Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ

શીર્ષક : ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ
©લેખક : કમલેશ જોષી

એક મિત્રે કહ્યું, "સાલું, સમજાતું નથી જિંદગીમાં કઈ લાઈન લેવી? આસપાસ જોઉં છું તો એમ થાય છે કે જિંદગીનું સાચું લક્ષ્યાંક તો ગાડી, બંગલા, નોકર, ચાકર, મોજ, મસ્તી, એશ-ઓ-આરામ જ છે અને પુસ્તકો-ગ્રંથો વાંચું છું કે કથાઓ સાંભળું છું તો લાગે છે કે ખરેખર તો ભાવ, ભક્તિ, પ્રેમ, સ્નેહ, કથા, કીર્તન, સેવા, ધ્યાન, પૂજા જ સાચું જીવન છે. ક્યારેક બચ્ચન, તેન્ડુલકર, અંબાણીની લાઇફ સ્ટાઇલ આકર્ષે છે તો ક્યારેક રામ, કૃષ્ણ, વિવેકાનંદના જીવન ચરિત્રો પોતાની તરફ ખેંચે છે." આટલું કહી સહેજ અટકી, ઊંડો શ્વાસ લઈ એણે ગંભીર ટકોર કરી, "બીક એક જ વાતની લાગે છે કે ક્યાંક આખી જિંદગીના તમામ શ્વાસો કોઈ એક દિશામાં દોડી લીધા પછી, આખરી મિનિટોમાં એવું ન થાય કે ખરેખર ખોટી લાઈન લઈ લીધી, લાઈફ વેસ્ટ ગઈ." એણે બોલવાનું પૂરું કર્યું અને મિનિટો સુધી ખામોશી છવાયેલી રહી.

અમે ભણતા ત્યારે નવમું પાસ કરતાની સાથે જ એક ખતરનાક પ્રશ્ન અમને મૂંઝવી મારતો: કઈ લાઈન લેવી? સાયન્સ, કોમર્સ કે આર્ટસ? નવ-નવ ધોરણ સુધી એક જ ધારામાં વહી રહેલા અમે સૌ દસમા ધોરણના ચોકમાં આવીને ચાર રસ્તાઓ જોઈ મુંઝાઈ જતા. ચોથો રસ્તો? હા, ચોથું ઓપ્શન એટલે કે ભણવાનું છોડી દેવાનું પણ અમારામાંથી કેટલાક પસંદ કરતા. સાયન્સવાળા આગળ જઈ ડોક્ટર કે એન્જિનીયર બનતા, કોમર્સવાળા સી.એ. અને આર્ટસવાળા ટીચિંગ લાઈનમાં જતા. સાયન્સ લાઈનમાં થોડું અંતર કાપ્યા પછી કેટલાક લોકો કોમર્સમાં આવી જતા અને કોમર્સવાળા કેટલાક આર્ટસનો રસ્તો લઈ લેતા. થોડા ઘણા એવા બચતા જેમણે પ્રોપર લાઈન પસંદ કરી હોય અને આખરી મંજિલ હાંસિલ કરી હોય, બાકી મોટા ભાગના તો વર્ષો સુધી ખોટી લાઈન લેવાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરતા પોતાની ‘કશ્તીના રુખ’ મોડી, મોડી કિનારાની ખોજમાં મધ દરિયે ગોથા ખાધે રાખતા હતા.

એક મોટી ઉંમરના વડીલે કહ્યું: “દુનિયામાં કન્ફયુઝન એટલું બધું છે કે નવમું ભણતા તેર-ચૌદ વર્ષના વિદ્યાર્થીને પોતાના કેરિયરની સાચી લાઈન લેવા માટે જેટલી પરિપક્વતાની જરૂર હોય છે એનાથી અનેક ગણી વધુ પરિપક્વતાની જરૂર આખી જિંદગી કઈ લાઈન-લેન્થ અને સિદ્ધાંતો પર જીવવી છે એ નક્કી કરવા માટે પડે છે. સમજો ને કે લગભગ નેવું-પંચાણું ટકા લોકો જિંદગીના છેલ્લા દિવસોમાં ‘આખી જિંદગી ખોટી લાઈને જીવાઈ ગઈ’ એનો બહુ ખતરનાક વસવસો અનુભવતા હોય છે." જિંદગીના કિનારે પહોંચેલા વડીલની આ ટકોર આપણા માટે લાલ બત્તી સમાન છે. બે મિનિટ થોભીને ફરી એક વાર આપણે પસંદ કરેલી લાઇફલાઇન એટલે કે લાઇફસ્ટાઇલ અંગે ગંભીર વિચાર કરી લેવો જોઈએ, કેમ કે એક વાર જિંદગી જીવાઈ જશે, વીતી જશે પછી એ પાછી નહિ આવે.
‘ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ,
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.'

જિંદગીના ચાર રસ્તા પર સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આપણા શ્વાસ, શક્તિ અને સમય ક્યાં ઇન્વેસ્ટ કરવા? ચોતરફ આપણી એનર્જી, આપણું આયુષ્ય ખરીદવાવાળાઓની લોભામણી જાહેરાતોના સાઇન બોર્ડ ઝગમગી રહ્યા છે. ક્યારેક જિંદગીના બે દસકા ખર્ચવાથી મળતો આલિશાન બંગલો આકર્ષે છે તો ક્યારેક મોટી ફેક્ટરી. ક્યારેક જિંદગીના ભોગે મળતું સત્તાનું સિંહાસન આકર્ષે છે તો ક્યારેક મોટી મોટી એફ.ડી.ઓથી છલકતું બેંક ખાતું બનાવવા જિંદગી ખર્ચવાનું આકર્ષણ જાગે છે. ક્યારેક કોઈ સંતનું સાચુકલું સ્મિત અને પવિત્ર ભક્તિભાવ જોઈ બે ઘડી એ દિશામાં વળી જવા મન લલચાય છે, તો ક્યારેક સ્મશાનમાં કોઈ ધનવાનની જલતી ચિતા જોઈ રોંગ-ઇન્વેસ્ટમેન્ટનો ભય છેક ભીતર સુધી હચમચાવી જાય છે. ક્યારેક એક જ રસોડે જમતા ચાર ભાઈઓના પરિવારોના અને વડીલોના ચહેરા પર રમતી ખુશી જોઈ જિંદગી સંયુક્ત કુટુંબ પાછળ ખપાવી દેવાની ઈચ્છા જાગી જાય છે તો ક્યારેક ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતા સાયકલ સવાર માસ્તર કે મફત સ્વાસ્થ્ય આપતા સ્કૂટર સવાર ડોક્ટરનું જીવન છેક ઊંડે સુધી સ્પર્શી જાય છે.

એક મિત્રે કહ્યું, "આ આપણી નિશાળો કે કોલેજો જિંદગીના પંદર વીસ વર્ષને બદલે આખી જિંદગી ચાલુ રહેતી હોય તો કેવું સારું થાત નહિ? જેમ અગિયારમાં પછી બારમાં ધોરણમાં આવીએ એમ વીસમા પછી એકવીસમાં ધોરણમાં, પીસ્તાલીસ પછી છેતાલીસમાં ધોરણમાં પ્રવેશ મેળવવાનો. એક બાજુ નોકરી થતી રહે, લગ્નો, બાળકો, પ્રસંગો, વ્યવહારો થતા રહે અને બીજી બાજુ નિશાળે એને લગતા લેક્ચર ચાલતા રહે. લગ્નના સૂત્રો અને બાળ ઉછેરના નિયમો, વ્યવહારના સિદ્ધાંતો અને વર્તનના પ્રયોગો, વાણીનું વ્યાકરણ અને વિચારોના સમીકરણો જિંદગી આખી ભણાવવામાં આવતા હોત તો કેવું સારું થાત?" એની કલ્પના અમને થોડી રોચક અને થોડી વિચિત્ર લાગી. જોકે એક ખેદ ચોક્કસ ભીતરે પ્રગટ્યો કે નિશાળ-કોલેજ છૂટ્યા પછી જો સૌથી મોટો લૉસ જતો હોય તો એ છે બે વાતનો. એક સમર્થ ગુરુની આંગળી, આદરણીય શિક્ષકનું માર્ગદર્શન છૂટી જવાનો અને બીજું અઠવાડિયામાં કે મહિના, બે મહિનામાં જે કાંઈ શીખ્યા એની અભિવ્યક્તિ-રજૂઆત કરવા માટે લેવામાં આવતી પરીક્ષાનો અને ગુરુ દ્વારા અપાતા એના રિઝલ્ટનો. તમે કલ્પના તો કરો લાઈફ ટાઈમ ચાલતી આ નવા પ્રકારની સોશ્યલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના પરિણામના દિવસે કેવા દૃશ્યો સર્જાય? પિસ્તાલીસ વર્ષનો લાંચીયો ઓફિસર ઈમાનદારીની પરીક્ષામાં ફેલ જાહેર થાય કે પચાસ વર્ષના સાસુમા વહુ સાથે માતાતુલ્ય વ્યવહાર બદલ એ પ્લસ પ્લસ ગ્રેડ મેળવે કે અઠ્ઠાવન વર્ષના જાંબાઝ પોલીસ અધિકારીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે કે છવ્વીસ વર્ષના યુવાનને શેરીમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ અંગે આંખ આડા કાન કરવા બદલ ફેલ જાહેર કરવામાં આવે કે ચૌદ વર્ષની ચારણ કન્યાને અપ્રતિમ સાહસ બદલ સમાજમાં ટોપર ડિક્લેર કરવામાં આવે કે કંસને મારવા બદલ કૃષ્ણને અને વચન પાલન બદલ રામને સુપર સ્કોલર ઘોષિત કરવામાં આવે એવી રીતસરની સોશ્યલ સ્કૂલ્સ આપણી શેરી-સોસાયટીમાં ચાલતી હોય તો કેટલા ગુમરાહ જીવનો, વેસ્ટમાંથી બેસ્ટ લાઈફ તરફ વાળી શકાય? તમે શું માનો છો? આવી સોશ્યલ સ્કૂલમાં તમે એડમિશન લો ખરા?

એક મિત્રે કહ્યું, "બહુ ચિંતા ન કરાય, બધું થોડું થોડું કરી લેવાય, મહેફિલમાં હો તો થોડું નાચી-ઝૂમી લેવાય અને મંદિરમાં હોય તો થોડું ધ્યાન-ધરમ કરી લેવાય, ટૂંકમાં સમજી લો ને કે બધા કરતા હોય એમ કરાય."
બીજો મિત્ર કહે, "એમ ગાડરિયા પ્રવાહમાં તણાઈ ન જવાય, બધા ઊંડા કૂવામાં પડતા હોય તો આપણે થોડું પડી જવાય? થોડા સોચો, થોડા સમજો, યહાં સંભલ કે રહીયો જી." બહુત કન્ફયુઝન હૈ ભાઈ. આખરે એક મિત્રે સચોટ રસ્તો બતાવ્યો, "જેમણે પોતાના શ્વાસોનું, જિંદગીનું ઇન્વેસ્ટમેન્ટ આપણામાં કર્યું હોય, આપણે આપણા શ્વાસોનું, આપણી જિંદગીનું ઇન્વેસ્ટમેન્ટ એમનામાં કરાય. ફૂલ સ્ટોપ, વાત ખતમ." હું અવાચક બની ગયો. મારી સામે સંસ્કૃતિ ઉભી કરનાર પ્રાચીન ઋષિઓથી શરુ કરી, દેશને માટે પ્રાણ આપી દેનાર શહીદો, જન્મ અને જીવન આપનાર માતા-પિતા, ભાઈ-બહેન, જીવવાનું શીખવનાર ગુરુજનો, શિક્ષકો, જીવન ટકાવનાર ડોક્ટર્સ, તહેવારોમાં ખડે પગે વ્યવસ્થા બજાવતા ટ્રાફિક મિત્રો-પોલીસ મિત્રો, શેરી મિત્રો, સ્વજનો અને સંતોના ચહેરા પ્રગટ થયા. આજના રવિવારના એવરેજ બાવીસ-પચીસ હજાર શ્વાસ આ તમામ માટે ‘બેસ્ટ વિશીઝ’ અને ‘ગુડ હેલ્થ’ની કૃષ્ણ કનૈયા પાસે પ્રાર્થના કરી એમના જીવનપથ પર ચાલવામાં અને જો ચાલી ન શકીએ તો એમને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરવામાં ઇન્વેસ્ટ કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)