પર્વો નું ત્રિવેણી સંગમ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પર્વો નું ત્રિવેણી સંગમ

આજે સિંધી સમાજનો ચેટી ચાંદ, હિન્દુ સમાજની ચૈત્ર નવરાત્રી અને મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષ એવું ગુડી પડવાનો સંગમ જોવા મળશે.
ચેટી ચાંદનો તહેવાર ઉજવવા સિંધી સમાજના જુદા જુદા સંગઠન દ્વારા વિવિધ ઝુલેલાલ મંદિરોમાં ચેટી ચાંદની ઉજવણી સાથે સાથે અનેક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થાય છે. ચેટી ચાંદની ઉજવણી માટે વિવિધ સંગઠનો ભજન, પુજા અને શોભાયાત્રા જેવા કાર્યક્રમ કરશે. ‘આયો લાલ ઝૂલે લાલ’ના નારા સાથે સાથે સમગ્ર સિંધી સમાજ આ ઝૂલેલાલ જયંતી ઉજવે છે. ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’ અથવા 'સિંધી દિન' તરીકે ઉજવે છે. આ દિવસે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં સિંધીઓ ‘ઝૂલેલાલ બેડાપાર’ના નારા લગાવે છે.આ દિવસે ઘણા સિંધીઓ બાહરાના સાહેબને નજીકની નદી કે તળાવે લઈ જાય છે. બાહરાના સાહેબમાં એક જ્યોત (દીવો), મીસરી (ખડી સાકર), ફોતા (એલચી ), ફળો અને અખા હોય છે. તેની પાછળ કળશમાં પાણી અને એક નાળિયેર હોય છે. આ બધી વસ્તુઓને કાપડ, ફૂલ ને પાંદડાથી ઢાંકી દેવાય છે. આ સાથે ઘણી વખત ઝૂલેલાલની મૂર્તિ પણ હોય છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રીયન સમાજના ગુડી પડવો પણ છે. મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવાનું અનેરૂ મહત્વ છે તેમના માટે નવું વર્ષ હોવાથી મહારાષ્ટ્રીયન પરિવારો એક સાથે રહેતા હોય તેવા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ થઈ જશે. ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત પુજા કરવામા ંઆવશે. ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે. અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન શકની શરૂઆત (હિંદુ કાળગણના પ્રમાણે) જ આ દિવસે થઇ.


મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે.

જ્યારે આ સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થઈ રહ્યો છે તેથી તમામ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ચૈત્રી નવરાત્રીમાં અનેક મંદિરોમાં ભક્તોની ભીડ વધતી હોવાથી દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામા ંઆવી છે. આમ તો વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.

૫. (વૈકલ્પિક) માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ - અજવાળીયું) દરમ્યાન કરાય છે.

હાલ ચૈત્ર નવરાત્ર પ્રારંભ થયા છે. જે માંનું/ શક્તિનું પર્વ છે.આ વર્ષે ૨૨ થી ૩૦ માર્ચ નવરાત્રિ ઉજવાશે અને નવમે દિવસે રામ નવમી મનાવાશે.

આમ, એક સાથે ત્રણ તહેવાર હોવાથી સહુ હિંદુઓ ભક્તિમય બની જશે. આમ પર્વોના ત્રિવેણી સંગમને જાણીને તેનો અનેરો આનંદ માણીએ.