મોરબી હોનારત Dr. Bhairavsinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોરબી હોનારત


છેલ્લા ૪૮ કલાકથી કશુંક લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ મારા દરેક શબ્દ, સહાનુભૂતિ અને સંવેદના મને પોતાને જ વામણા લાગી રહ્યા છે. કેટલાય ડ્રાફ્ટ ડીલીટ કર્યા પછી અને કેટલાય અધૂરા છોડ્યા પછી ફાઈનલી એવું લાગે છે કે આ ડ્રાફ્ટ કદાચ હું ક્યાંક પબ્લીશ કરી શકીશ.

એમ.બી.બી.એસ માં એડમીશન લીધું ત્યારે અમારા એક સાહેબે મને કહેલું, ‘એક વસ્તુ એવી છે જે આપણા દેશમાં સૌથી સસ્તી છે પણ આપણા માટે એ અતિમૂલ્યવાન છે. એ છે માનવ જિંદગી ઓ.’

બે દિવસ સુધી સતત સોશિયલ મીડિયામાં ગાજ્યા બાદ સંવેદના, સહાનુભૂતિ અને આક્રોશનું મોજું ધીમે ધીમે ઓસરી જશે. ૪૮ કલાકમાં લગભગ તમામ મંત્રીઓની મોરબી મુલાકાત અને ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ સમાપ્ત થઈ જશે. ‘પારદર્શક તપાસ’ ના આદેશ આપી દેવામાં આવશે અને ધીમે ધીમે આ દુર્ઘટના લોકો ના માનસપટ પરથી એ રીતે ગાયબ થઈ જશે, જે રીતે પુલ પરથી એકાએક પેલા બાળકો ગાયબ થયેલા.
વિકાસગાથાઓના સશક્ત અવાજ સામે નિર્બળ અને લાચાર લોકોના ડૂસકાં બહુ જલ્દી શમી જતાં હોય છે.

પણ આ આખીય ઘટના પછી ઉડીને આંખે વળગે એવા કેટલાક તથ્યો :

🟥 ૧. એ કોવીડ હોય કે મોરબીની પુલ દુર્ઘટના :
આવા સમયે સૌથી પહેલા અને સૌથી વધારે મદદરૂપ સ્થાનિકો જ થતા હોય છે. ધર્મ, જાતિ કે સ્ટેટ્સની દરકાર કર્યા વગર આવા સંકટના સમયમાં એ લોકો જ સૌથી પહેલા પહોંચે છે જેઓ કોઈ પોલીટીકલ પાર્ટી કે એજન્ડામાં નથી માનતા. જેમને કોઈ રાજકીય લાભ નથી જોઈતો. આવા જ સામાન્ય લાગતા માણસો આપણો સહારો બનતા હોય છે. A Stupid Common Man.


લઘુમતી અને બહુમતી જેવા શબ્દો ફક્ત સત્તા માટે જ લાગું પડે છે, સાથ માટે નહીં. ડૂબતી વખતે જે બચાવવા આવે એનો હાથ પકડતા પહેલા આપણે એની જાતિ નથી પૂછતા.

⬜ સાર :- ધ્રુવીકરણ આપણને શીખવવામાં આવે છે. એ આપણો સ્વભાવ નથી.


🟥 ૨. મેડિકલ સર્ટીફીકેટ કે ફિટનેસ વગર અમે કોઈ એક દર્દીને પણ ઓપરેશન માટે નથી લઈ જતાં. તો જે જાહેર સ્થળ સાથે આટલા બધા નાગરિકો સંકળાયેલા હોય, એની લાયકાત કે ફિટનેસની જવાબદારી કેમ કોઈની નહીં ?
રીક્ષા, લીફ્ટ, પુલ કે હોડી. દરેકની ‘Carrying Capacity’ કે વહન ક્ષમતા નક્કી કરવાનું અને તેનો અમલ કરાવવાનું કામ જેમનાથી ચૂકાય, એમની સામે CIVIL Negligence કેમ લાગું ન પાડી શકાય ?

⬜ સાર :- જ્યાં સુધી કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝર જેવા મુખ્ય આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ‘સસ્તી’ જિંદગીઓનોને જોખમમાં મૂકવાની અને તેમનો સામુહિક વિનાશ કરવાની પ્રક્રિયા શરૂ રહેશે.


🟥 ૩. હુસૈન પઠાણ અને તૌફીક ભાઈ જેવા લોકો હંમેશા આપણી વચ્ચે હોય જ છે. પણ પૂર્વગ્રહોના ચશ્માં આપણને ઘણુંબધું જોતા અને એપ્રિશિયેટ કરતાં અટકાવે છે.

⬜ સાર :- પોલીટીકલ બિલીફ કરતાં હ્યુમન કનેક્શન હંમેશા વધારે મજબૂત રહેવાનું.


🟥 ૪. દુર્ઘટનાના સમાચાર મળતા જ મોરબી IMA (ઈન્ડીયન મેડિકલ એસોસિએશન) તથા અન્ય એસોસીએશનના તમામ ડોક્ટર્સ સિવિલ હોસ્પિટલ તથા ઘટના સ્થળ પર હાજર થઈ ગયેલા.

સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડી તો ટ્રસ્ટ હોસ્પિટલમાં, ટ્રસ્ટમાં બેડ્સ ભરાવા લાગ્યા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં, પણ મોરબીના તમામ તબીબ મિત્રોએ બધા જ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરી. મોરબીની તમામ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં બધા જ દર્દીઓને દવાઓ, એક્સરે, સોનોગ્રાફી, બ્લડ બેંક જેવી સુવિધાઓ તાત્કાલિક અને નિ:શુલ્ક આપવામાં આવી.


⬜ સાર :- તબીબો વિરુદ્ધ ગમ્મે તેટલું ઝેર ભલે તમારા મનમાં ભરવામાં આવે, તેઓ હંમેશા તમારી સાથે છે અને રહેશે.


🟥 ૫. બચાવકાર્યમાં સૌથી મહત્વનો ભાગ એવા સ્વયંસેવકોએ ભજવ્યો, જેમના નામ સુદ્ધા આપણને ખબર નથી. ડેડબોડીઝ કાઢવામાં, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં એવા અનામી સેવકો મદદે આવ્યા જેમણે ન તો કોઈ વિડીયો ઉતાર્યો, ન તો સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકી. ન તો ફોટા પડાવ્યા, ન તો આંસુઓ પાડ્યા.


⬜ સાર :- આવા સમયે વાણીવિલાસ નિરર્થક બની જાય છે. જેઓ ખરેખર બચાવકાર્ય માં લાગેલા હોય છે, તેઓ એનાઉન્સમેન્ટ નથી કરતાં. જેઓ એનાઉન્સમેન્ટ કરે છે, તેઓ મદદે નથી આવતા.


🟥 ૬. દુર્ભાગ્યવશ, આ દેશમાં દરેક હોનારતનું રાજકીયકરણ થાય છે. પણ જ્યાં સુધી કોઈ જવાબદાર કે Accountable વ્યક્તિને ગુનેગાર ગણીને એને સજા આપવામાં નહીં આવે ત્યાં સુધી દરેક સ્ટેટમેન્ટ, વચન કે ઈમોશનલ-વેડા પોલીટીકલ સ્ટંટ જ ગણવામાં આવશે. આ વાત હવે જનતા બહુ સારી
રીતે સમજે છે.


⬜ સાર :- સામાજિક નિસબત અને રાજકીય લાભ વચ્ચેનો તફાવત હવે નાગરિકો બહુ સારી રીતે સમજે છે.


🟥 ૭. વિકાસ ગમ્મે તેટલો થાય, જ્યાં સુધી કાયદા અને શિસ્તનું ચુસ્તપણે પાલન નહીં થાય ત્યાં સુધી વિશ્વાસના અનેક પુલ તૂટતા રહેવાના.

⬜ સાર :- દુર્ભાગ્યે આપણા દેશ માં માનવ જિંદગીઓ આજે પણ સસ્તી છે.

લેખક-ડૉ. નિમિત્ત ઓઝા..✍