Shivaditya ni Shoryagatha - 1 - Jadugar books and stories free download online pdf in Gujarati

શિવાદિત્ય ની શૌર્યગાથા - 1 - જાદુગર

શિવરાજપુર ની પૂર્વ માં પોતાના નારંગી કિરણો પાથરતો સૂર્યોદય થઈ રહ્યો છે.આખું નગર આ નવા દિવસ ને વધાવવા માંગતું હોય એમ વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી મહાદેવ ના મંદિર ના ચોગાન માં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ ગયું છે.. પૂજારી શ્લોક ગાઈ રહ્યા છે શરણાઈ અને નોબત વાગી રહી છે અને બધા ની નજર મંડાઈ છે મંદિર ના મુખ્ય દ્વાર પર જ્યાંથી થોડી વાર માં મહારાજ શિવાદિત્યસિંહજી શિવરાત્રી ની પૂજા માટે પધારવાના છે.
ધૂળ ની ડમરી ઉડતી દેખાય છે. એક સોના ના રથ માં મહારાજ શિવાદિત્યસિંહજી પધારી રહ્યા છે. મહારાજ ની આભા એટલી દૈદીપ્યમાન છે કે જાણે ભગવાન સૂર્ય નારાયણ જાતે એમના સાત ઘોડા વાળા રથ ને લઈ ને આવી રહ્યા છે. મહારાજ નો રથ મંદિર ના મુખ્ય દ્વાર થી અંદર પ્રવેશે છે. આખું પ્રાંગણ "હર હર મહાદેવ" અને મહારાજ "શિવાદિત્યસિંહજી ની જય" ના નારા થી ગુંજી ઉઠે છે. મહારાજ રથ માંથી ઉતરી મંદિર માં પ્રવેશ કરે છે, ગર્ભગૃહ માં રહેલા અલૌકિક જ્યોતિર્લિંગ સમાં શિવલિંગ પર દૂધ નો અભિષેક કરી પૂજા કરે છે. શિવરાજપુર આખું નગર શિવમય બની ગયું છે. શિવલિંગ ની ઉપર એક પીળા રંગ નો લગભગ માણસ ના માથા જેટલો મોટો અને અતિ તેજસ્વી મણી પોતાનો ઉજાસ પાથરી રહ્યો છે. કહેવાય છે કે મહારાજ શિવાદિત્યસિંહજી ના પૂર્વજો ને પોતાના કાળા જાદુ થી લોકો ને રંજાડનાર એક જાદુગર ને મારી ને આ મણી માં કેદ કર્યો હતો. અને ત્યારબાદ એ મણી માંથી પાછો જીવતો ના થાય એ માટે એને ભગવાન શિવ ના લિંગ પર મૂકી દીધો. ત્યારથી શિવરાજપુર ની પ્રજા માનતી કે તેમના સુખ સમૃદ્ધિ આ મણી સાથે જોડાયેલા છે.
મહારાજ શિવાદિત્યસિંહજી સિસોદિયા વંશ ના પ્રતાપી રાજા છે. તેમના ન્યાય અને સાહસ વખણાય છે. પ્રજા સુખી છે અને રાજા ને ભગવાન માને છે. પણ રાજા પોતાને પ્રજા ના સેવક માને છે અને ભગવાન શિવ ને સાક્ષી માની પોતાનું રાજ્ય ચલાવે છે.
રાજા ના દરબાર માં એક થી એક ચડિયાતા રત્નો ભર્યા છે. પણ બધા માં ખાસ છે પૃથ્વીરાજ. મહારાજ નો સેનાપતિ અને વફાદાર સેવક, પણ બુદ્ધિ ચાતુર્ય અને પરાક્રમ માં મહારાજ થી સહેજ પણ ઉતરે એવા નહિ. શિવરાજપુર ની સમૃદ્ધિ અને શાંતિ માં પૃથ્વીરાજ નો પણ સિંહફાળો હતો.
દિવસો વીતતા જાય છે શિવરાજપુર અને મહારાજ શીવાદિત્યસિંહજી ની સમૃદ્ધિ અને કીર્તિ દિવસે વધે એના કરતાં બમણી રાતે વધે છે અને રાતે વધે એના કરતાં બમણી દિવસે વધે છે. સમય નું મુખ્ય ગુણધર્મ છે કે એ બદલાય છે. શિવરાજપુર પર મુસીબત ના વાદળો ઘેરાવા ની તૈયારી કરી રહ્યા છે.
******************************************
શિવરાજપુર નગર ના દ્વાર પર એક માણસ આવી ને ઉભો છે અને મહારાજ ને મળવા માંગે છે એનો દેખાવ જરા વિચિત્ર છે. કાળા રંગ ના કપડા માં એનો ગોરો વાન આકર્ષક લાગે છે પણ ચહેરા પરથી કપટ સાફ દેખાઈ આવે છે.
"હું એક જાદુગર છું, અને મહારાજ તથા શિવરાજપુર ની પ્રજા ને મારી કલા દેખાડવા માંગુ છું."
"સેનાપતિ ની આજ્ઞા મળ્યા બાદ આપ અંદર જઈ શકશો." કહી દરવાન સેનાપતિ પૃથ્વીરાજ જોડે જાય છે અને જાદુગર ની વાત કહે છે.
મહારાજ ની આજ્ઞા લઈ પૃથ્વીરાજ એ જાદુગર ને અંદર આવવા માટે મંજૂરી આપે છે.
મહારાજ શિવાદિત્યાસિંહજી નો દરબાર ભરાયો છે. તમામ મંત્રીઓ અને દરબારીઓ પોતાના સ્થાન પાર બિરાજમાન છે. જાદુગર દરબાર ની વચ્ચે ઉભો છે.
"મારું નામ મુંજાલ છે અને હું જાદુગરો ના દેશ માંથી આવું છું. શિવરાજપુર અને તેના ચક્રવર્તી રાજા વિશે ખૂબ સાંભળ્યું છે તો હું મારી કલા આપને બતાવવા માંગુ છું.અને બદલામાં કશાં ની અપેક્ષા રાખતો નથી." જાદુગરે દરબાર માં પોતાની વાત મૂકી.
મહારાજ એ જાદુગર ને એની કલા બતાવવાની આજ્ઞા આપી.
જાદુગર એક પછી એક કરતબ બતાડતો જાય છે. આખો દરબાર મોં માં આંગળા નાખી જાય છે. જાદુગર ના જાદુ અદભુત હતા, ખુદ મહારાજ શિવાદિત્યસિંહજી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
"વાહ! આપની કલા અદભુત છે." મહારાજે વખાણ કરતાં કહ્યું.
"આપને ગમ્યું તો મારી મહેનત સફળ થઈ." મુંજાલ જવાબ આપ્યો.
"બોલો આપની કલા ના બદલા માં શું લેશો?" મહારાજે પૂછ્યું.
"મે પહેલા જ કહ્યું મહારાજ કે માટે બદલા માં કશું જોઈતું નથી." મુંજાલ એ જવાબ વાળ્યો.
"એમ તે કઈ હોય"
"હા મહારાજ, હું માત્ર મારી કલા નું પ્રદર્શન કરવા આવ્યો છે. મારી કલા ના પ્રદર્શન ની લોકો ખુશ થઈ મારી કલા ની પ્રશંસા કરે એ જ ઈચ્છું છું."
"ઠીક છે તો હું આમાં આપની શું મદદ કરી શકું?"
"કંઈ ખાસ નહિ, પણ નગર ની સામાન્ય પ્રજા ને પણ મારો જાદુ દેખવાનો લાભ મળે એટલી વ્યવસ્થા કરી આપવા વિનંતી છે મહારાજ."
"શિવરાજપુર ની પ્રજા જાદુગર મુંજાલ ની જાદુ ની કલા માણી શકે તે માટે જરૂરી બધી વ્યવસ્થા કરી આપવાની હું આજ્ઞા આપી છું."
મહારાજ એ હુકમ છોડ્યા.
સભા બરખાસ્ત થઈ. જાદુ ના વખાણ કરતા કરતા દરબારીઓ છૂટા પડ્યા.
સાંજે મહારાજ અને પૃથ્વીરાજ મહેલ ના બગીચા માં મળ્યા.
"મને મુંજાલ સારો માણસ નથી લાગતો." પૃથ્વીરાજે મહારાજ ને કહ્યું.
"તમારી વાત સાચી છે મહાઅમાત્ય. એના ચહેરા પર કપટ સાફ દેખાઈ આવે છે." મહારાજે જવાબ આપ્યો.
"હું મુંજાલ પર નજર રાખવા માણસો ગોઠવી દઉં છું. જય સોમનાથ." કહી પૃથ્વીરાજ રજા લે છે.
મહારાજ પણ પૃથ્વીરાજ ના ગયા પછી વિચાર માં પડી જાય છે. શિવાદિત્યસિંહજી ને પણ જાણે ભવિષ્ય માં કંઇક અઘટિત ઘટના બનવાની હોય તેવા અણસાર આવે છે.
મંદિર ના સામે નું મેદાન ભરચક ભરાઈ ગયું છે. દરબાર માં મુંજાલે કરેલા જાદુ ના પ્રદર્શન ના વખાણ દશે દિશાએ ફેલાઈ ગયા હતા. આખું શિવરાજપુર મુંજાલ નો જાદુ દેખવા તત્પર બન્યું હતું.
ગોળાકારે ગોઠવાયેલા લોકો અને મહારાજ તથા પૃથ્વીરાજ ની હાજરી માં મુંજાલ જાદુ શરૂ કરે છે. એક પછી એક કરતબ બતાવે છે. લોકો અંજાઈ જાય છે. સાથે સાથે મહારાજ અને પૃથ્વીરાજ પણ આશ્ચર્ય થી જોઈ રહ્યા છે. લોકો એ કે રાજા એ આવું જાદુ કદી જોયું નથી. મુંજાલ ખરેખર એક અદભુત જાદુગર હતો.
અચાનક કંઇક થયું. બધા ની નજર ધૂંધળી થવા લાગી. જાણે બધા ને એક સાથે ઘેન ચડ્યું હોય. મહારાજ ની આંખો માં પણ અંધારા આવવા લાગ્યા. થોડી જ ક્ષણો માં આખું નગર જાણે એક સાથે સૂઈ ગયું.

"મહારાજ, જાગો મહારાજ." પૃથ્વીરાજ મહારાજ ને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
મહારાજે ધીમે થી આંખ ખોલી. આખું શરીર તૂટતું હતું. અચાનક શું થયું એ કોઈ ને ખબર ન હતી.
મહારાજ બેઠા થયા. આંખો થોડી ખુલી. ચારેતરફ નજર ફેરવી. મોટા ભાગ ના લોકો બેશુદ્ધ હતા. પૃથ્વીરાજ અને કેટલાક સૈનિકો જે ભાન માં આવ્યા હતા એ બીજા લોકો ને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
અચાનક પૃથ્વીરાજ ની નજર મંદિર માં પડી.
"મહારાજ!"
પૃથ્વીરાજ બરાડી ઉઠ્યો.
"મહારાજ! મણી ચોરાઈ ગયો.' પૃથ્વીરાજે મંદિર માં શિવલિંગ તરફ ઈશારો કરતા કહ્યું.
મહારાજ ફાટેલી આંખો થી જોઈ રહ્યા.
શિવરાજપુર ની શાંતિ અને સમૃદ્ધિ ના પ્રતિક સમો એ મણી ચોરાઈ ગયો હતો.
"કોણ?? કોણે કર્યું આ દુઃસાહસ?" મહારાજે ગુસ્સામાં પૂછ્યું.
"મહારાજ. જાદુગર મુંજાલ ક્યાંય દેખાતો નથી" એક સૈનિકે આવી ને ખબર આપ્યા.
"મહારાજ, નક્કી આ જાદુગર મુંજાલ નું જ કામ હસે." પૃથ્વીરાજ આશંકા વ્યક્ત કરી.
"જો એવું હશે તો મુંજાલ એના કૃત્ય ની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે." મહારાજ હજુ ગુસ્સા માં હતા.

પ્રજાજનો અને દરબારીઓ મહારાજ તરફ મીટ માંડી ને જોઈ રહ્યા હતા. મણી ચોરાઈ જવાથી હવે શિવરાજપુર પર મુસીબત ના વાદળો તૂટી પડશે તેવી શંકા બધા ના માં માં હતી. મહારાજ શિવાદિત્યસિંહજી લોકો ના મન માં વિચારો સમજી ગયા હતા. જે મણી ને તેમના પૂર્વજો એ જીવ થી પણ વધારે સાચવ્યો હતો એ મણી ચોરવાનું દુઃખ શિવાદિત્યસિંહજી ને મન પણ ઘણું વધારે હતું.
"મહારાજ મને આજ્ઞા આપો." પૃથ્વીરાજે શાંતિ ભંગ કરતા કહ્યું.
"કેવી આજ્ઞા?" મહારાજે પૂછ્યું.
"શિવરાજપુર ના સુખ શાંતિ અને સમૃદ્ધિ ને હણનાર એ જાદુગર મુંજાલ ને હું પાતાળ માંથી પણ શોધી ને મોત ને ઘાટ ઉતારીશ." પૃથ્વીરાજે મુઠ્ઠીઓ ભિંસતા કહ્યું.
"ના મહામાત્ય, આ મારી લડાઈ છે. મુંજાલ ને શિક્ષા હું આપીશ." કહેતા મહારાજ ગાદી પરથી ઉભા થયા. આખો દરબાર તેમની સાથે જ ઉભો થયો.
"પણ હું આપની સાથે જ રહીશ મહારાજ." પૃથ્વીરાજ બોલ્યો.
"ભલે" કહેતા મહારાજ ચાલતા થયા. પૃથ્વીરાજ પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
ચાલતા ચાલતા મહારાજ મહેલ ના શસ્ત્રાગાર માં આવ્યા. સામે ભગવાન શિવ ના ચિત્ર ની નીચે લાલ કપડા માં એક શમશેર બાંધી ને મુકેલી હતી.
મહારાજે એ તલવાર લેતા પૃથ્વીરાજ ને કહ્યું.
"મહામાત્ય, આ તલવાર મારા પૂર્વજો એ ભગવાન સોમનાથ ના આશીર્વાદ રૂપ મેળવી હતી. કહેવાય છે કે આ તલવાર માં અલૌકિક તાકતો છે. લાગે છે હવે આ તલવાર નો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે."
"ભગવાન સોમનાથ ના આશિષ સદાય આપણી સાથે છે." પૃથ્વીરાજે સુર પુરાવ્યો.

આખું નગર ભાગોળે ભેગુ થયું છે. શિવરાજપુર ના સર્વેસર્વા એવા મહારાજ શિવાદિત્યસિંહજી અને એમના સાથી સેનાપતિ પૃથ્વીરાજ ઘોડા પર બેસી ને તૈયાર છે. મહારાણી તિલક કરે છે અને પંડિતો તથા બ્રાહ્મણો વિજયી ભવઃ ના આશીર્વાદ આપે છે. મહારાજ અને તેમના મહામાત્ય ઘોડા ને પગ ની એડી મારી જવા નો ઈશારો આપે છે. અને શરૂ થાય છે મહારાજ શિવાદિત્યસિંહજી ની શૌર્યગાથા ની સફર. એક એવી સફર જે શિવરાજપુર ની હવે ની તમામ પેઢીઓ ગર્વ થી સાંભળશે અને સંભળાવશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED