જીવનસંગિની - 23 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 23

પ્રકરણ-૨૩
(ભયના ઓથાર)

અનામિકાનો નિર્ણય જાણ્યા પછી મનોહરભાઈએ મિહિરભાઈને એક આશા સાથે ફોન કર્યો હતો. પરંતુ એમની કલ્પનાની વિરુદ્ધ મિહિરભાઈએ એમને કહ્યું કે, 'એ તો હવે અનામિકા અને નિશ્ચય એ લોકોએ બંનેએ સાથે મળીને નિર્ણય લેવાનો છે. અંતે તો એમને બંનેને જ સાથે રહેવાનું છે. અને આમ પણ અમે દીકરાના જીવનમાં દખલ કરતાં નથી. અમને માફ કરો તમે. આમાં કોઈપણ પ્રકારની તમને અમે મદદ નહીં કરી શકીએ. અને હું તો તમને પણ એ જ સલાહ આપું છું કે, બને ત્યાં સુધી એ બંનેના જીવનમાં દખલ ન કરો. એમને એમની રીતે જીવવા દો. એમના નિર્ણય એમને જાતે જ લેવા દો.

મિહિરભાઈની આવી વાતો સાંભળીને મનોહરભાઈએ કંઈ પણ બોલ્યા વિના ફોન તરત જ પટકી દીધો. મિહિરભાઈની આવી વાત સાંભળીને એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતાં. ફોન મૂકીને એ અનામિકા અને માનસીબહેનની સામે જોઈને બોલ્યા, "અરે! આ તો કેવો ગજબનો બાપ છે! આને તો પોતાના દીકરાના જીવનની કંઈ પડી જ નથી. ખરેખર! આવો બાપ મેં મારી જિંદગીમાં આજ સુધી નથી જોયો. અહીં દીકરાનું લગ્નજીવન જોખમમાં મૂકાયેલું છે અને આ મને સલાહ આપે છે કે, હું એના બંનેના જીવનમાં દખલ ન દઉં! આવું કઈ રીતે કહી શકે? ખરેખર! આ માણસ તો બાપના નામ પર કલંક છે."

મનોહરભાઈની આ વાત સાંભળીને માનસીબહેને એમને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "તમે પહેલાં તો શાંત થઈ જાઓ. ઉતાવળથી કોઈ નિર્ણય આપણે લેવો નથી. શાંતિથી વિચારીને નિર્ણય કરીશું. અત્યારે સમય પર છોડી દો બધું."

"હા, પપ્પા! મમ્મી બિલકુલ ઠીક કહે છે. મને પણ અત્યારે બધું સમય પર છોડી દેવું જ યોગ્ય લાગે છે." પ્રીતિએ પણ માનસીબહેનનો સાથ આપતા કહ્યું.

ભોજન પતાવીને અનામિકા એના રૂમમાં આવી. એને અત્યારે આકાશ ખૂબ જ યાદ આવી રહ્યો હતો. એટલે એણે આકાશ સાથે વાત કરવા માટે નિશ્ચયને ફોન કર્યો પરંતુ ફોન સામે છેડેથી ફોન ઉપડ્યો જ નહીં. અનામિકા આમ ઘર છોડીને ચાલી ગઈ એ વાતથી એ એનાથી ખૂબ જ નારાજ હતો. મનમાં ને મનમાં ખૂબ જ ગુસ્સાની આગમાં જલી રહ્યો હતો. એણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે, અનામિકા એને આવી રીતે છોડીને જતી રહેશે. અને એટલે જ જ્યારે એણે પોતાના ફોનમાં અનામિકાની રીંગ આવતી જોઈ ત્યારે એનો ગુસ્સો બહુ જ વધી ગયો અને એણે ફોન ઉપાડ્યો જ નહીં અને ગુસ્સામાં ફોન કાપી જ નાખ્યો.

અનામિકાની રીંગ નિશ્ચયના ફોનમાં આવી હતી એ આકાશની નજરથી છાનું રહ્યું નહીં. અને એણે એ પણ જોયું કે, મમ્મીનું નામ વાંચીને એના પપ્પાએ ફોન કાપી નાખ્યો હતો. નાનકડો આકાશ બીજું કંઈ સમજે કે ન સમજે પણ એટલું તો એ જરૂર સમજી ગયો કે, મમ્મીએ મારી જોડે જ વાત કરવા ફોન કર્યો હશે. પરંતુ એના પપ્પા પાસે "મારે મારી મમ્મી જોડે વાત કરવી છે" એમ બોલવાની એની હિંમત ચાલી નહીં. એ ખૂબ જ ગભરાઈ ગયો હતો. એને ડર લાગી રહ્યો હતો કે, જો હું મમ્મી જોડે વાત કરવાનું કહીશ તો ફરી પાછો મમ્મી-પપ્પાનો ઝઘડો થઈ જશે. આકાશ એ દિવસ ભૂલ્યો નહોતો કે, જે દિવસે અનામિકા ઘર છોડીને ગઈ હતી અને અનામિકાના ઘર છોડીને ગયા પછી નિશ્ચય તે દિવસે જે ગુસ્સે થયો હતો એ આકાશની નજરથી છૂપું ન હતું. ગુસ્સામાં ને ગુસ્સામાં તે દિવસે નિશ્ચયે આકાશને કહ્યું હતું, "ભૂલી જા હવે તારી મમ્મીને. એ હવે કોઈ દિવસ પાછી આવવાની નથી. એને આપણા માટે પ્રેમ જ નથી એટલે જ આપણને છોડીને ચાલી ગઈ છે. એ હવે કોઈ દિવસ આ ઘરમાં પાછી નહીં આવે. ખબરદાર! જો આજ પછી એનું આ ઘરમાં કોઈએ નામ પણ લીધું છે તો..."

નિશ્ચયનું આવું વર્તન જોયા પછી આકાશ ખૂબ જ ધ્રુજી ઉઠ્યો હતો. એ હવે ભયના ઓથાર નીચે જીવી રહ્યો હતો. ભયના માર્યા હવે એ ઘરમાં એની મા નું નામ લેવાની પણ હિંમત કરતો ન હતો. એ એના પપ્પાથી ખૂબ જ ડરી ગયો હતો.

અનામિકાએ આકાશ જોડે વાત કરવાનાં ખૂબ જ પ્રયત્નો કર્યા. પરંતુ એને એમાં સફળતા મળી નહીં. આકાશ જોડે વાત ન થવાને કારણે એ ખૂબ જ દુઃખી રહેવા લાગી હતી. એની આ હાલત ઘરના બધાંથી જોવાતી ન હતી. પરંતુ બધાં મજબૂર હતા. એની માનસિક સ્થિતિ હવે બગડવા લાગી હતી. તે સતત ચિંતામાં રહેવા લાગી હતી અને એના કારણે એનું વજન પણ ઘટવા લાગ્યું હતું. પણ કહેવાય છે ને કે, કુદરત કંઈક છીનવી લે છે ત્યારે કંઈક તો આપે જ છે.

એવામાં એક દિવસ અનામિકાના દૂરના એક ફઈ જ્યોતિબહેન એમના ઘરે આવ્યાં. એમને અનામિકાની પરિસ્થિતિની જાણ થતાં જ એમણે મનોહરભાઈને સલાહ આપી કે, "તમે એનું ધ્યાન બીજી કોઈ દિશામાં કેમ નથી વાળતાં?"
મનોહરભાઈએ પૂછ્યું, "એટલે તું કહેવા શું માંગે છે જ્યોતિ?"
જ્યોતિબહેન બોલ્યા, "હું એમ કહેવા માગું છું કે, શા માટે તમે લોકો એને નોકરી કરવા માટે પ્રોત્સાહિત નથી કરતા? એ બહારની દુનિયામાં જશે તો એની માનસિક સ્થિતિ પણ થોડી સારી થશે અને વળી બીજા લોકોને મળશે તો એને ખુદને પણ થોડું સારું લાગશે અને એનું દુઃખ પણ થોડું હળવું થશે."
"હા! વાત તો તારી સાચી છે જ્યોતિ. એ દિશામાં તો અમે લોકોએ ક્યારેય વિચાર્યું જ નહોતું. અમે એને જરૂર પ્રોત્સાહિત કરીશું."
જ્યોતિબહેન અનામિકાના જીવનમાં જાણે જ્યોતિ બનીને આવ્યા હતા.
આ ઘટના પછી અનામિકાએ હવે જુદી જુદી જગ્યાએ નોકરી માટેના ઈન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું. અને વિધિના લેખથી અજાણ અનામિકાને એક દિવસ એક જીમમાં નોકરી મળી. એણે એ નોકરી સ્વીકારી લીધી.

*****
શું હશે અનામિકાની નિયતિ? અનામિકા માટે વિધિએ શું નિર્માણ કર્યું હશે? શું અનામિકા પોતાના દીકરાને મળી શકશે? આવાં અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.