સાઈબર ડાયરીના ચોરેલા પાના - 1 (મોતી) Bhaveshkumar K Chudasama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાઈબર ડાયરીના ચોરેલા પાના - 1 (મોતી)

જેને શિષ્ટ અને ભદ્ર ન કહી શકાય, જ્યાં મુખવટા પહેરીને માહોલતા માનવો પળવાર મળતા હતા અને ક્ષણિક મુલાકાત જો પ્રણય(!) કે આકર્ષણમાં પરિણમે અને એમાં પણ જો વિશ્વાસ ભળે તો જ સાચો પરિચય આપી વ્યભિચારના માર્ગે પ્રયાણ કરવાના ઓરતા લઈને ફરતા મનવસમૂહનો મેળાવડો જામતો હતો એવા એક (સુ)ભદ્ર
Social media પર એક નર અને નારી વચ્ચે નીચેના સંવાદો ચાલુ હતા.

"શું ગોતો છો?"
"મોતી"
"કાદવમાં? મળશે?"
"કાદવમાં કમળ ખીલે તો મોતી ન મળે?"
"પણ કમળ તો ખીલીને પોતે બહાર આવે. લોકોને, કિટકોને આકર્ષે. મોતી તો કાદવમાં ખૂંચી જાય એ થોડું દેખાય! અને કોઈકના હાથમાં આવે તો પણ કાદવથી ખરડાયેલા એ મોતીને ઓળખી કોણ શકે!?"
"તમે."
"હું તો સમાન્ય માણસ છું, કોઈ ઝવેરી નથી."
"બહુ ઉમદા વિચારો આપના!"
" એક મંદ સ્મિત smiley"
" વાંચનનો શોખ છે આપને?"
" હા પણ limited"
"હં ત્યારે જ મોતી જેવો ફિલોસોફિકલ જવાબ આપ્યો. ચાલો મોતી અને ઝવેરીની ફિલોસોફીને આગળ વધારીએ. ઘણીવાર મોતી મળે તો પણ એ આપણું નથી હોતું, પારકું હોય છે, તો ઘણીવાર મોતી મેળવનાર સમય જતાં મોતીને ગુમાવી દેતો હોય છે અથવા તો મોતી તેના હાથમાંથી સરકી જતું હોય છે. મેં આવી અનેક મોતી અને ઝવેરીની કથાઓ વાંચી છે, તે કથાઓમાં અંતે તો કરુણતા જ હોય છે. કાં તો મોતી તૂટે કે ખોવાઈ જાય અથવા તો ઝવેરી તૂટે કે આજીવન જખમી થાય!"
"ઝવેરી વધુ વધુની લાલચમાં પોતાના મનની શાંતિ ગુમાવી દે જેને લીધે આવું થતું હોય"
"ઝવેરીની મને ખબર નથી પણ આવી કોઈ કથાનું લેખન મારા ફાળે આવે તો હું તો એ જ ઈચ્છું કે આવી કથાનો અંત સુખદ હોય."
"માનો કે તમારે જ કાદવમાંના મોતીની અને ઝવેરીની વાર્તા લખવાની છે અને એ વાર્તાના સુખદ અંત સાથે તેને અજોડ બનાવવાની છે તો તમે વાર્તાના પાત્રોનું આલેખન કઈ રીતે કરશો?"
"તમને લાગે છે કે વાર્તાઓ, નવલકથા કે પ્રણયકથાઓનું લેખન કરવું એ સહેલું છે?"
"હાસ્તો વળી, કાગળ અને પેન લઈને જામી પડવાનું જ તો હોય!"
"ઓકે ચાલો લખીએ, એક ખૂબ જ કિંમતી મોતી હતું, અચાનક જ કાદવમાં આવી પડ્યું, કંઇક કેટલાના પગ નીચે રગદોળાઈને પોતાની ચમક ખોઈ બેઠું. હવે તો એ કાદવના રંગે રંગાઈને કાદવમાં સમાઈ ગયું હતું. પણ મોતીને વિશ્વાસ હતો કે કોઈક ઝવેરી આવશે અને મને કાદવના કેદખાનામાંથી છોડાવશે. એક દિવસ એક ઝવેરીને
અનાયાસે જ એ મોતી મળી ગયું. ઝવેરીએ તેને સાફ કર્યું પરખ કરી, અને મોતી તેમને કિંમતી લાગતા તેમણે સંશયાત્મક નજરે આગળ પાછળ જોઈ ખાતરી કરી લીધી કે તેને મોતી લેતા કોઈ જોઈ તો નથી ગયું ને! ત્યાં કોઈ હતું નહી એટલે ઝવેરીએ હળવેકથી મોતીને પોતાના ગજવામાં મૂકી દીધું અને મનમાં એ મોતીની સુંદરતાને માણવાના અનેક વિચારો કરતો, હરખાતો હરખાતો ઘર તરફ જવા નીકળી ગયો."
"Nice"
"વાર્તાના પાત્રો વિશે તમારો શું અભિપ્રાય છે અને વાર્તાને શું શીર્ષક આપવું જોઈએ?"
"નસીબદાર ઝવેરી અથવા તો મોતીની યાત્રા"
"ના અવિચારી કે સ્વાર્થી ઝવેરી, તેમણે એ ન વિચાર્યું કે આટલું કિંમતી મોતી કાદવમાં ક્યાંથી આવ્યું? કોનું મોતી ખોવાયું હશે? જે કોઈનું ખોવાયું હશે તેની હાલત શું હશે? અહીં ઝવેરી નું પાત્ર ઝાંખું પડે છે"
"હા એ પણ છે. તો વાર્તા ફરી લખીને ઝવેરીના પાત્રને સારું બતાવો"
"હં ચાલો ફરી લખીએ એક વ્યક્તિ પાસે સોનાની વીંટીમાં મઢેલું એક મોતી હતું. ખૂબ જ સુંદર અને ચમકદાર તો એટલું કે અંધારા ઓરડાને પણ તે પોતાના ઓજસથી દીપાવી ઉઠે! એ વ્યક્તિને એ મોતી ખૂબ જ ગમતું, શરૂઆતમાં નવું નવું હતું ત્યારે તો એ વ્યક્તિ અવારનવાર પોતાની વીંટીમાં મઢેલા એ મોતીને જોયા કરતો અને પળ બે પળ એ મોતીની સુંદરતામાં ખોવાઈ જતો પણ વ્યસ્તતા એ તો દરેક વ્યક્તિ સાથે સંકળાયેલી હોય છે! વ્યસ્ત જીવનની દોડધામમાં ધીમે ધીમે એ વ્યક્તિનું મોતી તરફનું આકર્ષણ ઓછું થઈ ગયું. એનો મતલબ એ નહી કે વ્યક્તિનો મોતી પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો હતો પણ કદાચ એ વ્યક્તિએ મોતીને તેમના જીવન સાથે વણી લીધું હતું. એ વ્યક્તિને વિશ્વાસ હતો કે મોતી એમનું છે અને એમની પાસે જ રહેશે પણ મોતી પેલા વ્યક્તિની ઉપેક્ષાથી
કંટાળતું, મોતીને લાગતું કે હવે એ વ્યક્તિ તેને પેહલા જેટલો પ્રેમ નથી કરતો. મોતી ક્યારેક ક્યારેક એ વ્યક્તિ પાસેથી સરકી જવાના વિચાર કરતું પણ વીંટીમાં જડાયેલું
હોવાથી તે એવું કરી શકતું નહીં. એક દિવસ એક નદી કિનારે એ મોતી વીંટીની જકડમાંથી આઝાદ થઈને કાંઠે પડી ગયું. કાંઠે પડેલા કાદવએ મોતીની સુંદરતાના વખાણ કર્યાં. મોતીને તો કાદવ ખૂબ જ સારો લાગ્યો બીજી બાજુ પેલો વ્યક્તિ ગાંડો અને વિહવળ બની મોતીને ચારે તરફ શોધતો ફરતો હતો. અનેકવાર તેણે નદી કાંઠે પણ આવી, અહીં તહીં ભટકીને મોતીની તપાસ કરી પણ મોતી તો કાદવના સહવાસમાં મશગુલ હતું. મોતી તો કાદવની મીઠી વાણી સાંભળતું રહેતું અને કાદવના સહવાસમાં, કાદવના રંગે રંગાઈ ગયું હતું, મળે પણ ક્યાંથી! દિવસો પસાર થયા, કંઇક કેટલાયે લોકોના પગ નીચે એ મોતી આવ્યું, તેના પર ઘસરકા અને ઉઝરડાં થયા અને કાદવના સહવાસને લીધે કાદવ જેવા મલિન રંગનું થઈ ગયું. હવે મોતી ચમકતું ન હતું એટલે કાદવ પણ તેના વખાણ ન કરતો. મોતી કાદવથી પણ કંટાળ્યું, મોતી વિચારતું કે એક વખતનું ચમકદાર અને કિંમતી એવું હું મોતી! અહીં કાદવમાં જ પડ્યું રહીને ઘસરકા, ઉઝરડાં સહેતું રહીશ અને તૂટી જઈશ કે કોઈ તારણહાર પણ આવશે? ફરી કોઈ મને પહેલા જેવી ચમક આપીને વીંટીમાં શોભાવનાર મળશે કે પછી હું પણ એક દિવસ સુકાઈને કાદવનું ઢેફું બની જઈશ! આ કરતાં તો હું પેલા વ્યક્તિની વીંટીમાં સલામત અને પ્રતિષ્ઠિત હતું. આમ મોતીને પેલો વ્યક્તિ ખૂબ જ યાદ આવતો પણ હવે તો મોતી મલિન રંગે રંગાયેલું હતું તેને ઓળખે પણ કોણ? મોતીના સદનશીબે એક દિવસ ત્યાં એક ઝવેરી આવ્યો અને કાદવમાં પડેલું એ મોતી તેના હાથમાં આવ્યું. ઝવેરીએ મોતીને સાફ કર્યું, પરખ્યું, મોતી સાચું હતું પણ કાદવના સહવાસથી મલિન અને થોડું ઘસાયેલું, ઉઝરડાં વાળું હતું. ઝવેરીએ ઘરે આવી પોતાની કળા વાપરી, કલાકોની જહેમત બાદ મોતીના ઘસરકા, ઉઝરડાં દૂર કર્યા. મલિનતા અને વિકાર દૂર કર્યા બાદ એ ચમકદાર મોતીને ઝવેરીએ ફરી એકવાર જોયું અને વિચાર્યું, વાહ! આવું સુંદર, ચમકદાર, જોતા જ પ્રેમ થઈ જાય એવું કિંમતી મોતી કોનું ખોવાયું હશે? એની હાલત શું હશે? એ ફરી પેલા નદી કાંઠે ગયો અને આસપાસની લારી, દુકાનવાળાઓને પૂછી મોતીના માલિક, પેલા વ્યક્તિની માહિતી અને સરનામું મેળવ્યું અને મોતી પેલા વ્યક્તિને આપવા જવા માટે રવાના થયો. નદી કાંઠાથી પેલા વ્યક્તિના ઘર સુધીનું અંતર તેમને ખૂબ જ કપરું લાગ્યું. આખા રસ્તે તેમને તેમના મન અને મસ્તિષ્ક વચ્ચેના વિવાદોનો સામનો કરવો પડ્યો. મસ્તિષ્ક કહેતું હતું કે મોતી તારું છે. તને મળ્યું કોઈનું ચોરી નથી કર્યું. ઘસરકા, ઉઝરડાં તે દૂર કર્યા. ચમકાવ્યું તે. ખરો હક્કદાર તું.
મન કહેતું હતું મળ્યું એ નસીબ, કોનું હશે એ વિચાર્યું એ સદવિચાર, સરનામું મેળવ્યું એ સાચી સમજણ, પરત સોંપવા જાય છે એ ઉત્તમ કાર્ય, અને સોંપી દીધા પછીનો આનંદ એ સત્કર્મ. અંતે મસ્તિષ્કની તમામ સ્વાર્થી દલીલોને મનના દ્રઢ વિચારોએ પરાસ્ત કરી દીધી અને ત્યાં સુધીમાં પેલા વ્યક્તિનું ઘર આવી ગયું. બહારથી અવાજ કરતાં તે વ્યક્તિ બહાર આવ્યો. ઝવેરીએ જ્યારે પૂછ્યું કે ભાઈ તારું એક કિંમતી મોતી ખોવાયું હતું? ત્યારે મોતીની યાદમાં ઝૂરતો એ વ્યક્તિ, હાથની આંગળીઓમાં પહેરેલી મોતી વિહીન વીંટીને બતાવતા, સજળ આંખે અને ગળામાં ભરાયેલા ડુસકાં સાથે માત્ર હકારમાં માથું હલાવી શક્યો. મોતી ગુમાવનાર એ વ્યક્તિની વેદનાને અનુભવી જાણનાર એવા એ ઝવેરીએ પણ સજળ આંખે પોતાના ગજવામાંથી મોતી કાઢી પેલા વ્યક્તિનો હાથ પકડી તેની હથેળીમાં મૂકતાં કહ્યું કે લે ભાઈ આ તારું સુંદર અને કિંમતી મોતી, ફરી વીંટીમાં જડાવી લેજે અને ખૂબ જતનથી સાચવજે.
પેલો વ્યક્તિ હથેળીમાં આવેલા મોતીને જોઈ રહ્યો હતો. પેલા વ્યક્તિની અને ઝવેરીની આંખોમાંથી નિરંતર અશ્રુધારાઓ વહી રહી હતી. એ અશ્રુધારામાં ભીંજાતા મોતીની, કાદવના સહવાસની રહી સહી મલિનતા પણ દૂર કરી દીધી. મોતી હવે એક અનેરા ઉજાસ સાથે ચમકતું હતું અને સાથે પેલો નિર્દોષ વ્યક્તિ અને ઝવેરી પણ!"
"Nice story!"
"તમે કોઈ આવા ઝવેરી બનીને મોતીને અહીં ગોતો છો?"
"ના આ તો વ્યભિચાર પંથ છે."
"તો મોતી કે ઝવેરી અહીં મળે?"
"મોતી મળે તો પણ મલિન હોય અને ઝવેરી બધા મનને જીતાડનારા હોય તો સમાજ સોહામણો હોય ને!"
"LOL smiley"
"તો અહીં શું કરાય?"
"વધુ ટાઇમપાસ પણ નહી. કલટી મારી જવાય."
"LOL"
એક બીજાના કે પોતપોતાના ખુદના ઉચ્ચ વિચારોથી અને કદાચ મિલન માધ્યમની મલિનતાથી લજ્જિત થતાં, કથાના બંને મુખ્ય પાત્રો એ અભદ્ર (અ)સામાજિક મિલન માધ્યમ પરથી ગાયબ થઈ ગયા!