જલપરી ની પ્રેમ કહાની - 2 Bhumika Gadhvi अद्रिका દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલપરી ની પ્રેમ કહાની - 2

કૃષ્ણકાંત ની વાત સાંભળી ગુરુજી ના મુખ પર એક મંદ હાસ્ય ફરક્યું. કૃષ્ણકાંત ને આ જોઈ બહું નવાઈ લાગી. એ વિસ્મય ભરી નજરે ગુરુજી ની સામે જોઈ રહ્યા. એમની આંખો જાણે ગુરુજી ને પ્રશ્ન કરી રહી હતી કે આવી ગંભીર વાત માં આપને એવું તો શું શુઝ્યું કે આપના મુખ પર હાસ્ય ની લહેરખી ફરી વળી છે.


બહુજ જલદી ગુરુજીએ મૌન ભેદ્યું કૃષ્ણકાંત આપને યાદ છે જ્યારે આપના લગ્ન ના ઘણાં વર્ષ વીત્યા પછી પણ આપના ઘરે કોઈ જ સંતાન ન હતું? આપે તમામ મોટા મોટા ડોક્ટર ની સલાહ લીધી, બાધા આખડી કરી અને આખરે મારી પાસે આવીને તમારા અંતરનું દુઃખ ઠાલવ્યું હતું?


હા, ગુરુજી મને આજે પણ એ દિવસ બરોબર યાદ છે. હું કેવી રીતે એ હતાશા ભર્યા દિવસો ભૂલી શકું? મેં અને મારી પત્નીએ આપના ચરણ પકડી ને આપની સમક્ષ ભીની આંખોએ અમારી વેદના રજૂ કરી હતી અને અમારી મુંઝવણ નો કોઈ ઉકેલ લાવવા માટે યાચના કરી હતી.


આપે એના માર્ગનાં રૂપમાં અમને ગોપાલ યજ્ઞ અને પુત્ર કામેષ્ઠી યજ્ઞનું અનુષ્ઠાન કરાવેલું અને એના ફળ સ્વરૂપે થોડા જ સમય માં અમારા ઘરે મુકુલ નો જન્મ થયો. એનું નામકરણ પણ આપે જ કર્યું હતું અને આજે તમેજ કહો છો કે એ વ્હાલસોયા દીકરાને હું મોતના મોંમાં જવા માટે રજા આપુ? કેવી રીતે ગુરુજી હું એમ કરી શકું?


કૃષ્ણકાંત તમે બધું જ કહ્યું પણ એક વાત તો રહી ગઈ, શું ગુરુજી? એજ કે આપે ઈશ્વર પાસે થી એક સંતાન ની યાચના કરી પણ ઈશ્વરે આપને બે બે દીકરા આપ્યા. હા ગુરુજી પણ બે હોય કે ચાર માં બાપ ને મન તો બધાજ સંતાનો સમાન હોય છે. બે દીકરા છે એટલે એક ને મારા થી દૂર કરી દઉં એવું તો ના હોય ને.


શું ખબર ઈશ્વરે આપને એક ના બદલે બે દીકરા આપ્યા છે એમાં એમનું પણ કોઈ ખાસ પ્રયોજન હોય અને વાત રહી મોતના મોંમાં જવાની રજા આપવાની તો કૃષ્ણકાંત એક વાત નો જવાબ આપો કે મૃત્યુ કોઈ વ્યક્તિ છે જેને એક જ મુખ છે? મૃત્યુ તો અત્ર તત્ર સર્વત્ર બધેજ પ્રવર્તમાન છે. શું તમે ચોક્કસ પણે કહી શકો કે મૃત્યુ ફક્ત સરહદ ઉપર જ છે, શું આપના આ આલીશાન ઘરના આ સુવિધા સંપન્ન ઓરડામાં એ નથી?


ગુરુજી ની વાત સાંભળી કૃષ્ણકાંત છેક અંદર સુધી હાલી ગયા. કૃષ્ણકાંત મૃત્યુ તો એ સનાતન ક્ષણ છે જે સૌના જીવન માં એક ને એકવાર તો આવવાની જ છે તો પછી એ એક ક્ષણ ના ભય થી જીવન ની લાખો કરોડો ક્ષણો ને ડરી ડરી ને જીવવી એ શું જીવન સાથે અન્યાય નથી? મૃત્યુ એ પરમ સત્ય છે તો તેનાથી આટલો ભય કેમ?


જીવન ની વ્યાખ્યા જ છે જન્મ થી મૃત્યુ સુધી ની એક સફર. સમય ની હરએક ક્ષણ અને પૃથ્વી નો હરેક ખૂણો મૃત્યુનું જ મુખ તો છે એ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેને ઈચ્છે પોતાના મુખ નો ગ્રાસ બનાવી શકે છે, પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી જ્યાં માનવ મૃત્યુની પહોંચ થી બહાર છે. માટે નાહક ચિંતા છોડો.


ગુરુજી ની વાત નો કોઈ જ ઉત્તર કૃષ્ણકાંત પાસે નથી, એ આંખો નીચી ઢાળી ને મૌન થઈ ને બેઠા છે. ગુરુજી આપની વાત સાવ સાચી પણ હું માં થઈ ને પોતાના વ્હાલ સોયા દીકરાને કેમ કરી આંખો થી અળગો કરું? વાતની કમાન હવે સ્મિતા બેને હાથ માં લીધી. મુકુલ ને સાંજે ઘરે આવતા સહેજ મોડું થાય તો મારો જીવ તાળવે ચોંટી જાય, મારી આંખો બારણે જ પથરાયેલી રે એ દીકરાને પોતાના થી અળગો કેમ કરું ગુરુજી?


સ્મિતાબેન જો જગતની બધીજ માતાઓ તમારી જેમ સ્વાર્થ ભર્યું વિચારવા લાગશે તો સરહદ પર જઈને દેશ ની રક્ષા કોણ કરશે? જો દશરથ રાજાએ સ્વાર્થી બની ને શ્રી રામ ને મુનિ વિશ્વામિત્ર સાથે અરણ્યમાં સાધુ સંતો ની રક્ષા માટે મોકલ્યા ના હોત તો નાતો અહલ્યાનો ઉદ્ધાર થાત, નાતો મુનિ વિશ્વામિત્ર દ્વારા રામને દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત થાય કે નાતો એ સ્વયંવર માં જઈ માતા સીતાને વરી લાવ્યા હોત.


માતા કોશલ્યા એ અગર મોહ વશ થઈ ને રામ ને પિતાનું વચન પાલન કરવા વનવાસ ના જવા દીધા હોત તો શું પૃથ્વી ને અશુરો ના અત્યાચાર થી મુક્તિ મળત? શું શ્રી રામ ભગવાન રામ બની હજારો વર્ષો સુધી જનમાનસ ના હૃદયમાં વસી પૂજાતા હોત?


માં તો સાક્ષાત્ ઈશ્વર તુલ્ય હોય છે તો તમે તમારી અંદર રહેલા ઈશ્વરને આટલો લાચાર અને કમજોર કેમ બનાવી દીધો છે. માં પોતાના સંતાન નું બળ હોય છે માટે તમે મુકુલ ની શક્તિ બનો એની ઉણપ નહિ.


સ્મિતા બેને પણ ગુરુજી ની વાત સામે હથિયાર મૂકી દીધા. એમની પાસે પણ હવે કોઈ જ તર્ક વિતર્ક ન હતો.


જુઓ કૃષ્ણકાંત અને સ્મિતા બેન તમે બંને ભણેલા, ગણેલા અને સમજદાર માતા પિતા છો માટે તમે તમારા દીકરાનું મનોબળ બનો બસ મારું આપને આટલું જ નિવેદન છે બાકી જેવી આપની ઈચ્છા. ગુરુજી એ એક લાંબો શ્વાસ લઈ છોડ્યો અને બાજુ ના ટેબલ ઉપર પડેલો પાણી ભરેલું પાત્ર લઈને થોડું પાણી પીધું.


કૃષ્ણકાંત અને સ્મિતા બહેને એક મેક ની સામે જોયું અને આંખ આંખ માંજ કંઇક વાત કરી લીધી. કૃષ્ણકાંત ગુરુજીના ચરણને સ્પર્શ કરી બોલ્યાં, ગુરુજી આપે મારા અંતરના ચક્ષુ ને ખોલી નાખ્યાં છે, હું દીકરાના મોહ માં પડી એની જ આશાઓ અને સપનાઓ ને કચડી નાખી મારા સપનાઓ નો મહેલ બનાવવા નીકળ્યો હતો પણ આપે મને એમ કરતાં અટકાવી મારી ઉપર બહું મોટો ઉપકાર કર્યો છે. હું તો આપનો પહેલે થીજ ઋણી છું આજે વધારે બની ગયો.


કૃષ્ણકાંત ની આંખો માં પાણી ઉભરાઈ આવ્યા અને એમની આંખો ચમકદાર થઈ ગઈ. સ્મિતા બેને પણ કંઇ જ બોલ્યાં વગર ગુરુજીના ચરણસ્પર્શ કર્યા. ગુરુજીએ બંને ને કલ્યાણ થાઓ ના આશીર્વાદ આપ્યા.


ઓરડાની બહાર થી આ બધું જોઈ, સાંભળી રહેલા મુકુલ ની આંખમાં હર્ષના આંશુ આવી ગયા, એના ચહેરા ઉપર સ્મિત નું મોજું રમી રહ્યું.


ક્રમશઃ........