોકો તરફ તાક્યો.. એમાંથી નાના નાના અસંખ્ય ભાલા નીકળ્યા.

ગામના લોકોએ તો બીકના માર્યા આંખો બંધ કરી લીધી.
પછી જયારે આંખો ખોલી.. ત્યારે બધાના પગ પાસે એ નાના ભાલા પડ્યા હતા. નવાઈ તો એ જોઈને લાગી,
કે એ નાના ભાલા જ્યાં પડ્યા હતા..ત્યાંથી નાના નાના અંકુર ફૂટ્યા હતા.

પછી તો ગામવાળા માનવા જ લાગ્યા, કે પેલી આગ દેખાઈ હતી.. એ જંગલી આદમના ભાલામાંથી જ નીકળી હશે !

વળી જંગલી આદમ.. કુતરાની સવારી કરીને આવે છે,
એટલે જંગલી કૂતરો પણ એની સાથે જ હોય છે. એ કૂતરું ક્યારેક જોરજોરથી ભસીને કે પછી ક્યારેક રોઈને આદમના આગમનની જાણ ગામવાળાઓને કરે છે, પછી એ આદમ -
જંગલની રક્ષા કરવાનો ઇશારો કરીને ચાલ્યો જાય છે !

પ્રખર અટક્યો.
ખૂબ જ તલ્લીન થઈને બંને બહેનો જંગલની વાત સાંભળતી હતી.

"બસ ભાઈ.. આટલી જ વાત- બીજા કોઈ ભૂતની વાત કરોને" કાવ્યાની આંખમાં આજે જરાય ઉંઘ નહોતી.

આવું દર વખતે થતુ હતુ-
પ્રખર આવે એ દિવસે ખૂબ મોડા સુધી, ત્રણેય ભાઈ બહેન અલક મલકની વાતો કરતા હતા.

પ્રખરે સોફામાં પગ લંબાવ્યા.
"બસ મને તો હવે..જંગલના ભૂતની બહુ વાતો યાદ નથી,
વળી આ બધી વાતોમાં કોઈ સચ્ચાઈના હોય..ખાલી ગમ્મત ખાતર સાંભળી લેવાની ! હા.. એ બની શકે કે, એમના વડવાઓએ.. જંગલનું મહત્વ સમજાવવા માટે, જંગલી આદમની વાત ઉપજાવી કાઢી હોય.. અને તોય તમારે વધુ આવી વાતો સાંભળવી હોય, તો નાનાગઢ આવો ત્યારે.. દિવાનસિંગ તમને, એકથી એક, ચડિયાતા ભૂતોની વાતો કરશે"

સંધ્યા હવે કાવ્યાને સુવા માટે ખેંચી ગઈ.
રૂમમાં આવીને તરત જ પ્રખરે રેશમને ફોન કર્યો. "રેશમ.. તું કાલે ઘરે આવી હતી? મને કહ્યું પણ નહીં?"

"હું ત્યાંથી નીકળી હતી એટલે થયું કે.. બધાને મળતી જઉં,
જરૂરી છે કે.. તું હોય ત્યારે જ મારે ઘરે આવવું?" રેશમ ટહુકી.

પ્રખર થોડુ હસ્યો-
"અરે ના ના.. એમ નહી- પણ તુ મને કેટલા દિવસથી નથી મળી. અને કાલે તું ઘરે આવી.. ત્યારે હું નહોતો"

પ્રખર જાણતો હતો કે,
રેશમ ઘરમાં બધા સાથે ભળી ગઈ હતી. બીનાબહેનને પણ એ ખૂબ જ ગમતી હતી. એ છે જ એવી.. બધા ને ગમી જાય ! એમાંય સંધ્યા સાથે એને ખુબ જ ફાવતું હતુ.

ફોન પર રેશમ સાથે કોણ જાણે કેટલીય વાતો કરી લીધી -પ્રખરને હવે ઊંઘ આવવા લાગી હતી.

"અરે ઊંઘમાં ય રેશમ દેખાવા લાગી શું?" પ્રખરની આંખો ઘેરાવા લાગી.

હજુ વર્ષ થયું હશે એ વાતને..
એ દિવસે-
પ્રખર એની ઓફિસમાં બેઠો હતો. ત્યારે વોચમેન રતન લગભગ દોડતો દોડતો આવ્યો,

"સાહેબ સાહેબ.. ત્યાં જંગલમાં કોઈ બહેનને સાપ કરડી ગયો છે.. ચલો જલ્દી"

ઓર્ડરલી જયંતને ઓફિસમાં જ બેસાવાનુ કહીને, પ્રખર તરત જ રતન સાથે દોડ્યો.

જંગલના રસ્તે સાપના કરડવાથી,એ છોકરી બેભાન થઈને પડી હતી. સાપે પગમાં ડંખ માર્યો હતો. બે-ત્રણ ગામવાળા એની સારવારમાં લાગ્યા હતા, એના પગ ઉપર કોઈ વનસ્પતિ પણ લગાવી હતી.

ડ્રાયવર દિવાનસિંગ પણ ત્યાં દોડી આવ્યો હતો, સાપ ઝેરી નહોતો.. એટલે બહુ વાંધો ન આવ્યો.

પ્રખરે છોકરી સામે જોયું.. છોકરી સુંદર હતી-
એના હાથમાં કેમેરો હતો..જે લગભગ ધુળ વાળો થઈ ગયો હતો.. કેમેરો જોતા લાગતું હતું કે છોકરી કોઈ ફોટોગ્રાફર હશે,

પાંચેક મીનીટ પછી એને ભાન આવવા લાગ્યું..રતને પાણી આપ્યુ. હવે એ છોકરી સ્વસ્થ લાગતી હતી..

પ્રખર નજીક આવ્યો.
"તમે વગર પરવાનગીએ જંગલના રસ્તે કેમ ગયા?, તમને ખબર છે ને.. કે અહીં કેટલું જોખમ હોઈ શકે??"

છોકરીએ એનો કેમેરો દુપટ્ટાથી સાફ કર્યો. "સર,માફ કરજો,
મને ખબર નહોતી કે.. પરવાનગી લેવી પડશે? હું તો ફોટોગ્રાફી કરવા આ રસ્તે આવી ગઈ હતી"

"પણ તમને ખબર તો હશે ને.. કે જંગલના રસ્તે આમ એકલા ના જવાય?" પ્રખરે થોડા રૂઆબથી કહ્યુ.

"સોરી સર..
અમે જંગલની વનસ્પતી ઉપર રિસર્ચ કરવા આવ્યા છે,
હાઈવે પરના ગેસ્ટહાઉસમાં રોકાયા છે. હવેથી પરવાનગી લઈને જઈશું.. સોરી સર" છોકરીએ દિલગીરી વ્યકત કરી.

"સારું જાઓ.. અને હવે પરવાનગીની સાથે જીપ પણ લેતા જજો"

પ્રખરે દિવાનસિંગ સામે જોયુ.
છોકરીને એના ગેસ્ટ હાઉસ સુધી મુકી આવવાનું કહીને,
પ્રખર પાછો વળી ગયો.

તો એ હતી- પ્રખર સાથે રેશમની પહેલી મુલાકાત-
જંગલમાં રિસર્ચ કરતા કરતા..રેશમ ક્યારે પ્રખર પર રિસર્ચ કરવા લાગી, એ ખબર જ ના પડી.

ગામના લોકો પ્રખરને 'જંગલના સાહેબ' કહેતા હતા.
એ વાતની રેશમને ખબર પડતા, એ પણ પ્રખરને 'જંગલના સાહેબ' કહીને ચીડાવતી હતી. જોકે રેશમનુ એવુ કહેવું.. પ્રખરને ખૂબ ગમતું ય હતુ.. બંનેના મન ક્યારે મળી ગયા.. ખબર જ ના પડી.

રેશમ ત્યારે જંગલની વનસ્પતિઓ પર, રિસર્ચ કરવા આવી હતી.. એની સાથે બીજી ચાર છોકરીઓ પણ હતી.. એમનું કામ તો સાત દિવસમાં પૂરું થઈ ગયું હતું.

પરંતુ એ પછી પણ રેશમ.. પ્રખરને મળવા,અમસ્તું ય નાનાગઢ આવી જતી હતી. જંગલ એને ખૂબ જ ગમતુ હતુ. કયારેક એ એની બહેનપણીઓને લઈને પણ આવતી હતી.

ક્યારેક પ્રખર એને મળવા ચાલ્યો જતો-
વળી, બંને એક જ શહેરમાં રહેતા હતા, એટલે રજામાં પણ મળી લેતા હતા.

રેશમને યાદ કરતા કરતા પ્રખરે આંખો બંધ કરી..
હવે ઉંઘ આવતી હતી.. આંખોય ઘેરાવા લાગી હતી. પણ ઘેરાતી જતી એેની આંખોમાં.. અચાનક.. કેમ કોઈ ટીસ ઉભરાઈ??

હમણાંથી કંઈ થયું હતું રેશમને??
એ નાનાગઢ પણ નથી આવતી? થોડાક દિવસોથી કેમ અતડી અતડી રહે છે? શું થયું હતું? બહુ મળતી પણ નથી- ફોન પણ નથી કરતી.. કાલે વળી મારી ગેરહાજરીમાં ઘરે આવી હતી!

શું વાત હશે ??
જોકે આજે ફોનમાં તો બરાબર વાત કરી હતી ! પણ મળવાનું કેમ ટાળે છે??

છેવટે પ્રખરને ઉંઘ આવી જ ગઈ..



કમ્રશ..