પ્રકરણ-૨૮
(મૌનની દીવાલ)
અનામિકા જીમમાં જ્યાં નોકરી કરી રહી હતી ત્યાં પોતાનું મન પરોવવાની સતત કોશિશ કરતી રહેતી હતી. પણ એમ કંઈ કોઈ મા દીકરાને થોડી ભૂલી શકે છે? જેની જોડે લોહીનો સંબંધ હોય એને ભૂલવું તો લગભગ અશક્ય જ છે. ઘરનાં બધાં પણ એ ખુશ રહે એ માટેનાં સતત પ્રયત્નો કરતાં રહેતા હતા.
પણ એક માત્ર રાજવીર અનામિકાના આ ડિવોર્સના નિર્ણયથી ખુશ નહોતો. એને લાગતું હતું કે, અનામિકાએ આકાશને છોડીને ગુનો કર્યો છે. એનું મન અનામિકાના આ નિર્ણયને હજુ સુધી સ્વીકારી જ શકતું નહોતું. પ્રીતિ આ બાબતે રાજવીરને સમજાવવાના પ્રયત્નો કરતી પણ એનાં એ બધાં જ પ્રયત્નો કોઈ ફળ આપી રહ્યાં નહોતા અને પછી એક સમય એવો આવ્યો કે, રાજવીરે હવે અનામિકા જોડે બોલવાનું જ બંધ કરી દીધું હતું. રાજવીરને લાગતું હતું કે, હવે અનામિકાને કંઈ પણ કહેવાનો અર્થ જ નથી. એને જે કરવું હતું એ તો એ કરી જ ચૂકી છે. એણે જાતે જ પોતાના દીકરાને પોતાનાથી દૂર કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. અને આ બાજુ અનામિકાને લાગી રહ્યું હતું કે, મારો ભાઈ જ મને સમજી નથી શકતો તો બીજા કોઈ સમજે એ વાતની તો આશા જ શું રાખવી. મેં મારા દીકરાથી અલગ થવાનો નિર્ણય એના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લીધો છે પણ એ વાત રાજવીરને કેમ નહીં સમજાતી હોય! નહિ તો એવી કઈ મા હશે જે પોતાના જ દીકરાને પોતાનાથી અલગ કરવા ઈચ્છતી હોય?
બંને ભાઈબહેન એકબીજાને સમજવા માટે તૈયાર જ નહોતા. બંને વચ્ચે હવે એક મૌનની દીવાલ ચણાઈ ગઈ હતી. બંને માત્ર જરૂર પૂરતી જ એકબીજા જોડે વાત કરતાં. એક સમય હતો જ્યારે બંને વચ્ચે સ્નેહનો સંબંધ હતો પણ અનામિકાના એક નિર્ણયે ભાઈબહેનના સંબંધને પણ કમજોર બનાવી દીધો હતો.
રાજવીરના આવા વર્તનને કારણે અને આકાશની યાદમાં ઝૂરતી હોવાના લીધે અનામિકા મનથી ખૂબ ભાંગી પડી હતી અને એના આ ભાંગેલા મનના ટુકડા જોડવાનું કામ કર્યું મેહુલે. અનામિકાનું સત્ય જાણ્યા પછી મેહુલ ઘણીવાર અનામિકા જોડે વાતો કરતો. પહેલાં તો બંને વૉટ્સ અપમાં ચેટમાં જ વાતો કરતાં પછી ધીમે ધીમે બંનેએ ફોનમાં વાતો કરવાનું પણ શરૂ કર્યું. બંને સમયની માત ખાઈ ચૂકેલા હોવાને કારણે એકબીજાનું દર્દ ખૂબ સારી રીતે સમજતાં હતા.
ક્યારેક ક્યારેક અનામિકાના જ્યોતિ ફઈ પણ એને મળવાં આવતાં અને અનામિકા પણ એમના ઘરે અવારનવાર જતી. એ જ્યોતિ ફઈને કહેતી પણ ખરી કે, "ફઈ! તમે ન હોત તો મારું શું થાત? તમે મારાં જીવનને યોગ્ય દિશા આપવા માટે રાહ ચીંધ્યો છે. તમારું આ ઋણ ક્યારેય ભૂલીશ નહીં."
અને જવાબમાં ફઈ કહેતા, "તું મારી દીકરી છો. હવે કોઈ દિવસ આવી ઋણ ચૂકવવાની વાતો કરતી નહીં."
થોડાં સમય પછી જ્યોતિબહેનની દીકરી પ્રિયા કે, જે એના સાસરે હતી એને સાતમો મહિનો બેસતાં જ એ પણ ડિલીવરી માટે એના પિયર આવી હતી. અનામિકાને એની આ બહેન સાથે ખૂબ જ સારું બનતું.
પ્રિયા એક સારી લેખિકા તેમ જ કવિ પણ હતી. એક દિવસ વાતવાતમાં જ પ્રિયાએ અનામિકાને કહ્યું, "તું આ ફેસબુકમાં બધી કવિતાઓ મૂકે છે એના કરતા તને ખબર છે એક એપ છે પ્રતિલિપિ એમાં કેમ નથી મૂકતી?"
"એ કંઈ એપ છે?" અનામિકાએ પૂછ્યું. અનામિકાને આ બાબતે કંઈ જાણ નહોતી.
"એ ખાસ આપણાં જેવા લેખકો અને કવિઓ માટે જ બનાવેલી છે. એની અંદર તું તારી લખેલી કોઈ વાર્તા, કવિતા કે કોઈ લેખ કે પછી ધારાવાહિક પણ મૂકી શકે છે. અને એમાં દર મહિને અલગ અલગ સ્પર્ધાઓ પણ આવતી હોય છે. એમાં પણ તું ભાગ લઈ શકે છે. લાવ! તારો મોબાઈલ. હું તને એમાં ડાઉનલોડ કરી દઉં આ એપ." પ્રિયાએ કહ્યું.
અને પછી એણે અનામિકાને પ્રતિલિપિ એપ અને એના ફીચર્સ વિષે સમજાવ્યું.
"અરે વાહ! આ તો ખૂબ સરસ એપ છે!" અનામિકા આ એપને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ.
*****
આ વાતને થોડો સમય થઈ ગયો. હવે અનામિકા પહેલાં કરતાં થોડી ખુશ રહેવાં લાગી હતી. અને જ્યારે એનો મૂડ ખરાબ થાય તો આ પ્રતિલિપિ એપ જ એનો સહારો બનતી. એ પોતાના મનની ભડાશ પોતાના લેખમાં કાઢતી અને એને પ્રતિલિપિ પર મૂકી દેતી. એના દરેક લેખમાં સત્ય છલકતું. સત્યને પચાવવું આમ પણ અઘરું જ હોય છે એટલે શરૂઆતમાં એના લેખ કોઈ બહુ વાંચતા નહીં. પણ પછી ધીમે ધીમે લોકોને એના સત્યલેખ પસંદ પડવા લાગ્યાં.
ધીમે ધીમે એણે ટૂંકી વાર્તાઓ લખવાનું પણ શરૂ કર્યું. પહેલી વાર્તા એણે પોતાના જ જીવનની લખી અને એની આ વાર્તાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એ પછી એણે પાછું વળીને જોયું નહીં અને અહીંથી જ એની આ લેખિકા બનવા તરફની ગતિનો આરંભ થયો. એ જ સમય દરમિયાન એ મેહુલ જોડે પણ વાતો કરતી. એવામાં એક દિવસ મેહુલે એને પૂછ્યું, "શું આપણે એકવખત રૂબરૂ મળી શકીએ?
અને મેહુલના મનની વાતથી અજાણ અનામિકાએ એને મળવાની હા પાડી અને કહ્યું, "હા, જરૂર મળી શકીએ. અને તારા દીકરાને પણ લઈને આવજે."
"હા, ચોક્કસ. હું વીરને લઈને અવશ્ય તને મળવા આવીશ. તું ક્યારે ફ્રી હોઈશ એ કહે ત્યારે મળીએ.
"હું રવિવારે ફ્રી જ છું. આપણે રવિવારે મળીએ."
બંનેએ રવિવારે મળવાનું નક્કી કર્યું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
અનામિકા અને મેહુલના ઘરમાં હજુ આ બંનેના ચેટની વાતથી બધાં અજાણ જ હતાં.
*****
શું રાજવીર અને અનામિકા એકબીજાને સમજી શકશે?શું થશે જ્યારે અનામિકા અને મેહુલ મળશે? એવી શું વાત કરશે મેહુલ અનામિકાને? શું થશે જ્યારે અનામિકા અને મેહુલ વિશે બંનેના ઘરમાં ખબર પડશે?આવાં અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.