રાઈનો પર્વત - 2 Ramanbhai Neelkanth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

રાઈનો પર્વત - 2

અંક બીજો
 

પ્રવેશ ૧ લો

સ્થળ : કનક્પુરની કચેરી

[કલ્યાણકામ અને પુષ્પસેન કચેરીમાં બેઠેલા પ્રવેશ કરે છે.]

કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?

પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.

કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.

પુષ્પસેનઃ હું સૈન્ય લઇ જઇ પહોંચ્યો ત્યારે સ્થિતિ બહુ વિષમ હતી, અને એની ચિંતા સકારણ હતી એ ખરું. પરંતુ દોરી એના હાથમાંથી ખસી ગઇ હતી, તેથી એને ભય અને ચિંતા થયાં હતાં. શરૂઆતમાં તો દંગો કરનાર લોકોને એણે નાણાં આપેલાં અને હથિયાર આપેલાં એ હકીકત ચોખ્ખી રીતે મને માલમ પડી, અને લોકોને બેદિલ કરવા સારુ એણે કર ઉઘરાવનારાઓના જુલમ વિશેની ફરિયાદો ગણકારેલી નહિ. એટલું જ નહિ, પણ તેઓ જુલમ કરી શકે એવા નવા ધારા એણે કાઢેલા.

કલ્યાણકામ : એ બધામાં એનો હેતુ શો?

પુષ્પસેન : પર્વતરાય મહારાજ હાલ એકાંતમાં છે અને દેશને માથે રાજા નથી, તેવે સમયે દંગો કરાવીને ઉત્તર મંડળમાંના સૈન્યને પોતાના કાબૂમાં લઇ સૈનિકોને લૂંટફાટ કરવા દઇ, રાજૂ કરી આખરે તેમની મદદથી ઉત્તર મંડળના સ્વતંત્ર ઘણી થઇ બેસવું, એવો એનો ઉદ્દેશ હતો. આપે એની મહાત્વાકાંક્ષી લોભની પરીક્ષા કરી છે, તે યથાર્થ છે.

કલ્યાણકામ : એની એ યોજના કેટલેથી ભાંગી પડી?

પુષ્પસેન : દંગો તો એ જગાવી શક્યો, પણ પછી દંગાખોરો વશ રહ્યા નહિ. દુર્ગેશના મદદગારો ઉપર તેમણે હલ્લા કર્યા અને દંગાખોરો તથા સૈનિકોએ એવી અતંત્ર લૂંટફાટ ચલાવી કે આખું મંડળ ત્રાહિ ત્રાહિ કરવા લાગ્યું. પછી, લૂંટની વહેંચણી બાબત દંગાખોરો અને સૈનિકો વચ્ચે લડાઇઓ ચાલી, અને, તેઓ એક બીજાની કાપાકાપી કરવા લાગ્યા. દુર્ગેશ એક્નો પક્ષ લે તો બીજા ક્રોધાયમાન થાય, એમ બનવા લાગ્યું, અને, ન ટકાયું ત્યારે આપની પાસે મદદ મંગાવી.

કલ્યાણકામ :

(ઉપજાતિ)

દુર્વૃત્તિઓ જે જગવે જનોની,

તે ખેલ માંડે ભયનો કરેલો;

ભર્યાં તળાવોતણિ પાળ ખોદી,

રોકી શક્યા છે જલધોધ કોણ? ૧૯

કડવા અનુભવથી દુર્ગેશને શિખામણ તો મળી; પણ ઉત્તરમંડળનું અધિપતિપણું એના હાથમાં હવે રહેવા દેવું હિતકર છે?

પુષ્પસેન : દંગો બેસાડી દેવામાં તો એણે મને ખરા અંતઃકરણથી મદદ કરી હતી, અને, એ મંડળમાં હવે સંપૂર્ણ શાંતિ થઈ ગઈ છે. પણ ચિત્તમાં એક્વાર પેઠેલું રાજદ્રોહનું વિષ પૂરેપૂરૂં નીકળી જવું બહુ કઠણ છે. અને, રાજ્યલોભનો કીડો એવો છે કે નરમ પડી ગયા પછી તે પાછો ફરી ફરી ચળવા આવે છે અને ચિત્તને કોરે છે. આપની મના ન હોત તો હું એનો શિરચ્છેદ કરત અથવા એને બંદીવાન કરત.

કલ્યાણકામ : દુર્ગેશનો પૂરેપૂરો વિશ્વાસ ન થાય એ ખરું છે, પણ એને હાલ સંકટમાં ઘેરીએ તો એની નિષ્ફળતાથી અસંતુષ્ટ થયેલા એના મિત્રો અને મદદગારો પાછા એને જઇ મળે. વળી એવા યુવકની ઉત્કૃષ્ટ બુધ્ધિશક્તિ રાજયના ઉપયોગમાં કદી પણ ન આવે એમ સદાને માટે રદ કરવી, એ પણ ઉચિત નથી. એને કનકપુરમાં ઉપમંત્રીને પદે બોલાવીશું તો અત્યારે તે ઉત્તર મંડળ છોડીને અહીં ખુશીથી આવશે. રાજ્યને ત્યાંનું ભયકારણ દૂર થશે, અને, પાટનગરમાં એ અંકુશમાં રહેશે.

[દ્વારપાળ પ્રવેશે કરે છે.]

દ્વારપાળ : (નમન કરીને) ભગવન્ત! રાણી સાહેબ તરફથી દાસી મંજરી સંદેશો લઇ ને આવી છે.

કલ્યાણકામ : આવવા દે.

[દ્વારપાળ જાય છે.]

 

પુષપસેન : પ્રધાનજી, ત્યારે હું રજા લઇશ.

કલ્યાણકામ : બેસો પુષ્પસેનજી, આપની સલાહની જરૂર પડશે.

[મંજરી પ્રવેશ કરે છે.]

 

મંજરી : (ઓવારણાં લઇને) સૌભાગ્યવંતા રાણીસાહેબે ભગવન્ત પ્રધાનજીને નમસ્કાર કહ્યાં છે, અને, કહેવડાવ્યું છે કે દક્ષિણથી ઝવેરી આવ્યો છે. તેની પાસેથી હીરા અને મોતી લીધાં છે. તેના એક લાખ દામ આપવા કોશાધીશને આજ્ઞા કરશો.

કલ્યાણકામ : ગયા માસમાં રણીસાહેબને એક લાખ દામ મોકલ્યા હતા.

મંજરી : તે તો ઘણે ભાગે કાશીથી આવેલાં કસબનાં લૂગડાં લેવામાં ખરચાઇ ગયા, અને થોડા વધ્યા તે કોઠાર ખર્ચમાં વપરાયા. ઝવેરાત મંગાવી આપવાનું આપને રાણી સાહેબે પ્રથમ કહેવડાવ્યું હતું, પણ આપે ઉત્તર મોકલેલો કે દંગો વખતે લાંબો ચાલે તો નાણાંની જરૂર પડે, તેથી હાલ ઝવેરાત માટે ખરચ થાય તેમ નથી. પણ હવે તો દંગો શમી ગયો છે, અને ઝવેરી સારો માલ લઇ આવી પહોંચ્યો, તેથી રાણીસાહેબે ઝવેરાત ખરીદ કર્યું છે.

કલ્યાણકામ : પુષપસેનજી! દંગા સંબંધીનો બધો હિસાબ ચૂકી ગયો છે?

પુષ્પસેન : ઉત્તર મંડળમાં ચતુરંગ સેના માટે લીધેલા ધાન્ય અને ઘાસના બે લાખ દામ વેપારીઓને હજી આપવાના બાકી છે. વળી, સૈનિકો માટે લીધેલા ઘોડા અને શસ્ત્રના ત્રણ લાખ દામ આપવાના બાકી છે.

મંજરી : રાજ્ય હોય ત્યાં ખરચ તો ચાલ્યાજ જાય. મહારાજ એકાન્તવાસમાં હોવાથી રાણી સાહેબને આમ નાણાં માટે સંદેશા મોકલવા પડે છે, તેથી એમને બહુ ઓછું આવે છે. ભગવન્તે ઝવેરાત મંગાવવાની ના કહી ત્યારે રાણી સાહેબ રોયાં હતાં.

કલ્યાણકામ : રાણી સાહેબને અમારા નમસ્કાર કહેજો, અને ઝવેરીને અમારી પાસે મોકલી આપવા વિનંતિ કરજો. એને નાણાં ચુકાવી આપીશું.

[મંજરી નમન કરીને જાય છે.]

પુષ્પસેન : કોશાધીશ કહેતા હતા કે આવતી મોસમમાં કરનું ઉઘરાણું આવશે ત્યાં સુધી નાણાંની ટાંચ રહેશે.

કલ્યાણકામ : મંજરીએ છેવટે અશ્રુપાતનો ભય બતાવ્યો એટલે નિરૂપાય થઇ ગયો.

(ચામર)

સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા,

ચાર તે નરોની બુધ્ધિશક્તિથીજ છે રચ્યાં;

રાજનીતિશાસ્ત્રકાર હોત તો સ્ત્રિઓ કદી,

અશ્રુપાત પાંચમો લખાત શાસ્ત્રમાં નકી.

 

પુષ્પસેન : રાજકાર્યોના કઠણ અભ્યાસથી સ્ત્રીજાતિની મૃદુતાની આમાં અવગણના થઇ છે.

(તોટક)

મૃદુતા લલનાહૃદયે વસતી,

પ્રતિ અશ્રુ વિશે થતિ મૂર્તિમતી;

વિણ સિંચન એ મૃદુતારસના,

સૂકી કર્કશ આ બનિ જાય ધરા.

 

[દ્વારપાળ પ્રવેશ કરે છે.]

 

દ્વારપાળ : (નમન કરીને) કોટવાળ સાહેબ અંદર આવવાની રજા માગે છે.

કલ્યાણકામ : એકલા છે?

દ્વારપાલ : સાથે સિપાઇઓ છે અને પકડેલા માણસો છે.

કલ્યાણકામ : સહુને અંદર આવવા દે.

[દ્વારપાળ જાય છે.]

 

[કોટવાળ, સિપાઈઓ અને હાથ બાંધેલા બે માણસો પ્રવેશ કરે છે.]

કોટવાળ : ભગવન્તને નમસ્કાર કરું છું.

કલ્યાણકામ : કોટવાલજી! આ બે માણસોનો શો અપરાધ છે?

કોટવાળ : આ બન્ને શખસો રાજમાર્ગ ઉપર ગાળાગાળી અને મારામારી કરતા હતા. તેમની મદદે તેમના પક્ષનાં માણસો આવ્યાં અને રસ્તામાં બહુ તોફાન થયું. સિપાઈઓએ તેમને રોક્યા પણ માન્યું નહિ, અને ઊલટા તેઓ સિપાઈઓને મારવા ધસ્યા.

કલ્યાણકામ : (પકડાયેલા માણસોને) તમને ઘેર અણગમો થતો હોય, તોપણ તુરંગમાં જવા શા માટે આતુર થાઓ છો? જાત્રાએ જાઓ.

પહેલો માણસ : ભગવન્ત! તુરંગમાં જવા જેવું કાંઇ કૃત્ય કર્યું નથી.

બીજો માણસ : ભગવન્ત! એ તુરંગમં જવાને પાત્ર છે. હું નિર્દોષ છું.

કલ્યાણકામ : જે નિર્દોષતા રાજદરબારમાં આવી ધારણ કરો છો તે ઘેર ધારણ કરી હોત તો કોટવાલજીને આટલી મહેનત પડત નહિ. તમારા વચ્ચે કલહ શાથી થયો?

બીજો માણસ: ભગવન્ત! આ મારો ગોર છે, હું એનો જજમાન છું. મારી દીકરી માટે સારો વર ખોળી લાવવા મેં એને પરગામ મોકલ્યો હતો. એ મારો વંશ પરંપરાનો ગોર છે. મારા તરફથી સારી રીતે દાનદક્ષિણા એને મળે છે. તે છતાં, મારી નવ વરસની બાળકીનું વેવિશાળ એંસી વર્ષના ઘરડા ડોસા સાથે એ કરી આવ્યો છે. ડોસાના પૈસા ખાઇને મારી દીકરીનો ભવ બગાડ્યો છે.

કલ્યાણકામ: ભવ બગાડ્યો શાનો? તું વેવિશાળ રદ કર.

બીજો માણસ: ગોર ચાંલ્લો કરી આવ્યા પછી વેવિશાળ કંઇ તોડાય?

કલ્યાણકામ: અન્યાયનાં બંધન છોડી ન નંખાય?

બીજો માણસ: ભગવન્ત! નાતની રૂઢિ પડી, તે શું કરીએ? અમારી નાતમાં વેવિશાળ કોઇ કારણથી તોડાતાં નથી. કોઇ તોડે તો નાતવાળા નાતબહાર મૂકે, અને કન્યાને બીજું કોઇ લે નહિ.

કલ્યાણકામ: યોગ્ય-અયોગ્યનો નાત વિચાર નહિ કરે?

બીજો માણસ: નાત તે વળી એવો વિચાર કરે ભગવન્ત?

કલ્યાણકામ: નાત સત્ - અસત્ પણ જુએ નહિ?

બીજો માણસ: શી રીતે જુએ?

કલ્યાણકામ: (પહેલા માણસને) ભૂદેવ! તમે કન્યાના પિતાતુલ્ય છો અને બિચારી કન્યાને કૂવામાં કેમ નાખી આવ્યા?

પહેલો માણસ: ભગવન્ત! કૂવામાં નથી નાખી. વર તો શ્રીમંત છે. બીજવર છે એટલે ઉમર તો સહેજ વધારે હોય. પણ કન્યા બેઠી બેઠી રોટલો ખાશે. અને, પરદેશી વૈદ્યરાજ આવ્યા છે તે મહારાજ પર્વતરાજનો ઉપચાર કરી રહે એ પછી એ વૈદ્યને રાખીને એ જ ઉપચાર આ વર કરશે, તો એ પણ જુવાન થઇ જશે.

બીજો માણસ: ભગવન્ત! આ ગોરે એવું કહ્યું તેથી જ લઢાઇ થઇ.મેં ગોરને કહ્યું કે તમને ડોસાએ પૈસા આપ્યા છે, તેના ચાર ભાગ કરો. એક ભાગ તમે રાખો, અને ત્રણ ભાગ મને આપો કે તેમાંથી એક ભાગ ડોસાને જુવાન કરવામાં ખરચીએ, અને બાકીના બે ભાગ મારે ઘડપણમાં ગુજરાન માટે ચાલે. મેં પૈસા માગ્યા ત્યારે ગોર સામી ગાળો દેવા લાગ્યા અને મારવા આવ્યા. એથી લોકો ભરાઇ ગયા અને હોહો થઈ ગઈ.

પહેલો માણસ: ભગવન્ત! મારા પૈસામાંથી હુ શેનો ભાગ આપું? મેં તો કામ જ કરી આપ્યું. વરને જુવાન થવું હોય તો વર પૈસા ખરચે, અને, કન્યાના બાપને નાણાં જોઇતાં હોય તો વર પાસે કઢાવે.

બીજો માણસ : ડોસાની પહેલી વારની બાયડીના છોકરા છે, તે હવે એક બદામ આપવા દે તેમ નથી.

કલ્યાણકામ : કોટવાલજી! અત્યારે અમારા ચિત્તને બહુ ક્ષોભ થયો છે. કાલે આ માણસોને હાજર કરજો. એમનાં બંધન કાઢી નાખજો. એમના દુરાચરણે એમને બાંધ્યા છે તે બસ છે.

કોટવાળઃ જેવી આજ્ઞા.

[કોટવાળ, સિપાઇઓ અને બન્ને માણસો જાય છે.]

પુષ્પસેનઃ મંત્રીશ્વર! નિત્યની આવી વસમી માથાઝીક આપને બહુ વ્યગ્ર કરતી હશે. અમારો તરવાર ફેરવવાનો ધંધો સહેલો અને ટૂંકો.

કલ્યાણકામઃ આવા આચારથી દેશની દુર્દશા થવા બેઠી છે, તે તરવાર ફેરવવાથી મટે તેમ નથી. મહારાજે ઘડપણમાં લગ્ન કર્યું ત્યાં પ્રજાજનનો એવા કૃત્ય માટે શી રીતે દોષ કઢાય? અને વૃધ્ધત્વ માટે માડેલા ઉપચારથી તો હજું જોણ જાણે કેટલાએ ફણગા ફૂટશે! હવે અત્યારે તો કચેરી બરખાસ્ત કરીશું.

[બન્ને જાય છે.]

 

પ્રવેશ ૨ જો

સ્થળ : કલ્યાણકામની હવેલી.

[કલ્યાણકામ અને સાવિત્રી બેઠેલાં પ્રવેશ કરે છે.]

કલ્યાણકામઃ રાણીસાહેબનું ઝવેરાત જોઇ તમને થોડુંઘણું એવું ખરીદવાની ઇચ્છા ન થઇ?

સાવિત્રીઃ રાણીસાહેબ તો મહારાજ પર્વતરાય જુવાન થઇને આવે ત્યારે તેમને પ્રસન્ન કરવાની ઉત્કંઠાથી આ બધી તૈયારી કરે છે. અને, હું તો તમને પ્રસન્ન કરી ચૂકી છું.

કલ્યાણકામઃ તમે કહેતાં હતાં કે પોતાના મનની તૃપ્તિ ખાતર સ્ત્રીઓ અલંકાર પહેરે છે.

સાવિત્રીઃ અતૃપ્ત મન તૃપ્તિનાં અનેક સાધન શોધે છે. પરંતુ, મારી તૃપ્તિમાં એવી ન્યૂનતા જ નથી. આપણા લગ્ન પહેલાં અલંકારોથી મને બહુ ઉલ્લાસ થતો, અને આપણા અનુરાગમાં ન્યૂનતા હોત તો અલંકારોથી સંતોષ મેળવવાનો પ્રયત્ન કરત.

કલ્યાણકામઃ એમ નહિ તો, મારાં નયનોના અનુરંજન ખાતર તમે થોડાં રત્ન ન પહેરો.

સાવિત્રીઃ તમારાં નયનનું એથી અનુરંજન થતું હોય, તો હું થોડાં નહિ, ઘણાં રત્ન પહેરું. પણ, તમારા હૃદયથી જુદા પ્રકારે પ્રસન્નતા મેળવવાની તમારાં નયનોને ઉત્સુકતા હોય એમ હું માનતી નથી.

કલ્યાણકામઃ મારા હૃદયની તમારી એ કદર કાયમ છે તે જાણું છું. મને બહુ નિવૃત્તિ થઇ. આજ પુષ્પસેન મને કહેતા હતા કે રાજકાર્યો કરતાં મારું હૃદય એવું કઠણ થઇ ગયું છે કે સ્ત્રી જાતિની મૃદુતા તરફ મને અવજ્ઞા થઇ છે.

સાવિત્રીઃ પુષ્પસેનને ઠેકાણે હું હોઉં તો હું પણ એમ ધારું. તમે બે પ્રકારના જીવનસ્વરૂપ ધારણ કરો છો. બહારથી તમને જોનારને તમારી દૃઢતાનું જ દર્શન થાય છે. એ દૃઢતાનાં પડની અંદર રહેલી કોમલતા લોકોને દેખાતી નથી.

(તોટક)

રસ મિષ્ટ ભરિયું ફલ જે,

રસરક્ષણ કાજ જ છાલ ધરેઃ

જડ વેષ્ટન એ કરિ દૂર શકે,

જન તે જ ગ્રહે રસ નિર્મળ એ. ૨૨

 

કલ્યાણકામઃ મહારાજ પાસે આવેલા વૈદ્યરાજને બોલાવી આપણે પણ જુવાન બનીએ તો બહારથી પણ રસિક રૂપ આપણને પ્રાપ્ત ન થાય? તમારી સુંદરતા તો અખંડિત છે, પણ, વય ઘટાડી આપણે બન્ને બહારની રસિકતા ધારણ ન કરી શકીએ?

સાવિત્રીઃ એવા બહારના આભાસથી આપણી પરસ્પરની કદરમાં શો ફેરફાર થાય? લગ્નને દિવસે આપણા સ્નેહની જે ગાઢતા હતી તેમાં તલમાત્ર ફેર નથી પડ્યો. ઊછળતો ધોધ નીચે પડીને આજે સરોવર ભરાયું છે, પણ, જળ તો તેનું તે જ છે.

કલ્યાણકામઃ હૃદયદેવી! પતિપત્ની થતાં આપણે પ્રેમી મટી ગયાં નથી. એ ધન્ય સુખથી મળતા બળવડે જ હું રાજકાર્યોના ભારને મારા હૃદયનો સ્પર્શ કરતાં અટકાવી શકું છું, અને, ચિંતાઓને બહારની બહાર રાખી શકું છું. ચિંતાઓને મારા હૃદયમાં દાખલ કરી અને મારા હૃદયભાવને બહાર કાઢી તે સર્વને એકાકાર કરી મારું જીવન એકવડા જ સ્વરૂપનું કરું તો જગતના કંટકો આગળ મારું હૃદય કેમ આખું રહે?

સાવિત્રીઃ તમારા જીવનનુ બેવડું સ્વરૂપ ન સમજનાર તમને સખત ધારે તે સ્વાભાવિક છે. પુષપસેને કરેલો જખમ રુઝવવા તમે ઝવેરાતનો પ્રસંગ કાઢ્યો, એ હું જ આટલી વારે સમજું છુ; તો તમારી સાથે ઉપર ઉપરના પરિચયવાળાં મનુષ્યો તમારા દીર્ધદ્રષ્ટિવાળા મંત્રોનો મર્મ શી રીતે ગ્રહણ કરે?

[બહાર કોલાહલ થાય છે.]

કલ્યાણકામ: (બારણું ઉઘાડીને) અરે કોઇ છે કે?

[નોકર પ્રવેશે છે.]

નોકરઃ જી, હુકમ?

કલ્યાણકામ : બહાર આટલી બધી ગરબડ શાની થાય છે?

નોકરઃ કોઇ સવારનો ઘોડો કાબૂમાં ન રહ્યો તે બજારમાં બહુ દોડ્યો અને, આખરે આપણા દરવાજા આગળ આવતાં સવાર ફસડાઇ પડ્યો. તેથી તેને બહુ વાગ્યું છે, અને, લોકો ભરાયા છે.

સાવિત્રીઃ તું ને બીજા નોકરો મળીને એ માણસને ઘરમાં લાવી સુવાડો અને પછી મને ખબર આપો.

નોકર: જી, બહુ સારું.[નોકર જાય છે.]

કલ્યાણકામઃ તમે એની સારવાર કરવા માંડો, એટલે હું ઉત્તરમંડળેશ્વર તરફ મોકલવાનો પત્ર લખીને આવી પહોંચું છું.

[બન્ને જાય છે.]

 

પ્રવેશ ૩ જો

સ્થળ : કલ્યાણકામની હવેલી

[પથારીમાં અઢેલીને બેઠેલા દરદી પાસે આસન ઉપર બેઠેલો કલ્યાણકામ અને પાસે ઊભેલો વંજુલ પ્રવેશ કરે છે.]

દરદીઃ ભગવન્ત! આપનાં પત્નીએ માતા પેઠે મારી જે માવજત કરી છે તેનો ઉપકાર હું વાળી શકું તેમ નથી. હવે હું ચાલી શકું તેમ છું, માટે મને જવાની રજા આપશો. મારા ઘોડાનું શું થયું હશે તે વિશે હું બહુ ચિંતાતુર છું.

કલ્યાણકામઃ ઘોડાને પકડી લાવવા મેં માણસ મોકલ્યાં છે. તમે આ પાટા બાંધેલે જખમવાળે શરીરે શી રીતે જઇ શકશો?

વંજુલઃ ઊભા અને આડા પાટા જોઇને લોકો આંગળી કરશે અને છોકરાંઓ તાળી પાડશે.

દરદીઃ જખમથી મારું કૌવત ગયું નથી. અને, પાટાથી મને શરમ નહિ લાગે. શ્રીમતી સાવિત્રીદેવીની દયાવૃત્તિથી એ પ્રસાદી નિત્ય મળતી હોય તો હું નિત્ય જખમ ખમું.

વંજુલઃ શિરો ખાવા મળતો હોય તો હું પણ પાટા બંધાવીને સૂઇ રહું, પણ જખમની શરત મારે કબૂલ નથી.

કલ્યાણકામઃ (દરદીને) તમે કોણ છો અને ક્યાં રહો છો?

દરદીઃ જી, હું પરદેશથી આવું છું. આ નગર બહાર રંગિણી નદીને કિનારે આવેલી કિસલવાડીમાં હું માળીનું કામ કરું છુ. મને 'રાઇ'ને નામે સહુ ઓળખે છે.

કલ્યાણકામઃ આ શરીરકાંતિને આ બુધ્ધિપ્રભાવને માળીનું કામ ઘટતું નથી, અને રાઇનું નામ ઘટતું નથી.

રાઈ: કાંઈ કાંઇ યોગાનુયોગ હોય છે.

[બહાર ઘોડાનું ખોંખારવું સંભળાય છે.]

 

રાઈ : એ મારો ઘોડો છે, અને મારી ગન્ધ પારખીને ખોંખારે છે.

વંજુલઃ મને તો કંઇ ગન્ધ આવતી નથી. બાકી, લૂગડાંની ગન્ધથી હું ઘણા લોકોને ઓળખું છું.

કલ્યાણકામઃ (રાઈને) તમારી અને ઘોડાની એક બીજા પર આટલી બધી આસક્તિ છતાં ઘોડો તમારે વશ કેમ ન રહ્યો?

રાઈ: નગર બહાર તળાવકિનારે હું બેઠો હતો અને ઘોડો પાસે ચરતો હતો. તેવામાં, પડી ગયેલા મોટા વડનું ઝાડ ગાડામાં નાખેલું જતું હતું. તે જોઇને ઘોડો ભડક્યો અને જોરથી દોડવા લાગ્યો. હું દોડીને પડખે આવી ઘોડા પર ચઢી ગયો, પણ લગામ નીચે લટકતી હોવાથી હું તેને બરાબર ખેંચી રાખી શક્યો નહિ. રસ્તામાં એક ઠેકાણે પડેલો મોટો પથ્થર ઘોડાને વાગ્યો, અને લગામ તેના પગસાથે અથડાતી હતી, તેથી ઘોડો વધારે ચમકીને દોડવા લાગ્યો અને આખરે નગરમાં પેઠો. ઘોડો આપની હવેલીને માર્ગે આવતાં હવેલીના દરવાજાની દિશામાં વળ્યો, ત્યારે બંધ કરેલ દરવાજે જઇ અથડાશે એમ લાગ્યું, તેથી લગામ પકડી લઇ ઘોડાને રોકવા મેં ઊભેલા માણસોને બૂમ પાડી કહ્યું, પણ કોઇ પાસે આવ્યું નહિ. માત્ર એક માણસ હવેલીને મેડે બારીએ ઊભો હતો. તેણે કાગળ ફેંક્યો, તે મારા ફેંટામાં પડ્યો. દરવાજા પાસે આવ્યો ત્યારે હું કૂદી પડ્યો ને ઘોડો ફંટાઇને નાઠો.

વંજુલઃ વડ સરખો કોઇ મહાન છત્રરૂપ પુરૂષ ભાગી પડવાથી દૈવ ઉતાવળી ગતિએ તમને ઠોકરાવતું વગાડતું

પ્રધાનજીની મદદ મેળવવા લઇ આવ્યું છે, એમ મને ભાસ થાય છે.

કલ્યાણકામઃ વંજુલ, તારું આ લક્ષણજ્ઞાન રહેવા દે. (રાઇને) એ કાગળ શાનો?

રાઈ વખતે મારા ફેંટામાં હજી હશે. (પડખે પડેલો ફેંટો હાથમાં લઇને તેમાંથી કાગળ કાઢીને) આ રહ્યો.

[કલ્યાણકામને કાગળ આપે છે.]

કલ્યાણકામઃ (બીડેલો કાગળ ઉઘાડીને વાંચે છે):

प्रकृतिं यान्ति भूतानी निग्रहः किं करिष्यते ।[૧]

વંજુલમિશ્ર! આ તો આપના અક્ષર દેખાય છે!

વંજુલઃ (ગભરાઇને) મારા શાથી?

કલ્યાણકામઃ આ જોડા અક્ષરમાંના આઠડા જેવા 'ર', આ હેઠળ જતાં ડાબી તરફ લૂલા થઇ વળગતા કાના, આ કાનાને મથાળે કાકપગલા જેવા થતા સાંકડા ખૂણા, અ હાથીની અંબાડીના છત્ર જેવો 'ભ': સહુ તારી હથોટી છે. તારો વાંકો અંગૂઠો ઢાંક્યો નથી રહેતો!

વંજુલઃ મારા જેવા અક્ષર જણાય છે ખરા!

કલ્યાણકામઃ તારા પોતાના અક્ષર નથી?

વંજુલઃ હું ક્યાં ના કહું છું?

કલ્યાણકામઃ એ લખવાનું પ્રયોજન શું?

વંજુલઃ ભગવન્ત! હું બારીએ બેઠો બેઠો ગીતાજીનો પાઠ કરતો હતો, તેવામાં, આ માણસને ઘોડો રોકવાનું લોકોને કહેતો સાંભળી મેં ગીતાજીનું એ વચન લખીને કાગળ એના ઉપર ફેંક્યો.

કલ્યાણકામઃ શા માટે?

વંજુલઃ સ્વભાવ ઉપર જતાં પ્રાણીઓને રોકવાની ગીતાજીમાં ના કહી છે. તે છતાં માણસ દોડતા ઘોડાને રોકવાનું કહેતો હતો, તેથી એ મિથ્યા પ્રયાસ મૂકી દેવા સારુ શાસ્ત્રવચનનું એને ભાન કરાવવા મેં કાગળ નાખ્યો.

કલ્યાણકામઃ મૂર્ખ! એ ગીતાવચન દોડતા ઘોડા માટે છે એમ તને કોણે કહ્યું? સંકટમાં આવેલા મનુષ્યને સહાય થવું જોઇએ એટલું તાત્પર્ય પણ તું ગીતાના અધ્યયનથી સમજ્યો નથી?

વંજુલઃ ભગવન્ત! શાસ્ત્રોના અનેક અર્થ થાય છે. આપ કંઇ અર્થ કરતા હશો, હું કંઇ અર્થ કરું છું. એમ તો કેટલાક કહે છે કે સાયણાચાર્યના ભાષ્ય પ્રમાણે વેદમાં કોઇ ઠેકાણે ઘડેથી ઘી પીવાનું નીકળતું નથી, પણ અમે आयुर्वै धृतम्ની શ્રુતિને આધારે વેદમાંથી એવો અર્થ કાઢી આપી ગોરને ઘડેથી ઘી પાવાનું શાસ્ત્રોક્ત પુણ્ય સમજાવી જજમાનોને કૃતાર્થ કરીએ છીએ.

[નોકર પ્રવેશ કરે છે.]

નોકરઃ ભગવન્ત! આમનો ઘોડો આવ્યો છે. તેને એટલું બધું વાગેલું છે કે તેના પર બેસીને જવાય તેમ નથી.

[નમન કરીને જાય છે.]

કલ્યાણકામઃ (રાઈને) તમને રથમાં સુવાડીને મોકલીશું.

રાઈઃ ભગવન્ત! મને એવો લૂલો પાંગળો શા માટે બનાવો છો?

(વસંતિલકા)

સંક્ષુબ્ધ હું નથિ થતો જખમોથી કિંચિત્,

બીતો નથી રુધિરના વહને હું લેશ;

જ્યાં સુધિ શક્તિ વસશે મુજ દેહમાંહિ,

ધારીશ હું નહિ કદી અસહાય વ્રુત્તિ. ૨૩

 

[હાથમાં ઔષધ લઇ સાવિત્રી પ્રવેશ કરે છે.]

સાવિત્રીઃ (રાઈની પાસે આવીને) આ ઔષધથી તમને વિશેષ આરામ થશે.

વંજુલઃ આટલા આટલા નોકર છતાં આપ આ ખરલ કરવાનું અને ગોળીઓ વાળવાનું શા સારુ લઇ બેઠાં છો? એ તે આપને શોભે?

રાઈઃ શ્રીમતી! આપના શ્રમમાં સમાયેલી કૃપા ઔષધથી પણ વધારે આરામ કરવા સમર્થ છે.

[પથારીમાં બેઠો થઇને ઔષધ પીએ છે.]

સાવિત્રીઃ (રાઈની કમર તરફ જોઇને) તમે કમરે લટકતી તલવાર કાઢી નાખવા દીધી છે, પણ આ કમરનો બંધ હજી કાઢી નાખતા નથી, એ દુરાગ્રહ કરો છો. કમરને છૂટી કરશો તો આ વેળા કરાર લાગશે.

રાઈઃ શ્રીમતી! એટલી આપની અવજ્ઞા કરી હું અકૃતજ્ઞ દેખાઉં છું. એ માત્ર કમરબંધ નથી, એ મારું જીવન છે.

સાવિત્રીઃ અર્થાત્?

રાઈઃ એ બંધ દેખાય છે તે મ્યાન છે અને અંદર તરવાર છે. હું તે રાતદિવસ કમરે વીંટી રાખું છું. અને, પ્રહાર કરવાનો પ્રસંગ આવે તે વિના એ તરવાર હું બહાર કાઢતો નથી.

વંજુલઃ શ્રીમતી! એમનું નામ તો ઝીણું રાઈનું છે. પણ રાઈ દળાય એટલે ઝમઝમાટ આવ્યા વિના રહે નહિ! હવે સ્વરૂપ જણાયું! બબ્બે તરવારોઃ એક કમરે લટકાવવાની અને એક કમરે વીંટવાની!

સાવિત્રીઃ ગોળ વળી જાય એવી તરવાર જોવા જેવી હશે!

રાઈઃ આપને જોવી જ હશે તો હું કાઢીને મારી આંગળી પર પ્રહાર કરીને પાછી મ્યાનમાં મૂકીશ, એટલે મારી પ્રતિજ્ઞાનો ભંગ નહિ થાય.

સાવિત્રીઃ સ્ત્રીજાતિને માથે અનિવાર્ય કુતૂહલનો આરોપ છે, તે ખોટો પાડવા ખાતર હું જિજ્ઞાસા મૂકી દઉં છું.

વંજુલઃ સારું કર્યું. એવું તરવારનું ગૂંચળું વખતે છૂટી જાય તો હરકોઈને વાગી બેસે.

રાઈઃ (ખાટલા પરથી ઉતરીને) ભગવન્ત! હવે મને અનુજ્ઞા મળવી જોઇએ.

કલ્યાણકામઃ તમારી એવી જ ઇચ્છા છે તો હું રોકીશ નહિ. પરંતુ, શરીર સ્વસ્થ થયે ફરી દર્શનનો લાભ આપવાનો તમારો કોલ છે એમ સમજી અનુજ્ઞા આપું છું.

રાઈઃ હાલ થોડા વખત સુધી તો કદાચ આપને નહિ મળી શકું. પણ સમય આવ્યે આપણે મળીશ અને ઘણીવાર મળીશ.આપનો સમભાવ એ તો મહામૂલ્ય વસ્તુ છે.

સાવિત્રીઃ આવી અવસ્થામાં તમે ઘોડા પર સવારી કરશો શી રીતે? ઘોડો પણ અશક્ત છે.

રાઈઃ ઘોડાને દોરીને લઇ જઇશ.અને, એથી અમને બન્નેને જે પરસ્પર સંતોષ થશે તેથી ચાલવામાં મને કે ઘોડાને શ્રમ કે વેદના જણાશે નહિ.

[સર્વને નમન કરીને રાઈ જાય છે.]

વંજુલઃ આટલી બધી ઘોડાની શી ઊઠવેઠ ! હું હોઉં તો એવો ઘોડો પાંજરાપોળમાં મોકલી દઉં.

કલ્યાણકામઃ તું કદી ઘોડા પરથી પડ્યો છે?

વંજુલઃ કોઈ દહાડો ઘોડે બેઠો જ નથી ને!

સાવિત્રીઃ આવતા લગનગાળામાં તારે ઘોડે બેસવાનું આવશે.

વંજુલઃ (મોં મલકાવીને) ભગવન્તની અને આપની કૃપા.

કલ્યાણકામઃ વંજુલ! ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારની પદવી પૂજ્ય થાય છે. પણ, તારી આટલી થોડી બુધ્ધિ જોઇ તને કોણ પૂજ્ય ગણશે?

વંજુલઃ આપની નજરમાં મારી બુધ્ધિ થોડી હશે, પણ મારી બાઇડી આગળ તો હું પરમેશ્વરથી અધિક થઇશ.

કલ્યાણકામઃ તેં ગીતામાં નથી વાંચ્યું કે પરમેશ્વરના સમાન કોઇ નથી, તો અધિક ક્યાંથી હોય? [૨]

વંજુલઃ એ સિદ્ધાંત તો પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે નથી. હું તો બાઇડી પાસે નિયમ પળાવીશ કે નિત્ય હું બારણેથી આવું ત્યારે દીવો લઇ ને મારી આરતી ઉતારે.

કલ્યાણકામઃ આરતી ઉતારવાને બદલે તને પીવાનું પાણી આપે તો વધારે સારું નહિ?

વંજુલઃ તરસ્યો આવ્યો હોઉં તો આરતી પૂરી થતાં સુધી વાટ ન જોવાય એ ખરું. પાણીયે હાજર રાખવાનો હુકમ કરીશ, હું પાણી પીતો જ ઇ શ અને બાઈડી આરતી ઉતારતી જશે.

સાવિત્રીઃ વંજુલ! હું ભગવન્તની આરતી ઉતારતી નથી, એ તને ઘણું અયોગ્ય લાગતું હશે!

વંજુલઃ મારી બુધ્ધિની આપને કિંમત નહિ, તેથી શી રીતે કહું? બાકી એ તો પરમ કર્તવ્ય છે. હું મારી બાઈડી પાસે પતિવ્રતાના બધા ધર્મ પળાવીશ. મારા જમી રહ્યા પછી મારી અજીઠી થાળીમાં જમે, હું આરામ કરું ત્યારે મને પંખો નાખે, હું માર મારું તોપણ એક શબ્દ ના બોલે, એ બધા સતીધર્મના નિયમો સખ્ત રીતે પળાવીશ.

કલ્યાણકામઃ તું પોતે કોઇ નિયમ સખ્ત રીતે પાળીશ ખરો કે?

વંજુલઃ સ્ત્રીઓ માટે પુરુષોએ ઠરાવેલ નિયમ સ્ત્રી પાસે પળાવવા એટલો જ નિયમ સ્ત્રીપરત્વે પુરુષે પાળવાનો છે.

કલ્યાણકામઃ તારી સ્ત્રીને તારી અજીઠી થાળીમાં જમાડીશ, તેથી કયું ફળ પ્રાપ્ત થશે? તારો હક બજાવ્યાનો તને સંતોષ થશે કે તારી સ્ત્રીને પોતાનું કર્તવ્ય કર્યાનું પુણ્ય થશે?

વંજુલઃ આપ ઘરમાં કોઇ નિયમ પળાવતા નથી, તેથી આપને આવી શંકા થાય છે. આવા આચારથી ધણી તરફ બાઈડીની પૂજ્યબુધ્ધિ કેળવાય. તે વિના બાઈડીને ધણી પર પ્રેમ થાય નહિ, અને, તેમનો સંસાર સુખી થાય નહિ.

કલ્યાણકામઃ તારી અજીઠી થાળીમાં જમ્યા વગર પણ તારી સ્ત્રીને તારા પર પૂજ્યભાવ અને પ્રેમ થાય તો?

વંજુલઃ પણ તે કાયમ રહે એનો શો ભરોસો?

કલ્યાણકામઃ તારી અજીઠી થાળીમાં જમ્યા વગર પણ તારી સ્ત્રીને તારો તેના પર પ્રેમ કેમ કાયમ રહેશે?

વંજુલઃ મારે કાંઇ પૂજ્યભાવથી પ્રેમ કરવાનો છે? મારે તો માલિકપણાથી પ્રેમ કરવાનો છે.

સાવિત્રીઃ સ્ત્રીઓને માટે બધા નિયમો પુરુષો જ કરશો કે થોડા નિયમો સ્ત્રીઓને પોતાની મેળે કરવા સારુ રહેવા દેશો?

વંજુલઃ ત્યારે અમારી આ મૂછો શા કામની?

સાવિત્રીઃ મૂછોથી બાઈડીને મારવાની અને અજીઠું જમાડવાની પ્રેરણા થતી હોય તો એવી મરદાનગી વિના દુનિયાને ચાલે તેમ છે. દુનિયાને તો આ રાઈ આવ્યો હતો તેના જેવી મરદાનગીની જરૂર છે.

કલ્યાણકામઃ

(ઉપજાતિ)

જે શૌર્યમાં કોમલતા સમાઈ,

તેને જ સાચું પુરુષત્વ માન્યું;

દ્રવન્ત લોખંડનું ખડગ થાય,

પાષાણનું ખડગ નથી ઘડાતું. ૨૪

 

સાવિત્રીઃ એ યુવકના રસોજ્જ્વલ શૌર્યના દર્શનથી જાણે પ્રથમ એવો કોઇ પુરૂષ જોયો હોય એમ ભાન થતું હતું, અને તે સાથે વળી એની આકૃતિ અપરિચિત લાગતી હતી.

કલ્યાણકામઃ અનેક ભાવનાઓ મૂર્તિમંત થઇને ચિત્તને સંસ્કારોનો સાક્ષાત્કાર કરાવતી હતી, પણ, એ ભાવનાઓ એક પાત્રમાં સમગ્ર થયેલી કદી જોવામાં આવેલી નહિ. તેથી, આદર્શની આકૃતિ પહેલી જ વાર નજરે પડેલી જણાતી હતી.

વંજુલઃ મને તો રાઈ દીધેલું સુરણ યાદ આવતું હતું. ખરો સ્મરણાલંકાર તો એ જ.

કલ્યાણકામઃ અલંકારશાસ્ત્રમાં તું ભૂલે એવો નથી, પણ સૂરણ સુંદર નથી દેખાતું.

વંજુલઃ એ ગમે તેવો સુંદર દેખાતો હશે, પણ આખરે તો માળી જ!

કલ્યાણકામઃ એવો જો કોઇ ક્ષત્રિય મળી આવ્યો હોત તો હું મહારાજ પર્વતરાયને કહેત કે જુવાન થવાના ઉઅપ્ચાર કરવાને બદલે એવા યુવકને દત્તક લેવો શ્રેયસ્કર છે. જોઈ પદવી અપાતી હોય તો રાજપદ એને જ –

[નોકર પ્રવેશ કરે છે.]

નોકરઃ (નમીને) મળી ચૂક્યું છે, ભગવન્ત.

કલ્યાણકામ : (ચમકીને) શું ?

નોકરઃ પૂર્વમંડળેશ તરફથી દૂત આવ્યો છે. તે કહે છે કે એટલા જ શબ્દો ભગવન્તને કહેવાના છે.

કલ્યાણકામઃ ઠીક, એને ઉતારો આપો.અને, પુષ્પસેનજીને મારા નમસ્કાર સાથે કહી આવ કે આપની જરૂર પડી છે, માટે કૃપા કરી સત્વર પધારશો.

નોકરઃ જેવી આજ્ઞા.

[નમન કરી જાય છે.]

 

કલ્યાણકામઃ વંજુલ! જા. એ દુતના ભોજનનો બંદોબસ્ત કર.

વંજુલઃ મારા ભોજનના બંદોબસ્તનું તો કહેતા નથી!

[જાય છે.]

 

સાવિત્રીઃ આ દૂતનો સંદેશો કંઈ અગમ્ય છે!

કલ્યાણકામઃ મહારાજ પર્વતરાય ગેરહાજર છે તે જાણી પૂર્વમંડળ પર ચઢી આવવા કેટલાક શત્રુઓ તૈયારી કરતા હતા. તેમનું સૈન્ય સરહદ પર એકઠું મળે એટલે આવા શબ્દોનો સંદેશો મુદ્દામ માણસ સાથે મોકલવા પૂર્વમંડળેશ સાથે સંકેત કર્યો હતો. એ તરફ સૈન્ય તો પ્રથમથી જ મોકલેલું છે, પણ હવે પુષ્પસેનને જ ત્યાં મોકલવાની જરૂર છે. પુષ્પસેન આવે ત્યાં સુધીમાં હું કાગળો તૈયાર કરી રાખું.

સાવિત્રીઃ ભોજન કરીને થોડી વિશ્રાન્તિ લીધા પછી આ કામ કરવાનું રખાય તેમ નથી?

કલ્યાણકામઃ

(હરિણી)

તમ વચનથી પામ્યો છું હું ઉરે રસપોષણ,

ઉદરભણે હાવાં કાંઈ સહીશ વિલંબન;

શ્રમ ઘટિ ગયો સૂણી જે જે વદ્યો બટું વંજુલ,

શ્રમ-સુખ જુદાં થાયે ક્યાંથી ખભે ધરિ જ્યાં ધુર? ૨૫

[બંને જાય છે.]

 

 

પ્રવેશ ૪ થો.

સ્થળ:રુદ્રનાથનું મંદિર

[જાલકા અને રાઈ પ્રવેશ કરે છે.]

જાલકા: શીતલસિંહ પાસે મંગાવેલા કાગળો દ્વારા તને રાજ્યનાં કાર્યોની માહિતી મળી છે, અને, હવે તારે ગુપ્ત રીતે નગરમાં ફરીને નગરનાં માણસો અને સ્થાનોથી વાકેફગાર થવાનું છે. કલ્યાણકામને તેં તારું નામ અને ઠેકાણું કહ્યાં તેથી એ કાર્ય બહુ મુશ્કેલીભર્યું થયું છે, અને, બહુ સંભાળથી કરવું પડશે. તને વાગ્યું ત્યારે તારા જખમો અને પાટાને લીધે તું ઓળખાય તેવો નહોતો. પણ તું રાઈ તરીકે કલ્યાણકામને પરિચિત થાય તો આગળ જતાં એ તને પર્વતરાય તરીકે શી રીતે સ્વીકારે?

રાઈ : મારા મેળાપની કલ્યાણકામને થોડા વખતમાં વિસ્મૃતિ થશે.

જાલકા : કલ્યાણકામને કશાની વિસ્મૃતિ થતી જ નથી. થોડા દિવસ પછી કિસલવાડીમાં તારી ખબર કાઢવા કલ્યાણકામે માણાસ મોકલ્યો હતો. પણ, મેં તેને કહ્યું કે 'રાઈ કરીને એક માળી અહીં હતો ખરો, તે ક્યાંય પરદેશ ચાલ્યો ગયો છે અને પાછો આવે એવો સંભવ નથી.' એમ કહી મેં એના માણસને પાછો વાળ્યો. {{ps2|રાઈ :|

(અનુષ્ટુપ)

 

એક અસત્યથી જન્મે અસત્યો બહુ જૂજવાં;

રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં' ૨૬

 

જાલકા : તેં કલ્યાણકામને તારે પોતાને વિષે અસત્ય કહ્યું હોત તો મારે તારે વિશે આ અસ્ત્ય કહેવું ન પડત.

રાઈ : હું શું કામ અસત્ય બોલું ?

જાલકા : જેને રાજ્ય કરવું હોય તેને અસત્ય વિના ચાલે જ નહિ. {{ps2|રાઈ :|

(અનુષ્ટુપ)

 

જગત્ આખા તણું રાજ્ય ચલાવે પ્રભુ સત્યથી;

એવું માત્ર હશે કોઈ પુસ્તકોમાં લખ્યું કદી. ૨૭

 

[મંદિરના કોટનું બારણું કોઈએ ખખડાવ્યાનો અવાજ સંભળાય છે.]

 

જાલકા : જા, તું રંગમંડપની જોડેની કોટડીમાં બેસ. હું બારણું ઉઘાડું છું. એ માણસ દર્શન કરીને પાછો જાય, પછી તું બહાર આવજે.

[રાઈ કોટડીમાં જાય છે. જાલકા જઈને કોટનું બારણું ઉઘાડે છે. બારણેથી દુર્ગેશ પ્રવેશ કરે છે.]

 

જાલકા : પધારો. રુદ્રનાથમાં પહેલી જ વાર દર્શન કરવા આવો છો.

દુર્ગેશ : તમે મને ઓળખો છો એ હું જાણતો નહોતો.

 

જાલકા : ઉપમંત્રી દુર્ગેશને ન ઓળખનારું કનકપુરમાં કોણ હોય ?

દુર્ગેશ : પણ, કનકપુરમાં એવા ઘણા છે કે જેમને હું ઓળખતો નથી મારે તો તમે કોણ છો તે પૂછવું પડશે.

જાલકા : હું આ મંદિરની પૂજારણ છું.

દુર્ગેશ : એમ છે તો મારે તમારું જ કામ હતું.

જાલકા : આપને જ્યારે પૂજા કરાવવી હશે ત્યારે ગોઠવણ થઈ શકશે.

દુર્ગેશ : પૂજા માટે મારાથી જાતે આટલે આઘે આવીને ખોટી થવાય તેમ નથી. તમે અનુકૂળતાયે મારી તરફથી પૂજા કરજો અને તેનું જે ખરચ થાય તે મારી પાસેથી મંગાવી લેજો. હું આવ્યો છું તે બીજા કામ માટે.

જાલકા : હું પૂજારણ બીજું શું કરી શકું ?

દુર્ગેશ : પર્વતરાય મહારાજ આ મંદિરના ભોંયરામાં નિવાસ કરે છે. અને, તેમની અજ્ઞાઅનુસાર બહારની અહીંની વ્યવસ્થા તમારો હસ્તક છે. મહારાજનો ઉપચાર કરનાર વૈદ્યરાજ કદી બહાર આવતા હોય તો મારો એમની સાથે મેળાપ થઈ શકે ?

જાલકા : પ્રધાનજી સિવાય કોઈને એ ભોંયરાની જગા પણ બતાવવી નહિ, એવી આજ્ઞા છે. ભગવન્ત પણ એક જ વાર અહીં આવી ભોંયરું બહારથી જોઇ ચાલ્યા ગયા છે.

દુર્ગેશ : મહારાજની આજ્ઞા વિરુદ્ધ હુ ભોંયરા વિશે કે મહારાજ વિશે કુતૂહલ ધરાવતો નથી. માત્ર વૈદ્યરાજનું કદી દર્શન તઈ શકે કે કેમ એ જાણવા ઉત્સુક છું.

જાલકા : એટલું પણ મારાથી કહેવાય કે કેમ તે તમે મને ખબર નથી. હું તો આ મંદિરમાં પૂજા કરી જાણું છું.

દુર્ગેશ : વૈદ્યરાજના આવ્યા ગયાની હકીકત કહેવામાં મહારાજના ઉપચાર વિધિની ગુપ્તતાનો કોઈ રીતે ભંગ થતો નથી.

જાલકા : આપ ઉપમંત્રી છો અને ભગવન્ત કલ્યાણકામનો આપના ઉપર ભરોંસો છે તેથી, આ વાત કહેવાય એવી છે એમ હું આપના કહ્યાથી માનું છું. અને તે ઉપરથી કહું છું કે વૈદ્યરાજ કદી બહાર આવતા જ નથી. એટલું જ કહી દીધા માટે અમારો વાંક નીકળે તો તમારે મને બચાવવી પડશે. હું તો ગરીબ માણસ છું. અને, જન્મારામાં પૂજા સિવાય બીજું કશું કામ કર્યું નથી.

દુર્ગેશ : અહીં બનેલી હકીકત હું કોઈને કહેવાનો જ નથી, એટલે તમારો વાંક નીકળે એવો સંભવ જ નથી. વૈદ્યરાજ હાલ બહાર આવતા ન હોય તો, જ્યારે મહારાજ સાથે તેમને બહાર આવવાનો વખત થાય ત્યારે તેમને નીકળવાની વેળાની ખબર મને મોકલશો કે તે સમયે તેમની સાથે મેળાપ કરવા હું આવી શકું.

જાલકા : વૌદ્યરાજને મળવા આટલી બધી આતુરતા હોવાનું શું કારણ ? તમારે જુવાની આણવી પડે તેમ નથી. શું કોઈ તરુણી જુવાની હમેશ કાયમ રાખવાની શરત કરે છે ?

દુર્ગેશ : (હસીને) એવી શરત કરનાર કોઈ તરુણી હજી મને મળી નથી; અને, મળે તોપણ જેને હું જેવો છું તેવા મારા પંડથી સંતોષ ન હોય તેની ખાતર હું શું કરવા એવા પ્રયાસ કરું ? હું તો વૈદ્યરાજ મને મહારાજનો કૃપાપાત્ર કરી આપ્યો તે માટે તેમને મળાવા ઈચ્છું છું. વખતે કોઈ મહારાજને, મારા પર અપ્રસન્નતા ઉત્પન્ન કરાવે તેની પાળ બાંધી શકાય માટે વૌદ્યરાજ નીકળે તે જ વેળા હું તેમને મળી શકું એવી મારી ઉત્કંઠા છે.

જાલકા : મહારાજ ક્યારે નીકળવાના છે તે હું કાંઈ જાણતી નથી. અને, એવી વાત મને પૂજારણને કહે પણ કોણ ? પણ, તમે કહેતા હો તો પ્રધાનજી કોઈ વખતે અહીં આવે ત્યારે તેમને તમારી તરફથી પૂછી મૂકું.

દુર્ગેશ : કલ્યાણકામને તો આ સંબંધી કાંઈ જ કહેવાનું જ નથી. હું અહીં આવ્યો હતો અને પૂછતો હતો એટલું પણ તેમને કાને જવું ન જોઈએ. વૈદ્યરાજ બહર ક્યારે આવશે એ ખબર તમને કોઈ રીતે મળે તો મને કહેવડાવશો તો બસ છે.

જાલકા : એટલું તો મારાથી થાય. પણ, તમે મોટા માણસ. કામ થયું એટલે અમારાં જેવાં ગરીબ વિસારે પડી જાય.

દુર્ગેશ : દુર્ગેશના બીજા દોષ હશે, પણ, દુર્ગેશ અકૃતજ્ઞ નથી. તમે અનૂકુળાતા કરી આપવાનું કબૂલ કર્યું છે, તે હું કદી નહિ ભૂલું અને, મારું કામ તો થાય કે ન થાય, પણ તમારે જે મદદ જોઈતી હશે તે અડધી રાતે પણ આવીને આપીશ, એવું મારું વચન છે. હાલ મારે બીજું કાંઈ જોઈતું નથી.

[દુર્ગેશ જાય છે. જાલકા દુર્ગેશ પાછળ જઈ બારણું બંધ કરે છે. રાઈ કોટડીમાંથી બહાર આવે છે.]

રાઈ : જાલકા ! તેં વેશ બરાબર ભજવ્યો. માણસનો વેશ ભજવ્યો. જાદુગરણનો વેશ ભજવ્યો અને પૂજારણનઓ વેશ ભજવ્યો. હવે કેટલા વેશ ભજવવા છે ?

જાલકા : મેં આ સહુ પહેલા રાણીનો વેશ ભજવ્યો છે, અને હવે, આ સહુ પછી મારે રાજમાતાનો વેશ ભજવવો છે.

રાઈ : પડદાની કરામત કરતાં પણ તારા આ બધા જાદુમાં વધારે અદ્ભુતતા છે. પણ, એ બિચારા દુર્ગેશને તેં એટલો બધો ફગવ્યો શું કામ? એની મુખમુદ્રાની આકર્ષકતા પરથી પણ તને એના પર સમભાવ વૃત્તિ ન થઈ ?

જાલકા : એ ધારતો હતો કે પૂજારણ રાજદ્વારી બાબતો સમજે નહિ, તેથી જેમ કહીશું તેમ કરશે. મેં એની એ સમજણને પુષ્ટિ આપી, અને, આપણા આભાર તળે લીધો કે કોઈ દહાડો જરૂર પડે તો કામ આવે. અને, મને ખબર મળે તો મારે કહેવાનું છે, તેથી વિશેષ મારે કરવાનું કાંઈ નથી.

રાઈ : એવો વ્યવહાર ન્યાયયુક્ત નથી. પરંતુ, દુર્ગેશ સાથે ન્યાયથી વર્તવાના ઘણા પ્રસંગ આવશે. એની આકૃતિ અને ગતિનો પ્રતાપ એવો છે કે શીતલસિંહને બદલે એની સાથે ફરીને કનકપુરની ચર્યા જોવાની હોય તો હું બહુ પ્રસન્ન થાઉં.

જાલકા : એનો વિશ્વાસ કેમ થાય ? એનો મહત્ત્વલોભ જોયો ? એને કલ્યાણકામ કરતાં વધારે રાજપ્રિય થવું છે !

રાઈ : મહત્ત્વકાંક્ષા સન્માર્ગે વળે તો તે પરથી લોભનો બોજ જતો રહે, અને તેને ઉત્કર્ષની પાંખો આવે. કલ્યાણકામની સ્વસ્થતા સાથે દુર્ગેશની ચંચલતાનો યોગ થાય તો તે બહુ સિદ્ધિકારક નીવડે.

જાલકા : તને રાજ્યાભિષેક થયા પછી મંત્રીમંડળમાં જોઈએ તેવી ઘટના થઈ શકશે, પણ હાલ તો, જે માણસ વધારે બુદ્ધિમાન તે વધારે આઘો રાખવા જેવો - એ નિયમ બહુ સખત રીતે પાળવો પડશે. છ માસની મુદ્દત પૂરી થવાનો સમય જેમ પાસે આવતો જાય છે તેમ મારે આ ભોંયરાની ગુપ્તતા જાળવવાના ઉપાય વધારવાની જરૂર થતી જાય છે. વધારે અદ્રશ્ય રહેવા સારુ તારે હવે કિસલવાડીમાં રહેવું પડશે. પર્વતરાય કિસલવાડીમાં આવ્યા હતા એ કોઈના જાણવામાં નથી, તેથી કુતૂહલ ખાતર કોઈ ત્યાં આવે તેમ નથી. અને વળી, જમીનમાં શબના નિશાન માલમ પડે એવું હોય ત્યાં સુધી કોઈનો પગસંચાર ઈષ્ટ નથી, માટે, એ વાડીની બહુ સાવધાનીથી રક્ષા કરવાની છે. મને વખતોવખત મળીને ખબર તો દેજે. આરતીનો વખત થયો છે અને વખતે કોઈ લોકો આવે માટે હું પૂજારણનો ઠાઠ લઈ બેસું છું અને તું જા.

[બન્ને જાય છે.]

 

 

પ્રવેશ ૫ મો

સ્થળ : કલ્યાણકામની હવેલી અંદરનો બાગ

[કલ્યાણકામ અને સાવિત્રી બાગમાં ફરતા પ્રવેશ કરે છે]

 

સાવિત્રી : આ બધાં ફૂલમાં સહુથી વધારે સુખી ચંપો છે એને મધમાખીઓ છેડતી નથી.

કલ્યાણકામ : અને, એ કારણથી કવિઓએ પણ ચંપાને બહુ છેડ્યો નથી. તેથી ચંપાને નિવૃત્તિ છે.

સાવિત્રી : કવિઓના વ્યવહારથી પુષ્પોને સંતાપ થતો નથી. કવિઓ તો પુષ્પોની કીર્તિનો પ્રચાર કરે છે.

કલ્યાણકામ : કવિઓ સિવાય બીજા કોઈ પુષ્પો ઉપર વાગ્બાણ ફેંકે નહિ, એવી આજ્ઞા થઈ શકતી હોત તો પુષ્પોને સંતાપનું કારણ ન થાત. કવિઓ પુષ્પોમાં રસસ્થાન જોઈ ને તે તરફ રસભર્યાં વાગ્બાણ પ્રેરી પુષ્પોના સૌંદર્યનું પોષણ કરે છે. પરંતુ તે જોઈ અનેક કવિઓ, જેમને રસસ્થાન દેખાતાં નથી અને જેઓ વાચામાં રસ ભરી શકતા નથી તેઓ, શુષ્ક અને જડ વાગ્બાણ છોડી પુષ્પોને વિના કારણ વ્યથા કરે છે. જેમણે કમલનું સૌંદર્ય પારખ્યું ન હોય તેમણે કમલ વિશે કવિતા કરવાનો કદી પ્રયત્ન કરવો ન જોઈએ. પણ, દુર્ભાગ્યે તેમને અટકાવી શકાતા નથી અને, જન્મારામાં કદી કમલ ને ભ્રમરનો યોગ જોયા વિના અનેક જનો ઘરમાં બેઠા બેઠા કમલ ને ભ્રમરનાં વાગ્જાળ વણી કાઢે છે.

સાવિત્રી : સાર એ કે, ચંપા સરખી નિવૃત્તિ ઇચ્છનારે કમલ સરખો રસકોશ ધારણ કરવો નહિ. ચંપાની સુગંધમાં રહેલા અદૃશ્ય અને અસ્પૃશ્ય રસનું જેને જ્ઞાન હશે તે જ ચંપાની સમીપ આવશે.

કલ્યાણકામ : રાજકાર્યોના સંતાપ એ પ્રકારે હું કેમ ઓછા કરી શકું ?

મારી પ્રવૃત્તિ ઘટાડવા અને નિવૃત્તિ વધારવા તમે આમ વારંવાર આગ્રહ કરો છો, પરંતુ હું માત્ર રાજ્યનો સલાહકાર થઈ રહું એ કેમ બની શકે? મંત્રને અમલમાં મૂકવાનો તંત્ર હાથમાં ન રાખું તો અનીતિજ્ઞો સાથેના પ્રસંગ ઓછા થઈ જાય અને રાજકાર્યોના સંઘર્ષણથી ઉત્પન્ન થતી કર્કશતા વેઠવી ન પડે એ ખરું , પણ એમ વિસારે મૂકેલા દેશનું શું થાય ? હું યુદ્ધ કરવું મૂકી દઈ આચાર્ય બનું તો બીજો કોઈ યુદ્ધમાં ઝૂઝનાર છે ?

સાવિત્રી : એ સહુ ચિંતા પરમેશ્વરને છે.

કલ્યાણકામ : પરમેશ્વર પોતાની ચિંતાઓના ઉપાય મનુષ્યો દ્વારા જ કરે છે, તો જેને માથે ભાર આવ્યો તેનાથી તે ફેંકી કેમ દેવાય?

સાવિત્રી : મહારાજ પર્વતરાય વૃદ્ધત્ત્વમાંથી નીકળી યૌવનમાં આવશે ત્યારે તેઓ સર્વ ભાર વહન કરવા સમર્થ થશે.

કલ્યાણકામ : કોણ જાણે શાથી મારું ચિત્ત એ સ્થિતિની વાસ્તવિકતાનો સાક્ષાતકાર જ કરી શકતું નથી, પરંતુ એ ઉદય તો થશે ત્યારે જોઈશું. હાલતો, પણે પશ્ચિમમાં થતા સૂર્યાસ્ત સરખો આજ જ આપણે માથે છે.

સાવિત્રી : સૂર્યાસ્ત કેવો હૃદયવેધક દેખાય છે !

કલ્યાણકામ :

(સ્ત્રગ્ધરા)

ઢંકાયો સૂર્ય રાતી ગગનદૃવસમી મેઘમાળાનિ પૂંઠે,

નીચે જેવું ભરે એ ડગલું અણદિઠું માળ એ દીપિ ઊઠે;

આકાશે વાદળીઓ છુટી છુટી તરતી રંગ એ ઝીલી લેતી,

છૂપો એ ડૂબતો તે, ક્ષણ ક્ષણ બદલી વર્ણ દર્શાવિ દેતી. ૨૮

 

સાવિત્રી : તમારી દૃષ્ટિ ઊંચે છે, પણ આ જગાએ સંભાળી ફરવાનું છે, એ તો તે જ સ્થળ –

[એટલું બોલીને અટકી નીચે જુએ છે.]

કલ્યાણકામ : (આસપાસ જોઈને) અહો ! આ તો તે જ સ્થળ છે જ્યાં ફરતાં અજાણતાં હું સર્પ પર પગ મૂકવાની તૈયારીમાં હતો. તે વેળા એ ભયનું તત્કાળ નિવારણ બીજી રીતે શક્ય ન હોવાથી તમે તમારો પગ એકદમ સર્પ પર મૂકી સર્પને મારો સ્પર્શ કરતો અટકાવેલો અને તમારે પગે સર્પનો દંશ વહોરી લીધેલો. સુભાગ્યે સર્પ ઝેરી ન નીકળ્યો. નહિ તો આજે આ બાગમાં કે કલ્યાણકામના હૃદયમાં એકે પુષ્પ કે પર્ણ હોત નહિ ! એ વૃતાંત ગુપ્ત રાખી તમે જગતમાંના પુણ્ય-પ્રવાહને અપુષ્ટ રાખો છો.

સાવિત્રી : ઢંઢેરો ફેરવવાથી એથી વધારે અપુષ્ટિ થાય તેમ છે.

કલ્યાણકામ : આપણા સંતાને તો જાણવું જોઈએ કે કેવી માતાની કીર્તિ તેમને જાળવવાની છે !

સાવિત્રી : બાળકો માતાને માત્ર એ એક પ્રસંગથી જ ઓળખશે ?

કલ્યાણકામ : બીજા પ્રસંગોમાં આવો ઉજ્જ્વલ પ્રસંગ તેમનાથી ગુપ્ત શા માટે રહેવો જોઈએ.

સાવિત્રી : ગુપ્તતાનો ભંગ કરવાનો સમય ઈશ્વર નક્કી કરે છે.

[નોકર પ્રવેશ કરે છે.]

 

નોકર : (નમન કરીને) ભગવન્ત ! પુષ્પસેનજી પધાર્યા છે.

કલ્યાણકામ : એમને અહીં લઈ આવ.

[નોકર જાય છે.]

 

કલ્યાણકામ : અત્યારે આવવાનું કારણ જાણવામાં નથી.

[પુષ્પસેન પ્રવેશ કરે છે.]

 

કલ્યાણકામ : પધારો પુષ્પસેનજી. પૂર્વની સરહદે શત્રુઓ પરાભવ પામી નિર્મૂલ થયા પછી તો આપને કાંઈ વિશ્રાંતીનો સમય આવ્યો છે એમ હું ધારતો હતો, પણ આપની મુખરેખા એમ સૂચવતી નથી.

પુષ્પસેન : આપ મને સૈન્ય લઈ લડાઈ પર મોકલવાના હો તો હું હાલ મહેતલ માગું, પરંતુ બે સૈન્ય મેળાવવા સારુ મારે મજલ કરવાની જરૂર પડે તેમ નથી. મારા હ્રદયમાં જ રણસંગ્રામ જામ્યો છે, અને તે માટે આપની અએ શ્રીમતી સાવિત્રીદેવીની સહાયતા માગવા આવ્યો છું.

સાવિત્રી : આપ જરા સ્વસ્થ થાઓ. આ બોરસલ્લીના થાળ ઉપર સહુ બેસીએ.

[ત્રણે જણાં થાળ ઉપર બેસે છે.]

કલ્યાણકામ : હવે કહો અનેક શત્રુઓનાં હ્રાદય વિદારણ કરનારના હ્રદયને વ્યથા કરનાર કોણ છે ?

પુષ્પસેન : કોઈ શત્રુ નથી. મારી પ્રિયતમ પુત્રી છે.

સાવિત્રી : કમલાને શો અપરાધ થયો છે ? એની માતાના સ્વર્ગવાસ પછી આપના ઘરનો ભાર એણે ઉપાડી લીધો છે. અને, એની સુશીલતાએ આપના હ્રદયને ટકાવી રાખ્યું છે.

પુષ્પસેન : તે જ એનો દુરાગ્રહ મને વિશેષ દુઃખિત કરે છે, એને માટે યોગ્ય વરની શોધમાં છું, તે મેં આપને કહ્યું હતું. પરંતુ હમણાં બે દિવસથી દુર્ગેશ સાથે લગ્ન કરવાની હઠ લઈ બેઠી છે.

કલ્યાણકામ : દુર્ગેશ સાથે ? પુષ્પસેન :

(અનુષ્ટુપ)

 

રોષથી હું તો સજ્જ છેદવા શીર્ષ જેહનું,

પુત્રી મારી વરે તેને દમે તે દંશના સમું. ૨૯

 

સાવિત્રી : દુર્ગેશ તરફ એનું ચિત્ત શી રીતે આકર્ષાયું ?

પુષ્પસેન : દુરગેશને એણે એક જ વાર જોયો છે, અને તે મારે ઘેર અને મારી સમક્ષ. દુર્ગેશ મને મળાવા આવ્યો હતો. એની મુખમુદ્રા અને એની છટા મને પણ રુચિકર લાગેલાં, પરંતુ કમલા તત્કાળ મોહિત કેમ થઈ ગઈ એ મને અગમ્ય લાગે છે.

સાવિત્રી : એ વસ્તુ દુનિયામાં કોઈને પણ સુગમ થઈ છે?

(ઉપજાતિ)

 

જાગે સ્વયંભૂ ઉરમાંહિ મન્મથ,

તેના નથી કો નિયમો, ન કારણ;

સામ્રાજ્ય તેનું રહ્યું આતમ્વૃત્તિમાં,

અનન્ય તેનું પદ સર્વ સૃષ્ટિમાં. ૩૦

 

કલ્યાણકામ : દુર્ગેશની એ વિષે કેવી વૃત્તિ છે ?

પુષ્પસેન : કમલા કહે છે કે એ પણ એ જ ક્ષણથી આસક્ત થયો છે અને કમલા સાથે લગ્ન કરવા બહુ ઉત્કંઠિત બન્યો છે. પરંતુ, એ માત્ર એની ધૃષ્ટતા છે. કમલા સાદા દિલની છે અને એનું ચિત્ત ઝટ ખેંચાઈ જાય એવું છે. દુર્ગેશના કોઈ વશીકરણમાં એ સપડાઈ ગઈ છે.

કલ્યાણકામ : દુર્ગેશના સંબંધીઓ એથી ઊલટું ધારતા હશે.

પુષ્પસેન : શા માટે ધારે ? દેવકન્યાની પ્રાપ્તિ તેમને તો ધન્યભાગ્ય. પણ, મારું એકનું એક સંતાન, મારી પ્રાણધાર પુત્રી, જેનેમેં મારા હ્રદયના સમસ્ત રસથી ઉછેરી, જેના શ્રેય માટે મેં મોટી મોટી ઉમેદો બાંધી, તેનું જીવતર દુર્ગેશના અજ્ઞાત ભવિષ્ય સાથે જોડાવાનું ?

કલ્યાણકામ : વ્યગ્ર થનારથી ઉપાય થઈ શકતા નથી. શાંતિથી કરેલું મનન જ માર્ગ દર્શાવી શકે છે.

સાવિત્રી : હું કમલાને બોલાવી તેની જોડે વાત કરીશ.

કલ્યાણકામ : અને, હું દુર્ગેશને બોલાવી તેની જોડે વિચાર કરીશ.

પુષ્પસેન : આપ બન્ને મળી એમના વિચારો ફેરવો એટલે હું કૃતાર્થ થાઉં.

કલ્યાણકામ : એમના વિચાર ફેરવવા કે આપના વિચાર ફેરવવા એ બેમાંથી કયું ઇષ્ટ છે અને કયું શક્ય છે એ જ શોધી કાઢવાનું છે. હવે , આપ કમલા સાથે કલહ ન કરશો.

પુષ્પસેન : મારી પ્રતીતિ છે કે આપ અને શ્રીમતી જે પ્રશસ્ય હશે તે જ કરશો. આપે કે શ્રીમતીએ કરેલા અનુશાસનનું મેં કદી ઉલ્લંઘન કર્યું નથી. હવે હું રજા લઉં છું.

કલ્યાણકામ : અમે પણ બાગમાં આવતી અંધકારની છાયાને ઉઘડેલા હ્રદયપટ સાથે સ્પર્શ થવા નહિ દઈએ.

[સર્વ જાય છે.]