Upla Dhoranma - 5 books and stories free download online pdf in Gujarati

ઉપલા ધોરણમાં - 5 - છેલ્લો ભાગ

5

તો આ હતી એની સાવ તળિયેથી ઊંચે અને વધુ ઊચે તરફની ગતિ. કાળક્રમે તે તો પથ્થરને પણ પાટુ મારી પાણી કાઢી શકે તેવો હોંશિયાર થઇ ચુકેલો પણ તે નાજુક છોડવાનું માથું કડક જમીન ફાડી બહાર લાવવામાં કોણે બીજારોપણ અને સલાહોનું જળસિંચન કરેલું? નિઃશંક પેલા સાહેબે જેને તે ઓફિસમાં ચા આપવા જતો.

તેણે હાથ ઊંચો કરી ચારે બાજુ ફરી જનમેદનીનું અભિવાદન કર્યું. હજુ દૂર સાહેબ હાથ હલાવતા હતા. તે આગળ ગયો અને મેદની પરત જવા લાગી એ સાથે સાહેબની પીઠ ફરી.પીઠ ફેરવતાં સાહેબે ફરી જાણે આશીર્વાદ આપતા હોય તેમ હાથની હથેળી તેની તરફ કરી. તે કારમાં બેસવા ગયો અને એક ક્ષણ તેના પગ થંભી ગયા. એક તરફ દૂર સાહેબ હવે સહેજ ઝૂકેલા જઈ રહેલા, બીજી તરફ સામે ઊંચાં પગથિયાંઓ ઉપર એ ઓફિસ દેખાતી હતી, બહાર એક ખૂણે ડંડો બાંધી તાડપત્રીનો છાંયો કરી સ્ટવ સળગતો હતો, પાસે બાંકડા ઉપર કેટલાક યુવાનો ચા પીતા હતા. તેણે ધ્યાનથી જોયું, કાળુકાકા. આંખનું નેજવું કરી તેની જ સામે જોતા હતા. તેણે એક કમાન્ડો અને એક સાથીને સાહેબની પાછળ મોકલ્યા. બધું જ ભૂલી તે પેલી તાડપત્રી નીચે આવ્યો. આંસુ ભરી આંખે કાલુકાકાએ તેના બે હાથ પકડી લીધા. તેની આંખમાં પણ આંસુ અને અંતરમાં ડૂમો ભરાઈ આવ્યો.પોતાની જગ્યાએ કામ કરતો એક નાનકડો કિશોર ટગર ટગર તેની સામે જોતો હતો તેને પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો અને કહ્યું “ બેટા, શું નામ તારું?”

“ તીરથ.”

“ ક્યાંથી આવે છે?”

“ બિહાર સે, અરેરીઆ જીલ્લે સે.”

“ભણે છે?”

કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.

તેણે કાળુકાકાને કહ્યું “ મારી જેમ આને પણ રાત્રી શાળામાં ભણાવજો.”

પેલા કિશોરને કહ્યું “ દેખ. કભી મૈ યહાં ચાય બેચતા થા તેરી જગહ. લેકિન યે શરૂઆત હૈ, અંત નહીં. પુરી જિંદગી યહ કામ નહીં કરના હૈ. ઔર કોઈ ભી કામ છોટા નહીં સમઝના હૈ. ગુજરાતી સમઝતા હૈ ?”

છોકરાએ હકારમાં મુંડી ધુણાવી.

“જો, જિંદગી આખી એક ભણતર છે. પરીક્ષા રોજ ડગલે ને પગલે લેવાતી રહે છે. આપણે એ પાસ કરી ઉપલા ધોરણમાં અને વધુ ઉપલા ધોરણમાં જવાનું છે. “

ત્યાં તો સાહેબ આવી ગયા. સીધા તેને ભેટી પડયા. એ સાહેબને નમ્યો અને એમના ચરણસ્પર્શ કર્યા.

બન્ને ત્યાં બાંકડે બેસી ગયા અને કાળુકાકા ચા આપવા જતા હતા તેમના હાથમાંથી કપ લઇ સાહેબને આપ્યો. પોતાનો લેતા પહેલાં સહુના આશ્ચર્ય વચ્ચે કમાન્ડો અને સાથીઓને ત્યાં બેસાડી કીટલીમાંથી આજના આ નેતા પોતે તેમના કપ ભરવા લાગ્યા. પોતાનો કપ લઈ આંખ બંધ કરી આખી આ મંઝિલ ફિલ્મની જેમ ચા ની ચુસ્કીઓ સાથે મનમાં વાગોળતા રહ્યા.

ચા પીવાઈ રહી એટલે ખિસ્સામાંથી રણકતા મોબાઈલની રિંગ બંધ કરી. પોતે જ મોબાઈલમાં વૉટ્સએપ કોલ લગાવ્યો.

“ મા, જો આ હું કહેતો હતો તે સાહેબ. “

સાહેબે મોબાઈલ હાથમાં લીધો અને આંસુ સાથે હસું હસું થતું એક વૃદ્ધાનું મુખ સામે આવ્યું. મોબાઈલ પોતાના બે સંતાનો સામે ધર્યો. કીટલી બતાવી, પોતે ચા આપતા એ ઓફિસ અને કાલુકાકા બતાવ્યા.

“ તો માય ચિલ્ડ્રન, આ આપણી ધરતી, અહીંથી હું છું ત્યાં પહોંચ્યો. બેટા, તું ક્યાં પહોંચીશ?”

નાનકડો અવાજ આવ્યો “હજુ ઉપર. હું તો અવકાશયાત્રી બનીશ. તમારી વાત સ્પેસમાં ગુંજાવીશ.”

પત્નીનો ગર્વીલો અવાજ “વિ આર પ્રાઉડ ઓફ યુ સો ઇઝ ધ નેશન” અને એક સુંદર, યુવાન મુખ મોબાઈલના સ્ક્રીનમાંથી ડોકાયું.

સમય થયો. દૂર એક મિટિંગ હતી, એક સભા સંબોધવાની હતી અને હેડક્વાર્ટર સાથે અગત્યની ચર્ચાઓ કરવાની હતી. મગજમાં હવે કરવાનાં કાર્યોની એક વ્યૂહરચના ચાલુ મુસાફરીએ તૈયાર કરવાની હતી.

હવે તેનું જીવન તેનું ન હતું, જનતાનું હતું.

ઉપર જઈએ એટલે આરામ નહીં, વધુ ને વધુ મહેનત. પણ સફળતા મળે એટલે એવરેસ્ટ ચડ્યા જેટલો આનંદ થાય. બધો જ થાક પળવારમાં ભુલાઈ જાય.

તેણે હવે જવું જોઈએ. ઉપલા પગથિયે . પહોંચાય તેમ નહોય તો કૂદીને પણ. એટલે જ પોતાની અંદરની જિંદગીને ફરી રામરામ કરી તેણે ઉભા થઈ ડગ માંડ્યાં.

ફરી તે એક અનાથ ચા વાળાનું કલેવર છોડી એક નેતાના કલેવરમાં પ્રવેશ્યો.

કમાન્ડોએ ઈશારો કર્યો અને નેતાએ ફરી કાળુના બે હાથ પકડી વિદાય આપી. સાહેબને ફરી ચરણસ્પર્શ કર્યો અને ટટ્ટાર ચાલે કારનું બારણું ખોલી તેઓ કારમાં બેઠા. થોડી વારમાં આભ ચીરતી ઘરઘરાટી થઇ, દૂર હેલિપેડ પાસે ધૂળના ગોટા ઉડયા. નેતાએ હેલિકૉપ્ટરમાંથી નીચે જોયું.પોતાની કીટલી અને ઓફિસના પગથિયાં એકદમ નાનાં દેખાતાં હતાં. પોતે એક એક ડગલું ચડી ઊંચે પહોંચેલા. નિશાન ઊંચે હતું પરંતુ દ્રષ્ટિ ધરતીપર જ હતી. એ ધરતી, જેની ઉપર તેના પગ ટકેલા. હજુ ઊંચે, વધુ ઉપલા ધોરણમાં પાસ થવું હતું. એ ધોરણ પણ પોતે જ નક્કી કરવાનું હતું. ભલે ગમે તેવાં અઘરાં પેપર કેમ ન હોય?

(સમાપ્ત)

-સુનીલ અંજારીયા

બીજા રસપ્રદ વિકલ્પો