આઝાદીની લડાઇમાં કચ્છ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઝાદીની લડાઇમાં કચ્છ


આઝાદીની લડાઈમાં કચ્છ

જ્યારે સમગ્ર દેશમાં ભારત છોડો આંદોલન સ્વતંત્રતાની ચેતનાને જ્વલંત બનાવી હતી અને વંદે માતરમ ના જય ઘોષ સાથે સ્વતંત્રતાની ચળવળ પ્રબળ બનીને પ્રસરી રહી હતી ત્યારે કચ્છ દેશનું એક એવો ભૂખંડ કે જે એક ખૂણામાં આવેલું હોવા છતાં હંમેશા દેશની સાથેસતત તાલ મિલાવતો રહે છે, તો આવી ઉથલપાથલ માં કચ્છ અને કચ્છના વતની કઈ રીતે અપ્રભાવિત રહી શકે? કચ્છના અધિષ્ઠાતા મહારાજા સાર્વભૌમ કહેવાતા કચ્છ ઘણી જાગીરો માં વહેંચાયેલો હતો. 1) રાજાનો પ્રદેશ, 2) ધર્માદા જાગીરના બાર પ્રદેશ, 3 ચારણોના અધિકાર વાળા 44 પ્રદેશ, 4)બ્રાહ્મણો,ગુંસાઈ વગેરેની ભેટમાં મળેલ 5)ઇસ્લામી પીરોનો 25 પ્રદેશ,6) મૂળ જમીનદારોનો 100 પ્રદેશ, 7) શાસકોના ભાઈ ભત્રીજા ભાયાતો ઇનામ દારોની મળેલ 168 પ્રદેશ.

કચ્છમાં અંગ્રેજોના શાસન નો પ્રભાવ સવંત ૧૯૦૦ની આસપાસ પડવા લાગ્યો હતો. ઈ.સ.1990 માં ભારતભરમાં સ્વતંત્રતા પ્રાપ્તિ માટેના આંદોલનની પ્રચંડ જ્વાળા ભભૂકી ઊઠી ત્યારે કચ્છ બહાર વસતા કચ્છીઓના હૃદય પોતાના વતન કચ્છની પરાધીનતાથી અને કચ્છી પ્રજાની દુર્દશાથી પરેશાન હતા. ત્યારે કચ્છમાં આ જલદ વાતાવરણની અસર નહિવત હતી! તેનું કારણ એ કહી શકાય કે કચ્છ દેશના મધ્ય ભાગેથી અતિ સીમાડે આવેલું હોવાથી વિખૂટો પડી ગયો હતો. બીજું સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શિક્ષિત વર્ગ કચ્છથી બહાર રહેતો હતો. ત્રીજું સ્થાનિક પ્રજામાં આધુનિક જાગરણનો બોધ નહીવત હતો. તે ઉપરાંત પ્રત્યેક ક્ષેત્રની પ્રજાની દેશભક્તિ પોતાના ક્ષેત્ર પૂરતી સીમિત હતી અને સૌ સ્વ કેન્દ્રિત હતા..

કચ્છના સ્વાતંત્ર સંગ્રામનો પ્રારંભ ત્રણ સ્થાનો પર વિવિધ રૂપમાં થયો: 1) કચ્છમાં, 2) કચ્છ બહાર,3) વિદેશમા..

મુખ્યત્વે સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રથમ જ્યોત વિદેશમાં પ્રજ્વલિત થઇ. ગાંધીયુગના પ્રારંભ પૂર્વે અંગ્રેજોના બહિષ્કારનો પ્રથમ ઘોષ કચ્છ-માંડવીના શ્યામજી કૃષ્ણવર્માએ કર્યો સંસ્કૃતમાં પ્રભુત્વ ધરાવતા ઓક્સફોર્ડના સ્નાતક અને બેરિસ્ટર એવા વિદ્વાન સંવેદનશીલ આ યુવકે પરાધીન ભારતની દુર્દશાથી વ્યગ્ર થઇ, ઇગ્લેન્ડમાં ઇન્ડિયન સોસીઓલોજીસ્ટ નામના મુખપત્રનું પ્રકાશન શરૂ કર્યું. તથા ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી, ભારત ના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસ નો પ્રારંભ શ્યામજી કૃષ્ણવર્માએ કરાવ્યો. મહર્ષિ દયાનંદની આર્યચેતનાથી દિપ્ત શ્યામજી કૃષ્ણ વર્મા દેશની ગુલામી દૂર કરવા પોતાના પદ સંપત્તિ યશ પ્રતિષ્ઠા અને ભૌતિક સુખોને ત્યાગી અનેક પ્રયત્નો કરવા લાગ્યા..આમ,પરાધીનતાથી મુક્ત કરાવવાના પ્રયત્નો નો પ્રારંભ સર્વપ્રથમ મુંબઈમાં થયો.

ઇ.સ.૧૯૦૩માં મુંબઈ નિવાસી કચ્છીઓએ એક સભા ભરી અને કચ્છના હિતાર્થે મુંબઈના કચ્છીઓની કચ્છી પ્રજા પરિષદ ની સ્થાપના થઈ. મુંબઈથી જનજાગૃતિના સંદેશવાહક મુખપત્રો કચ્છ સમાચાર વકીલ દયારામ દેપાડા દ્વારા પ્રકાશિત, બીજું કચ્છી ચત્રભુજ જગજીવન ભટ્ટ દ્વારા સંપાદિત, ત્રીજું કચ્છ કેસરી દેવપરના શાહ રવજી દ્વારા સંપાદિત સાપ્તાહિક વગેરેનું પ્રકાશન શરૂ થયું. સક્રિય સ્વાતંત્ર્ય સેનાની શેઠ સુરજી વલ્લભદાસજીની અધ્યક્ષતામાં કચ્છી પ્રજા પરિષદ નું પ્રથમ અધિવેશન મુંબઈ ડુંગરીમાં ભરાયું. આ અધિવેશનમાં મુંબઈ નિવાસી કચ્છીઓ સાથે કચ્છના રહેવાસી કચ્છીઓએ પણ ભાગ લીધો અને સ્વાતંત્ર્ય સંગ્રામના કાર્યક્રમને કચ્છ ભૂમિ સુધી પહોંચાડવાનું સંકલ્પ કર્યો...

ઇ.સ.1920 ના પ્રારંભે કચ્છના જનજાગૃતિનું વાતાવરણ જાતા કચ્છ સેવા સમાજની સ્થાપના થઈ. ૧૯૨૩માં અંજારમાં મુનિ જિનવિજયજી ના પ્રમુખસ્થાને સમગ્ર કચ્છી ભાઈબહેનોની સભા ભરાઈ. આ સભામાં કચ્છ પ્રજા સંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ. અને આઝાદીના જંગમાં જોડાવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારથી જ જાણે સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય બનવા સાથે કચ્છમાં જનજાગૃતિના વ્યવસ્થિત પુરુષાર્થના મંડાણ થયા.

ઇ.સ. ૧૯૨૫માં કચ્છમાં મહાત્મા ગાંધીજીનું આગમન અને તેમના બે સપ્તાહના માંડવી, ભુજ, માનકુવા, મંજલ,રોહા, કોટડી,કોઠારા વગેરે સ્થાનોનો પ્રવાસ અભૂતપૂર્વ જનજાગૃતિ અને સંગઠનનું પ્રેરક બન્યું. મુંબઈ અને કચ્છની સંસ્થાઓએ પારસ્પારિક સહયોગથી કાર્ય કરવાનો નિર્ણય લઇ કચ્છી પ્રજા પરિષદ અને કચ્છ પ્રજા સંઘને એકત્રિત કરી કચ્છી પ્રજા પરિષદ નું નવું સ્વરૂપ ધારણ કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામના કાર્યમાં તે નવા નવા ક્ષેત્રે પ્રવૃત્ત થયા આ સંસ્થાની પ્રેરણ નેતૃત્વ અને પથદર્શન મેળવી અનેક સ્વાતંત્ર્ય સેનાની અગ્રેસર થયા કચ્છની જનતા પણ ગુલામી ના બંધન તોડી આઝાદી પ્રાપ્ત કરવા તૈયાર થયા પરિણામે પ્રજાની શક્તિ અને સંકલ્પ અનેકરૂપે પ્રગટ થવા લાગ્યા...

ઇ.સ.૧૯૩૪ માં ભુજમાં યોજાયેલ યુવક સંમેલનમાં કચ્છના યુવાનો સ્વયં પ્રેરિત જોડાયા.કચ્છી પ્રજા પરિષદ ભચાઉ અધિવેશનમાં ઉત્સાહી,તેજસ્વી,સ્પષ્ટ વક્તા એવા યુસુફ મહેર અલી યુવકોના પ્રેરણા સ્ત્રોત બની રહ્યા અને એ ૧૯૩૮ માં પ્રમુખ બની,જવાબદાર રાજતંત્ર ની માંગણી સાથે આઝાદીની લડતને ઉતમ નેતૃત્વ પ્રદાન કરવામાં સફળ રહ્યા.તેમના ' કરેંગે યા મરેંગે' ના સૂત્ર સાથે કચ્છમાં આઝાદીની લડાઇએ જલદ કાર્યક્રમો દ્વારા વેગ પકડી.

યુવાનો ની જેમ સ્ત્રી શક્તિ પણ જાગૃત થતાં ભુજમાં ભરાયેલ ' સ્ત્રી સંમેલન' માં ભાગ લેવા આવેલ શ્રીમતી કમલા ચટ્ટોપાધ્યાય અને લેડી પ્રેમીલા ઠકરશીએ સક્રિય ભાગ લઈ, કચ્છી સ્ત્રીઓને સાથે રાખી દારૂ પીઠા પિકેટિંગ અને વિદેશી કાપડ બહિષ્કાર કાર્યક્રમો યોજ્યા. તો કચ્છનો વ્યાપારી વર્ગ, ખેડૂત વર્ગ,વકીલ વર્ગ, દલિત વર્ગ પણ આઝાદીની ચળવળમાં જોડાવા સક્રિય થતાં આઝાદીના જંગને તીવ્ર વેગ મળ્યો.

કચ્છ માં આઝાદીની ચળવળના જલદ કાર્યક્રમો સાથે રાજ્યમાં અંગ્રેજ સરકાર દ્વારા અત્યાચાર, દમન, હિંસા વધ્યા. જુદા જુદા સ્વરૂપે ખોટા આરોપો મૂકી અનેક ચળવળકારોની ધરપકડનો દોર શરૂ થયા.જેમાં જમનાદાસ ગાંધી,કાંતિપ્રસાદ અંતાણી,રાપરમાં ડુંગરશી કચરા,શામજી નાનચંદ ઝોટા પર ભિન્ન આરોપ લગાડી પકડ્યા તો ગોકુળ બાંભડાઈ,દલપત જોશી,ચત્રભુજ ભટ્ટ વગેરે તરુણ આગેવાનોને જુદા જુદા બહાના હેઠ યાતનાઓ ભોગવવી પડી.તુલસીદાસ શેઠ,જમિયત રાય વૈદજેવા સત્યાગ્રહી વકીલોની સનદ રદ કરવામાં આવી,રાપરના ગોપાલજી શિણાઈ,ભુજના પ્રાણલાલ શાહ પર ગુંડાઓ દ્વારા હુમલા કરાવવામાં આવ્યા. કચ્છના સમાચાર પત્રો કચ્છ પત્રિકા,આઝાદ કચ્છ, જય કચ્છ પ્રકાશન કરતા તંત્રીઓ ગુલાબ શંકર ધોળકિયા, અમૃતલાલ,પ્રાણલાલ શાહ,ફૂલશંકર પટ્ટણી તથા અમદાવાદથી પ્રકાશિત કચ્છ વર્તમાનના તંત્રી છગનલાલ મહેતા વગેરે નો નૈતિક જુસ્સો ખતમ કરવાના પ્રયાસ રૂપે સજા ફટકારી,તેમને કચ્છમાં પ્રવેશબંધી ના હુકમ કરાયા. આઝાદીના લડતના ઉતેજક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સત્યાગ્રહીઓ પર આ બધા દમનની બહુ અસર થતી નહતી. તેઓ સભા,સરઘસ,સત્યાગ્રહ,રચનાત્મક પ્રવૃત્તિઓ અવિરત ચલાવતા રહ્યા.એ સાથે જ એ સમયે ઠક્કરબાપાએ કચ્છમાં 'હરિજન સેવા સંઘની સ્થાપના' દ્વારા દલિત વર્ગને સમાજદ્રોહ સહન કરીને પણ ઉત્સાહથી કાર્ય કરવા પ્રેર્યા.

ઇ.સ.૧૯૪૨માં યુવરાજ વિજ્યરાજ્જી રાજા ના પદે બેસવા છતાં રાજ્ય સંચાલનરૂપ તો દમન,અત્યાચાર,દંડ,દેશનિકાલ,સમાચારપત્ર જપ્તી અને પ્રકાશન પર પ્રતિબંધ રૂપે એ જ ચાલુ રહ્યું.

ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિના અનુસંધાનમાં ૧૯ માર્ચ ૧૯૪૮ના દિવસે મહરાવશ્રી મદાસિંહજીએ 'જવાબદાર રાજતંત્ર' ની માંગણીને સ્વીકારવાનું જાહેર કર્યું.૧ જૂન ૧૯૪૮ના દિવસે ૪૦૦ વર્ષ જૂની રાજા શાહીનો અંત આવ્યો.કચ્છ સ્વતંત્ર થયું.સ્વતંત્ર કચ્છ ને - ભારતસંઘ - સ્વતંત્ર ભારતમાં એકમના રૂપમાં 'સી' સ્ટેટનો દરજ્જો મળ્યો.

ઝાદી લડત દરમ્યાનના અને આઝાદી બાદમાં કચ્છના કેટલાક ખૂબ મહત્વના સ્વાતંત્રસેનાનીઓને કે વ્યક્તિ વિશેષોને જરૂર યાદ કરીએ.....

ભાઈ પ્રતાપ ડિયાલદાસ: જેમના પ્રયત્નોથી કચ્છનું (અત્યારે એક પચરંગી શહેર તરીકે જાણીતું) ગાંધીધામથી ઓળખાયું. જેઓ 12 ફેબ્રુઆરી 1948ના મહાત્માગાંધીના અસ્થિફૂલ દિલ્હીથી લાવી,કંડલાના અરબી સમુદ્રની ખાડીમાં વિસર્જિત કર્યા. સિંધી પ્રજાના પુન: વસવાટ માટે આદિપુર અને ગાંધીધામના સંકુલના નિર્માતા અને ભાઈ તરીકે જાણીતા, એમનો રચનાત્મક સમર્પણભાવ તથા તેમની કાર્યદક્ષતા જોઈને ગાંધીજીએ તેમને સિંધ રાષ્ટ્રભાષા સમિતિના પ્રમુખ નિમાયા.શિક્ષણનો પાયો મજબૂત બનાવતીમૈત્રી મંડળસંસ્થાના સ્થાપક એવા ભાઈને ગાંધીધામની સિંધી વસ્તી પ્રેમથી અછો અને અદા તરીકે બિરદાવતા.

પદ્મશ્રી એવા ગાંધીધામના દાદા દુખાયલ: જેમની વૃક્ષ કુહાડીની કથા ખંજરીના તાલે સિંધના ગામેગામમાં સ્વતંત્ર ચળવળની ચિનગારી બની ગઈ હતી.રાષ્ટ્રીય ભાવના,ખાદી,સ્વદેશી,અહિંસા,હરિજ્ન ઉધ્ધાર વગેરેના પ્રચાર કરતાં 1931 થી 1945માં કુલ 6 વખત કારાવાસ ભોગવ્યો હતો. તેમણે ગાંધીધામ, આદિપુર,કંડલાના નિર્માણ અને પ્રગતિમાં સક્રિયતા દાખવી નોંધપાત્ર કામગીરી કરી હતી. દિલ્હીની સિંધી સાહિત્ય અકાદમીનો મિલેનિયમ એવોર્ડ ,ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીનો પ્રથમ ગૌરવ પુરસ્કારસહિતના અનેક એવોર્ડ મેળવનાર એવ મહાન સેનાનીના નામ પરથી આદિપુરમાં બી.એડ.કોલેજનું નામ દાદા દુખાયલ બી.એડ.કોલેજ નામ આપી, અનોખી શ્રધ્ધાંજલિ અપાઈ છે. જ્યોત્સ્નાબેન પટ્ટણી: ગાંધીવાદી પ્રજાકીય નેતા શ્રી ગુલબશંકર ધોળકિયાના પુત્રી, નોકરિયાતની ચળવળના આગેવાન શશીકાન્ત ધોળકિયાના બહેન અને સિધ્ધાંતવાદી ભેખધારી પત્રકાર શ્રી ફૂલશંકર પટ્ટણીના પત્ની એવા જ્યોત્સ્નાબેન પટ્ટણી સંસ્કારિતા, સહિષ્ણુતા અને સમાજ સમર્પિતતાનો ત્રિવેણી સંગમ કહી શકાય.જેમણે મહિલા ઉત્કર્ષમાં ઉતમ પ્રદાન કરવા સાથે એ જમાનાના રૂઢિચુસ્ત શ્વસુરપક્ષને અનુરૂપ રહીને ભુજમાં વાણિયાવાદ ખાતે દારૂના પીઠા પર મહિલાઓની દારૂની સાંકળ રચી,પિકેટિંગ કરી અનોખો સત્યાગ્રહ ચલાવ્યો હતો. કચ્છની નારીઓ નીડર અને નિર્ભર બને તે હેતુ તેમણે અનેક સેવા કાર્યો કર્યા. જાણીતા મહિલા આગેવાન મૃણાલ ગોર સાથે રહી,છાડબેટપરત મેળવવના ખાવડા ખાતેના કચ્છ સત્યાગ્રહ’ માં કાયદાનો ભંગ કરી, એક દિવસ જેલવાસ પણ ભોગવ્યો હતો. ખાતે તો 1951માં ભુજ નગરપાલિકાની રચનામાં સ્ત્રી અનામત સીટ પર કોંગ્રેસનાં બળૂકા મહિલા ઉમેદવારને હરાવી જંગી બહુમતીથી ચૂંટાયા.સાથે તેમના પતિ પણ નગરપાલિકામાં સભ્યપદે ચૂંટાતા, ભુજ નગરપાલિકાની રચના પછીનું પ્રથમ નગરસેવક દંપતીનું માન મેળવ્યું.

સુમતિબહેન મોરારજી: ભારતીય જહાજી ઉધ્યોગના પ્રથમ મહિલા સુકાની એવા સમસ્ત કચ્છ ગુજરાત સમાજ માટે ગૌરવ સમાન જાજરમાન આ નારી રત્નગાંધીજીના ચુસ્ત અનુયાયી અને સમર્થક રહી, સ્વાતંત્ર્ય ચળવળમાં ઉતમ યોગદાન રહ્યું હતું. પંડિત નહેરુ. ઇન્દિરા ગાંધી સહિત હિન્દ છોડો આંદોલનના ચળવળકરો માટે તેમનો મુંબઈ ખાતેનું નિવાસસ્થાન મુખ્ય આશ્રયસ્થાન બની રહેતું.

હરિરામ નથુભાઇ કોઠારી: સ્વતંત્રતા ચળવળમાં આમજનતા માટે લડત ચલાવનાર કચ્છના નેતા પ્રાણલાલ શાહના કેસ નિ:શુલ્ક ભાવે લડનાર, હરિરામ નથુભાઇ કોઠારીએ બાહોશ વકીલ હતા. પૂર્વ ધારાસભ્ય,માંડવીના નગરપતિ તરીકે રેકોર્ડ બ્રેક સમય રહીને માંડવી શહેરના મુખ્ય વિકાસકામો કર્યા હતા.

રસિકલા જોશી: મૂળ દૂધઈ (અંજાર)ના નવયુવન કાર્યકર સંઘ ના સ્થાપક, મુંબઈથી પ્રસારિત થતું કચ્છમિત્રદૈનિકના તંત્રી એવ બાહોશ નીડર પત્રકાર ઊંચા ગજાના સર્જક સાથે દલિત ઉત્કર્ષ માટે ઝઝુમનાર નેતા તરીકે જાણીતા રસિકલલ જોશીએ કચ્છના પ્રશ્નોને વાચા આપવાની કામગીરી જાગૃતિ અને નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

માનસંગજી બારડ : પથિક સામયિકના આદ્યતંત્રી એવા કચ્છીયત માટે લડનાર અને બાપુના હુલામણા નામથી પ્રખ્યાત માનસંગજીના નેતૃત્વમાં કચ્છી પ્રજાકીય પરિષદનું મુંદ્રા અધિવેશન 1938માં ભુજથી મુંદ્રા પગપાળા આઝાદ કુચકરાઇ હતી. ભૂગર્ભ પ્રવૃતિ દ્વારા થતી ચળવળના પ્રકાશન્ની મહત્વની કામગીરી તેમણે સંભાળી આઝાદીની લડાઈમાં મહત્વનો રોલ નિભવ્યો હતો.

પ્રેમજી ભવાજી ઠક્કર: એક શિક્ષકથી મંત્રીપદ સુધીની સંઘર્ષયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રધાનપદે પ્રથમ કચ્છી સપૂત તરીકે ગૌરવ અપાવનાર પ્રેમજી ઠક્કરને કચ્છી શિલ્પી તરીકે ગુજરાત વિધાનસભાના પૂર્વ પ્રમુખ અને ગાંધીવાદી મૂલ્યોના સ્થાપક એવ શ્રી કુંદનભાઇ ધોળકિયાએ બિરદાવયા હતા. સ્વતંત્રતા પહેલા અનેક દેશસેવા ના કાર્યો કર્યા અને આઝાદી બાદ એમનું અસરકારક વક્તવ્ય કચ્છના ગામેગામની ચેતના જાગૃત કરવામાં અગત્યનું બની રહ્યું હતું.

અંતે એટલું જરૂર કહી શકાય કે શરૂઆતમાં જણાવ્યું તેમ અનેક કારણોસર બ્રિટિશ હકુમતના ક્ષેત્રોમાં હતું એવું જલદ સ્વરૂપ ભલે કચ્છના સ્વતંત્ર સંગ્રામની ચેતના માં નહોતું,છતાં નિવાસી અને પ્રવાસી કચ્છી પ્રજાએ યથોચિત સંઘર્ષ કર્યો,જેમનું યોગદાન દેશની સ્વાતંત્ર્ય ચળવળના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે.