Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - ચકો-ચકી-ચકુ

શીર્ષક : ચકો-ચકી-ચકુ
©લેખક : કમલેશ જોષી

રોટી, કપડા ઔર મકાન એ માણસની અત્યારની બેઝીક જરૂરિયાત છે. જોકે એક મિત્રે આ બાબતે છણાવટ કરતા કહ્યું: આજના મોર્ડન સમાજમાં રોટીનો અર્થવિસ્તાર રોટલા, થેપલા, પૂરી, પરાઠા, નાન, ચાઇનીઝ, પંજાબી, પીત્ઝા, બર્ગર, દાબેલી, ઈડલી, ઢોસા, સેન્ડવીચ જેવી હજારો વાનગીઓ સુધી લંબાઈ ગયો છે. કપડાનો અર્થ પણ અંગઢાંકણ એવા પેન્ટ, શર્ટની બાઉન્ડ્રી ક્રોસ કરી શેરવાની, શૂટ, બુટ, ગોગલ્સ, ગોલ્ડન ચેઇન, વીંટી જેટલી હજારો વેરાયટીઓ સુધી વિસ્તરી ગયો છે. મકાનમાં પણ રૂમ, રસોડું, ટોઇલેટ, બાથરૂમ, તળિયું અને ફળિયું જ પુરતું નથી હોતું. એમાંય ગેસ્ટરૂમ, સ્ટડીરૂમ, બેડરૂમ, સ્વીમીંગ પુલ, ગાર્ડન, પાર્કિંગ, કમ્યુનીટી હોલ જેવા અનેક લપસિંદરા વગર હવે અધૂરું લાગવા માંડ્યું છે. હવે એ દિવસો ગયા કે જયારે અડધી કલાક ઉડીને ચકો ચોખાનો દાણો અને ચકી મગનો દાણો લાવીને ખીચડી રાંધી, ખાઈ-પી ને, એકબીજાની હૂંફમાં સૂઈ જતા અથવા સંપૂર્ણ ચિંતામુક્ત થઈ 'ચીં - ચીં કરતા ઈશ્વરના મીઠા ગાન ગાતા’. હવે તો ચકો અને ચકી બંને સવારે વહેલા નીકળી જાય છે તો છેક મોડી રાત્રે પાછા ભેગા થાય છે, ક્યારેક તો બે-ચાર દિવસે તો ક્યારેક છ-બાર મહીને ભેગા થાય છે ત્યારે માંડ આજની પકતાઈ વાળી વ્યાખ્યા મુજબના રોટી-કપડા-મકાનની બેઝીક નીડ પૂરી કરી શકે છે. પેલું કહ્યું છે ને: કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ.

એક મિત્રે વિચિત્ર પ્રશ્ન કર્યો: “શું ચકા-ચકીને ત્યાં ચકુનો જન્મ થતો હશે ત્યારે કોઈ એના ચહેરાને જોઈ અસલ દાદા ચકા જેવો કે મામા ચકા જેવો અણસાર આવે છે એવું અનુમાન કરતુ હશે? શું ચકાસમાજમાં પણ છઠ્ઠીના દિવસે નામકરણ વિધિ થતી હશે? ઓળી ઝોળી પીપલ પાન કરી ફૈબા ચકલીના તાજા જન્મેલા ચકુનું નામ પાડતી હશે? પાડે તો શું પાડે? ચીં કે ચીંચીંચીં કે ચીંચીં? તાજા જન્મેલા ચકુની ચકલી મમ્મી અને ચકલા પપ્પા એને ભવિષ્યમાં શું બનાવીશું એવી કોઈ કલ્પના કે ચિંતા કરતા હશે ખરા?” એ પ્રશ્નનો ઢગલો કરી અટક્યો ત્યારે એક સમજુ મિત્રે કહ્યું, "માણસ સિવાયના કોઈ સજીવોમાં ક્યાં નોકરી, ધંધા કે કરિયર જેવા કોઈ કન્સેપ્ટ વિકસ્યા છે? પશુઓ, પક્ષીઓ જન્મે છે, જીવે છે, ખાય, પીએ છે, રમે, ભમે છે અને મૃત્યુ પામે છે. એ લોકોમાં ક્યાં પ્રાગઐતિહાસિક યુગમાં પહેલો ચકો કોણ હતો? કે ઉડતા કેમ શીખ્યા? કે ચણતા કોણે શીખવ્યું કે ચીં ચીં અને ઈશારાઓની ભાષા કોણે શોધી વગેરે અંગે કોઈ ઐતિહાસિક ઍવિડન્સ અને એના પરથી ઉત્ક્રાંતિની કલ્પના કરવા વાળું પાક્યું છે. મને તો લાગે છે કે રાજકોટના ચકાને અમદાવાદના ચકા વિષે પણ કોઈ માહિતી નહિ હોય. એ લોકો તો બસ ‘એક જ ડાળના પંખી અમે સૌ એક જ ડાળના પંખી’ ગાતાં એક જ ડાળી ઉપર આખી જિંદગી ‘જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના’ એવા પરમ સત્યને ચરિતાર્થ કરતા જીવ્યે જતા હોય છે.

એક મિત્રે કહ્યું, "કાશ, ચકા સમાજમાં પણ કોઈ સમજુ ચકો, વિચારક ચકો, વૈજ્ઞાનિક ચકો, ઇતિહાસકાર ચકો, સંત ચકો થયો હોત તો જિંદગીના કેટકેટલા રંગ, કેટકેટલા દૃશ્યો, કેટકેટલા અર્થો, સંબંધો, સત્યો અંગે એ લોકો પણ જાણી, માણી શકત ને?" સામેની દીવાલ પર રાખેલા પાણીના નાનકડા પાત્રમાંથી નાની શી ચાંચ વડે પાણી પી રહેલા ચકો, ચકી અને ચકુ સામે જોતાં અમે સૌ વિચારમાં પડી ગયા. માનવ સમાજે લાંબુ લાંબુ વિચારી વિચારીને જે વિકાસ કર્યો છે, એ અન્ય સજીવ સમાજોમાં પણ જો થયો હોત તો શું પરિસ્થિતિ સર્જાત? દરેક સજીવ માનવ સમાજની જેમ અનાજ, પાણીનો સંગ્રહ કરવા મોટા, પાક્કા દર કે ગુફાઓ કે બે-ત્રણ માળના કાયમી માળા બાંધત અને એને મૅનેજ કરવા કલાક બે કલાકની અન્ન જળ પાણીની શોધમાં ઉડવાનો સમય વિસ્તરીને આઠ, દસ કે અઢાર કલાક થઈ જાત. ચકા-ચકીના (લગભગ પાંચ કે દસ વર્ષના) નાનકડા જીવનમાંથી આવડો મોટો ભાગ રોટી, મકાન પાછળ ખર્ચી નાખ્યા પછી થાકીને ‘ટે’ થઈ જવાનું કદાચ ચકા-ચકીની એ પહેલી પેઢીને થોડું મોંઘુ લાગ્યું હશે. એટલે જ તો ‘ડૅઇલી વેઝીસ - રોજ કમાવું રોજ ખાવું’ પર જ લાઈફ જીવવાનો મંત્ર એ લોકોએ પેઢીઓને શીખવ્યો હશે એવું તો નહિ બન્યું હોય ને!

મેં ધ્યાનથી જોયું પેલા બચ્ચા ચકુને પાણી પાઈ રહેલા ચકો અને ચકી જાણે એને સમજાવી રહ્યા હોય એવું મને લાગ્યું. એ વારે ઘડીએ સામેની નિશાળની બેંચ પર લગબગ પંદર વર્ષ સુધી બેસી રહી, બાળકમાંથી યુવાન થતા માનવને, એ પછી રોડની સામેની બેંકની ખુરશી પર લગભગ જિંદગીના પચ્ચીસ-ત્રીસ વર્ષ બેસી યુવાનમાંથી પ્રૌઢ થતા કર્મચારી માનવને અને પછી ગાર્ડનના બાંકડે થાકી-પાકીને માનવ સમાજે યોજેલી રેસની ફિનિશ રેખા તરફ હાંફતા હાંફતા, ઉધરસ ખાતા ખાતા, કણસતા, પસ્તાતા જઈ રહેલા માનવ વડીલો તરફ ચકુનું ધ્યાન દોરી જાણે કહેતા હતા: જો બિચારો માનવ સમાજ, આખી લાઇફ ચાર દીવાલમાં પૂરાઈને કાઢે છે, ખુરશી પર બેઠો બેઠો કાગળિયાં લખે, કાગળિયાં વાંચે અને કાગળિયાં ભેગા કરે. નાનપણમાં થોડું ઘણું હસી, રમી લીધા પછી આખી જિંદગી મૂંગો મન્તર, ગંભીર, ગમગીન થઈ જાય છે. જયારે આપણા સમાજમાં તો રોજ સવારે આખો ચકા સમાજ ઈશ્વરના ગાન ગાય. આખો દિ' હસી મજાકનું ચીં ચીં ચાલતું હોય. નાનકડો ચકુ પણ ગાય અને વૃદ્ધ ચકાદાદા પણ ગાય. ચકુ પણ રમે અને ચકાદાદા પણ રમે. કેમ કે આપણને જોઈએ બે દાણા ચોખાના અને બે દાણા મગના. આપણા બાપ દાદાએ કદી મગ-ચોખાના દાણાની એફ.ડી. નથી બનાવી કે નથી કોઠાર ભર્યા, આપણને ભરોસો છે કે ઈશ્વર રોજ બે ચાર દાણા મોકલી જ આપશે. બિચારા માનવ સમાજને ઈશ્વર પર એટલો ભરોસો નથી એટલે એણે ઘણું બધું સંઘરવું પડે. કાશ! આપણા જેવા વડવાઓ માનવ સમાજને પણ મળ્યા હોત!
મિત્રો, જેણે રવિવારની રજાની શોધ કરી, એણે માનવ સમાજ પર ખરેખર અગણિત ઉપકાર જ નહિ, અસીમ કૃપા કરી છે. રવિવારનો દિવસ આપણે પણ બાકી સજીવ સૃષ્ટિની જેમ ફ્રી હોઈએ છીએ, આઝાદ હોઈએ છીએ. આજનો દિવસ શેરીના કોઈ માનવેતર સજીવની, ગલુડિયા કે ચકીબેન કે ગુલાબ-જાસૂદની દિનચર્યાને ઓબ્ઝર્વ અને ફોલો કરીશું તો પણ ભીતરે સુકાઈ રહેલા ‘સંજીવની’ છોડમાં એકાદ કૂંપળ ફૂટશે એવું નથી લાગતું?

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED