જીવનસંગિની - 17 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 17

પ્રકરણ-૧૭
(ભાગ્યના લેખાજોખા)

નિધિ અને મેહુલ જ્યારે ડૉક્ટરના ક્લિનિકમાંથી બહાર નીકળ્યા ત્યારે બંને ખૂબ જ ખુશ હતાં. ડોક્ટરે એમને બંનેને કહ્યું હતું કે, એમના ઘરના આંગણમાં હવે તો કિલકારીઓ ગૂંજવાની હતી. હા, નિધિ અને મેહુલના જીવનમાં હવે ઘણાં પ્રયત્નો પછી સંતાનનું આગમન થવાનું હતું. બંને હવે માતા-પિતા બનવાના હતા અને નવી જવાબદારીઓ સાથે નવું જીવન શરુ કરવાના હતા.

મેહુલ અને નિધિ બંને ઘરે આવ્યા. તેમણે ઘરમાં પ્રવેશ કરતાં જ મંજુબહેને પૂછ્યું, "શું થયું? શું કહ્યું ડૉકટરે? આ વખતે તો સારા સમાચાર છે ને?"

મેહુલને શું સૂઝ્યું કે, એને પોતાની માતા સાથે મજાક કરવાનું મન થયું એટલે એણે મંજુબહેનને કહ્યું, "ના મા! આ વખતે પણ કોઈ સારા સમાચાર નથી."

મેહુલની આ વાત સાંભળીને એની મા ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને ઘરના મંદિર પાસે જઈને બોલી ઉઠી, "ભગવાન હવે કયારે તમે અમારી સામે જોશો? ક્યારે તમે મારા મેહુલને સંતાનનું સુખ આપશો? મેહુલના બધાં મિત્રોને પણ સંતાન થઈ ગયા. મારા દીકરાને શા માટે તમે સંતાનસુખથી વંચિત રાખો છો? એણે તમારું શું બગાડ્યું છે? એમ કહીને એ ભગવાન જોડે લડી પડી."

માતાની આવી વાત સાંભળીને મેહુલને હવે મા ને વધુ સતાવવું યોગ્ય ન લાગ્યું. એટલે એ બોલી ઉઠયો, "મા! તું હવે એમ સમજી લે કે હવે તને ભગવાને એ સુખ આપી દીધું છે."
"એટલે? હું કંઈ સમજી નહીં?" મંજુબેનને ન સમજાતા એમણે મેહુલને પ્રશ્ન કર્યો.

"એટલે એમ કે તું હવે દાદી બનવાની છો. નિધીનો રીપોર્ટ પોઝીટીવ છે. તું દાદી, પપ્પા દાદા નિધિ મા અને હું બાપ બનવાનો છું મા." એમ કહેતો એ તો એકદમ જ ખુશીના આવેશમાં આવી ગયો અને એની માને ગોળ ગોળ ફુદરડી ફેરવવા મંડ્યો.
મેહુલની આ વાત સાંભળીને એના ઘરમાં બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા અને સાંજે બધાએ આ ખુશાલીમાં પાર્ટી કરી.

*****
અને આ બાજુ અનામિકાના જીવનમાં ખુશીનો પ્રસંગ પણ માતમ બનીને છવાવાનો હતો એ વાતથી અનામિકા ખુદ પણ અજાણ જ હતી.
અનામિકા નિશ્ચયની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. અને અંતે એની ઈન્તેઝારીનો અંત આવ્યો અને નિશ્ચય ઘરે આવ્યો.
નિશ્ચયનાં ઘરે આવતા જ અનામિકાએ એને ખુશખબર આપતા કહ્યું કે, "આપણા જીવનમાં હવે બાળકનું આગમન થવાનું છે. હું મા બનવાની છું અને તમે પિતા. આજે હું બહુ જ ખુશ છું."
અનામિકાની આ વાત સાંભળીને નિશ્ચય ખુશ થવાનું તો દૂર પરંતુ જાણે આ બાળકના જન્મ પાછળ માત્ર અનામિકા જ એકલી જવાબદાર હોય એવું વર્તન કરવા લાગ્યો. એ બોલી ઉઠ્યો, "આ કઈ રીતે શક્ય બને? આપણે અત્યારે બાળક માટે વિચારી જ નથી રહ્યાં એ તું સારી રીતે જાણે છે અને એ માટે આપણે પ્રોટેક્શન પણ લઈ રહ્યાં છીએ. તો આ બાળક કઈ રીતે શક્ય બને?"
"એ હું નથી જાણતી. પણ મેં બે વાર ટેસ્ટ કર્યો છે અને એ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. અને 1 કે 2 ટકા કિસ્સાઓમાં પ્રોટેક્શન ફેઈલ જાય એવું પણ બને છે મેં એવું વાંચ્યું છે. કદાચ આપણાં કિસ્સામાં પણ એવું જ બન્યું હોઈ શકે ને!" અનામિકાએ પોતે જે જાણતી હતી એ કહ્યું.
પણ નિશ્ચય ટસ નો મસ ન થયો. એ બોલ્યો, "મારે અત્યારે કોઈ બાળક જોઈએ નહીં. હું અત્યારે બાળકની કોઈ જ જવાબદારી લેવા માટે બિલકુલ તૈયાર નથી. તું તૈયાર રહેજે. આપણે કાલે ડૉક્ટર પાસે જઈને એબોર્શન કરાવી દઈશું. અને આમ પણ અત્યારે તારા અને મારા ગ્રહોની સ્થિતિ પણ સારી નથી. એટલે આવનાર બાળક ખોડખાંપણવાળું પણ જન્મી શકે છે. અને હું આવું કોઈ રિસ્ક લેવા માંગતો જ નથી." નિશ્ચયે પોતાનો નિર્ણય જણાવી દીધો હતો.

નિશ્ચયની આ વાત સાંભળીને અનામિકાની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. એને નિશ્ચયની અંદર ક્યાંક દૂર દૂર સુધી પણ બાપ બનવાની ખુશીના દર્શન તો ન જ થયા. પણ પતિના રૂપમાં એને હેવાનના દર્શન થયા. કોઈ કઈ રીતે પોતાના જ લોહીને મારી નાખવાની વાત કરી શકે! આને માણસ કઈ રીતે ગણી શકાય? આજે પહેલી વાર અનામિકાના મનમાંથી નિશ્ચય માટે બદદુઆ નીકળી. એ મનમાં જ બોલી ઉઠી, " દરેકને પોતાના કર્મોના ફળ મળે છે અને એમણે આ જન્મમાં જ એ ભોગવવા પડે છે." અને એની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. એ ખૂબ જ રડી. એ ખૂબ દુઃખી હતી અને એને ખૂબ જ માનસિક આઘાત લાગ્યો હતો. એણે આવેશમાં ને આવેશમાં ઊંઘની વધારે પડતી ગોળીઓ લઈ લીધી અને એ બેભાન થઈને ત્યાં જ ઢળી પડી. એ આખી રાત ત્યાં એમ જ ઘરમાં ને ઘરમાં જમીન પર પડી રહી. નિશ્ચય તો અનામિકાથી ખૂબ જ નારાજ હતો એટલે એ તો પોતાના રૂમમાં જઈને ક્યારનો સુઈ ગયો હતો.

સવારે નિશ્ચયની આંખો ખુલી તો અનામિકાને પથારીમાં ન જોતા એ નીચે આવ્યો. તેણે જમીન પર પડેલી અનામિકાને જોઈ અને પાસે પડેલી ઊંઘની ગોળીઓ જોઈ. એ ગભરાઈ ગયો અને અનામિકાને લઈને તરત જ હોસ્પિટલ દોડયો.

ડૉક્ટરે કહ્યું, "ઉંઘની વધુ પડતી ગોળીઓ લેવાથી આ બેભાન થઈ ગઈ હતી પણ એમના પેટમાં જે બાળક હતું એ બચ્યું નથી. એનો ગર્ભપાત થઈ ગયો છે."
ડોક્ટરની આ વાત સાંભળીને નિશ્ચય ખુશ થયો અને એણે અનામિકાને કહ્યું, "જો મેં તને નહોતું કહ્યું કે, અત્યારે ગ્રહોની સ્થિતિ સારી નથી એટલે જ આ બધું થઈ રહ્યું છે. અને આ બાળક પણ એટલે જ જતું રહ્યું. પણ જે થયું એ સારું જ થયું. કુદરતે જ આપણને બાળહત્યાના આ પાપમાંથી બચાવી લીધા."
અનામિકાને નિશ્ચયના આ વર્તનમાં પોતાના માટેની ચિંતાના ક્યાંય દૂર દૂર સુધી પણ દર્શન ન થયા. અનામિકાની તબિયત સારી નહોતી છતાં પણ નિશ્ચયે એને એક પણ વાર એ કેમ છે એ ન પૂછ્યું અને માત્ર પોતાની જીદ પૂરી થઈ એનો જ એને સંતોષ હતો.

*****
કેવી રહેશે મેહુલ અને નિધીની માતા પિતા બનવાની સફર? શું નિશ્ચય અને અનામિકાના સંબંધમાં પ્રેમનું ફરી આગમન થશે? શું નિશ્ચય ક્યારેય પણ પિતા બનવા રાજી થશે? શું સંબંધ રચાશે અનામિકા-નિશ્ચય અને મેહુલ-નિધિ વચ્ચે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.