Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા

શીર્ષક : વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા
©લેખક : કમલેશ જોષી

કોલેજમાં ભણતા ત્યારે ૨૬ જાન્યુઆરી, રિપબ્લિક ડેના સેલિબ્રેશન બાદ કેન્ટીનમાં ચા-સમોસાનો નાસ્તો કરતા અમે સૌ મિત્રો બેઠા હતા. સૌના દિલોદિમાગમાં દેશભક્તિના ગીતો છવાયેલા હતા. ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી’, ‘એ મેરે વતન કે લોગો, જરા આંખોમે ભરલો પાની’, ‘કર ચલે, હમ ફિદા, જાનો તન સાથીઓ’ જેવી વિવિધ ધૂન હજુ અમારા હોઠો પર રમી રહી હતી. ત્યાં અચાનક એક ટીખળી અને જીજ્ઞાસુ મિત્રે શરૂઆત કરી "બેઝીકલી હું તો આ ડેઝ સેલિબ્રેશનનો ફંડા જ સમજી શકતો નથી." અમને નવાઈ લાગી, એ આગળ બોલ્યો "પછી એ ઇન્ડિપેન્ડન્ટ્સ ડે હોય, રિપબ્લિક ડે હોય કે બર્થડે હોય કે વેલેન્ટાઇન ડે, યુ નો, ઇતિહાસમાં બનેલી કોઈ ઘટના માટે વર્તમાનમાં સમય, શક્તિ અને પૈસા વેસ્ટ કરવાનો અર્થ શો?" બોલી એણે અમારી સૌની સામે એક નજર નાખેલી. અમે સૌએ એની સામે અણગમા અને ખીજથી જોયેલું. એક મિત્રે કહેલું "તારા જેવા લોકો આઝાદીને લાયક જ નથી હોતા, તે અંગ્રેજોની ગુલામી વેઠી હોત ને, તો તને સમજાત કે આ સેલિબ્રેશન કેટલું ઈમ્પોર્ટન્ટ છે!" એ પછી તો એ બંને વચ્ચે ઉગ્ર ડિબેટ, બોલાચાલી અને થોડી બાથંબાથી પણ થઈ ગયેલી.
એકાદ અઠવાડિયા પછી બીજી કે ચોથી ફેબ્રુઆરીએ અમે સૌ ફરી કેન્ટીનમાં નાસ્તો કરતા બેઠા હતા ત્યાં પેલા ટીખળી મિત્રે કવિ શ્રી ઉમાશંકર જોષીની પંક્તિઓ ‘દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું?’ સંભળાવી પેલી વાત ફરી છંછેડી હતી. છવ્વીસ જાન્યુઆરીને અઠવાડિયું વીતી ચૂક્યુ હતું. દેશભક્તિ ગીતો સંભળાવા બંધ થઈ ગયા હતા. બાઈકમાં કે બિલ્ડીંગો પરથી ત્રિરંગો ઉતરી ચૂક્યો હતો. ટીવી પર પરેડના દૃશ્યો અને મોબાઈલમાં દેશભક્તિના મેસેજીસ ઝીરો થઈ ગયા હતા. અમે સૌ થોડા શાંત હતા. પેલા ટીખળી મિત્રે વેધક પ્રશ્ન પૂછ્યો "સોરી ટુ સે પણ ૧૯૪૭માં અંગ્રેજો ભારત છોડી ગયા અને ૧૯૫૦ માં આપણું બંધારણ ઘડાયું એ બંને ઘટનાઓમાં અથવા સ્વતંત્રતાની લડાઈમાં કે અંગ્રેજોને ભગાડવામાં મારું કે તમારું યોગદાન શું?" એક મિત્રે જવાબ આપ્યો "ત્યારે આપણો જન્મ પણ ક્યાં થયો હતો? આપણે તો સીત્તેર, એંસી કે નેવું માં જન્મેલા છીએ." ટીખળી તરત બોલ્યો "મતલબ કે સ્વતંત્રતા માટે મેં કે તમે એક પણ થપ્પડ, લાઠી ચાર્જ કે ફાંસીનો માંચડો સહન કર્યો નથી. અંગ્રેજોને ભગાડવામાં કે આઝાદીનો વર્લ્ડકપ જીતવામાં મારું અને તમારું યોગદાન ઝીરો છે. એ મારું કે તમારું એચીવમેન્ટ નથી તો પછી એનું સેલિબ્રેશન શા માટે?"

અમારા મગજનું દહીં થઈ રહ્યું હતું. એક મિત્રે સમજાવવા પ્રયત્ન કર્યો, "આવા સેલિબ્રેશનથી આપણા પૂર્વજોએ આપેલી કુરબાની તાજી થાય, એમના પ્રત્યે, દેશ પ્રત્યે માન, સન્માનનો ભાવ જાગે, ફરીથી કોઈ આપણને ગુલામ ન બનાવી જાય એ માટેની સતર્કતા આપણામાં કેળવાય, આઝાદીના લડવૈયાઓ જેવી સત્ય નિષ્ઠા, દેશભક્તિ અને શૌર્ય આપણામાં અને આવનારી પેઢીઓમાં જાગે એ માટે આ દિવસો યાદ રાખી સેલીબ્રેટ કરવા જોઈએ." પેલો ટીખળી બે ક્ષણ વિચારમાં પડી ગયો. આખરે એ બોલ્યો, "તો પછી ‘સો મેસે અસ્સી બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન’ એ વાક્ય સાથે લગભગ આપણે બધા કેમ દિલથી એગ્રી છીએ? કેમ આ લાંછન રૂપ વાક્ય સાંભળી આપણી ભીતરે કોઈ વિપ્લવ કે કોઈ સત્યાગ્રહ કે કોઈ ચળવળ શરુ થતી નથી? આઝાદીના સીત્તેર સીત્તેર ઇન્જેક્શન અપાયા પછી પણ કેમ સિધ્ધાંતપૂર્ણ, સત્યનિષ્ઠ, ઈમાનદાર જીવન જીવવાની ઝંખના આપણામાં નથી જાગતી? અસ્સી બેઈમાનનો આંકડો કેવળ દસ કે પાંચ બેઈમાન સુધી પહોંચાડવા કેમ આપણે કટિબદ્ધ નથી થતા? આખરે ભૂલ ક્યાં થઈ રહી છે?" અમે સૌ એના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી રહ્યા.

એનો પ્રશ્ન સાચો હતો. હવે ક્યાં શોષણખોર, પારકા, પાપી અંગ્રેજો છે આ દેશમાં? હવે તો આપણે જ, ઘર-ઘરના જ છીએ. ગુટલીબાજ શિક્ષક પણ અંગ્રેજ નથી અને લાંચ લેતો ટ્રાફિક પોલીસ પણ અંગ્રેજ નથી, ઉંચી ફી લઈ ઓપરેશન કરતો ડોક્ટર પણ અંગ્રેજ નથી અને ઓછો પગાર આપી કર્મચારીઓનું શોષણ કરનાર પ્રાઈવેટ બોસ પણ અંગ્રેજ નથી, ગ્રાહકને છેતરતો વેપારી પણ અંગ્રેજ નથી અને કાળા ધોળા કરતો બિલ્ડર પણ અંગ્રેજ નથી. ખોટા વચનો આપતો નેતા પણ અંગ્રેજ નથી અને ખરાબ દૃશ્યો પીરસતો અભિનેતા પણ અંગ્રેજ નથી. બધા આપણે જ છીએ. ઘર-ઘરના જ છીએ. તેમ છતાં ઈમાનદારીથી જીવવાનું સાહસ આપણે કેમ કરી શકતા નથી? શું આપણે કન્ફયુઝ છીએ કે પછી આપણને દબાયલા રહેવાની, ડરતા રહેવાની, ગુલામ રહેવાની આદત પડી ગઈ છે?

એક જોક હતો: એક પક્ષીને દસ વર્ષ પીંજરામાં રાખ્યા પછી પીંજરું ખોલી બહાર ખુલ્લા આકાશમાં આઝાદ છોડી દેવામાં આવ્યું. એકાદ લટાર મારી એ પોતાની જાતે જ પાછું પીંજરામાં આવી પુરાઈને બેસી ગયું. એને આઝાદી સમજાઈ નહિ. શું આપણે પણ આઝાદી ભૂલી ગયા છીએ? પદ છોડવું ન પડે એ માટે જે વાક્યો સાથે તમે સહમત નથી એ વાક્યો બોલશો, પ્રતિષ્ઠા ગુમાવવી ન પડે એ માટે તમને બિલકુલ પસંદ નથી એવું વર્તન પણ ચલાવી લેશો કે પૈસા ઓછા મળશે એવા ભયને લીધે બોસ કે ઉપરી અધિકારીના ખોટા કામ પણ હસતા મુખે કરતા રહેશો તો શહીદ ભગતસિંહને અંગ્રેજોની સભામાં બોમ્બ ફોડતી વખતે કે મંગળ પાંડેને કારતૂસ વાપરવાનો વિરોધ કરતી વખતે કે ગાંધીજીને મીઠાનો સત્યાગ્રહ કરતી વખતે જે સુખનો અનુભવ થયેલો એ તમને ક્યારેય નહિ થાય.

સોળે સાન એટલે કે સોળ વર્ષની કે અઢાર વર્ષની ઉંમર સુધીમાં આપણી ભીતરે આવા તેજસ્વી સિદ્ધાંતોનું લીસ્ટ તૈયાર થઈ જાય છે. તમારા આ સિદ્ધાંતો એ તમારા જીવનનું સંવિધાન છે. આ ઉંમર સુધીમાં અમુક વાક્યો તમને ડંખ્યા હોય છે તો અમુક બિહેવિયર તમને અપમાનજનક લાગ્યા હોય છે. અમુક વિચારોએ તમારામાં ઉત્સાહનો સંચાર કર્યો હોય છે તો અમુક લોકોએ તમને મોટીવેટ કર્યા હોય છે. આ બધાના વારંવારના અનુભવો પરથી તમારી ભીતરે કેટલાક સિદ્ધાંતો આત્મસાત થયા હોય છે. પદ-પ્રતિષ્ઠા કે પૈસા માટે આ સિદ્ધાંતો સાથે થતી બાંધછોડ એટલે ગુલામી. કામ-ક્રોધ-લોભ-મોહ-મદ અને મત્સર જેવા દુશ્મનોથી દબાઈને આ સિદ્ધાંતો છોડવા એટલે પિંજરે પુરાવું. સિધ્ધાંતો છોડી બેઠેલો ગુલામ ફોર બી.એચ.કે. માં રહેતો હોય કે ફાઈવ સ્ટાર હોટેલમાં જમતો હોય એની વેલ્યુ સર્કસના સિંહ કે વાંદરાથી વધુ નથી હોતી. સૂકો રોટલો અને ડુંગળી ખાઈને પણ પોતાના સિદ્ધાંતો મુજબ જીવી શકતા આઝાદ વ્યક્તિની વેલ્યુ આંકી ન શકાય એવડી મોટી હોય છે. દસ-વીસ કે પચાસ હજારના પગાર માટે પોતાના સિદ્ધાંતોને-વ્યક્તિગત સંવિધાન વેંચી મારનારને પંદરમી ઓગષ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીનું મહત્વ એટલું બધું ન સમજાય જેટલું સ્વતંત્રતાનો સંગ્રામ લડનાર વીર સપૂતોને સમજાય.
ખેર, આજથી એકાદ વર્ષ કે એકાદ અઠવાડિયું આપણે, વી ધી પીપલ ઓફ ઇન્ડિયા હન્ડ્રેડ પરસેન્ટ સ્વયંના સિદ્ધાંતો સાથે, ભીતરી સંવિધાન સાથે જીવીને આ વખતનો રિપબ્લિક ડે ઉજવીએ તો કેવું? હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)