સાંજે જ્યારે સૂરજે વાળું કરીને જવાની રજા લીધી.ત્યારે મનસુખે કહ્યુ.
"બેટા અમારે તારી સાથે અગત્યની વાત કરવી છે."
"હા.બોલોને માસા."
મનસુખની બરાબર સામેની ખુરશી પર બેસતા એ બોલ્યો.ઉર્મિલા રસોડામાં એઠા ઠામ ધોવાનુ પડતુ મૂકીને મસોતાથી હાથ લૂછતા લૂછતા ઉતાવળે પગલે આવી અને મનસુખની બાજુમાં બેસી ગઈ.એનુ હૈયુ સૂરજને પોતાના કાયદેસરના પુત્ર તરીકે સ્વીકારવા થનગનતુ હતુ. ઉર્મિલાના આવી ગયા બાદ મનસુખે સૂરજને કહ્યુ.
"બેટા ઈશ્વરે આપેલું બધું જ અમારી પાસે છે.બંગલો.પૈસો.સુખ.પણ અમારા ગયા પછી આ બધું કોણ વાપરશે એની ચિંતા છે."
સુરજ કુતુહલ થી મનસુખને સાંભળી રહ્યો હતો. મનસુખે આગળ ચલાયુ.
"બેટા તુ જ્યારથી અમારા જીવનમા આવ્યો છે ત્યારથી અમે તો મનોમન અમારા દીકરાના સ્થાને તને બેસાડી દીધો છે. પણ હવે હુ અને તારા માસી ઇચ્છીએ છીએ કે તને દત્તક લઈને કાયદેસર અમારો પુત્ર બનાવીએ."
સુરજ મનસુખની વાત સાંભળીને ચોંકી જ ગયો.એને ખબર હતી કે શેઠ શેઠાણી એને પસંદ કરે છે અને પ્રેમ પણ કરે છે. પણ આટલી હદે? એને મનોમન ખૂબ જ ખુશી થઈ.એનું હૈયુ ભરાઈ આવ્યુ. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા. અને એના રેલા એના ગાલ ઉપર રેલાયા.
ઉર્મિલા અને મનસુખ ને લાગ્યુ કે સૂરજને દત્તક લેવાની વાત કરીને ક્યાંક અમે એના આત્મ સન્માનને ઠેસ તો નથી પોહચાડીને? એનુ અપમાન તો નથી કરી નાખ્યું ને? ઉર્મિલાએ ખચકાતા પૂછ્યુ.
"બેટા.અમારી કાંઈ ભૂલતો નથી થઈ ગઈ ને? શુ અમે તારા મા બાપની જગ્યા લેવાને લાયક નથી?"
"ના માસી ના.તમે બંને મને કેટલો ચાહો છો એ જાણીને મારું હૈયું ભરાઈ આવ્યુ.હુ તો રસ્તાની ધુળ છુ.અને તમે મને માથાનુ તિલક બનાવવા ચાહો છો. આ મારુ અહોભાગ્ય છે."
"તુ ધુળ નહી સૂરજ.અમારી આંખોનુ રતન છે બેટા."
ઉર્મિલાએ ગદ ગદ સ્વરે કહ્યુ.
"પણ હું કોઈ નિર્ણય લેતા પહેલા થોડુક વિચારવા માંગુ છુ.મને થોડોક સમય આપો."
"અમે તારા જવાબની રાહ જોઈશુ"
મનસુખે કહ્યુ. સૂરજના ગયા પછી ઉર્મિલાએ મનસુખને પૂછ્યુ.
"તમને શું લાગે છે.સુરજનો ઉત્તર શુ હશે?"
"તને શું લાગે છે?"
જવાબ આપવાના બદલે સામો પ્રશ્ન પૂછ્યો મનસુખે.જવાબમા બારીમાથી દેખાતા.આકાશના ટમટમતા તારલા ઓને નિહાળતા ઉર્મિલા બોલી.
"ગરીબી માં ઉછરેલો છોકરો છે.અને હવે એની આગળ પાછળ પણ કોઈ જવાબદારી નથી.અને અમે અમારા સ્નેહની સાથો સાથ અમારી મિલકત પણ એને આપવા ઈચ્છીએ છીએ.અને એની પાસેથી પ્રેમના બદલે ફકત પ્રેમ જ ચાહિયે છીએ.મને લાગે છે તે ચોક્કસ હા જ પાડશે."
"મને પણ એવું જ લાગે છે વાલી."
સૂરજ ભારે અવઢવ મુકાઈ ગયો હતો. શો નિર્ણય લેવો એ એને સમજાતુ ન હતુ. રાજપરા પોતાની ઓરડીએ જઈને પોતાના મિત્ર હરી પાસે પોતાના મનની ગાંઠ ઉકેલવા મદદ માંગવી એવુ એણે નક્કી કર્યુ.
"હરી.આપણાં શેઠ મને દત્તક લેવા માંગે છે..."
સુરજ ના શબ્દો પુરા થાય એ પહેલા જ હરિ તો ઉછળી પડ્યો.
"અરે વાહ! શુ વાત કરે છે? તારી તો લોટરી લાગી ગઈ દોસ્ત.તુ તો સીધો રંક માથી રાય બની જવાનો.નસીબ હોય તો તારા જેવુ.નોકર માથી સીધો વારસદાર."
"મારે શું કરવું જોઈએ હરિ? શેઠના પ્રસ્તાવને સ્વીકારવું યા..."
ફરી એકવાર હરિએ સુરજ ના વાક્યને અધવચ્ચે કાપ્યુ.
"અરે ગાંડા.લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને તારે મોઢુ ધોવા જવુ છે? આંખ બંધ કરીને હા પાડી દે.અને સાંભળ..."
હરિએ ટીખળ કરતા હાથ જોડીને અધૂરુ વાક્ય પૂરું કર્યું.
"અમારા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ યથાવત રાખજો માલિક."
"મને એમકે તુ કંઈ સલાહ આપીશ. એના બદલે તુ તો મારી મજાક ઉડાડવા માંડ્યો.ચાલ સૂઈ જા છાનોમાનો." હરિને તતડાવીને એણે સુવરાવી દીધો. અને પોતે સુવા માટે પોતાની આંખો તો મીચી.પણ મગજમાં ચાલતા વિચારોના વમળના કારણે એને મોડી રાત સુધી ઉંઘ ન આવી.ક્યાય સુધી એ પડખા ફરતો રહ્યો.અને છેલ્લે જ્યારે એણે એક મક્કમ નિર્ણય લીધો.ત્યારે જ એને નીંદર આવી.
સવારે વહેલો ઊઠીને એ પહેલીવાર આજે શેઠના બંગલે આવ્યો. સવાર સવારમાં જ સૂરજને આવેલો જોઈને મનસુખ અને ઉર્મિલા બંનેને નવાઈ લાગી.એ બંને કાંઈ પૂછે એ પહેલા જ સૂરજ બોલ્યો.
"મને જોઈને તમે બન્ને ચોકી ગયા હોય એવુ કેમ મને લાગે છે?"
"એ તો તુ પહેલીવાર સવાર સવારમાં આવ્યો ને એટલે."
ઉર્મિલા બોલી.
"રોજ તો આપણે વાળુ સાથે કરીએ છીએ.મને થયું આજે માસીના હાથનો નાસ્તો કરું. કેમ માસી કરાવશો ને?"
"હા બેટા જરૂર.હવે તો આ ઘર તારું જ છે ને?"
"હા માસી આ ઘરને મારે મારું બનાવવું છે.તમને બંનેને મારે મારા કાયદેસરના માતા-પિતા બનાવવા છે."
સુરજનો નિર્ણય સાંભળીને ઉર્મિલા ખુશીથી મનોમન ઝુમી ઉઠી.
"તે નિર્ણય કરી લીધો બેટા.?"
"હા માસી.પણ આપણે નાસ્તો પતાવીને પછી આગળ વાત કરીએ."
સુરજે કહ્યુ.
ઉર્મિલાએ સુરજ માટે નાસ્તામાં ખાસ બટાકા પૌવા બનાવ્યા.નાસ્તો પતાવીને ત્રણે જણ બેઠક ખંડમાં આવીને બેઠા. કે તરત જ મનસુખે અધીરાઈથી પૂછ્યુ.
"તો બેટા ક્યારે જઈશું આપણે કોર્ટમા."
ચહેરા ઉપર મોહક મુસ્કાન ફરકાવતા અતિ શાંતિથી સુરજે કહ્યુ.
"ત્રણ વર્ષ પછી."
"ત્રણ વર્ષ?"
મનસુખ અને ઉર્મિલા ચોકીને એકી સાથે બોલી પડ્યા.
વધુ આવતા અંકે