Featured Books
શ્રેણી
શેયર કરો

આદિ શંકરાચાર્ય - ભાગ 4 - ગુરુની શોધમાં નર્મદા કિનારે

ગયા અંકમાં આપણે જોયેલ કે નદીમાં ન્હાતી વખતે એક મગરે શંકરનો પગ પકડી લીધેલો. ખુબ પ્રયાસ પછી પણ પગ નાં છૂટ્યો ત્યારે જીવનના અંતમાં શંકરે પોતાની આખરી ઈચ્છા રૂપે માતા આર્યમ્બા પાસે સંન્યાસ લેવાની પરવાનગી મેળવી. અને અંતે માછીમારો દ્વારા શંકરનો બચાવ થયો અને શંકરે ગૃહત્યાગ કર્યો...હવે આગળ....
---------------------------------
શંકર જ્યારે ગુરુકુળમાં હતા ત્યારે તેણે નર્મદાના કિનારે રહેતા ઋષિ પતંજલિનીની ગુરુ પરંપરનાં આચાર્ય ગોવિંદપાદનું નામ સાંભળેલ. આથી પોતાના ગૃહ ત્યાગ બાદ બાળક શંકરે ઉતરમાં નર્મદા તરફ ચાલવાનું શરુ કર્યું. નર્મદા કેટલી દૂર થાય છે? ક્યારે પહોંચશે ? એવી કશી જ તેને ખબર ન હતી. બસ તે તો નીકળી પડ્યા હતા નર્મદાના કિનારે ગુરુ ગોવિંદપાદને મળવા...

વહેલી સવારે ચાલતા રહેતા, બપોરે કોઈ ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતા અને થોડો આરામ કરીને રાત્રી સુધી ચાલતા રહેતા. રાત્રે કોઈ મંદિર કે ઝાડ નીચે સુઈ જતા. આ રીતે અનેક ગામો, નદીઓ, જંગલો પાર કરતા કરતા બે મહિનાના અંતે તેઓ નર્મદાકિનારે ઓમકારનાથ સ્થળે પહોંચ્યા. પૂછતા પૂછતા તે ગોવિંદપાદનાં આશ્રમ સુધી પહોંચી ગયા. આશ્રમમાં છેક દૂર કેરલથી આવેલ બાળકને જોઇને આશ્રમવાસીઓ આશ્ચર્યચકિત થઇ ગયા.

શંકરે એક વૃદ્ધ સન્યાસીને પૂછ્યું કે હું આચાર્ય ગોવિંદપાદને મળી શકું ?
ત્યારે વૃદ્ધે આંગળીના ઇશારાથી એક ગુફા તરફ દિશા નિર્દેશ કરતા કહ્યું “ગુરુ ગોવિંદપાદ સામેની ગુફામાં લાંબા સમયથી સમાધિ મગ્ન છે. તું ત્યાં જઈને તેના દર્શન કરી શકે છે”

ગુફામાં ગોવિંદપાદને જોતા જ શંકરનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે ગોવિંદપાદની પ્રણામ કરીને હાથ જોડીને ખરા હૃદયથી પ્રર્થાન કરી કે “ આપની મહિમા અપરંપાર છે. આપ સત્યના જીજ્ઞાસુઓને જ્ઞાન આપવા જ પતંજલિનાં અંશમાં પૃથ્વી પર આવ્યા છો. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે હું આપની પાસે આવ્યો છું. કૃપા કરીને મને આપના શિષ્ય તરીકે સ્વીકાર કરો”

એક બાળકના શુદ્ધ હૃદયની પ્રાર્થનાનો તરંગોનો જાણે ચમત્કાર થયો હોય એમ ગોવિંદપાદ સમાધિમાંથી બહાર આવ્યા. અને તેણે શંકરને પૂછ્યું કે “ તું કોણ છે ?”
આના જવાબમાં શંકરે એક સ્તોત્ર રચ્યું અને જવાબ આપતા કહ્યું

" मनोबुद्धयहंकारचित्तानि नाहम् न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे
न च व्योम भूमिर्न तेजॊ न वायु: चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥ "

मैं न तो मन हूं, न बुद्धि, न अहंकार, न ही चित्त हूं
मैं न तो कान हूं, न जीभ, न नासिका, न ही नेत्र हूं
मैं न तो आकाश हूं, न धरती, न अग्नि, न ही वायु हूं
मैं तो शुद्ध चेतना हूं, अनादि, अनंत शिव हूं।

( આ સ્તોત્ર "निर्वाण षट्कम" તરીકે ઓળખાય છે. લિંક કોમેન્ટમાં આપેલ છે )

આ સાંભળતા જ ગોવિંદપાદ અભિભૂત થઇ ગયા. તેણે કહ્યું “બેટા, મારી અંતઃસ્ફૂરણાથી હું જોઈ શકું છું કે તું શિવનો અંશ છે. તું કોઈ સાધારણ માણસ નથી. હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરું છું. આ ઘટના થવાની જ હતી”

બાદમાં ગોવિંદપાદ દ્વારા શંકર વિધિવત સંન્યાસી બન્યા. અને ગોવિંદપાદે તેમને બ્રહ્મસૂત્ર અને વેદાંતનું શિક્ષણ આપ્યું. ત્રણ જ વર્ષમાં શંકરે હઠયોગ, રાજયોગ, જ્ઞાનયોગ વગેરેમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. તે સદા હવે નિત્ય નૂતન દિવ્યઅનુભૂતિમાં મગ્ન રહીને “અહં બ્રહ્માસ્મિ” નો અનુભવ કરતા. તે નિર્વિકલ્પ સમાધિમાં સહજ થઇ ગયા હતા.

ગુરુ ગોવિંદપાદે પણ જોયું કે હવે શંકરની સાધના અને શિક્ષા પૂર્ણ થઇ ચુકી છે. તે પરમજ્ઞાનને પામી ચુક્યા છે. આથી તેણે શંકરને કહ્યું “ હવે મારું કાર્ય પૂર્ણ થયું. થોડા જ સમયમાં હું હવે આ દેહનો ત્યાગ કરી દઈશ. ચાતુર્માસ પછી તું કાશી તરફ પ્રયાણ કરજે ત્યાં જઈને વેદાંત પર ભાષ્ય લખ “

આગળ કહ્યું “ મહર્ષિ વેદવ્યાસે વેદોને ૪ ભાગમાં વિભાજીત કર્યા છે. તેણે અનેક પુરાણો અને મહાભારત જેવા મહાકાવ્યો લખ્યા છે. તેણે અદભૂત કહી શક્યા તેવું બ્રહ્મસૂત્ર પણ લખ્યું છે. પણ ઘણા સ્કોલરોએ તેનું ખોટું અર્થઘટન કરીને ગૂંચવણ ઉભી કરી દીધી છે. આથી તારે તેના પર ( વેદાંત પર ) ભાષ્યો લખવા. જેથી ભવિષ્યમાં કોઈ મૂંઝવણ નાં રહે. તારા ભાષ્યોના લખાણથી વેદાંતિક આધ્યાત્મિક જ્ઞાન સ્પષ્ટ થશે અને તે આધ્યામિક જિજ્ઞાસુઓ માટે દીવા જેવું કામ કરશે””

અને એક શુભ દિવસે ગોવિંદપાદે સમાધિયોગથી દેહત્યાગ કર્યો. નર્મદાકિનારે ગુરુજીના અંતિમસંસ્કાર કરીને તેમની આજ્ઞા મુજબ કેટલાક સંન્યાસીઓ સાથે આચાર્ય શંકર કાશી ( વારાણસી ) તરફ એક મિશન સાથે નીકળી પડ્યા....

(ક્રમશઃ )