જનરેશન ગેપ Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જનરેશન ગેપ

આમ તો એક પેઢીનું અંતર – જનરેશન ગેપ કંઈ પચીસ વર્ષથી વધુ નથી, પણ આ ખૂબ જ રોકેટ યુગ અને કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટની હાઈ-ટેકની અતિ અતિ ઝડપી ગતિથી ચાલતા યુગમાં આ જનરેશન ગેપ પણ એટલી જ સ્પીડથી વધતી જાય છે.આજથી ૨૫ વર્ષ પૂર્વે – ૫૦ વર્ષ પૂર્વે એક મા-બાપના ઉછેર, એમને મળેલા સંસ્કાર અને એમના વખતનું વાતાવરણ, અને આજના ઉછેર, સંસ્કાર અને વાતાવરણમાં આભ-જમીનનું અંતર છે. એથી વિચારસરણીમાં ખૂબ જ ફેર હોવાથી વાતે વાતે મા-બાપ અને છોકરાઓમાં ઘર્ષણ થતું હોય છે. પશ્ચિમના દેશમાં વસતા ભારતીયોને માટે તો ખૂબ જ વિકટ પ્રશ્ન બની ગયો છે. અને હવે પશ્ચિમની હવા પૂર્વમાં, ભારતમાં ક્યાં ઠેર ઠેર છાઈ નથી ગઈ ?! કોઈ પણ વાત છોકરાંને કરે તો તેઓ પહેલો પ્રશ્ન સામો પૂછે કે આમ શા માટે ? વ્હાય ? કંઈ ના કરવાનું કહીએ તો શા માટે નહિં ? અને કંઈ કરવાનું કહીએ તો શા માટે અમારે કરવાનું ? એમને મા-બાપ જો કન્વીન્સ કરી શકે તો તે કરવામાં એમને(છોકરાંઓને) જરાય વાંધો નથી. પણ મા-બાપને એમને કન્વીન્સ કરવાનું બહુ અઘરું લાગે છે. એક તો એમની સમજ બહારની વાત સમજાવવાની અને તે પણ મા-બાપની ઓછી સમજણ અને એકદમ પૂઅર કન્વીસીંગ પાવર ! આવાં ઘણાં બધા કારણોને કારણે મા-બાપ બાળકોને કન્વીન્સ નથી કરાવી શકતા ત્યાં પછી ક્રોધે ભરાઈને ધાટ ધમકીથી પોતાના ધાર્યા પ્રમાણે કરાવવા જાય છે જે બાળકો ટુંક સમયમાં જ અસ્વીકાર કરતા થઈ જાય છે અને જરાક મોટા થાય, એટલે સામા જવાબો આપતા થઈ જાય છે. જે મા-બાપોએ પોતે ક્યારેય એવું કરેલું કે જોયેલું નથી હોતું. એટલે વધારે અકળામણ તેઓ અનુભવે છે. છોકરાઓ માને નહિ એટલે મા-બાપ વારે વારે કહ્યા કરતાં હોય છે જેથી છોકરાઓને ‘કાયમ કચકચ’ કરે છે એવો અભિપ્રાય બેસી ગયો હોય છે. એટલે એ સ્વીકારતા તો નથી જ. ઉપરથી મા-બાપ સમજતા જ નથી એવું માને છે. મા-બાપને છોકરાં તરફથી ઘોર અપમાન લાગતું હોય છે. પણ શું કરે ? છોકરા પ્રત્યે મા-બાપને એટલો બધો મોહ હોય છે કે તેઓ બધું ભૂલીને પાછાં છોકરાંઓને એડજસ્ટ થયા કરે છે. નહિ તોય બીજો કોઈ રસ્તો જ નથી ! છોકરાંઓને થોડા ઘરમાંથી કાઢી મુકાય છે ? એમ અંતરમોહ કરવા પણ ન દે. તેથી આખી જિંદગી આ મોહ તો માર ખાધે રાખવો પડે છે. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી જડતો.

જીવનમાં અમુક સિદ્ધાંતો મા-બાપ અપનાવી લે તો ઘર્ષણ ઓછું થાય છે ને ઘડતર એવું સારું થઈ શકે છે.

મા-બાપનું છોકરાં પ્રત્યે, તેમાંય ખાસ કરીને માને છોકરાં પ્રત્યે ઓવર એટેન્શન થઈ જાય છે. બાળક જન્મે ત્યાંથી જ માનું ચિત્ત એના બાળકમાં ને બાળકમાં જ આખો દિવસ રમ્યા કરતું હોય છે. સાવ નાનું હોય તો બાળકને વાંધો ના આવે, પણ માનું મન અને ચિત્ત બીજે બધેથી ડિસટ્રેકટ થવા માંડે જે નુકસાન કરે. પતિને તેમજ બીજાં બાળકને બધાંને એ ખૂંચે. આમાં નોર્માલીટીની જરૂર છે. બાળક જરા મોટું થાય, સમજણું થાય એટલે એને એના તરફનું ઓવર એટેન્શન ગુંગળાવનારું લાગે છે. બાળક મુક્તતા અનુભવી શકતું નથી. એને માનો સતત ભય લાગ્યા કરે છે. એનો વિકાસ અટકે છે અને મનમાં ગ્રંથી બંધાતી ચાલે છે માબાપની સાથેથી ક્યારે ને કઈ રીતે મુક્ત થઉં ? અને ધીરે ધીરે એ માટે એની સામે લડત ચાલુ થઈ જાય છે. પછી એ સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતામાં સહેજે સરકી જાય છે !

પહેલાંના વખતમાં મા-બાપ પોતાનાં કામમાં એટલા બધાં વ્યસ્ત રહેતાં કે એમને છોકરાં શું કરે છે, શું ભણે છે તેનીય ખબર નહતી પડતી. એ પણ વધારે પડતી બેકાળજી કહેવાય. એમાંય બાળકનો વિકાસ અટકે છે. આમાં નોર્માલિટીની જરૂર છે. કાળજી રાખવી પણ અંદરથી પણ અસરો અનુભવે તે ખોટું. દા.ત. કે.જી.માં બાળક ભણતો હોય કે પહેલા-બીજાં ધોરણમાં બાળક ભણતો હોય તો પરીક્ષા આવે એટલે છોકરાં કરતાં, બાપ કરતાં કે ટીચર કરતાંય માને બહુ ટેન્શન ને સ્ટ્રેસ થઈ જાય. એને ઊંઘેય ના આવે ! જાણે એની જ પરીક્ષા ના હોય ?! આ ટેન્શનને કારણે એ છોકરાંને ભણાવવા કરતાં ક્રોધે ભરાઈને વાતે વાતે ધમકીઓ જ આપતી હોય છે. તે છોકરાંનું ભણવાનું તો બાજુએ રહ્યું ઉલ્ટું ભણેલું ભૂલી જાય છે. મા-બાપની પ્રત્યેક એકશનનું બાળક પર શું શું રિએક્શન આવશે તેની સમજ પૂરેપૂરી હોય તો જ સાચી રીતે ઉછેર થાય. આમાં માબાપની જવાબદારી બાળક કરતાં અનેક ગણી વધુ હોય છે. પ.પૂ. દાદાશ્રી તો કાયમ કહેતાં કે એક બાળક એટલે હિન્દુસ્તાનના વડાપ્રધાન કરતાંય વધું જવાબદારી મા-બાપની હોય છે ! એ જવાબદારીનું ભાન કેટલાંને હોય છે ? મા-બાપ થવાનું કઈ કોલેજમાં શીખવા ગયેલા ? અનસર્ટીફાઈડ ફાધર એન્ડ અનસર્ટીફાઈડ મધર્સ ! પછી છોકરાંના ઉછેરની રીત આવડે ક્યાંથી ? તો પછી સર્ટીફાઈડ ફાધર અને મધર કેવાં હોવાં જોઈએ ???