એક ચા કપ Sanjay Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચા કપ


એેકવાર પ્રસંગોપાત્ત *ગોંડલ* જવાનું થયું. માર્કેટિંગ યાર્ડમાં મારે ધંધાનુ થોડું કામ હતુ.

*આખા ગુજરાતમાં ગોંડલનું માર્કેટિંગ યાર્ડ (APMC) વેપારની દ્રષ્ટીએ "સૌથી મોટું" કેન્દ્ર ગણાય છે. ઘઉં, કપાસ, મગફળી, મરચાં, બાજરો મગ ચણા વગેરે બધી જાતના કઠોળ તેમજ ડુંગળી, કેસર કેરી ના વેપારનું મોટું મથક ગણાય છે.* (ઊંઝા કરતાં પણ વધારે મોટું).
સવાર ના વહેલો અમદાવાદથી નિકળ્યો હતો એટલે ગોંડલ પહોંચતાં સહેજે સાડાચાર કલાક થઈ ગયા હતા, ગોંડલના એસટી બસ સ્ટેન્ડે ઉતર્યો. અને માર્કેટિંગ યાર્ડ તરફ આગળ ચાલ્યો.
હાથ માં બેગ હતી, ને *ચા'* પીવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી. આજુ, બાજુ જોયું,
થોડે દુર *સદાનંદ* નામની એક નાની પણ વ્યવસ્થિત હોટલ દેખાઈ.!. તેમા ગયો, અને અનુકુળ જગ્યા જોઈ બેઠો.
ત્યાં *ગરમા-ગરમ ગાંઠિયા* ઉતરતા હતા.
મેં પણ એક પ્લેટ *ગાંઠિયા*, ને ૧ કપ *'કડક ચ્હા'* નો ઓર્ડર અાપ્યો.
ત્યાં કાઉન્ટર ઉપર મેં જોયું તો એક ભાઈ આવ્યા, અને એમણે પણ *'ચ્હા*' નો ઓર્ડર આપ્યો. અને કહ્યું, *'૧ કપ ચ્હા'* મારા ટેબલ પર, અને *'૧ કપ ભીંત' ઉપર..*
હું સાંભળતો હતો, પણ નવાઈ સાથે..આ તે કેવું ?

એવામાં એક સાધારણ દેખાવનુ કપલ આવ્યું. એમણે પણ ઓર્ડર આપ્યો:--. *એ ભાઈ,* અમારી *૨ કડક મીઠી ચા* ટેબલ પર મોકલજો, ને *૨- ચા' ભીંત ઉપર* .
હું નવાઈ પામ્યો. આ *ભીંત ઉપર ચા* શું છે?, ભીંત ઉપર તો *ચા* મુકવા ની કોઈ જગ્યા દેખાતી નથી ! પણ એમના બોલ્યા પછી વેઈટરે એક કાપલી ભીંત પર ચોંટાડી. અને *૨ ચા* બાજુના ટેબલ પર પીરસો. ત્યાર પછી થોડી વારમાં જ બીજા બે ગ્રહસ્થ જેવા લાગતાં બે ભાઈઓ આવ્યા. એમણે પણ *૨ ચા ટેબલ* પર, અને *૨ ચા ભીંત*' ઉપર આપજો એવો ઓર્ડર અાપ્યો. હું બેઠો, બેઠો જોતો હતો. એટલી વારમાં મેં, ગરમાગરમ *ગાંઠિયા* તળેલા મરચાં અને પોપૈયાના સંભારા સાથે ખાઈને મારી ચા પી લીધી હતી ,એટલે બીલ ચુકવવા હું ઉભો થયો. સીધો કાઉન્ટર પર ગયો. સોપારીની *ફાકી* ખાતાં ખાતાં, ઓલા કાઉન્ટર મેનને પુછી લીધું.:--
*"ભાઈ*, .. આ.. *૧ કપ ચા ભીંત ઉપર*' એ શું છે ? મને તો ભીંત પર ચા મુકવાની કોઈ જગ્યા દેખાતી નથી.

પેલા ભાઈ મારી સામે જોઈ હંસ્યા. 'તમે ગોંડલમાં કોઈ નવા લાગો છો' 'આ અમારી હોટલની પરંપરા છે'.

જુઓ, ગોંડલ ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હોવાને કારણે, અહીંયા આજુ-બાજુના ગામડાઓમાંથી અને બીજા શહેરોમાંથી સેંકડો માણસો રોજ કામધંધા અર્થે આવતા જતાં હોય છે, તેમજ દહાડી મજુરો પણ રોજગારી, કામ માટે આવતા હોય છે. ગરીબીમા જીવનારા, રોજ કમાઈને રોજનું ખાનારા, ઘણાં તો બાયડી, છોકરાં સાથે આવે. જેને જે કામ મળી જાય એ કરે. એમાના ઘણાં એવા હોય છે કે એમની પાસે *'ચા' પીવાના પૈસા યે નથી હોતા*, અમારી હોટલ ના માલિક સારા છે, તેઓ તેમને ધણી વાર ઉધાર ખાતે, ને ધણી વાર તો એમ ને એમ પણ ચા આપી દે છે.
વળી એમણે આવા લોકો માટે એક યોજના કાઢી છે. જેમા કોઈ વ્યક્તિ *'સ્વ ઈચ્છાએ'* આવા મજુરો ને મદદ કરી શકે છે. જેમા *' ૧ 'ચા* પોતાના માટે, તેમજ *૧ ચા'* આવા કોઈ અજાણ્યા માટે 'દાન' કરી શકે છે.*ચા*' ના પૈસા એ સદ્ ગૃહસ્થના ખાતે જાય છે. આપવા વાળાને કે લેવા વાળાને, કોઈને ખબર નથી હોતી કે, કોણ કોને આપે છે, ને કોણ લે છે ! લેનારનુ સ્વમાન પણ જળવાએલુ રહે છે. એ વ્યક્તિ જેટલી *ચા* નુ કહે, તેટલી *'ચા લખેલી ચીઠ્ઠી'* ભીંત પર લગાડી જ્યારે કોઈ મજુર ને ચા' પીવી હોય પણ એની પાસે પુરતા પૈસા ન હોય, ત્યારે આ ભીંત પર ની 'ચીઠ્ઠી ની 'ચા ' નો ઉપયોગ થાય છે.અમુક લોકો ચા સાથે ગાંઠિયા અથવા બિસ્કીટ પણ લખાવે છે. કોઈ ભજીયા પણ લખાવી દે છે.
હજુ અમે આ વાત જ કરતાં હતા, ત્યાં એક લઘરવઘર મજુર આવ્યો. સાથે એક નાનુ બાળક પણ હતું. એણે ચા પીવા ની ઈચ્છા વ્યકત કરી.
તરત ઓલા કાઉન્ટર મેને વેઈટર ને *૧ ચા ભીંત પરથી લાવ.* એમ કહ્યું. મેં જોયું, કે ભીંત પર 'ચા' ની ૧૦,૧૨ સ્લીપ લાગેલી હતી. મેં પણ એમાં ભાગ લઈ લીધો. ''ભાઈ ,મારા તરફ થી પણ ૧ ચા' ને ૫૦ ગ્રામ ગાંઠિયા અને ૧ ગ્લુકોઝ બિસ્કીટ નુ પેકેટ ભીંત પર.' કહી મેં ઓલા મજુર ના બાળક માટે બિસ્કીટ આપવા નો ઈશારો કર્યો. તેમજ એક ગાંઠિયાની પ્લેટ એના પિતા માટે પણ મંગાવી, જે એની જાણ બહાર હતી.
*મને આ સુપાત્ર દાન કરવાની નવી રીત બહુજ ગમી ગઈ. જેવી જેની શ્રદ્ધા ,જે જેટલું કરવા માંગે એ કરી શકે. એક 'ચા' ઉપર એક 'વધુ ચા' તો લઈ જ શકાય, ને આમજ ટીપે, ટીપે સરોવર ભરાય..*
હું હોટલની બહાર એક કીનારે બેઠેલા મજુર તેમજ 'ચા' સાથે પ્રસન્નતા થી બિસ્કિટ ખાતાં નાના બાળક ને જોઈ રહ્યો.