રાઈનો પર્વત - 4 Ramanbhai Neelkanth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

રાઈનો પર્વત - 4

અંક ચોથો

પ્રવેશ ૧ લો

સ્થળ : રુદ્રનાથનું મંદીર.

[જાલકા અને શીતલસિંહ પ્રવેશ કરે છે. ]

શીતલસિંહ : આજે સવારે કલ્યાણકામે મને બોલાવીને કહ્યું કે પૂજારણને પૂછજો કે મહારાજની આજ્ઞા હોય તોઇ તેમને નગરમાં પ્રવેશ કરવાનું મુહૂર્ત રાજજોશી પાસે નક્કી કરાવીએ.

જાલકા : રાઈને મુહૂર્તની દરકાર નથી, પણ પર્વતરાય-રૂપ ધરત રાઈ ને પણ પર્વતરાય પેઠે મુહૂર્ત અનુસાર પ્રવૃત્તિ કરવી પડશે. છ માસ પૂરા થાય છે, માટે તે પછીનું મુહૂર્ત જોવડાવી વેળાસર ખબર મોકલાવશો એટલે નગરમાં આવવાની સવારી વિશે મહારાજ સૂચના મોકલશે.

શીતલસિંહ : રાઈએ કાલે રાતે બને તેટલા વહેલા ભોંયરામાં દાખલ થઈ જવું જોઈએ. સવારીનું મુહૂર્ત બહાર પડશે એટલે લોકો કુતૂહલથી મંદિર બહાર એકઠા થવા માંડશે. તમને પણ ઠીક સૂઝ્યું કે તમે મંદિરના દર્શન બંધ કર્યા છે. બારણા બંધ છે એમ જાણી લોકો આ તરફ હાલ આવતા નથી.

જાલકા : ભોંયરાનું એક ઢાંકણું મંદિરની પાછલી બાજુએ કોટ બહાર આવેલી ઓરડીએ ઉઘડે છે. ત્યાંથી જઈને કાલે દાખલ કરીશું કે બહાર ફરતા લોકોનું ધ્યાન ન ખેંચાય. રાઈ પર્વતરાય થઈ મંદિરના દ્વારમાંથી બહાર નીકળશે ત્યારે પ્રગટ કરીશું કે વૈદરાજ એ પાછલે રસ્તેથી રાતોરાત ચાલ્યા ગયા છે. રાઈને ભોંયરામાં દાખલ કરતાં પહેલાં તમારે એને એક ઠેકાણું બતાવવાનું કહ્યું છે.

શીતલસિંહ : રાણી લીલાવતીનો આવાસ.

જાલકા : આજ રાતે ત્યાં એને લઈ જાઓ

શીતલસિંહ : રાણી ન જાણે એમ મહેલમાંની એક છાની બારીથી પર્વતરાયને - એટલે રાઇને રાણી બતાવવાની મેં ગોઠવણ કરી છે.

જાલકા : રાઈએ પોતે કદી રાણીને જોવાની જિજ્ઞાસા બતાવી છે ?

શીતલસિંહ : એમણે એ વિશે વાત જ નથી કરી. એ બાબત એમને સૂઝી જ નથી એમ લાગે છે.

જાલકા : એ વિષય ઘણી સંભાળથી અને ઝીણવટથી એની આગળ મૂકવાનો છે.

શીતલસિંહ : તમે સૂચનાઓ કરેલી છે તે મારા ધ્યાનમાં છે. ઠીક સાંભર્યું. કાલે એમની સાથે ફરતાં એમના ગજવામાંથી આ કાગળ પડી ગયો, તે મેં છાનોમાનો લઈ લીધો છે એમાં કવિતા લખી છે, પણ તે બિલકુલ સમજાતી નથી.

જાલકા : (કાગળ લઈને ઉઘાડીને વાંચે છે.)

(રથોદ્ધતા)

રે ! વિચિત્ર પટ શું વણાય આ?

તન્તુઓ અવશ શા તણાય આ?

કોણ એ શી રીતથી વને બધું ?

માનવી ! અબલ તન્તુ અલ્પ તું ! ૪૧

ના, નથી અવશ કે અશક્ત તું,

તું વડે જ સહુ કાર્ય આ થતું;

બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,

તું ગ્રહે ઉભયમાંથિ એક ત્યાં. ૪૨

(અનુષ્ટુપ)

 

વસી છે શક્તિ તારામાં યથેચ્છ તે તું વાપરે;

કહી અવશ પોતાને કોને તું રાઈ છેતરે ?

 

એને તો એવી સમસ્યાઓની રમત કરવાની ટેવ છે, એનો ઉત્તર એ નીચે જ આમ લખી આપું છું (બોલીને લખે છે)

(અનુષ્ટુપ)

 

'રાઈ' ને 'જાલકા' એ તો બાજીનાં સહુ સોકઠાં;

છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ? ૪૩

 

આ કાગળ પાછો છાનોમાનો એના ગજવામાં મૂકી દેજો. (કાગળ આપે છે.) હવે તમે કિસલવાડીમાં જઈ રાઈને આજ રાત્રે નીકળવા માટે તૈયાર કરો. મહેલમાં જઈ આવી પછા ફરો ત્યારે મને વૃત્તાન્ત કહી જજો.

[બન્ને જાય છે]

 

પ્રવેશ ૨ જો

સ્થળ : કનકપુરનો રાજમાર્ગ.

[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]

 

રાઈ : શીતલસિંહ આપણે ક્યાં જઈએ છીએ ?

શીતલસિંહ : પ્રભાપુંજ મહેલમાં.

રાઈ : મહેલ કરતાં નગરમાં મને વધારે આનંદ થાય છે.

શીતલસિંહ : નગરના મુખ્ય મુખ્યભાગ આપે જોયા છે તે બસ છે, પણ મહેલના તો એકએક ખૂણાની આપને માહિતી મળવી જોઈયે.

રાઈ : મહેલમાં મારે શું જોવાનું બાકી છે ?

શીતલસિંહ : રાણીનો આવાસ.

રાઈ : રાણીનો ? કઈ રાણીનો?​

શીતલસિંહ : લીલાવતીનો.

રાઈ : તેનો આવાસ જોવાની મારે શી જરૂર છે ?

શીતલસિંહ : આપ પર્વતરાય થશો અને પર્વતરાયની રાણીને નહિ ઓળખો?

રાઈ : શીતલસિંહ ! તમારાં વચન કંઈ મર્મવાળા લાગે છે. (અટકીને) મને કંઈ અમંગલ શંકાઓ જેવું થાય છે. તમને તેવું થાય છે?

શીતલસિંહ : મને તો એવું કાંઈ થતું નથી.

રાઈ : (પૂર્વ આકાશ તરફ જોઈને) પણે ચન્દ્ર હજી ઊગે છે તેટલામાં તેના તરફ કેવું વિકરાળ વાદળું ધસી આવે છે?

[ઈંદ્રવંશા]

કદ્રપિ કાળી અતિઘોર આકૃતિ,

બે શૃંગ ઉંચા, શિર નાનું કૂબડું;

બે હાથ વાંકા, પગ સ્થૂલ ટૂંકડા,

ગાંઠો ભરેલું સહુ અંગ એહનું. ૪૫

શીતલસિંહ : એ માત્ર આપની કલ્પના છે. વાદળા જેવું વાદળું છે. જુઓ, આપણે મહેલને પાછલે બારણે આવી પહોંચ્યા.

રાઈ : શીતલસિંહ ! મારો હાથ ઝાલો. મારા પગ ધ્રૂજે છે ?

શીતલસિંહ : આ શું ? મહેલમાં તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. આપની હિંમત ભરેલી બેદરકારી ક્યાં ગઈ ?

રાઈ : ગઈ રાતે મને ઊંઘ આવી નથી. તેથી મારું માથું ઘૂમે છે એ મારી અવસ્થાનું કારણ છે. રાણીનો આવાસ આપણે શી રીતે જોઈશું.

શીતલસિંહ : આવાસના શયન ગૃહમાં નજર પડે એવી રીતે ભીંતની ઊંચે છત પાસે પર્વતરાય મહારાજે એક નાની બારી મુકાવેલી છે. રાણીને તેની ખબર નથી. બારી બંધ હોય

છે ત્યારે ભીંત ઉપરના ચિત્રકામમાં તેના દ્વાર ભળી જાય છે. અને બારી આગળ મોટું ઝુમ્મર ટાંગેલું છે, તેથી બારી ઉઘાડી હોય છે ત્યારે પણ આવાસમાં ફરતાં માણસોથી તે દેખાતી નથી. તે બારીએ જઈ આપણે બેસીશું.

રાઈ : પર્વતરાયે એ બારી શા માટે મુકાવેલી ?

શીતલસિંહ : રાણી એકાંતમાં શું કરે છે તેની ગુપ્ત દેખરેખ રાખવા.

રાઈ : પર્વતરાયને રાણીનો અણભરોંસો હતો ?

શીતલસિંહ : ઘરડા વરને જુવાન વહુનો અણભરોંસો હોય જ.

રાઈ : એવી પ્રેમ વિનાની લજ્ઞગાંઠ પર્વતરાયે બાંધી શું કામ?

શીતલસિંહ : પાળેલું પંખી ઊડી ન જાય માટે આપણે તેને પાંજરામાં પૂરી રાખીએ છીએ, તેથી શું આપણને તેના પર પ્રેમ નથી હોતો?

રાઈ : (સ્વગત) ઓ પ્રેમ ! શી તારી નાલેશી !

શીતલસિંહ : ચાલો, હવે મહેલની અંદર જઈએ. પહેલાંની પેઠે આ મારું પોટલું લઈ આપ મારા નોકર તરીકે ચાલ્યા આવજો.

[બન્ને જાય છે.]

 

પ્રવેશ ૩ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસનું શયનગૃહ.

[લીલાવતી અને મંજરી શયનગૃહમાં શણગારતાં પ્રવેશ કરે છે. રાઈ અને શીતલસિંહ ઊંચે બારીમાં ઝુમ્મર પાછળ છાનાં બેઠેલા છે.]

શીતલસિંહ : (હળવેથી) ધોળો ગાળો પહેર્યો છે તે રાણી લીલાવતી અને છાયલ પહેર્યું છે તે એમની દાસી મંજરી.

રાઈ : (હળવે) વસ્ત્રની નિશાની વિના કાન્તિથી પણ કોણ કયું તે જણાઈ આવે છે.

મંજરી : (પલંગે તોરણ બાંધતા) આ મોટાં મોતીનું તોરણ પલંગે શું કામ બંધાવો છો ? પલંગની છત્રી ઝીણાં મોતીની જાળીની છે તે બસ છે. પલંગ કરતાં શયનગૃહને બારણે એ તોરણ બાંધ્યું હોય તો વધારે ન શોભે?

લીલાવતી : બારણે તો હું એકલી જ રહીશ. ત્યાં ઊભી રહીને મહારાજને આવકાર દઈશ. બારણે મારી આંખોનું તોરણ બાંધ્યું હશે અને તેની નીચે મારું હૈયું હીરો થઈ લટકતું હશે ત્યાં મહારાજની દૃષ્ટિ બારણે બીજા કશા પર શી રીતે જવાની ?

મંજરી : મહરાજ તો આપને તરત ઓળખશે, પણ આપ મહારાજને ઓળખ્યા પહેલા જ આંખોનુ તોરણ બાંધશો અને હૈયાનો હીરો લટકાવશો?

લીલાવતી : શરીરની આકૃતિથી મહારાજ ઓળખાય એવા રહ્યા નહિ હોય, પણ મારા તરફની હ્રદય વૃત્તિથી મહારાજ ઢાંક્યા વિના રહેવાના છે? પહેલે જ દૃષ્ટિપાતે હું તેમને ઓળખી કાઢીશ.

મંજરી : મહારાજ અહીં ક્યારે પધારશે.

લીલાવતી : જોશી કાલે મહૂર્ત આપશે, પણ હું પ્રધાનજીને કહેડાવવાની છું કે મહારાજની સવારી ઊતરે તેવા તરત જ મહારાજ મારા આવાસમાં આવે અને પછી દરબારમાં જાય એવી ગોઠવણ કરજો.

મંજરી : આપ મહારાજને મળાવા બહુ અધીરાં થયેલાં છો, મહારાજ પોતે પહેલાં આપની પસે આવવાની ગોઠવણ કરવા કહેવડાવે છે કે નહિ એ જોવા ઉપર બાકી રાખોને? એમ મહારાજને પણ અધીરાઈ છે કે નહિ તેની પરીક્ષા થશે.

લીલાવતી : મારે એવી પરીક્ષાનું જોખમ નથી વહોરવું. કદાચ, મહારાજ ઘણાં કામના વ્યવસાયમાં એવી સૂચના કરવાનું ભૂલી જાય. મહારાજ મને મળવાને ઉત્કંઠિત નથી એવા આભાસથી મારા હ્રદય ઉપર જે આધાત થાય તે હું કેમ સહન કરી શકું. પણ, હું એ ભૂલી ને તુંયે ભૂલી. મહારાજની પરીક્ષા શાની હોય ? અને તેમને ઉત્કંઠા વિશે શંકા શાની હોય? મારે ખાતર તો મહારાજ છ માસનું કેદખાનું ભોગવી આવે છે.

મંજરી : આપની ખાતર કે પોતાની ખાતર ?

લીલાવતી : મંજરી ! આજ તને કંઈ વાયુની અસર છે?

મંજરી : હું તો હમેશના જેવી જ છું. આપની રજા હોય તો બોલું.

લીલાવતી : બોલ. હું તને બોલવાની ક્યારે ના કહું છું?

મંજરી : મહરાજ જુવાન થયા તે આપની ખાતર શા માટે?

લીલાવતી : મને પ્રસન્ન કરવા અને મારાં સુખ પરિપૂર્ણ કરવા જુવાન થયા.

મંજરી : મહારાજ વૃદ્ધ હતા ત્યારે આપ પ્રસન્ન અને સુખી નહોતાં ? આપ મહારાજને ચાહો છો કે જુવાનીને ચાહો છો ?

લીલાવતી : આવા વિનય વગરના પ્રશ્ન પૂછવાનું તું ક્યાંથી શીખી આવી?

મંજરી : આપની રજા છે માટે બોલું છું. હું તો માનું છું કે

આપને કાંઈ ઓછાપણું નહોતું, પણ મહારાજને પોતાને ઘડપણમાં ઓછાપણું લાગતું હતું તેથી જુવાન થયા.

લીલાવતી : મંજરી ! તું પંડિત થઈ છે !

મંજરી : આ છ મહિના આપે મને આપની પાસે બેસાડી પ્રેમની ઘણી ચોપડીઓ વંચાવી છે, તેથી હું પ્રેમપંડિત થઈ હોઉં તો કોણ જાણે ! બીજી કોઈ પંડિતાઈ તો મને નથી આવડતી. પણ, હું ખોટું કહું છું ? આપે કંઈ મહારાજને જુવાન થઈ આવવાનું કહ્યું હતું?

લીલાવતી : મારી અને મહારાજની ખાનગી વાત તને કહેવાનો મારો વિચાર નથી. તારા વરને છ માસમાં એંસી વર્ષનો ઘરડો બનાવી દેવાનું પેલા વૈદ્યરાજને મહારાજ પાસે કહેવડાવીશું, એટલે તારા મનના બધા ખુલાસા થઈ જશે.

મંજરી : ઘરડાં થઈ જવાને તો વૈદ્યની ય જરૂર પડતી નથી અને રાજાની આજ્ઞાનીય જરૂર પડતી નથી.

લીલાવતી : ત્યારે દુર્ભાગ્યની જરૂર પડે છે ?

મંજરી : દુર્ભાગ્ય પણ હોય કે સુભાગ્ય પણ હોય.

લીલાવતી : પલંગે તોરણ બાંધ્યું. હેવે ભીંતે આ પૂતાળાં જડેલાં છે, તે દરેકના હાથમાં આ અકેકું દર્પણ મૂક. પૂતળાના બિલોરી કાચ સાથે દરપ્નની સોનેરી તક્તી બહુ દીપશે.

મંજરી : મહેલમાં દર્પણ મૂકવાની મહારાજની મના હતી.

લીલાવતી : હવે મહારાજ દર્પણની મના કરશે?

મંજરી : રજ વિના દર્પણ કેમ મૂક્યા એમ મહારાજ પૂછશે તો ?

(અનુષ્ટુપ)

 

દર્પણે દોષને માટે પ્રાયશ્ચિત્ત કરેલું છે;

જામીન છું, હવે દેશે પ્રતિબિમ્બ મનોમન.

 

તે છતાં મહારાજને દર્પણની અણપતીજ રહી હશે તો તેમની સામે મુખ રાખી અને ભુજ સાથે ભુજ ગૂંથી હું મહારજને દર્પણ પાસે લઈ જઈશ.

રાઈ : (હળવેથી) શીતલસિંહ મારાથી દૂર ન જશો.

શીતલસિંહ : (હળવેથી) હું આપની પાસે જ છું. પણ એવું શું ?

રાઈ : (હળવેથી) એવું ઘણું છે.

મંજરી : દર્પણ પાસે લઈ જઈ મહારાજની શી ખાતરી કરશો.

લીલાવતી : તું કલાવીને પૂછી લે છે અને મારાથી બોલાઈ જાશે. બહુ પટામણી છે !

મંજરી : હું પૂછું છું કંઈ ને આપ કહો છો કંઈ. મેં એમ પૂછ્યું કે રજા વિના દર્પણ મૂકયાનું કારણ શું બતાવીશું, ત્યારે તમે મનમાં ધારી મૂકેલા કોડાની વાત બોલ્યા. એમાં મેં શું પટાવ્યું.

લીલાવતી : કોઈ પૂતળું દરપના વિનાનું રહ્યું નથી. હવે, ગોખલામાં કોતરેલાં આ બધાં કમળની પાંખડીઓમાં લાલા રંગ ચીતરવા લાગ. આછી ને ઘેરી છાયામાં ભૂલ ન કરીશ.

મંજરી : કોઈ કમળ ભૂરાં ચીતરવાં નથી ?

લીલાવતી : મહારાજાને લાલ કમળ જ ઘણાં ગમે છે. એમની ઉપમા હંમેશ લાલ કમળની હોય છે. તે દિવસે મેં લાલ ચૂંદડી પહેરી હતી ત્યારે... પણ, પાછી તેં મને વાતમાં નાખી દીધી.

મંજરી : મેં તો કંઈ વાટમાઆમ નાંખ્યા નથી. અમથાં ઝબકી ઉઠી મારો વાંક કાઢો છો.

લીલાવતી : હું કાંઈ ઊંઘમાં છું કે ઝબકી ઊઠું ?

મંજરી : ઊંઘમાં તો નહિ, પણ ઘેનમાં છો ?

લીલાવતી : વળી ઘેનમાં શી રીતે ?

મંજરી : ઘેનમાં ના હો તો રાતે રંગ પૂરવાનું લઈ બેસો ?

લીલાવતી : જોશી કાલે મુહૂર્ત આપવાના છે, એ ખબર આવી કે તરત જ આવાસ શણગારવાનું શરૂ કર્યું છે. હવે વખત બહુ થોડો રહ્યો છે, અને વળી, દરેક કમળની બે બાજુએ બે દીવા આવશે. તેથી આ રંગ તો જેમ વહેલા પૂર્યા હોય તેમ સારું કે સુકાય અને દીપે. પણ, મંજરી ! તને એક વાત કહેવી તો હું ભૂલી જ જાઉં છું. પેલી જાલકા માલણ ઘણે મહિને આજ સવારે આવી હતી. એ પરદેશ ગઈ હતી ત્યાંથી નકશીવાળી સોનાના બે ખૂમચા લાવી છે તે નજરાણામાં આપી ગઈ છે. પેલા બાજઠ પર મૂક્યા છે તે લાવ.

[મંજરી લાવે છે.]

જો ! બંને પર બહુ સુંદર મીનાકારી કામ છે. તેમાં પહેલાંના રાજાનો રત્નદીપદેવના સમયના ચિત્ર છે. એક ખૂમચામાં એ રાજાનો દરબાર દેખાડ્યો છે અને બીજામાં એ રાજા જે યુદ્ધમાં ઉતરેલા તેનો વૃતાંત ચીતર્યો છે,

એમ જાલકા કહેતી હતી. કોઈ ઠેકાણે એ ખૂમચા વેચાતા હતા, ત્યાંથી મહેલમાં મૂકવા સારું એ લઈ આવી. જાલકા કહી ગઈ છે કે મહારાજ પધારશે ત્યારે એ ખૂમચામાં મૂકવા ફૂલ આપી જઈશ અને પલંગ પર પાથરવા ફૂલની ચાદર આપી જઈશ.

શીતલસિંહ : (હળવેથી) આપના સુખ માટે જાલકાએ કેટલી તજવીજ કરી છે !

રાઈ : (હળવેથી) વૈભવના અને યુદ્ધના દર્શનથી મને પ્રોત્સાહિત કરવાની અને ઠેઠ સુધી મારા ઉપર દેખરેખ રાખવાની જાલકાની એ તજવીજ છે. પણ રાણીને એકાએક શું થયું ?

[મંજરીને ખભે માથું નાખીને લીલાવતી નિસાસો નાંખે છે.]

મંજરી : આપની પ્રકૃતિ કંઈ બગડી આવી?

લીલાવતી : મંજરી ! આ ખૂમચા પરના જૂના વૃત્તાંત જોઈ મને એથી પણ જૂના વૃત્તાંતનું સ્મરણ થાય છે, અને ભયભરેલી શંકાઓ થાય છે. મહારાજનું કુટુંબ મૂળ દેશમાં હતું. ત્યાં મહારાજના પિતાનો પુત્ર નહોતો. તેથી પહેલી રાણીના મરણ પછી તેઓ બીજી યુવાન રાણી પરણેલા, અને બે-ત્રણ વર્ષમાં એ રાણીને પુત્ર ના થયો ત્યારે ત્રીજી રાણી પરણેલા. ત્રીજી રાણીને પેટે મહારાજ અવતર્યાં. પછી તેમના પિતાએ બીજી રાણીને કેવળ વિસારી મૂકેલાં ને અંતે ઝૂરી ઝૂરીને મારી ગયેલાં. એ બીજી રાણી જેવી મારી દશા થશે તો હું શું કરીશ ? મહારાજનું યૌવન જ મને શાપરૂપ નહિ થઈ પડે? આ બધો શણગાર મારો ઉપહાસ કરનારો નહિ નીવડે?

મંજરી : છેક છૂટી મૂકી દીધેલી કલ્પના આખરે ખોટા તરંગ સાથે અથડાઈ પડી ! બા સાહેબ, સ્વસ્થા થાઓ. મહારાજનો આપના ઉપર અપાર પ્રેમ છે.

લીલાવતી : મહારાજના પ્રેમ વિષે મને સંદેહ છે જ નહિ, પણ મારી ઉત્સુકતા શંકાઓ ઉત્પન્ન કરી મને વિહ્વળ કરે છે.

(અનુષ્ટુપ)

દિશા કે કાલનું પ્રેમે અન્તર હું સહી શકું;

અન્તર થાય શંકાનું તે તો હાય ! અસહ્ય છે! ૪૭

મંજરી : આપા અત્યારે બીજા ખંડમાં જઈ આરામ કરશો તો શયનગૃહ શણગારવાનું કામ સવારે સારું થશે ને વહેલું થશે. ચાલો.

[બંને જાય છે]

શીતલસિંહ : આપ કેમ વ્યગ્ર દેખાઓ છો !

રાઈ :

(વસંતતિલકા)

ક્યાં વર્તમાનતણી ભાવિશું થાય સંધિ

તે ઝંખવા ઊંચું ઉડે મુજા ચિત્ત વેગે;

સીમા અભેદ્ય નડતી સઘળી દિશામાં,

પાછું પડી ભમી ભમી ગુંચવાય ચિત્ત.

આ મહેલની હવાથી આપણે ગોંધાઈ ગયા છીએ. ચાલો બહારની ખુલ્લ્લી હવાનો આશ્રય લઈએ.

[બંને બારીથી જાય છે]

 

પ્રવેશ ૪ થો

સ્થળ : કનકપૂરનો રાજમાર્ગ.

[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]

 

શીતલસિંહ : આપ બહુ વિચારમાં મગ્ન દેખાઓ છો. આપણે મહેલમાંથી નીકળ્યા પછી આપ એક અક્ષર પણ બોલ્યા નથી.

રાઈ : આ મુશ્કેલીનો શો ઈલાજ કરવો તેના વિચારમાં છું.

શીતલસિંહ : કઈ મુશ્કેલી ?

રાઈ : રાણી લીલાવતી બાબતની.

શીતલસિંહ : રાણી લીલાવતી બાબત મને કાંઈ મુશ્કેલી નથી લાગતી. એ પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આપને મળવા તલસી રહ્યાં છે.

રાઈ : મને મળવા ?

શીતલસિંહ : પોતાના પતિને મળવા એટલે આપને મળવા.

રાઈ : શીતલસિંહ ! આ શી વિપરીત વાત કરો છો? હું એનો પતિ નથી.

શીતલસિંહ : આપ પર્વતરાય તરીકે પ્રગટ થશો.

રાઈ : ત્યારે જ મુશ્કેલી થશે. હું પર્વતરાય છું, પણ લીલાવતીનો પતિ નથી. એમ શી રીતે પ્રતિપાદન કરવું એ સૂઝતું નથી.

શીતલસિંહ : એ પ્રતિપાદન થાય જ કેમ? આપ પર્વતરાય થશો તો બધા સંબંધો અને બધા વ્યવહારોના પર્વતરાય થશો. પર્વતરાય તરીકે આપ રાજ્યના ધણી થશો તેમાં જ લીલાવતીના ધણી થશો અને અમૃતમય સુખના અધિકારી થશો.

રાઈ : शान्तं पापम्। એવા શબ્દ મારે કાને ન સંભળાવાશો.

શીતલસિંહ : રાણીનું સૌંદર્ય અનુપમ છે.

રાઈ : તેથી શું ?

શીતલસિંહ : એવી અનુપમ સુંદરીના ધણી થવાનો આપણે વાંધો શો છે ?

રાઈ : વાંધો એ છે કે હું તેનો ધણી નથી.

શીતલસિંહ : એ આપને પોતાના ધણી તરીકે કબૂલ કરશે, પછી શું !

રાઈ : એ તો માત્ર છેતરાઈને – હું ખરેખરો પર્વતરાયા છું એમ માનીને કબૂલ કરે. મારે શું અનીતિને માર્ગે જવું અને રાણીને અનીતિને માર્ગે દોરવી?

શીતલસિંહ : પર્વતરાય રૂપે પર્વતરાયની ગાદીએ બેસવામાં અનીતિ નથી, તો પર્વતરાયની રાણીના પતિ થવામાં અનીતિ શાની ?

રાઈ : (સ્વગત) એ ખરું કહે છે, પણ અવળી રીતે કહે છે. બન્ને કાર્ય સરખાં અનીતિમય છે. (પ્રકટ) શીતલસિંહ ! આ વાત તમારા સમજવામાં નથી આવતી કે લીલાવતી રાણી સાથે મારું નહીં પણ મરહૂમ પર્વતરાયનું લગ્ન થયું હતું; અને, લગ્નથી જ પતિ પત્નીનો સંબંધ થાય છે.

શીતલસિંહ : લગ્નની ક્રિયા વિના લીલાવતીના પતિ થવામાં આપને સંકોચ થતો હોય તો એવી ક્રિયા કરાવજો. જુવાની આવ્યા પછી લગ્નની ક્રિયાનો ઉલ્લાસ ખરેખરો અનુભવાશે એમ રાણીને સમજાવી એ ક્રિયા ફરી થઈ શકશે.

રાઈ : એવી કપટ ભરેલી ક્રિયાથી અનીતિ તે નીતિ થાય?

શીતલસિંહ : તે દિવસે નગરમાં એક દુઃખી વિધવા રોટી હતી અને અનાથ દશાનાં સંકટ કહેતી અહતી, ત્યારે આપે કહ્યું હતું કે એ ફરી લગ્ન કરે એવી છૂટ હોય તો એ ફરી સંસાર માંડી શકે અને સુખી થઈ શકે.

રાઈ : હા, મારો એવો મત એવો છે કે વિધવાઓ માટે પુનર્લગ્નનો માર્ગ ખુલ્લો હોવો જોઈએ કે જેની ઈચ્છા હોય તે ફરી વિવાહિત જીવનમાં પ્રવેશ કરી શકે અને ફરી સૌભાગ્ય મેળવી શકે. પુનર્લગ્ન એ લગ્નના જેવો જ સ્વાતંત્રયનો વિષય છે. અને, સ્ત્રીનું સ્વાતંત્ર્ય શા માટે લઈ લેવું જોઈએ ?

શીતલસિંહ : રૂઢિ વિરુદ્ધ એમ હદપાર જવાનું પાપ કહો છો તો લીલાવતી રાણીના પુનર્લગ્નમાં અનીતિ શી?

રાઈ : સમજી ને સ્વેચ્છાથી કરવાના પુનર્લગ્નનો હું પક્ષ કરું છું, કપટથી કરવાના પુનર્લગ્નનો હું પક્ષ કરતો નથી. હું પર્વતરાય છું. એમ જાણી લીલાવતી મારી સાથે લગ્નની ક્રિયા કરે એ પુનર્લગ્ન કહેવાય નહિ.

શીતલસિંહ : પર્વતરાય હયાત છે અને આપ પર્વતરાય છો એ વાતો તો નિશ્ચળ છે અને ફેરવાય એવી નથી. હવે એ વાતનો આપ ઇનકાર કરો તો કેવો ઉત્પાત થાય? આપણો કેવો ઉપહાસ થાય અને વિનાશ થઈ જાય!

રાઈ : શીતલસિંહ !

(અનુષ્ટુપ)

 

વિનાશ રોકવો શાનો , એ જ ચિન્તા ઘટે ખરે;

બાકીનાં પરિણામો તો અનુષંગિક ગૌણ છે.

 

શીતલસિંહ : મારે જાલકાને બધો વૃત્તાંત કહેવાનો છે, તે શું કહું?

રાઈ : જે બન્યું છે તે કહેજો, અને કહેજો કે હું વિચારમાં છું.

શીતલસિંહ : કાલે રાત્રે આપણે ભોંયરામાં દાખલ થવાનું છે. તેડવા ક્યાં આવું ?

રાઈ : કિસલવાડીમાં. હું ત્યાં જ જઈશ.

શીતલસિંહ : અત્યારે અહીં એકલા પડી આપ વધારે વ્યગ્ર થશો માટે વાડીએ જઈને નિદ્રા લેશો.

રાઈ : જે મળશે તે લઈશ. મારી ફિકર ના કરશો.

[બન્ને જાય છે.]

 

 

પ્રવેશ ૫ મો

સ્થળ : કિસલવાડી પાસે નદીનો કિનારો

[રાઈ રેતીમાં ફરતો પ્રવેશ કરે છે.]

રાઈ : શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખર સાચી છે. તે એ કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. હું વસતીમાં કદી રહ્યો નથી., તેથી કદાચ એમ હશે. પરંતું⁠⁠ લીલાવતીનું સૌન્દર્ય અતીવ મનોહર છે એ તો નિઃસંદેહ છે. એવા સૌન્દર્યના ઉપભોગ માટે પર્વતરાયે યૌવન પ્રાપ્તિની ઇચ્છા કરી હોય તો તે ક્ષમા કરવા યોગ્ય છે. પણ, ગયેલું યૌવન કદી પાછું આવતું નથી એ નક્કી છતાં પર્વતરાયે લીલાવતી સાથે લગ્ન કરી તેનું સૌન્દર્ય નકામું કરી નાખી દીધું એ શું વ્યાજબી હતું?

(અનુષ્ટુપ)

 

સૌન્દર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે;

દૂરવાયા કરવા તેનો અધિકાર ન કોઈને. ૫૦

 

લીલાવતીનું લગ્ન કોઈ યુવાન વીર નરેન્દ્ર સાથે થયું હોટ તો તેમનું જીવન કેવું ધન્ય થાત અને દુનિયામનામ દંપતી-રત્નોનું ઔજ્જવલ્ય કેવું પુષ્ટ થાત ! હું પર્વતરાય તરીકે નહિ, પણ જગદીપ તરીકે ગાદીએ હોત તો લીલાવતી જેવી રાણી... (ખેંચાઈને) અરે ! આ શું ? પરસ્ત્રી વિષે લાલસા ભર્યા વિચારને હું મારા ચિત્તમાં પ્રાવેશ કરવા દઉં છું ને વધવા દઉં છું ! આહ ! શીતલસિંહ ! તેં સૌન્દર્યમોહનો કીડો મારા ચિત્તમાં મૂક્યો ! અરે ! પણ, મેં એ કીડાને ટકવા કેમ દીધો ? ટકવા દીધો તો આમ ઊપડી આવ્યો ! પણ ત્યારે, શું મારે સૌન્દર્ય એ વસ્તુનો જ તિરસ્કાર કરવો ?

(ઇન્દ્રવજ્રા)

 

જે સૃષ્ટિકેરા યશની પતાકા;

જે પ્રેરણાઓ તણી ખાણ મોંઘી

જેનાં ત્રિલોકે ગુણગાના થાય,

સૌન્દર્ય તે શું મુજ દ્વેષ યોગ્ય? ૫૧

 

લીલાવતીનું સૌન્દર્ય પરમ આદરને યોગ્ય છે, પણ આદર પછી કઈ વૃત્તિ ? અહો ! શું એ આદર આ ⁠⁠ ગૂંચવણ ઉત્પન્ન કરે છે ? ના ! ના ! સૌન્દર્યને અને આ ગૂંચવણને શો સંબંધ છે ? મારે પર્વતરાય થવું પડે ત્યારે પર્વતરાયની રાણી લીલાવતીનું શું કરવું એ જ પ્રશ્ન છે. લીલાવતી સુન્દર હોય કે ન હોય પણ એ પ્રશ્ન તો એનો એ જ છે. શું હું એટલો દુર્બલ છું કે એ સૌન્દર્ય તરફના આદરને લીધે મારા નિર્ણય લઈ શકતો નથી ? એમ હોય કેમ ! સૌન્દર્ય તરફનો આદર એ તો ઉદાર વૃત્તિ છે. એ અધમ વૃત્તિ નથી, પણ વૃત્તિઓનું પૃથ્થકરણ અત્યારે શું કામ આવે એવું છે? (અટકીને) હું કેવો મૂર્ખ ! મને સૂઝયું જ નહિ કે પર્વતરાય થતાં મારે તેની રાણીના પતિ થવું પડશે ! જાલકા મને ‘શાહી અને કાગળનો પંડિત’ કહે છે તે ખોટું છે? જાલકાએ અને શીતલસિંહે તો મને ગાદીનો માલિક બનાવતાં રાણીનો સ્વામી પણ બનાવવા ધારેલો જ, પણ એમણે એ વાત મારાથી ગુપ્ત રાખી. એમને મન ખુલ્લું હતું તેનો મને ખ્યાલ પણ ન આવ્યો એવી મારી પંડિતતા! લાવ, મારી ભૂલના ચિહ્નનો કાપો કાગળ ઉપર નાખતી કોતરી નાખું કે હૃદયનો કાપો ચિત્ર રૂપે મારી આંખ આગળ ધરી શકાય. (ગજવામાંનો કાગળ કાઢે છે. કાગળ ઉઘાડી) આ શું ? મારા લખાણ નીચે જાલકાના અક્ષર ક્યાંથી? એણે શું લખ્યું છે? (વાંચે છે)

⁠“‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;”

⁠⁠ શું હું માત્ર બાજીનું સોકઠું ? મારું નરત્વ નહિ, મારું વીરત્વ નહિ, ને જાલકા પોતાના પાસા નાખે તેં મને ફેરવે ! જાલકા પોતાને પણ સોકઠું કહે છે એ એની ચતુરાઈ છે, અને એને સોકઠું થવું હોય તો ભલે થાય, હું નહિ થાઉં. બીજી લીટી શી છે? (વાંચે છે.)

“છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડિ એકઠાં?”

⁠⁠ આ બધી છેતરપિંડી તે જાલકાને મન રમત છે અને ખેલ છે ! બાજી રમી રહીને રામનારાંએ હસવાનું, તેમ આ સહુ કપટ અને અનીતિને અન્તે અમારે સાહુએ મળી હસવાનું ! એ સૂત્ર મારાથી કબૂલ નહિ થાય. જાલકાએ જાણેલું તે મેં ન જાણેલું એટલો એની વ્યવહારકુશળતાએ વારી પંડિતતાનો પરભાવા કર્યો. તો મારી પંડિતતાનો એ વિજય છે કે એણે ઇચ્છયું તે મેં નથી ઇચ્છયું, અને હું તે નહિ ઇચ્છું. (અટકીને) શું મારી ઇચ્છાને હવે અવકાશ નથી , અને હું બંધાઈ ગયો છું? શીતલસિંહે કહ્યું કે પર્વતરાય થવાથી મારી કબૂલતમાં પર્વતરાયના બધા સંબંધો અને બધા વ્યવહારોનો સ્વીકાર આવી જાય છે. શું પર્વતરાય થવાનું કબૂલ કરતી વખતે મેં લીલાવતીના સ્વામી થવાની ધારાણા કરેલી એમ જ મનાશે? મારા કપટમાં કામવાસનાનો અંશ નહોતો એ વાત શું કોઈ નહિ માને? તે વખતની મારા મનની સ્થિતિ તે કોણ જાણે ? હા ! આ જ સ્થાન હતું . આ નદી બધું જાણે છે !

(હરિગીત)

 

ઓ ! રંગિણી ! તું સાક્ષિ છે તે સરવા મારા તર્કની,

સંકલ્પ ને સંદેહ મારા તેં સુણ્યા તે રાત્રિયે;

લાવું જગતને તારિ પાસે તો ખરું શું તું ન ક્હે?

કંઈ કંઈ યુગોનું મૌન તુજ, મુજ અર્થા તું તોડે ન શું ? ૫૨

અને, મારા મનની એ વિશુદ્ધતા મનુષ્યો કદાચ કબૂલ ન કરે, માટે શું એ વિશુદ્ધતા મારે મૂકી દેવી ? ત્યારે, પર્વતરાય થવું અને લીલાવતીના સ્વામી ન થવું એમાં શી રીતે કરવું ? (અટકીને) એ તો કેવળ અશક્ય છે. કાં તો બન્ને થવું કામ તો એકે ન થવું એ બે જ માર્ગ છે. કોઈ વચલો માર્ગ છે જ નહિ. વચલો માર્ગ ખોળવો⁠⁠ એ ભ્રાન્તિ છે. તો સામ સામા બે માર્ગમાંથી ગમે તે માર્ગે આંખો મીંચી ઘસડાઈ જવું? મને ઘસડી જઈ શકે એવો કોઈ વાયુવેગ છે? આ કાગળમાં શું લખ્યું હતું ? (વાંચે છે.)

‘બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,

તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.’

 

એખરી વાત છે. માણસ જાતે જ માર્ગ પસંદ કરે છે. ઘસડાવાનું કહેવું એ માત્ર જવાબદારીમાંથી બચવાનું બહાનું છે. મારા પુસ્તકજ્ઞાનથી લખેલો સિદ્ધાન્ત કેવો અણીને વેળે સહાયકારક થયો ! સિદ્ધાન્ત થયો. (કાગળ ગજવામાં મૂકે છે) હવે નિર્ણયા કરું કે બેમાંથી કયો માર્ગ લેવો ? લીલાવતીનું સ્વામીપણું મૂકી દેતાં પર્વતરાયપણું જશે, કનકપુરની ગાદી જશે, ગુજરાતનું મોટું રાજ્ય જશે, ગુર્જરો પરનું આધિપત્ય જશે, દ્રવય –સૂખા-વૈભવના ભંડાર જશે, પુરુષાર્થના પ્રસંગો જશે, સંકલ્પ કરી મૂકેલી ધારાણાઓ જશે, જાલકાના મનોરથ જશે, સ્નેહીઓના સંબંધ જશે. (આંખો મીંચીને ક્ષણભર સ્તબ્ધ ઊભો રહે છે. પછી આંખો ઉઘાડીને)

(ઉપજાતિ)

 

જાઓ ભલે જીવન-આશા સર્વે

ઉત્પાત થાઓ ! ઉપહાસ થાઓ !

થાઓ તિરસ્કાર ! વિનાશ થાઓ !

ના એક થાજો પ્રભુપ્રીતિનાશ

 

(ઘૂંટણીએ પડીને) પતિતોદ્ધારક પ્રભુ !

(અનુષ્ટુપ)

 

સન્મતિ પ્રેરિ છે જેવી, આપજો બલ તેહવું

કે હું સર્વસ્વ છોડીને તમને વળગી રહું. ૫૪

 

⁠⁠ (ઊભો થઈ) હવે મને ભીતિ નથી , શંકા નથી. મારા કર્તવ્યનો માર્ગ સ્પષ્ટ અને સીધો દેખાય છે. આજે હું ઘણે મહિને નિરાંતે ઊંઘીશ.

[જાય છે.]

 

 

પ્રવેશ ૬ ઠ્ઠો

સ્થળ : કિસલવાડી.

[રાઈ અને શીતલસિંહ ફરતા પ્રવેશ કરે છે.]

શીતલસિંહ : મહારાજ ! આપણે સ્વસ્થ અને પ્રસન્ન જોઈ મને બહુ હર્ષ થયો. મને ભય હતો કે આપ વ્યગ્ર અને વ્યાકુલ હશો.

રાઈ : વ્યગ્રતા અને વ્યાકુલતા સહુ દૂર થઈ ગયાં છે. મારું ચિત્ત ભયથી મુક્ત થઈ શાન્તિ અને આનન્દ પામ્યું છે.

શીતલસિંહ : આપે વિચાર કર્યો ?

રાઈ : વિચાર કર્યો, એટલું જ નહિ પણ નિર્ણય કર્યો. ઉત્તમોટામાં અને પરમ સંતોષકારક નિર્ણય કર્યો છે. ચિન્તાનું કારણ નથી.

શીતલસિંહ : જાલકા બહુ ખુશી થશે.

રાઈ : જાલકા શું , પણ સહુ કોઈ બહુ ખુશી થશે.

શીતલસિંહ : (આસપાસ જોઈને) આપણે કઇ તરફ જઈએ છીએ. હું તો આપ જાઓ છો તેમ આવું છું.

રાઈ : તે રાત્રે તમે ને પર્વતરાય આ વાડીમાં દક્ષિણ તરફથી પેઠેલા ત્યાં આપણે આવી પહોંચ્યા. તે વેળા પર્વતરાયે પાડેલું છીદ્ર આ રહ્યું. તેમને તેમ રહેવા દીધું છે.

શીતલસિંહ : મહારાજા આવું જોખમ ભર્યું સાહાસ શા માટે કરવું. પર્વતરાએ મારું કહેવું નહિ માનેલું ને આ ઉજજડ જગ્યાએ આવી પ્રાણ ખોયા !

રાઈ : મને પણ કોઈનું તીર વાતે તો તે તીર મારનારને તમે રાજા બનાવજો.

શીતલસિંહ : ઘણી ખમા મહારાજ ! એ શું બોલ્યા ! હું તો આપનો વફાદાર ને આજ્ઞાધીન સેવકા છું. પણ અરે ! પણે નદીમાં શો ચમત્કાર દેખાય છે ? વહેતા પાણીમાં દીવા તણાયા જાય છે. એક જાય છે ને બીજો આવે છે ! ત્યાં માણસ તો કોઈ દેખાતું નથી !

રાઈ : દેખાવ અદ્ભુત છે. તમે નદીકિનારે જઈને જોઈ આવો તો એ દીવા મૂળ ક્યાંથી આવે છે.

શીતલસિંહ : રાત અંધારી છે, ચંદ્ર હજી ઊગ્યો નથી, ને એ દીવા તે કોણ જાણે શું હોય ?

રાઈ : તમે બીઓ છો?

શીતલસિંહ : મહારાજ ! બીવાનું કારણ છે.

રાઈ : જેની કેડે તરવાર હોય તેને બીવાનું કારણ હોય જ નહિ.

શીતલસિંહ : મારી તો હિંમત નથી ચાલતી. મારાથી તો નહિ જવાય.

રાઈ : હિંમતથી ના જવાતું હોય તો આજ્ઞાથી જાઓ. તમે હમણાં જ કહ્યું કે ‘હું આપનો આજ્ઞાધીન સેવક છું.’

શીતલસિંહ : આપ હુકમ કરીને મોકલો તો હું જાઉં છું, પણ હું બૂમ પાડું તો આપ આવી પહોંચજો. (છીંડામાંથી નીકળી દીવા તરફ જાય છે)

રાઈ :

(શાર્દૂલવીક્રીડિત)

 

પાડ્યું પર્વતરાય ગુર્જરનૃપે આ છિદ્ર જે વાડમાં,

ત્યાંથી તેમનું મૃત્યુ પેઠું, વળી તે સંતાપ પેઠા મુજ;

પેટી રાજ્યની ક્રાંતિ કોઈ કપરી, સંગ્રામ પેઠા કંઈ,

ભાવી શી ઈતિહાસસૃષ્ટિ બનશે એ એક ચેષ્ટા થકી ? ૫૫

 

ગમે તે પરિણામ થાઓ , પણ મારી ગ્રન્થિઓનો ભેદ થયો છે અને મારા સંશયોનો છેદ થયો છે, એટલે હું નિશ્ચિન્ત છું. [૧]પરંતુ, એ નિશ્ચિન્તતાથી પર્યાપ્તિ નથી લાગતી

(શાર્દૂલવીક્રીડિત)

 

રાત્રીએ ઝટ અંધકારપટ આ સંકેલી કેવું લીધું !

આકાશે ભરી દિધી શી દશ દિશા આશા રુપેરી રસે !

વરતાવી દિધું કેવું પ્રેંખણ બધે લ્હેરો થકી વાયુએ !

ઊગ્યો ચન્દ્ર અને પ્રવૃત્તિ પ્રસરી, નિશ્ચેષ્ટ સૂતું ન કો ! ૫૬

 

મારા પ્રબોધની શાંતિને પણ કંઈ એવું ઉત્સર્પણ દોલાયમાન કરે છે. શું ત્યારે નિશ્ચેષ્ટામાં કૃતકૃત્યતા નથી? પણે શીતલસિંહ ઘવાયેલા શિકારને પગલે આવે છે !

[શીતલસિંહ પ્રવેશ કરે છે.]

 

કેમ શીતલસિંહ ! જીતી આવ્યા કે જીતાડી આવ્યા?

શીતલસિંહ : અરે મહારાજ, એ તો કંઈ વસમું છે !

રાઈ : જરા ધીરા પડીને કહો.

શીતલસિંહ : દીવા ઉપલાણેથી આવે છે, તેથી હું નદીકિનારે ચાલતો ચાલતો ઉત્તર તરફ ગયો. દીવા તો આવ્યા જ જાય. જતાં જતાં આ વાડીનો ઉતરાતો દરવાજો પડે છે, એટલે સુધી હું લગભગ પહોંચ્યો. ત્યાં નદીના ઓવારા પર શિવનું દહેરું આવ્યું. દીવા તેમાંથી નીકળતા હતા, તેથી અંદર જઈને જોઉં છું તો જળાધરી કને કોઈ માણસનું માથા વગરનું ધડ પડેલું. શિવલિંગ ઉપર ઊંચે ચોટલાવતી બાંધેલું માથું લટકે, ને તેમાંથી લોહીના ટીપાં શિવલિંગા ઉપર પડે. ત્યાંથી લોહી વહી નીચે પડખામાં મોટા કુંડમાં નળ વાટે ટપકે. કુંડમાં સેંકડો પડિયા તરે અને દરેક પડિયામાં ઘીનો દીવો. જે પડિયા પર નળમાંથી લોહી ટપકે તે પડિયો ટપકાના જોરથી કુંડમાંથી બહાર વહી આવી નદીમાં જાય. એ રીતે એ દીવાની હાર આવે છે. ત્યાં કોઈ માણસ નથી. અને એ રીતે કોણ જાણે ક્યારનું યે થતું હશે ! વાડીમાં હું ઉગમણે ઝાંપેથી આવ્યો છું, તેથી તે વકહતે આ દીવા હશે કે નહિ તે મને ખબર નથી.

રાઈ : બીજી કાંઈ તપાસ કરી ?

શીતલસિંહ : બીજે શી તપાસ કરું ? માણસ તો ઓળખાયો નહિ. અને એ દેખાવા જોતાં વાર મારા ગાત્ર શિથિલ થઈ ગયાં. પગ લથડી ગયેલા, તોપણ જેમ ઉતાવળું ચલાય તેમ ચાલી હું એક શ્વાસે અહીં પાછો આવ્યો. રેતીમાં ચાલતો જાઉં ને દહેરા તરફ જોતો જાઉં કે એમાંથી કોઈ નીકળતું તો નથી.

રાઈ : પણ તમને પાછા આવતા કાંઈક વધારે વાર થઈ. દહેરું અહીંથી આઘું નથી. તેથી લાગે છે કે કંઈ વિચાર કરવા ઊભા રહ્યા હશો.

શીતલસિંહ : વિચાર ? વિચાર તે શા હોય ?

રાઈ : એ દેખાવા જોઈ કાંઈ વિચાર તો તમારા મનમાં ઉત્પન્ન થયા છે જ. શા વિચાર આવ્યા ? સાચું કહો.

શીતલસિંહ  : મહારાજ એવા વિચાર તો ઘણા આવે. વિચાર કાંઈ આપણને પૂછીને આવે છે? ને ગભરાટની દશા !

રાઈ : ગભરાટના ગમે તેવા વિચાર હોય તો પણ મારે તે જાણવા છે. કહો.

શીતલસિંહ : ખરાખોટા ને ગાંડાઘેલા વિચાર શું કામ કહેવડાવો છો ? અને કંઈ બધું સાંભરે છે?

રાઈ : તમને બધું સાંભરે છે ને કહેવું જ પડશે. મારી આજ્ઞા છે.

શીતલસિંહ : આપની આજ્ઞાને આધીન છું. મારી જ્ઞાનેન્દ્રિયો પહેલાં મારી કર્મેન્દ્રિયો આપની આજ્ઞાને વશ થાય છે, એવો આપનો પ્રતાપ છે; પણ મારા વિચાર જાણ્યાથી આપને રોષ થાય તો ?

રાઈ : ગમે તેવા વિચાર તમને થયા હશે, પણ તમને ક્ષમા કરીશ. મારું અભય વચન છે.

શીતલસિંહ : દહેરામાંનો દેખાવ જોઇ મને એવો વિચાર થયો કે ઓ ! પ્રભુ ! પેલો માળી રાજા થયો તેના કરતાં આ બાપડાએ મસ્તકપૂજા કરી તે રાજા કેમ ન થયો ? એ વિચારથી મારું હૈયું ભરાયું ને હું થોડી વાર ત્યાં ઠરી ગયો. વિચાર બહુ મૂર્ખાઈભરેલો હતો, માટે હું ક્ષમા માગું છું.

રાઈ : ક્ષમા તો મેં પ્રથમથી આપેલી જ છે, અને શીતલસિંહ ! તમારો વિચાર મૂર્ખાઈભરેલો નહોતો. માત્ર માળીનો ધંધો કરનારમાં રાજા થવાની લાયકાત આવેલી ન હોય એ પણ ખરું છે, અને હું માળી જ હોત તો હું રાજા થવાનું કબૂલ કરત પણ નહિ. પણ હું માળી નથી. હું સ્વર્ગવાસી રાજા રત્નદીપનો પુત્ર જગદીપદેવ છું, અને જાલકા તે મારી માતા અમૃતદેવી છે.

શીતલસિંહ : હેં ! હેં ! કેવું આશ્ચર્ય ! આપ એ ખરું કહો છો?

રાઈ : જુવો, આ મારી કમ્મરે મારા પિતાની ગોળ તરવાર વીંટાળેલી છે, અને તેની મૂઠ પર તેમની રત્નમુદ્રા છે.

[કમર પરનાં વસ્ત્ર ખસેડીને તરવાર બતાવે છે.]

શીતલસિંહ : આજ સુધી આપને માળી ગણ્યા તે મારો અપરાધ ક્ષમા કરો, મહારાજ !

[પગે પડે છે]

રાઈ : મેં પોતાને માળી ગણાવ્યો છે. તમારો અપરાધ નથી. ઊઠો.

[ઉઠાડે છે]

શીતલસિંહ : મહારાજ ! કૃપાવન્ત છો, માટે પૂછું છું. આ પ્રકારે રાજ્ય મેળવવાનું કેમ પસંદ કર્યું ?

રાઈ : મને રાજ્ય અપાવવા જાલકા માલણને વેશે અહીં આવી, અને તે મને રાજ્ય અપાવવાની યોજનાઓ કરતી હતી. એવામાં પર્વતરાયનો અકસ્માત વધ થયો, તેથી જાલકાએ આ પથ ગ્રહણ કર્યો.

શીતલસિંહ : આપ તો પ્રથમથી નાખુશ હતા તે હું જાણું છું. જાલકાએ અને મેં આગ્રહ કરી આપને આમ રાજા બનાવ્યા.

રાઈ : શીતલસિંહ ! એક માત્ર પ્રભુ સિવાય બીજું કોઈ સંપત્તિ આપવા સમર્થ નથી. તમે એમ માનતા હો કે મેં રાજ્ય અપાવ્યું, કે જાલકા એમ માણતી હોય કે મેં રાજ્ય અપાવ્યું કે હું એમ માણતો હોઉં કે મેં રાજ્ય મેળવ્યું, તો તે સર્વ ભ્રાન્તિ છે.

(દોહરો)

 

પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ના કાંઈ;

રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહીં.

કારણોના કારણોને પ્રવર્તાવનાર મૂળ કારણ અને કર્તા તે પરમાત્મા છે. આપણું કર્તવ્ય માત્ર તેનાં સાધનરૂપે પ્રવૃત્તિ કરવાનું છે. તેને જે સિદ્ધિ ઇષ્ટ છે તેનો માર્ગ આપણે ત્યાગ કરીએ ત્યાં આપણી જવાબદારી ઉત્પન્ન થાય છે, પણ સિદ્ધિ તો તેની જ છે. પ્રભુની ઈચ્છા વિના મને રાજ્ય મળવાનું નથી.

શીતલસિંહ : મહારાજ ! આપને રાજ્ય મળી ચૂક્યું છે. હવે પાછલી વાત ઉઘાડવાની જરૂર નથી.

રાઈ : એમ હું નથી માનતો. અને વળી, તમને છૂટ આપું છું કે તમારી ખુશી હોય તો અત્યારે જઈને પ્રકટ કરો કે આ પર્વતરાય નથી, પણ જગદીપદેવ છે.

શીતલસિંહ : મહારાજ ! મને એવો હલકો ધાર્યો ? વળી, હવે એ વાત કોઈ માને પણ નહિ, અને મને એથી લાભ પણ નહિ. પર્વતરાયના વધની હકીકત મનાય તો પણ તે ગુપ્ત

રાખ્યાના ગુનાહ માટે મને કોણ જાણે કેવો દંડ થાય ? હવે તો જે બન્યું છે તે કાયમ રાખવું એ જ માર્ગ છે.

રાઈ : તમને યોગ્ય લાગે તેમ તમે કરજો. તમારા વિચાર જાગ્રત કરવાને માટે મેં તમને દીવાનું મૂળ સ્થાન જોવા મોકલ્યા હતા. દેહરામાંની અને દીવાની બધી ગોઠવણ મેં કરેલી છે. તમે તપાસ કરી હોત તો જણાત કે એ ધડ અને માથું મીણના છે. અને એ ટપકે છે તે લોહી નથી પણ લાલ રંગનું પાણી છે.

શીતલસિંહ : મહારાજ ! એ બધો શ્રમ શા માટે લીધો?

રાઈ : તે દિવસે નગરમાં મસ્તકપૂજાનો ગરબો [૨]સ્ત્રીઓ ગાતી હતી, તે સાંભળી તમે કહેલુંકે જે મસ્તક પૂજા કરી રાજ્ય માગે તેની વંછા મહાદેવ બીજે જન્મે પૂરી કરે. તેથી મને મળેલા રાજ્ય વિશે તમારા મનમાં વિચાર ઉત્પન્ન કરવા મેં આ ઘટના કરેલી.

શીતલસિંહ : મહારાજ ! બુદ્ધિવડે, પ્રભાવવડે અને ભાગ્ય વડે આપ રાજા થવા યોગ્ય છો. મને આપના નિષ્ઠાવાન ભકત તરીકે સ્વીકારશો. કાલે સાંજે આપ ભોંયરામાંથી નીકળી સવારી ચઢાવશો ત્યારથી આપ ગુર્જરેશ પર્વતરાય છો, અને હું આપનો સદાનો વફાદાર સામંત શીતલસિંહ છું. હવે આપણે જવું જોઈએ. આપને ભોંયરામાં દાખલ થવાનો વખત થયો છે, અને જાલકાને અધીરાઈ થતી હશે.

[બન્ને જાય છે]