નીચે આવતાં મધુમાલતીને ખાસી સાત-આઠ મિનિટ થઈ. આજુબાજુ અંધારાનાં ઓળા પ્રસરેલાં જોઈ સાદ દેવાઈ ગયો, "અરે ઓ, કૈલાસ, ક્યાં ગઈ? સંધ્યાકાળે બત્તી, ફાનસ બધુંય બંધ કેમ છે?"
કોઈ પ્રત્યુત્તર આવવાનાં બદલે હાથમાં ફાનસ લઈ કૈલાસ જ પ્રગટ થઈ. તે થોડાં ક્ષોભથી માથું ઝુકાવી તરત જ ફાનસ લઈ ઘરનાં મુખ્ય દ્વારના ડાબે આવેલ ઢાળિયાની નીચે વાંકા વાળી રાખેલ સળિયામાં ભેરવી દીધું. તેની પાછળ રહેલી દીવાલ ઉપરની વીજળીની બત્તીની બધી ચાંપો દબાવી દીધી. આખાંયે ઘરની બહારની દિવાલો કોઈ મહેલની દિવાલોની માફક ઝગમગી ઊઠી. ફરી કૈલાસ અંદર ગઈ અને એક પિત્તળની થાળીમાં ઘી માં તરબતર ઊભી દિવેટવાળી દીવી અને દીવાસળીની પેટી લઈને આવી અને મધુમાલતી સમક્ષ ધરી ઊભી રહી. મધુમાલતીએ દીવો પ્રગટાવ્યો અને તેને હાથમાં લઈ પૂર્વ દિશા તરફ આવેલાં તુલસીક્યારે તેને મૂક્યો અને બંને હાથ જોડી, માથું નમાવી આ મહેલને ઘર જેવી રોનક ફરીથી પ્રદાન કરવાની પ્રાર્થના કરી.
તે પાછી ફરી રવેશમાં મૂકેલ આરામખુરશીમાં બેઠી ત્યાં જ રસોડામાંથી ઝમકુ આવી અને પૂછી બેઠી, "બા, આજે તો મોટાં ભાભીનો જન્મ દિ' છે. તે કાંઈ ગળ્યું રાંધું?"
મધુમાલતીની ઉદાસ નજર થોડી કડક થઈ તેની તરફ ફરી. તે બોલી ઊઠી, "જે આંહી રહે છે તે સિવાય કોઈ મારાં નથી. નથી જરૂર કોઈનોય જન્મ દિ' ઉજવવાની. આજે ખાલી રોટલા ને શાક જ રાંધજે. અને હા, તાજી શીંગો આવી છે, સરગવાની. તાર બાપુને બહુ જ ભાવે. એ જ ઉતારી લાવજે."
ખરેખર તો મધુમાલતીની ઈચ્છા એમ કહેવાની હતી કે, 'હા, ઝમકુ. આજ તો પૂરણપોળી જ રાંધ. તે ય કઢી અને પરવળનાં શાક જોડે. ઉપરથી અજમાથી વધારેલ વાલની દાળ અને બાસમતી ચોખાનો મહેકતો પુલાવ. કુસુમગૌરીને બહુ જ ભાવે. એકલાં નહીં પહોંચી વળાય તારાથી આજે તારી ભાભી અને વહુનેય તે રસોડે જ બોલાવી લે. અને તારાં બાપુને કહી બધાંય બાળકોને ફોન કરાવી જમવા ટાણે અહીં જ બોલાવી લે.'
પણ, મધુમાલતીનો ઠસ્સો અને વહુ ઉપરનો ભારોભાર ગુસ્સો તેને એમ કહેતાં રોકી રહ્યો. તેની બંને મોટી-કાળી આંખોમાં આંસુ સ્વરૂપે ભાવ નીતરી રહ્યો. ઉપરથી કડક બનવાનો ડોળ કરતી મધુમાલતી અંતરથી ભાંગીને પોતાનાં જ કિલ્લોલતાં કુટુંબમાં અશાંતિની આગ લગાડનાર ચિનગારી સાબિત થઈ હતી. એ બધુંય વર્ષો પહેલાં બન્યું હતું છતાંય દરેકનાં સ્મૃતિપટલ ઉપર તે ઘટનાની યાદ આજે પણ એટલી જ તાજી હતી.
'શું વાંક કુસુમગૌરીનો જ હતો?', મધુમાલતી મનોમન પોતાને જ પૂછી રહી. તેનાં અંતરમને જ પ્રત્યુત્તર વાળ્ય, 'ના, કદાચ મારાં દીકરા - સંજયની વધુ હતી. તેણે પોતાની મોટી ભાભી સામે આમ અવાજ બુલંદ કરીને વાદ-વિવાદ નહોતો કરવાનો.'
આજે રહી રહીને તેને કુસુમગૌરી ઉપર વહાલ ઉપજી રહ્યું હતું. તેને પોતાનાં દીકરા અને તેનાં પતિ, નયન અને બેય કુમળાં પૌત્રો, યશ અને વૈભવ સાથે રાતોરાત ઘરમાંથી જાકારો દેનાર તે મા જેવી મટીને એક પરંપરાગત સાસુ જ પુરવાર થઈ.
ધોળા દિવસે આખુંયે ઘર તેને અંધકારમાં ડૂબેલું લાગ્યું. આજુબાજુ કોઈ ચીજ તેને દેખાઈ રહી ન હતી. હાથ લાંબો કરે ત્યાં માત્ર ખાલીપો હાથતાળી દઈ તેની મશ્કરી કરી રહ્યો. થોડી જ વારમાં એ ખાલીપો તેની આંખોને અને અંધકાર મનને વીંટળાઈ વળ્યાં. દીવાલો ઉપર ક્યાંક ક્યાંક તેજ લીસોટા દેખાઈ રહ્યાં જેમાં ક્યારેક સંજય તો ક્યારેક નયનનાં ચહેરા ઝળકી ગયાં. બેય પોતાનાં આજીજીભર્યાં ચહેરા સાથે માફી માટે મા ને કરગરી રહ્યા. તેમની જિહ્વા, 'મા, સઘળાંયને માફ કરી દે. અમારે તમારી સાથે રહેવું છે. ગુસ્સો જવા દે.' એમ સતત રટી રહી.
બેય પૌત્રો આંગણાની ધૂળમાં દોડાદોડી કરતાં દેખાઈ રહ્યાં. તેઓ તો ઘરમાં આકાર લઈ રહેલ આવડી મોટી ઘટનાથી સાવ અજાણ એવાં પોતાની દોડ પકડના દાવમાં જ રમમાણ રહ્યાં. પણ આ શું? અને અચાનક નયન અને કુસુમગૌરીનાં હાથે તેમને ઉંચકી લેતાં બેય રમતમાં ખલેલ પડતાં એકબીજાની પાસે જવા ખેંચતાણ કરી રહ્યા.
અને આ શું? કુસુમગૌરી તો લગ્નનાં પાનેતર, ચૂડી, પહેલ વહેલી વાર પૂરાયેલ સેંથા અને તેનાં નાજુક ગળાને શોભાવી રહેલ રજવાડી શૈલીના મંગળસૂત્રમાં સજ્જ પ્રવેશદ્વારે ઊભી દેખાઈ. તેની આંખોમાં ખુશીનાં બદલે આંસુની ઉપસ્થિતિ હતી. ઝાંઝર અને મહેંદીથી સુશોભિત જમણો પગ ઊંચો કરી તેણે કંકુ ઘોળેલ થાળમાં બોળી, પાનીને લાલચટ્ટાક બનાવી. ઉંબર ઓળંગી અંદર ડગલું મૂકતાં કાંઈ વિચાર્યું અને ગૃહલક્ષ્મી પારોઠનાં પગલાં ભરી ગઈ.
વહુનાં ગૃહપ્રવેશ ટાણે ભેગું થયેલ લોક અને પરિવાર અમંગળનાં એંધાણ સમજી ચિંતામાં પડી ગયાં. બહાર વ્યાપેલ અંધકાર મધુમાલતીનાં મનમાં વધુ એકલતા ઘોળી ગયો. તેને ભાસ થયો જાણે તે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ એવાં એકદંડિયા મહેલની ગર્વિલી રાણી છે જે આજે પોતાની એકલતાથી ભાંગી પડી છે.
ક્રમશઃ
વાંચતા રહો નવલકથા અને ગમે તો પાંચ તારા, સુંદર પ્રતિભાવ અને સ્ટિકરથી વધાવતાં રહો.
🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા