મારો યુવરાજ
બસની બહારનું ઘનઘોર અંધારું સુહાનીને ફરી ભયભીત કરી રહ્યું હતુ. વિચારોના વમળમાં ઘેરાયેલી સુહાની ફરી એક ડૂસકું ભરી રહી હતી. આમતો આ વડોદરાથી સોમનાથની સફરમાં એની સાથે એની બહેન સ્વરા અને બહેનનો મિત્ર કુંજ સાથે હતા તોય સુહાની બસ એ આવનારા પળની રાહમાં હતી. એ પળ જે સ્વપ્નવ્રત અને ગમતીલો બની જવાનો હતો.
હા એ પળ જે પળમાં પોતે પોતાના અહેસાસ, પ્રેમ યુવરાજની બાહોમાં હોય. જેમ જેમ સમય વિતી રહ્યો હતો એમ એમ સુહાની પોતાની જાતને દિલાસો આપવામાં લાગી હતી. સોમનાથમાં સુહાનીને ગમતા બંને પળ મળવાના હતા એક તો મહાદેવ ને બીજો મહાદેવનો ભક્ત યુવરાજ.
સવાર પડી ગઈ હતી અને એ બધા પોતાની મંજિલ સોમનાથ પહોંચી ગયા હતાં. મહાદેવ તો એકદમ નજીક આવી ગયા હતા પણ આ યુવરાજનો ક્યાંય અતોપતો નહોતો. સુહાની રાતથી મેસેજ કરતી હતી પણ યુવરાજ પોતાનામાં મસ્ત હોય એમ બસ એ સવાલોને ટાળી રહ્યો હતો અને કયારે આવશે ક્યારે નહીં એ પણ જણાવી રહ્યો નહોતો.
સવારથીજ પહોંચેલી સુહાની ધીમેધીમે હવે ઉદાસ થઈ રહી હતી. સવારથી રાત સુધીમાં યુવરાજનો કોઈ અતોપતો નહોતો. અને આ તરફ એની બહેન સ્વરા ગુસ્સે થઈ રહી હતી કારણ કે એની ટ્રીપ પણ આ કારણથી બગડી રહી હતી. ઉદાસ સુહાનીનું મન ક્યાંય લાગતું નહોતું. બસ યુવરાજના આગમનની રાહમાં હ્રદય, માં બધુંજ લાગી ગયું હતું.
સુહાનીએ આજે બરાબર ખાધું પીધું પણ નહોતું કારણ કે હજુપણ યુવરાજ આવશે કે નહીં એ અવઢવ એને સતાવી રહી હતી. યુવરાજે એકપણ ફોન ઉઠાવ્યો નહોતો કે કોઈ મેસેજનો જવાબ પણ આપ્યો નહોતો. જાણે યુવરાજને જવાબ આપવો યોગ્ય લાગ્યો નહોતો.
આખરે સુહાનીની આતુરતાનો અંત આવ્યો અને અચાનક રાત્રે ૧૧ વાગે યુવરાજનો મેસેજ આવ્યો કે એ આવી રહ્યો છે. ત્યારે સુહાનીના જીવમાં જીવ આવ્યો. રાતના અગિયારથી સવારના ૪ સુધીમાં બસ સુહાની હોટેલના રૂમમાં પડખા ફેરવતી રહી.
યુવરાજ જેવો સવારે ૪ વાગે આવ્યો બધીજ ફરિયાદો બાજુમાં મુકી સુહાની યુવરાજના આલિંગનમાં જકડાઈ ગઈ. બસ થોડા પળ એ જ સમજવામાં ગયા કે આ સ્વપ્ન હતું કે હતી હકીકત. બસ એ જ આલિંગનમાં બધીજ ફરિયાદો ઓગળી ગઈ, ડૂસકું પણ ભરાઈ ગયું અને સુહાની પાછી એકદમ ખુશખુશાલ બની ગઈ.
સતત થાક, બેચેની, ઉચાટથી ભરેલી સુહાની ક્યારે યુવરાજના આલિંગનમાં સૂઈ ગઈ ખબર જ ન રહી. સવારના ૧૧ વાગી ગયા હતા સ્વરા અને એનો મિત્ર કુંજ તૈયાર હતા અને સુહાની તથા યુવરાજના તૈયાર થવાની રાહ જોતા હતા.
જેવી સુહાની બહાર નીકળી એના ચહેરા ઉપરના ભાવ જોઈ સ્વરા અને કુંજ કળી ગયાં કે આજે સુહાની નો બેસ્ટ દિવસ રહેશે. સુહાની-યુવરાજ, સ્વરા-કુંજ બધા સાથે ફરવા નીકળ્યા. યુવરાજ તો પોતાની સ્પોર્ટ બાઇક લઇને આવ્યો હતો જ્યારે કુંજે ત્યાંથી એક એક્ટિવા ભાડે લીધું. બધાજ પોતાના ગમતીલા પળ માણવા નીકળી પડ્યા.
બપોરનો સમય તો થઈ ગયો હતો તો લંચ કર્યું ને બસ દરિયાની નજીક, દરિયાના સાનિધ્યમાં એ લોકો બેઠા. મસ્ત પવનની લહેરખી માણી રહ્યા હતા. સ્વરા-કુંજ દરિયા કિનારે ચાલતા ચાલતાં એક તરફ નીકળ્યા તો સુહાની-યુવરાજ પણ દરિયા કિનારે ચાલતા ચાલતા બીજી તરફ નીકળ્યા.
સાંજ ઢળી રહી હતી. સૂરજ એકદમ આહલાદક અને ચમકદાર લાગી રહ્યો હતો. દરિયામાં આથમતા સુરજના કિરણો સોનેરી રોશની પાથરી રહ્યા હતાં ને બસ જાણે આ જ પળની રાહ જોતી સુહાનીએ અચાનક યુવરાજને રોકાવવા કહ્યું.
યુવરાજ રોકાઈ ગયો. તે કંઇજ સમજે એ પહેલા યુવરાજ ઉભો હતો એની સામે સુહાની એક પગ ઉભો ને એક પગે ઘૂંટણ વાળી પ્રપોઝ કરવાની પોજીશનમાં આવી ગઈ. એક એવી પળ જે સુહાની માટે મહત્વની હતી.
યુવરાજ વિચારી રહ્યો હતો કે સુહાની આ શું કરી રહી છે ને આ તરફ સુહાનીએ યુવરાજનો હાથ પકડી યુવરાજ માટે પોતાની પસંદ કરેલી વીંટી યુવરાજ ને પહેરાવી દીધી અને કહ્યું આઈ લવ યુ મારા અહેસાસ મારા પ્રેમ, બસ તું મારો બની રહેજે. મારા શ્વાસમાં ભળી મારામાં રહેજે.
આ પળ સુહાની માટે સ્વપ્નવ્રત હતા. જ્યારે આ તરફ યુવરાજ પણ આવા અણધાર્યા પળ માટે તૈયાર જ નહોતો. યુવરાજે તરત જ સુહાની ને ઉભી કરી, કપાળમાં હળવું ચુંબન કર્યું અને પોતાના આલિંગનમાં ભીંસી લીધી ને વગર કહ્યે એ અહેસાસ અપાવ્યો કે હું હંમેશા સાથે જ છું તારો બની તારામાં. આ સાંજ, આ પળ, આ અહેસાસ, આ પ્રેમ, સુહાની-યુવરાજ બસ જાણે બધુંજ ત્યાંજ એ પળમાં રોકાઈ જાય છે. જાણે આ પળની શાક્ષી બની જાય છે.
આમજ એકમેકના હાથમાં હાથ પરોવી ફરતા ફરતા, મસ્તી કરતાં કરતાં રાત થઈ જાય છે. રાત પડતાં જ ફરી એ બંને સ્વરા અને કુંજને પણ મળે છે. સ્વરા અને કુંજ પણ એ બંનેને ખુશ જોઈ સમજી જાય છે કે ખુબજ ખુબસુરત પળો મળ્યા હશે. બધા એકબીજા સાથે વાત કરતા કરતાં ડિનર લે છે અને પછી છુટ્ટા પડી પોતાના રૂમમાં જતા રહે છે.
બે રાતના ઉજાગરા અને આટલી દોડાદોડી પછી સુહાની થાકી ગયેલી હોય છે ને માથું પણ સખત દુઃખતું હોય છે. યુવરાજ પણ આ વાત જાણતો હોય છે. ફ્રેશ થઈ આવેલો યુવરાજ બેડમાં આડી પડેલી સુહાની જોઈ બેડમાં બેસે છે અને સુહાનીનું માથું પોતાના ખોળામાં લઈ ધીમે ધીમે માથે હાથ ફેરવવા ફેરવતા માથું દબાવે છે.
થોડાક પળમાં પોતાના અહેસાસ અને પ્રેમના સાનિધ્યમાં રહી સુહાનીનો માથાનો દુખાવો એકદમ ગાયબ થઈ જાય છે. આટલાં વર્ષમાં પહેલીવાર આટલો જલ્દી સુહાનીને માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે જાણે પ્રેમની અસર થઈ હોય છે. સુહાની અને યુવરાજ એકમેકના આલિંગનમાં રહી આખી રાત વાતો કરતા કરતાં ક્યારે સૂઈ જાય છે ખબર પણ રહેતી નથી.
બીજા દિવસે સવારે વહેલા ઊઠી સોમનાથ મહાદેવના દર્શન કરે છે. દર્શન કરી સોમનાથ મંદિરના પ્રાંગણમાં બહુ સમય સુધી સાથે બેસી મનગમતી વાતો કરે છે. બસ આ પળો ક્યારેય પૂરા ના થાય એવા વિચાર સાથે એકમેકને ગમતી વાતો કરે છે.
આખો દિવસ ક્યારે પૂર્ણ થઈ છુટ્ટા પડવાની વેળા ક્યારે આવી જાય છે ખબર નથી રહેતી. સાંજનું બસનું બુકિંગ કરી રાખેલું હોય છે. સોમનાથ થી વડોદરા જવા નીકળવાની તૈયારી થઈ ગઈ હોય છે.
યુવરાજ બસનો રૂટ ડ્રાયવરને પૂછે છે ને રસ્તામાં ધંધુકા બસ હોલ્ડ કરશે એવી જાણકારી પણ લે છે. સ્વરા અને કુંજ બસમાં બેસી રવાના થાય છે જયારે આ તરફ યુવરાજની બાઇકમાં સુહાની એને પકડી બેસી જાય છે.
સરસ મજાનો ચાંદ, ખુબસુરત રાત, ઠંડી પવનની લહેરખી, પ્રેમનો સાથ આ બધુજ જાણે આ સુહાની અને યુવરાજનું ગમતીલું. રસ્તા પર ચાલતી સડસડાટ બાઇક અને આ ચાંદની રાત જાણે અજાણે આ સ્વપ્નવ્રત પળમાં સાથે આવી ઊભી રહી ગઈ હતી. આમને આમ એકમેકના સાનિધ્યમાં બંને ધંધુકા પહોંચ્યા.
બસને હજુ ધંધુકા પહોંચવાની વાર હતી. ત્યાં પહોંચી બદામશેક વિથ આઈસ્ક્રીમ લીધું. એકમેકને ખવડાવતા ખવડાવતા ખુશખુશાલ થઈ બંનેએ ખૂબજ મસ્તી કરી એ પળ માણ્યા. બસ આવશે એ વાતનો વિચાર આવતાં જ બંનેના ચહેરા ગમગીન થઈ ગયા અને સુહાનીની આંખમાંથી એક અમી સરી પડ્યું. યુવરાજે સુહાનીને હગ કર્યું ને અહેસાસ અપાવ્યો કે એ હંમેશાં એની સાથેજ છે.
બસ આવી ચૂકી હતી અને સુહાની ગમગીન ચહેરે બસમાં બેઠી. યુવરાજ પોતાના રસ્તે અને બસ એના રસ્તે બંને એકબીજાથી અલગ દિશામાં સડસડાટ આગળ વધી ગયા. બસ અહેસાસ, લાગણી, પ્રેમ યાદગાર બની એકમેકના હૃદયમાં સ્થાન પામી ચૂક્યો હતા. સ્વપ્નવ્રત પળો ક્યારે હકીકત બની સરી પડી ખબર જ ના રહી. સાથે આંખમાંથી સર્યા હતા અમી.