ડાયરી - સીઝન ૨ - ગ્લોબલ કુલીન્ગ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - ગ્લોબલ કુલીન્ગ

શીર્ષક : ગ્લોબલ કુલીંગ
©લેખક : કમલેશ જોષી

મે મહિનાના પહેલા વિકમાં એક સાંજે સાવ અચાનક જ વરસાદ શરૂ થયો. ત્રણ જ મિનિટમાં વોકિંગ પાથ અને બગીચા ફરતે બેન્ચીઝ પર બેસી અલક મલકની વાતો કરતા લોકો વિખેરાઈ ગયા. કોઈ નજીકના ઝાડની નીચે તો કોઈ બસ સ્ટોપના છાપરા નીચે, કોઈ સામેના શોપિંગ મોલની લોબીમાં તો કોઈ પોતાની કારમાં ગોઠવાઈ ગયું. વરસાદ વધતો ગયો. શોપિંગ મોલની લોબીમાં નજીક નજીક ઉભેલા ત્રણ-ચાર અપરિચિતો વચ્ચે સંવાદ શરૂ થયો.
એકે કહ્યું: વરસાદે એકેય મહિનો કોરો નથી રાખ્યો.
બીજો: ક્લાઈમેટ જ ડિસ્ટર્બ થઈ ગયું છે.
ત્રીજાએ કહ્યું: ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસર. મારા કાન ચમક્યા. નિશાળમાં આઠમું નવમું ભણતા ત્યારે પહેલી વખત ‘ગ્લોબલ વોર્મિંગ’, ‘ગ્રીન હાઉસ ઈફેક્ટ’ જેવા શબ્દો સાંભળેલા. પરીક્ષામાં આ વિષયો પર ટૂંકનોંધ અને લોંગ ક્વેશ્ચન પૂછાતા. અમારા સાહેબ ભણાવતી વખતે કહેતા. દુનિયા એક નાનકડું વિલેજ બની ગઈ છે. અમેરિકામાં કંઈક થાય તો ભારતમાં એની અસર થાય, દૂર દૂરના બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો જેને કંઈ જ લેવાદેવા નથી એવા ત્રીજા દેશમાં પેટ્રોલ, ખાંડ વગેરેના ભાવ વધી જાય એટલી હદે દુનિયા નજીક આવી ગઈ છે. ધી હોલ વર્લ્ડ ઇઝ અ સ્મોલ વિલેજ.

વરસાદ હજુ ચાલુ જ હતો. એક પ્રકૃતિ પ્રેમીએ કહ્યું: વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે, કોઈને વૃક્ષો વાવવામાં રસ નથી.
બીજાએ કહ્યું: ગ્લોબલાઈઝેશનને લીધે બધી મુસીબત ઉભી થઈ છે. કરે છે કોઈ અને ભોગવે છે કોઈ.
ત્યાં ત્રીજાએ કહ્યું: ગ્લોબલાઇઝેશનના ફાયદા પણ છે ને! શહેરના લોકોને ગામડાની ખેતીનો અને ગામડાના લોકોને વિદેશી મોબાઈલનો અને એના દ્વારા દૂરના સગાઓ સાથે વિડીયો કોલ દ્વારા રૂબરૂ મળ્યા તુલ્ય આનંદ મેળવવાનો લાભ ગ્લોબલાઇઝેશનને લીધે જ છે ને? ત્યાં વરસાદ સહેજ ધીમો થયો. મારા મનમાં ગ્લોબલાઇઝેશનના ફાયદા અને ગેરફાયદા વિશે વિચારો ચાલતા હતા. એક મિત્ર સાથે વાત શૅર કરી તો એણે કહ્યું, "એક સેકન્ડ માટે કલ્પના કર કે તમારે માત્ર તમારા દ્વારા જ ક્રિએટ થયેલી પ્રોડક્ટ વાપરવાની હોય તો શી પરિસ્થિતિ સર્જાય?" બે જ ક્ષણમાં મને પંખો, ફ્રીઝ, એસી, ગેસ સિલીન્ડર, કાર, ડામર રોડ ઇવન રોટી, કપડા અને મકાન પણ ગાયબ થઈ જતા દેખાયા. આપણને કેટલું બધું નથી આવડતું નહિં! આપણે આપણા કપડા હાથે જ સીવવા બેસીએ તો આપણી શી હાલત થાય? આપણું મકાન આપણે જાતે જ ચણવા બેસીએ એ તો સાવ ઈમ્પોસીબલ જેવી વાત છે. અરે એ તો જવા દો, આજના રવિવારની બપોરની પૂરણપોળી કે શ્રીખંડ પણ જો આપણે (ભાઈઓએ) જાતે બનાવવાના હોય તો રવિવાર રવિવાર જેવો લાગે ખરો? હું જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ કડિયા, દરજી, ઈલેક્ટ્રીશીયન, અરે શાકભાજીથી શરૂ કરી પાઉંભાજી વાળા સુધીના તમામ અજાણ્યા લોકો પ્રત્યે મને માન થતું ગયું. આ લોકો ન હોત તો હું પાંચ શું સાત આંકડાનો પગાર મેળવતો હોત તો પણ મારી હાલત દયનીય હોત. સૌથી વધુ માન મને મારા ફેમિલી માટે થયું.

એક વડીલે કહ્યું, "લગ્ન કરવા ઉત્સુક યુવક યુવતીઓએ, હાઈ એજ્યુકેશન કે બિગ સેલરી કરતા પણ વધુ પ્રેફરન્સ, પોતાની પચાસ ટકા આઝાદી, સ્વતંત્રતા કહો ને કે સ્વછંદતા છોડવાની આવડત વાળા વ્યક્તિને આપવો જોઈએ." પિયરે ગળ્યું ખાવાની આદતવાળી યુવતી પરણીને સાસરે જાય ત્યારે ત્યાં જો સાસરિયા ‘ગળપણ વગરનું’ જ પસંદ કરતા હોય તો થોડા જ દિવસો કે મહિનાઓમાં વહુ પણ મીઠાશનો ત્યાગ કરી દેતી હોય છે, એવી જ રીતે લગ્ન પહેલા રાત્રે બબ્બે વાગ્યા સુધી મિત્રોની મહેફિલોમાં હાઈવે પર ચા-ગાંઠીયાની પાર્ટી કરવાની આદતવાળો યુવક, લગ્ન પછી થોડા જ દિવસોમાં, એ આદત છોડી, સાડા આઠ વાગ્યે ઘર ભેગો થઈ જતો હોય છે. એ વડીલે કહ્યું, "લગ્ન બાદ તમારી દસમાંથી પાંચ, એટલે કે પચાસ ટકા, આદતો, વાતો અમાન્ય રહેશે અને બાળકના જન્મ બાદ તમારામાં પંચોતેર ટકા ફેરફાર કરવાની તમારી તૈયારી હોય તો જ કોઈને લગ્ન માટે બાયોડેટા આપવો નહિતર એ જ લગ્ન, ગ્લોબલ વોર્મિંગની જેમ આખી લાઈફને ઇનર વોર્મિંગથી દઝાડશે એના ચાન્સીસ સો ટકાની નજીક છે." ટૂંકમાં લગ્નોત્સુકોએ એક વાતની ગાંઠ બાંધી લેવી કે "લગ્ન એટલે એકલા અને આઝાદ જીવનનો ધી એન્ડ."
એક મિત્રે કહ્યું, "તુમ સમજા રહે હો યા ડરા રહે હો? કેમ કે લગ્ન એટલે તો પૃથ્વી પર તમારા માટે જ અવતરેલા પાત્રને પામવાનો પ્રસંગ છે, લગ્ન એટલે તો કોમળતા અને કઠોરતાનું રોમાંચક, રસપ્રચુર મિલન છે, લગ્ન એટલે તો તમે જે જીવન જીવી રહ્યા છો એમાં સહાયક ‘સાથી’ મેળવવાની અને ડબલ એંજીન લગાવી જીવનની ગતિ અને પ્રગતિ ડબલ કરવાની બેસ્ટ સીસ્ટમ છે, લગ્ન એટલે તો ઉનાળામાં એ.સી. જેવી ઠંડક અને શિયાળામાં સ્વેટર જેવી હુંફ આપતી સુવિધા છે, લગ્ન એટલે તો વસંતનો વાયરો અને કોયલનો ટહુકો છે, લગ્ન એટલે તો પ્રેમ, આકર્ષણ, રોમાંચ, રોમાંસ, મસ્તી, મોજના ભીતરી ગ્લોબલ વોર્મિંગને હળવા હાથે શાંત કરવાની, ટાઢું પાડવાની, અરે એને માણવાની એક અદ્ભુત કળા છે." આટલું બોલી એ મિત્ર સહેજ અટક્યો. અમે સૌએ ઉભા થઈ એને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.
મિત્રો, આજેય જયારે કોઈ કપલ બગીચામાં વોકિંગ કરતું હોય છે કે બાઈકમાં સવાર થઈ શેરીમાંથી નીકળતું હોય છે કે યજ્ઞ-હોમ-હવનમાં એકબીજાની બાજુમાં બેઠું હોય છે ત્યારે આસપાસના તમામ લોકોને એમના માટે એક પ્રકારનો સન્માન ભાવ જાગતો હોય છે. કોઈ કપલ એકાદ ડ્યુએટ સોંગ ગાય કે એકબીજા માટે બે'ક સુંદર પંક્તિઓ બોલે ત્યારે પરિવાર અને મિત્રો એને તાળીઓ અને લાઇકથી વધાવતા હોય છે. દાદા-દાદી અને બાળકો સાથે કિલ્લોલ કરતો પરિવાર આજેય આખી સોસાયટીને, આખા સમાજને ટાઢક આપતો હોય છે. તો આજના રવિવારે, ધોમ ધખતા તાપમાં સમગ્ર પરિવાર સાથે આનંદ, ઉત્સાહ અને કિલ્લોલ કરતા મસ્ત મોજ માણીએ તો ફેમિલી જ નહિ, સમગ્ર સમાજમાં ગ્લોબલ કુલીંગનો અનુભવ થાય એવું તમને નથી લાગતું!
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)