આર્યાવર્ત - 1 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યાવર્ત - 1

આ કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. અહીં પોતાના વિચારો તથા ધારણાઓને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે એની નોંધ લેવી. ક્યાંય કોઇ વાક્ય, વિધાન કે ઘટના સામ્યતા પ્રગટ કરતું હોય તો દરગુજર કરશો. શક્ય હોય તો ઉચિત માર્ગદર્શન પણ કરશો.
********************

પ્રસ્તાવના:

આર્યાવર્ત - એક એવો ભૂભાગ જે કદાચ બહુચર્ચિત છતાં સમયની ગર્તામાં વિલિન કે વિસરાયેલ રહ્યો છે. આર્યાવર્ત કેટલીય કથાઓ અથવા કહીંએ તો સત્ય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આપણને એ સમયનાં પાત્રો, કથાઓ તો યાદ છે પરંતુ વિસ્તાર વિસરાઈ ગયો છે. આ કથા એ જ ભૂભાગને અનાવૃત કરવાનો નમ્ર પ્રયાસ છે.
************

ભાગ - ૧

એક પડછંદ પડછાયો અભિમાનથી ગઢની ધ્વસ્ત દિવાલે ચઢી પોતે વેરેલા નાશ તરફ પિશાચી નજરોથી તાકી રહ્યો હતો અને મનમાં ને મનમાં પોતાની ઉપલબ્ધિ પર મલકાઇ રહ્યો હતો. ક્યારેક પોતાની મૂછના થોભીયા ગર્વભેર સહેજ ઊંચા કરતો તો ક્યારેક આથમતાં સૂર્યને પોતાની હડપચી જરાક ઊંચી કરી ટટ્ટાર ગરદન સાથે દેખાડતો કે જો મારું પરાક્રમ, મારી શૂરવીરતા.

ત્યાં જ એણે એક શ્વેત વસ્ત્રોમાં સજ્જ વ્યક્તિને પાણીની મટકી સાથે એ વિધ્વંસ પામેલી ભૂમિ તરફ જતાં જોયો. પહેલાં તો લાગ્યું કે કોઈ બચી ગયેલો દુશ્મન છે, એને હમણાં જ પતાવી દઉં પણ કદ-કાઠી જોતાં એ એક નિર્બળ વ્યક્તિ લાગી. કદાચ બાળક છે, "આ શું બગાડી લેશે મારું!" એક તુચ્છકાર એનાં હોઠે વંકાયો.
ફરી એક શંકા ફૂટી, "નાનું તોય નાગનું બચ્ચું." ના છોડાય. એ વ્યક્તિની પીઠ પોતાની તરફ હોય એ કોણ છે અથવા કેવો છે એ માત્ર અનુમાનને આધીન હતું.

એણે થોડી દૂર ઊભેલા સૈનિકને તાળી પાડી નજીક બોલાવ્યો અને પૂછ્યું.
"આ લાશોની વચ્ચે કોણ ચાલ્યું જાય છે?"

"મહારાજ, હું હમણાં તપાસ કરી આવું." સૈનિક નતમસ્તક થઈ બોલ્યો.

"હા. માત્ર એના પર નજર રાખો. એ શું કરે છે મને આવીને જણાવજો. જરુરી જણાય તો વાતચીત કરી જાણી લાવો કે એ કોણ છે." કુતુહલતાને કાબૂ કરી સૈનિકને આદેશ આપી રવાના કર્યો છતાં સંતોષ ન થતાં ત્યાં જ રોકાઈ પેલી વ્યક્તિની હિલચાલ પર દ્રષ્ટિ જમાવી રાખી.

આથમતો સૂર્ય પોતાની લાલિમા સાથે ધરણી પર છવાયેલી લાલિમાને પણ પોતાની સાથે લઇ ગયો અને રાત્રીએ પોતાની કાળાશ ફેલાવી. સૂગ ચઢે એવી બદબૂથી હવા પોતાને બચાવવા આમથી તેમ ભાગતી હતી પણ આખરે બદબૂ એને ગળી ગઈ. એમાં આ શ્વેત વસ્ત્રધારી એકલો જ એ પાણીની મટકી સાથે આમતેમ ભટકતો કોઈ જીવિતને શોધી રહ્યો. કદાચ કોઈ મળે, કદાચ કોઈ જીવી જાય પણ પાણી કરતાં પણ જીવનની તરસથી ટળવળતા એ કેટલાંક છૂટાછવાયા અર્ધમૃત જીવો જળને ઝીલી માટીમાં સંકોરાઈ ગયાં. છતાં એ વ્યક્તિ આશાની જ્યોત સાથે એ અંધકારમાં તિમિરને ટક્કર આપી રહ્યો હોય તેમ જીવનની આશ સાથે આગળ વધી રહ્યો.

એવી જ એક ક્ષણે, એની સામે હથિયારસજ્જ સૈનિકો આવીને ઊભાં રહ્યાં, એણે એક એક નજરે એમને જોયાં ન જોયાં કરી પોતાનું કાર્ય શરુ રાખ્યું.

"એય કોણ છે તું?" જીતથી મદાંધ બનેલા એક સૈનિકે તુચ્છકારે પૂછ્યું.

પરંતુ ન તો કોઈ પ્રત્યુત્તર મળ્યો ન તો કોઈ સન્માન જેની કદાચ એને ખેવના હતી. અવહેલનાથી કોપાયમાન સૈનિકે ફરી હુંકાર કર્યો પણ પરિણામ શૂન્ય.

"અરે બહેરો છે શું?" બીજા સૈનિકે એની નજીક જઈ પૂછ્યું.

"ના. સંભળાય પણ છે, દેખાય પણ છે અને અનુભવાય પણ છે." સૈનિક તરફ દ્રષ્ટિ કરી એ શ્વેત વસ્ત્રધારી બોલ્યો.

"તો ઉત્તર કેમ નહોતો આપતો?" કોપાયમાન પહેલાં સૈનિકે ધસી આવી પૂછ્યું.

"શું ઉત્તર આપું? હું કહીશ એ તમે ન તો માનશો ન તો સ્વીકારશો." એમ કહી એ ફરી કામે વળગ્યો.

પરંતુ, એ બંને સૈનિકો જે ક્ષણભર પહેલાં આવેગિત હતાં એ એનો સૌમ્ય અને દિવ્ય ચહેરો જોઈ પળભર માટે શાંત થઈ ગયા.

(ક્રમશઃ)