મૂળ ગુજરાતી જસવંતીબેન જમનાદાસ પોપટના એક વિચારથી માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ થયેલ ગૃહઉદ્યોગનું ટર્નઓવર આજે 1600 કરોડે પહોંચ્યું છે. માત્ર સાત બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગૃહઉદ્યોગ આજે 45000 મહિલાઓને રોજગારી આપે છે. જેને જોતાં ભારત સરકારે જસવંતીબેનને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2021 નો ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરી તેમનું બહુમાન કર્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સન્માન લેવા 91 વર્ષિય જસવંતીબેન પોપટ વ્હીલચેરમાં પહોંચ્યાં હતાં.
90ના દશકમાં લિજ્જત પાપડની આ જિંગલ (ગીત) સૌથી ચર્ચિત જાહેરાતમાંથી એક હતી. તે સમયે દેશ આર્થિક ઉદારીકરણમાંથી પસાર થઈ રહ્યો હતો અને ટેલિવિઝન સેટ ભારતીય પરિવારોમાં પોતાની જગ્યા બનાવી રહ્યાં હતાં. જેની મદદથી લોકોના ઘરે પહોંચી રહ્યો હતો લિજ્જત પાપડનો સ્વાદ. જન્મદિવસની પાર્ટીઓમાં, જ્યાં માતા-પિતા પોતાના બાળકોને બોલિવૂડ ગીત પર ડાન્સ કરવા માટે કહેતા હતા, ત્યાં આપણે ખૂબ જ ગર્વથી આ જિંગલ સંભળાવતા હતા અને ખૂબ જ વાહવાહી પણ લૂંટતા હતાં. મને આજે પણ યાદ છે આ જિંગલ…
એક બાજુ દેશી જિંગલે દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી, તો બીજી બાજુ લિજ્જત પાપડે લાખો લોકોનું દિલ જીતી લીધું હતું. ગુજરાતમાં એવું માનવામાં આવે છે કે, લિજ્જત પાપડ વગર કોઈપણ ભોજન અધુરું જ છે, જે અડદ, લાલ મરચા, લસણ, મગ, પંજાબી મસાલા, કાળા મરી અને જીરા જેવી ચટાકેદાર વસ્તુઓથી બને છે.
આ બધું શરુ કેવી રીતે થયું?
આ બ્રાંડની સ્થાપના 7 ગુજરાતી મહિલાઓએ માત્ર 80 રુપિયાની લોન લઈને કરી હતી. ફેમિનાના એક રિપોર્ટ અનુસાર આજે તેમનો બિઝનેસ 1600 કરોડ રુપિયા સુધી પહોંચ્યો છે.
વાત વર્ષ 1959ની છે. બોમ્બે (હવે, મુંબઈ)માં ઉનાળામાં એક અગાશી પર સાત ગુજરાતી મહિલાઓ પોતાના ઘરની આર્થિક સમસ્યાને દૂર કરવા માટે આજીવિકાના કોઈ સાધન પર વિચાર કરી રહી હતી. તેઓ વધારે તો ભણેલી નહોતી તેમજ તેમને કંપની ચલાવવાનો પણ કોઈ જ અનુભવ નહોતો. આ કારણે તેમણે એક સ્થિર આવક થાય તે માટેની આશાથી પાપડ વેચવાનું શરુ કર્યું હતું. જે તેમની પાસે કળા હતી. તેમણે પાપડ બનાવવાનું શરુ કર્યું અને ચાર પેકેટ સાથે ઘરની બહાર નીકળા.
જે પછી જસવંતીબહેન પોપટ, જયબેન વિઠલાણી, પાર્વતીબહેન થોડાણી, ઉજમબેન કુંડલિયા, ભાનુબહેન તન્ના, લગુબહેન ગોકાણીએ સ્થાનીક બજારમાં પોતાના પાપડ વેચ્યા હતાં. આ વિશે વાત કરતા જસવંતી બહેને BBCને એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે,’અમે દરેક વધારે ભણેલા નહોતા. જેના કારણે અમારી પાસે નોકરી માટે વધારે તક નહોતી. જોકે, અમને અનુભવ થયો કે, અમે પોતાના પાપડ બનાવવાની કળાનો ઉપયોગ કરીને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકીએ છીએ.’જે પછી પુરુષોત્તમ દત્તાણીએ આ દરેક મહિલાઓને પાપડ વેચવામાં મદદ કરી હતી. તેઓ પાપડ લઈને એક દુકાનેથી બીજી દુકાને જતા હતાં અને અંતમાં ગિરગાંવ ચોપાટીમાં આનંદજી પ્રેમજી એન્ડ કંપની નામના એક સ્થાનિક સ્ટોરમાં વેચતા હતાં.
જસવંતીબહેને નેશનલ જિયોગ્રાફિકને જણાવ્યું હતું કે,’તેમણે પહેલા એક કિલો પાપડ વેચ્યા અને 50 રુપિયાની કમાણી કરી હતી. પછીના દિવસે બે કિલોના વધારે રુપિયા મળ્યા. અમારા વિસ્તારની મહિલાઓએ આમાં લાભ થતાં જોયો અને પછી અમે એક ટીમ બનાવવાની શરુઆત કરી.’
પછીના 3-4 મહિનાઓમાં, આ સહકારી સંસ્થા સાથે 200 મહિલાઓ જોડાઈ અને જે હેઠળ વડાલામાં બીજી બ્રાન્ચ પણ ખોલવામાં આવી. આ મહિલાઓએ વર્ષ 1959માં 6,000 રુપિયાથી વધુની કમાણી કરી. જે એક મોટી રકમ હતી. બજારમાં પોતાના ઉત્પાદનની માગ વધતા આ સાતે મહિલાઓએ છગનલાલ કરમસી પારેખ પાસેથી ઉધાર લીધું. જે ‘છગન બાપ્પા’ના નામથી ઓળખાતા હતાં અને એક પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા હતાં. જેમણે 1950ના દશકમાં આસામ અને કચ્છમાં ભૂકંપ સહિત અનેક રાહત કાર્યોમાં કામ કર્યુ હતું. મહિલાઓની આ ટીમે માર્કેટિંગ અને પ્રચાર પર કોઈ જ ખર્ચ ન કરતા પોતાની સમગ્ર ઉર્જાને પોતાના ઉત્પાદનની ગુણવત્તાને વધારે ઉત્તમ કરવા પર લગાવી.
જેવી, આ કંપની સાથે વધારે મહિલાઓએ જોડાવાની ઈચ્છા દર્શાવી કે, સંસ્થાપકોને એ વાત સમજાય કે હવે ઓફિશ્યલિ માન્યતા પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે અને વર્ષ 1966માં તેમણે સોસાયટી રજિસ્ટ્રેશન નિયમ 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટ, 1950 હેઠળ એક સોસાયટી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું, આ જ વર્ષે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે તેને ‘ગ્રામ ઉદ્યોગ’ તરીકે નામ આપ્યું. આ સ્થાપકો માટે એક મહત્વનો વળાંક હતો.
આશરે 62 વર્ષો પછી, સાત મહિલાઓ સાથે શરુ થયેલો આ ઉદ્યોગ હવે ભારતની સૌથી જૂની મહિલા સહકારી સમિતિના રુપમાં ફેરવાયો છે. જે આશરે 45000 મહિલાઓને રોજગાર આપે છે.વર્ષ 1968માં, લિજ્જતે મહારાષ્ટ્રની બહાર, ગુજરાતના વાલોદમાં પણ પોતાની બ્રાન્ચ સ્થાપિત કરી. વેબસાઈટ અનુસાર, હાલમાં ભારતમાં 82 બ્રાન્ચ છે. જેના ઉત્પાદન 15 દેશમાં નિકાસ કરે છે. પાપડ ઉપરાંત આ સંસ્થા પાસે એવા પણ ઉત્પાદનો છે.જેમ કે, મસાલા, ઘઉંનો લોટ, રોટલી, ડિટર્જન્ટ પાઉડર, કપડા ધોવાનો સાબુ વગેરે…
શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડના અધ્યક્ષ સ્વાતિ પરાડકર ઈન્ટર-એક્શનને જણાવે છે, ‘અમારો સિદ્ધાંત કોઈપણ સમજૂતી વગર પાપડના નિર્માણ માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓનો ઉપયોગ કરવો છે અને છેલ્લા 60 વર્ષોથી અમારી સફળતા પાછળનું રહસ્ય છે. આ સિદ્ધાંત ભરતી પ્રક્રિયામાં પણ લાગુ કરવામાં આવે છે. મહિલાઓ માટે ગુણવત્તા દિશાનિર્દેશોનું દ્રઢતાથી પાલન કરવા ઉપરાંત કોઈ જ શરત નથી.’
સ્વાદ અને ગુણવત્તાનું રહસ્ય
હવામાનની સ્થિતિ, સ્થળ, પાણીની ગુણવત્તા વગેરેના કારણે કાચા માલનો સ્વાદ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. આ કારણે જ દરેક કાચો માલ એક જ જગ્યાએથી ખરીદવામાં આવે છે અને પછી અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે. આ કારણે જ વિસ્તાર અલગ હોવાના કારણે પણ અંતિમ ઉત્પાદન અને સ્વાદ એકસરખો જ લાગે છે.
જેમ કે, અડદની દાળ મ્યાનમારથી આવે છે. જ્યારે હીંગ અફઘાનિસ્તાનથી અને કાળી મરી કેરળથી આયાત કરવામાં આવે છે. હીંગ, જે ભારતના રસોડાનું એક મુખ્ય ઘટક છે. તેને ધ્યાનથી ચાળીને પાઉડર બનાવવામાં આવે છે. તો કાળા મરીના પાઉડરને પણ એક ગળણી દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે અને એક ટેબલ ફેનની મદદથી ફરી પ્રક્રિયા કરવામાં આવે છે.
આ પ્રક્રિયા માત્ર વાશી અને નાસિકમાં જ થાય છે. હીંગ અને કાળા મરીના પાઉડરને લોટમાં મિશ્રણ કરીને અંતિમ તબક્કામાં ખારું પાણી તૈયાર કરવામાં આવે છે. જે પછી લોટ તૈયાર કરીને કર્મચારીઓને વિતરણ કરી દેવામાં આવે છે. દરેક વિસ્તારમાં પાપડનો આકાર સુનિશ્ચિત કરવા માટે દરેકને એક માપદંડ આધારિત જ વેલણ અને પાટલો આપવામાં આવે છે. ગુણવત્તાના સંદર્ભમાં શાખાના સભ્યો પોતાના કર્મચારીઓના ઘરે જઈને જ એ તપાસ કરે છે કે, ગુણવત્તાના માપદંડનો ઉપયોગ થાય છે કે નહીં. જે પછી ઉત્પાદકનું અંતિમ પરિક્ષણ અને ટેસ્ટ મુંબઈ સ્થિત લેબોરેટરીમાં કરવામાં આવે છે.
અંતમાં, પોતાના ગ્રાહકો ઉપરાંત, લિજ્જત પાપડે એક અભિમાની સ્વદેશી કંપની તરીકે પોતાની ચિરંજીવી છાપ છોડી છે. જેણે હજારો લોકોને સશક્ત બનાવ્યા છે. આ પાપડ કોઈને કોઈ રીતે તો આપણા દરેકના જીવનનો ભાગ રહ્યો જ છે.