રાતના ૯ વાગ્યાનો સમય છે રાધે કોમ્પલેક્ષની બધી દુકાનો બંધ થઈ ચૂકી છે આજુબાજુ માત્ર અંધારું છે અને એકાદ-બે દુકાનો ચાલુ છે કોમ્પલેક્ષની બહારના રોડ પર પણ બહુ ઓછી ગાડીનો આવરો જાવરો છે.
રાધે કોમ્પલેક્ષની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં એક લિફ્ટ નીચે તરફ આવી રહી છે આખરે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ પહોંચે છે અને લિફ્ટનો દરવાજો ખુલે છે.
લિફ્ટમાંથી સાવન (ઉંમર 26-28) અને એની ગર્લફ્રેન્ડ નીતા (ઉંમર 24-27) હસતા હસતા વાતો કરતા બહાર આવી રહ્યા છે...
નીતા : અરે યાર બોસ એ આજે બહુજ વર્ક લોડ આપેલો આપણે વાતો કરવાનો ટાઈમ ના મળ્યો
સાવન : હા, થેંક્સ ગોડ, ગઈ કાલ કરતા છતાંય ઓછું વર્ક હતું ગઈકાલે તો ૧૦ વાગી ગયેલા...
નીતા : હા યાર ... કોઈ વાતે સમજતો નથી નોંસેસ ઈડિયટને ડેટા ગઈ કાલે જ સેન્ડ કરી દીધેલા છતાંય ભૂલી ગયો અને મને કે મે તો જોયા જ નથી...
સાવન : (નીતાની સામે જોઈને હસે છે..) હા હા હા
આમ બંને લોકો વાતો કરતા કરતા રાધે કોમ્પ્લેક્ષની બહાર સીડી ઉતરે છે...
નીતા : આઈમ સૉરી સાવન..
સાવન : લે કેમ ?
નીતા : એક્ચ્યુરી આઈ નો, કે તારું કામ પતી ગયેલું છતાંય તું મારી માટે ઑફિસે બેઠો...
સાવન : મારી જાન માટે અટલુંય ન કરી શકું...
નીતા : ઓહો અટલોય ડાહ્યો ના બનીશ ઓકે (નીતા સાવનના ગાલ ખેંચે છે)
કોમ્પ્લેક્ષની બહાર બંને ઉભા ઉભા વાતો કરી રહ્યા હોય છે..
નીતા : સારું ચલ કાલે મળીએ...
સાવન : ઓય આમ ના ચાલે, ચાલને થોડીવાર સીડીએ બેસીએ પછી જઈએ..
નીતા : અરે સમજને યાર ઘરે બધા રાહ જોતા હશે...
સાવન : પ્લીઝ યાર ગઈકાલે પણ આપણે વાતો નહતા કરી શક્યા આજ તો ઓલરેડી ગઈકાલ કરતા ૧ કલાક વહેલા છે પ્લીઝ જાનું પ્લીઝ....
નીતા થોડા વિચાર કરે છે પછી અચાનક કહે છે..
નીતા : ઓકે ચલ એક શરત છે તોજ હો..
સાવન : (એકદમ ખુશ થઈને) હા બોલ બોલ શું ?
નીતા : તને ખબરને કોમ્પલેક્ષની બાજુમાં બહાર એક આઈસ્ક્રીમની દુકાન છે ચલ આજે કોન ખાઈએ એ કોન પૂરો થાય ત્યાં સુધી બેઠીશું પછી યાર જવું પડશે રિયલી ગઇકાલે પણ બહુજ લેટ થઈ ગયેલું ને...
સાવન : ઓહ, ગાંડી તારા માટે તો જાન પણ હાજર છે ઓકે ચલ આપણે લઈ આવીએ...
સાવન અને નીતા બંને આઈસ્ક્રીમ કોન ખાતા ખાતા અને હસી મજાક કરતા કરતા પાછા કોમ્પલેક્ષ તરફ આવે છે અને કોમ્પલેક્ષની બહારની સીડીએ બેસી જાય છે...
સાવન જેવો બેસે છે ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગે છે...
સાવન : અરે યાર આવા જ ટાઈમે ફોન આવે માંડ આપણે આજે બેઠા ને...
નીતા : ખિસ્સામાંથી કાઢ અને ઉપાડી લે બની શકે તારા ઘરેથી હોય...
સાવન : હમમમમમમ
સાવન ખિસ્સામાંથી ફોન કાઢે છે તો કોઈ "સોના" નામની છોકરીનો ફોન આવતો હોય છે અને એજ સમયે નીતાની નજર સાવનની મોબાઈલ ડિસ્પ્લે પર જાય છે...
નીતા. : (સાવન સામે મોઢું બગાડીને) ઓહો સોના...
સાવન આઈસ્ક્રીમના કોનનું પેકિંગ ખોલ્યા વગર જ એક હાથમાં કોન પકડી લે છે અને તરત કોલ ઉપાડે...
સાવન : હેલો હા બોલ સોના.. હાઉ આર યુ ?
સોના : (કોલમાંથી) હેલો ફાઇન એન્ડ યુ ?
સાવન : બસ એકદમ જલસા... બહુ મહિને કોલ આવ્યો... બહાર હતી કે શું ?
સોના : હા, યાર ગવર્મેન્ટ એકઝામની તૈયારી કરી રહી હતી ને...
એકબાજુ નીતા જલન અવસ્થામાં આઇસ્ક્રીમ ખાતી ખાતી સાવન સામે જોઈ રહી છે અને સાવન નીતાની આંખોમાં ફાટી રહેલો જ્વાળામુખી જોઈ શકે છે
એટલે સાવનને વહેલા ફોન મૂકી દેવાનું યોગ્ય લાગે છે..
સાવન : સોના હું જરા એક કામમાં બિઝી છું સો આપણે પછી શાંતીથી વાત કરીએ તો ?
સોના : હા, ઓકે ઓકે પછી કરીશ બાય, ટેક કેર...
સાવન : બાય સોના ટેક કેર
અટલું કહીને સાવન ફોન મૂકીને આઈસ્ક્રીમના કોનનું પેકીંગ ખોલીને ખાવા લાગે છે કે તરત...
નીતા : (આઇસ્ક્રીમ ખાતા ખાતા) ઓય ફોન કેમ કટ કર્યો ?
સાવન : લે અત્યારે તારી સાથે બેઠો છુ તો તારી સાથે વાત કરું કે એની સાથે...
નીતા : (મોઢું મરડીને) ઓહ મારી સામે તો વાત કરી જ ના શકે એટ્લે ઘરે ગયા પછી એની સાથે વાતો કરીશ એમને ?
સાવન : વોટ ? તને કઈ ખબર પણ છે ખરી કે બસ આમ જ હવામાં ગોળીબાર... છાની મની આઈસ્ક્રીમ ખા હો...
નીતા : હું ભૂખડી છું ?
સાવન : શું ?
નીતા : હું શું અહીં આઈસ્ક્રીમ ખાવા રોકાઈ છું ? મને એમ કે એ બહાને તારી સાથે બેઠીસને વાતો કરીશ.. હું કાંઈ આઈસ્ક્રીમ માટે નથી બેઠી.. ઓકે...
સાવન : અરે યાર મારો મતલબ એમ કે આઈસ્ક્રીમ ખા પીગળી જશે યાર....
નીતા : હું અહીં પેલી ચૂડેલના ફોન વિશે વાત કરી રહી છું અને તને આઈસ્ક્રીમના પીગળવાની પડી છે વાહ...
સાવન થોડી વાર આંખો બંધ કરીને પછી ફરી ખોલીને ઊંડો શ્વાસ લઈને છોડીને બોલે છે..
સાવન : અચ્છા પહેલા એમ કે ઝગડો કઈ બાબતનો છે ? આઈસ્ક્રીમનો કે સોનાનો કોલ આવ્યો એ બાબતનો...?
નીતા : (આંખો પહોળી કરીને) કોણ હતી એ ચૂડેલ ?
સાવન : અરે એક વર્ષ પહેલા દૂરની ફ્રેન્ડ હતી છેક એક વર્ષ પછી આજે અચાનક કોલ આવ્યો...
નીતા : ઓહ ફ્રેન્ડ અને મને આજે ખબર પડે છે વાહ...વાહ... અચ્છા આ દૂરની બેન તો સાંભળેલું દૂરની ફ્રેન્ડ શું હોય ?
અટલું કહીને નીતા ઉભી થઈ જાય છે અને ગુસ્સામાં આવી જાય છે...
સાવન : અરે બાબા, મતલબ કે દૂરની યાર.... કોઈજ વધુ નજીકના સંબંધ નથી અને એમા શું કહું અમારે વચ્ચે કઈ હતું જ નહીં તો...
નીતા : કેટલી ભોળી છું હું આપણી રિલેશનશિપની શરૂઆતમાં મેં મારી સામે કિરણાની દુકાનવાળો છોકરો મને લાઈન મારતો હતો છતાંય મેં તને વાત કરેલી કે એ મારી પાછળ પડેલો હતો...
સાવન : (માથે હાથ મૂકીને) અરે, પણ ના એ મને લાઇન મારતી હતી ના હું એની પાછળ પડેલો..
નીતા : મને શું ખબર હતું કે નહીં....
સાવન પણ ગુસ્સામાં આવીને આઈસ્ક્રીમ ખાતો ખાતો ઉભો થઈ જાય છે...
સાવન : લે આતો જો, અરે ગાંડી એમ તો હું પણ કહી શકુ ને કે મને શું ખબર કે પેલો કિરાણા વાળો લાઈન મારતો હતો કે પછી.....
અટલું બોલીને સાવન ચૂપ થઈ જાય છે અને હવે એને ખબર પડી ગઈ હોય છે કે મહાયુદ્ધને આમંત્રણ આપી ચુક્યો છે...
નીતા : કે પછી... બોલ બોલ કે પછી... હું એ કિરણા વાળાને લાઈન મારતી હતી એમજ ને... ? બસ આખરે શું તે મને આવી સમજી, આવું સાંભળવા હું રોકાઈ હતી આજે ?
સાવન : (થોડો શાંત થઈને) અરે આઇ મીન તે એ દિવસે કિરાણાવાળાની વાત કરેલી તો શું એ દિવસે મે કોઈ આરગ્યુમેન્ટ કરેલી ? તારી વાત સમજીને કેવો મે ટ્રસ્ટ કરી લીધેલો
નીતા : મેં તને બધું સામેથી કીધેલું અને તું, તું તો ચુડેલના કોલ આવ્યા પછી ફાટ્યો....કારણ કે તારા દિલમાં તો પાપ હતું ને..
સાવન : અરે પણ મારી પાસે કહેવા લાયક કઈ હોવું તો જોઈએ ને.. અમારે ક્યાં એકબીજા સાથે કોઈ રિલેશન હતુ એ માત્ર દૂરની ફ્રેન્ડ હતી
નીતા : તો શું મારે અને પેલાં કિરણાવાળા ને રિલેશનશીપ હતી એટલે મેં દિલ ખોલીને તને વાત કરેલી એમ કહેવા માંગે છે...
સાવન : (જોરથી ગુસ્સામાં આવીને) અરે મારી મા... (થોડો શાંત થઈને) કેમનો સમજાવું તને...
બન્ને જોરશોરથી ઝગડવા લાગે છે એમના અવાજ ના લીધે કોમ્પ્લેક્ષમાં બહારની સાઈડ ખુરશીમાં સૂતેલો સિકયુરિટી ગાર્ડ (ઉંમર ૪૦-૪૨) ત્યાં બેઠા બેઠા જોરથી અવાજ કરે છે...
સિક્યુરિટી : (ખુરશીમાં બેઠો બેઠો) અલા અહીં શુ લડવા આવ્યા છો શાંતીથી વાત કરો નહીં તો ભાગો....
સાવન : (કાકા સામે જોઈને) હા, કાકા સોરી બસ હમણાં નિકળીએ જ છે
નીતા સાવનની સામે આઈસ્ક્રીમ ખાતા ખાતા... કહે છે..
નીતા : આજે વાત પતાવીને જ જઈશ... મને નહતી ખબર કે તું આવો ચીટર નીકળીશ...
અટલું કહીને નીતા રોતા મોઢે આઈસ્ક્રીમ ખાવા લાગે છે...
નીતાને જોઈને સાવન એની નજીક જઈને એને શાંતીથી સમજાવે છે..
સાવન : નીતા, સાંભળ મારે અને સોના વચ્ચે કોઈજ રિલેશન નહતું માત્ર એ ફ્રેન્ડ હતી ગર્વમેન્ટ એકઝમની તૈયારીમાં લાગ્યા પીછી છેક એક વર્ષ પછી એનો કોલ આજે આમ અચાનક આવ્યો....
નીતા : ખરેખર જો કઈ નહતું તો એક વર્ષ સુધી એને તું યાદ રહ્યો અને આજે કોલ પણ કર્યો વાહ...
સાવન માથે હાથ મૂકીને બે ચાર આંટા મારીને...
સાવન : આતો ભારી કરી તે યાર, ઓકે ચલ સોનું ઓહ સોરી સોના એ મને ફોન કર્યો ને મે ઉપાડયો માટે સોરી બસ...
નીતા : (ગુસ્સામાં થોડું તીખું હસીને) ઓહ જોયુને જીભ પર આવી ગયુને જૂની ગર્લફ્રેંડનું વ્હાલ ભર્યું નામ મને તો પહેલેથી જ શક હતો જ કે તારું ક્યાંક તો બીજે લફડું છે જ..
સાવન : લફડું ? શું બોલી રહી છે ?
નીતા : હાશ તો, હમણાં જ અમુક દિવસ પહેલા રાતે કોલ કરેલો તો તારો મોબાઈલ બીઝી આવતો હતો
સાવન નીતાની વાતો સાંભળીને ગાંડા જેવો થવા લાગે છે...
સાવન : અરે પાગલ એ સોનાનો કોલ નહતો બજાજ ફાઇનાન્સ વાળાનો કોલ ઉઠાવેલો એજ ટાઈમ તારો કોલ આવેલો... હવે એમ ના કહેતી કે એમની જોડે પણ ચક્કર ચાલુ છે મારું...
નીતા : ચલ જુઠા, પહેલા મને તું એ કહે કે વાત કેમ ના કરી એની સાથે ?
સાવન : કોની સાથે ?
નીતા : અરે, “સોના ચૂડેલ” સાથે
સાવન : ઓહ ગોડ, અરે પહેલા તું મને એમ કેતો ઝગડો કઈ બાબતનો છે ? મે વાત ના એનો કે મે વાત કરી એનો...
નીતા : મને શું પ્રોબ્લેમ હોય ? હવે મારે કોઈ લેવા દેવા નથી
સાવન : મતલબ ?
બન્ને જણા આઈસ્ક્રીમ ખાતા ખાતા બોલી રહ્યા છે...
નીતાના નાકની નીચેની સાઈડ આઈસ્ક્રીમ ચોંટી ગયેલો છે જેની પર સાવનની નજર જાય છે
નીતા : બ્રેકઅપ....
સાવન નીતાના ફેસને જોઈને રોકી નથી શકતો એ હસવા લાગે છે...
નીતા ગુસ્સે થઈ જાય છે...
નીતા : સાલા તને કાઈ કદર નથી મારી સાવ શરમ વગરનો હું બ્રેકઅપ વિશે વિચાર કરી રહી છું અને તું હસે છે... વાહ હવે તો તું ગયો...
સાવન : (હસતાં હસતાં) અરે, એમ નહીં પહેલા વાત તો સાંભળ જરા...
નીતા : (ગુસ્સામાં) હરામી કુતરા મને મોઢું ના બતાવતો મારે કાઇ નથી સાંભળવું...
અટલું કહેતી હોય છે ને નીતાના હાથમાં બચેલો આઈસ્ક્રીમનો કોન પણ પીગળી ગયો હોય છે..
સાવન પોતાની હસી નથી રોકી શકતો....
સાવન : (હસતાં હસતાં) તું પહેલા આઇસ્ક્રીમ પતાવી દે પછી તને બતાવું હું શું કામ હસું છુ ?
નીતા એકદમ ગુસ્સમાં આવી જાય છે..
નીતા : ભાડમાં જા તું અને તારો કોન કેએચબીઆર નહીં કેમ તારી વાત માની લીધી ને હું રોકાઈ ગઈ
અટલું કહીને પીગળી રહેલો કોન સાવનના મોઢા સામે ફેંકે છે સાવન ફટાફટ નીચે નમી જાય છે કે તરત એ કોન પાછળ ખુરશીમાં આરામ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડના મોઢા પર જઈને વાગે છે અને સિક્યુરિટી ગાર્ડનો ફેસ જોવાલાયક થઈ જાય છે તે જાગી જાય છે.
આ બાજુ સાવન અને નીતા પાછળ જોવે છે તો તરત સાવન પેલા સિક્યુરિટી ગાર્ડની સામે જોઈને જોરથી બોલે છે..
સાવન : કાકા .....આ છોકરી એ માર્યું જોવો...
અટલું બોલીને નીતાની સામે સાવન આંખ મારીને કહે છે...
સાવન : હું તો ભાગ્યો તું લડી લેજે...
અટલું કહીને સાવન ભાગવા લાગે છે નીતા પણ એની પાછળ ડરીને ભાગવા લાગે છે અને પેલો સિક્યુરિટી ગાર્ડ પણ આ લોકો પાછળ દોડતો દોડતો આવે છે પણ નીતા અને સાવન ભાગતા ભાગતા રાધે કોમ્પલેક્ષની બહાર આવી જાય છે અને સાવન હસતા હસતા બહાર ઉભો રહી જાય છે. અને નીતા પણ ભાગતી આવીને સાવન જોડે ઊભી રહીને એને મારવા લાગે છે
નીતા : સાલા હરામી કૂતરા મને એકલો મૂકીને આવી ગયો...
સાવન : (હસતાં હસતાં) તો શું મે તને કીધેલું કે પેલા બિચારા સૂતેલા કાકા પર ગુસ્સો ઉતાર
નીતા : કાકા હશે તારા મે તને કોન મારેલો નફ્ફટ અને સાંભળ વાત આજથી બ્રેકઅપ ઓકે...
સાવન અચાનક હસવાનું બંધ કરીને સિરિયસ થઈ જાય છે...
નીતા ને પણ નવાઈ લાગે અટલો સિરિયસ...
સાવન પછી પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને કેમેરો ઓન કરીને નીતાના ફેસ સામે કરે છે અને કહે છે...
સાવન : સારું કર્યું હાશ આવી વ્હાઈટ મૂછોવાળી છોકરીથી પીછો છૂટશે....
નીતા સાવનના મોબાઈલ કેમેરામાં પોતાના નાકની નીચે બનેલી મૂછ જોઈને હસવા લાગે છે અને...
નીતા : ઉભો રે કૂતરા હું કાઈ એમ તને નહીં છોડું...
અટલું બોલે એની પહેલા સાવન ભાગવા લાગે છે અને નીતા પણ ભાગવા લાગે છે અને દૂર જઈને બન્ને લડતા લડતા એકબીજાને ગળે વળગી પડે છે... સાવન નીતાની સામે જોઈને કહે છે...
સાવન : એક વાત કહું...
નીતા : બોલ ને....
સાવન : પેલા કિરાણા સ્ટોર વાળાની ત્યાં મગની દાળનો ભાવ શું છે...
નીતા સાવનના ગાલ પર વ્હાલથી લાફો મારે છે અને બન્ને હસવા લાગે
HAPPY ENDING
લેખક : મેહુલ વઢવાણા 'માધવ'