પ્રકરણ-૧૫
(મનોમંથન)
અનામિકાના લગ્નને હવે તો ઘણો જ સમય થઈ ગયો હતો પરંતુ હજુ પણ એ નિશ્ચયને સમજી શકતી નહોતી. એના મનમાં શું ચાલી રહ્યું હતું એ હજુ પણ એને સમજાઈ રહ્યું નહોતું. એને એ હવે એકદમ માછલી જેવો ઊંડો લાગવા માંડ્યો હતો. માછલી જેમ પાણીમાં ખૂબ ઊંડે સુધી જાય છે એમ જ નિશ્ચયનો સ્વભાવ પણ એને ખૂબ જ ઊંડો લાગતો. ઘણી વખત એ એના મનની વાતને કળી શકતી નહીં. કદાચ નિશ્ચય જ એને પોતાના મનની વાત કળવા દેતો નહીં!
*****
નિશ્ચય આજે ઓફિસથી ઘરે આવ્યો. અનામિકાને એનું મોઢું જોઈને એટલું તો સમજાઈ જ ગયું કે, આજે એનું મગજ સ્વસ્થ નથી. જરૂર ઓફિસમાં કંઈક થયું હોવું જોઈએ. પણ અત્યારે એને તરત જ એને પૂછવું યોગ્ય ન જણાયું. એણે નિશ્ચયના હાથમાંથી ઓફીસ બેગ લીધી અને પાણી લઈને આવી. નિશ્ચયે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો. અને ત્યાં જ એ અનામિકા પર ભડક્યો, "આ શું છે? આટલું ઠંડુ પાણી લવાય? તને ખબર ન પડે એટલી કે, આટલું ઠંડુ પાણી મોઢામાં જાય એમ નથી. મિક્સ કરીને આપવું જોઈએ ને તારે."
"સારું, હું બીજું લઈ આવું." એમ કહી અનામિકા અંદર પાણી લેવા જ જતી હતી પણ ત્યાં જ નિશ્ચયે એને રોકી અને બોલ્યો, "રહેવા દે હવે. મારે નથી પીવું."
અનામિકાને પણ હવે વધુ કંઈ બોલવું યોગ્ય ન લાગ્યું.
****
રાત્રે જમીને અનામિકા ગુલાબી કલરના નાઈટ ગાઉનમાં સજ્જ થઈને પોતાના બેડરૂમમાં આવી. નિશ્ચય ત્યારે ઓફીસનું કામ કરી રહ્યો હતો. એની નજર અચાનક અનામિકા પર પડી. નિશ્ચયને આજે અનામિકાનું રૂપ ખૂબ જ મોહક લાગ્યું. નિશ્ચયે એને પાસે બોલાવી. "અહીં બેસ. મારી પાસે."
અનામિકા આવીને ત્યાં બેઠી. નિશ્ચય બોલ્યો, "ચાલ, આજે તો આપણે મૂવી જોઈએ. હું મર્ડર મૂવીની સીડી લાવ્યો છું. આજે તો એ જોઈએ. અને એણે પોતાના લેપટોપમાં મૂવી ચાલુ કર્યું."
અનામિકા માટે તો નિશ્ચયનું આવું વર્તન અકલ્પનીય જ હતું. પણ એને આ વર્તન ગમ્યું તો ખરાં.
મૂવી ચાલુ થયું. મૂવીમાં ગીત આવ્યું,
"ભીગે હોઠ તેરે, પ્યાસા દિલ મેરા,
લગે અબ્ર સા મુજે તન તેરા,
ચમકે બરસા દે, મુજ પર ઘટાયે.
તું હી મેરી પ્યાસ, તું હી મેરી જાન.
કભી મેરે સાથ કોઈ રાત ગુઝાર,
તુઝે સુબહ તક મેં કરું પ્યાર..
અને આ ગીત જોતાં જોતાં બંને બહેકી ગયાં અને પછી બંને એકબીજામાં સમાઈ ગયા. પ્રેમમાં બંને ઓતપ્રોત થઈ ગયા.
સવારે અનામિકા ઉઠી ત્યારે એ ખૂબ જ ખુશ હતી. એણે કલ્પનામાં પણ નહોતું વિચાર્યું કે, બહારથી ખૂબ જ શાંત દેખાતો નિશ્ચય અંદરથી આટલો બધો રોમેન્ટિક છે! એણે ગઈકાલે રાતે પહેલી જ વાર નિશ્ચયનું આટલું રોમેન્ટિક રૂપ જોયું હતું. પણ એનું આ રૂપ જોઈને એને ખુશી પણ થઈ. અનામિકાએ આજે પોતાના અને નિશ્ચયના સંબંધનું એક નવું રૂપ જાણ્યું હતું અને જાણીને એણે એને પ્રેમથી માણ્યું પણ ખરાં.
*****
અનામિકા હવે સવારનો નાસ્તો બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. નિશ્ચય હજુ ઉઠ્યો નહોતો. એ એના ઉઠવાની રાહ જોઈ રહી હતી. એ હજુ તો શું નાસ્તો બનાવવો એવું વિચારી રહી હતી ત્યાં જ નિશ્ચયે આવીને એને કહ્યું, "અનુ! આજે તો બટેકા પૌઆ ખાવાનું મન થયું છે. એ બનાવને."
અનામિકા તો આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. આજે પહેલીવાર નિશ્ચયે એને પોતાના માટે કંઈક બનાવવાનું કહ્યું હતું. એ તો હોશે હોશે બટેકા પૌંઆ બનાવવા લાગી ગઈ. પતિની ફરમાઈશ પૂરી કરવામાં પત્નીને એક અનોખો આનંદ આવતો હોય છે. અનામિકાને પણ આજે આવો જ આનંદ આવી રહ્યો હતો.
અનામિકા બટેટા પૌઆ લઈને આવી. ત્યાં જ નિશ્ચય પણ આવ્યો. અનામિકાએ એને પૌંઆ પ્લેટમાં પીરસ્યા. હજુ તો એણે પહેલો કોળિયો જ મોઢામાં મૂક્યો હતો અને એ તરત જ ભડક્યો, "આ શું આવા પૌંઆ બનાવ્યા છે? આ તો સાવ પોચા છે. થોડા કડક કર. આવા હું નહીં ખાવ સમજી."
નિશ્ચયનું આવું વર્તન જોઈને એ તો સમસમી ગઈ. એ બોલી, "મને તો આવા જ આવડે છે. મેં તો મારા મમ્મીના ઘરે આવા જ પૌંઆ ખાધા છે." અનામિકા બોલી.
"એ એમના ઘરે તે જે કર્યું હોય તે. પણ મને આવા નહીં ભાવે. આ લઈ જા અને આને કડક કરીને લાવ." નિશ્ચય બોલ્યો.
"સારું લાવું છું." અનામિકાને હવે નિશ્ચય સાથે વધુ માથાકૂટ કરવાનો કોઈ અર્થ ન લાગ્યો એટલે એ ચૂપચાપ પૌંઆ લઈને રસોડામાં ચાલી ગઈ અને કડક પૌંઆ બનાવીને થોડીવારમાં લઈ આવી.
એણે ફરી એ પૌંઆ નિશ્ચયની થાળીમાં પીરસ્યા. પણ આ વખતે નિશ્ચય કંઈ જ ન બોલ્યો અને પૌંઆ ખાધા વિના જ ઉભો થઈ ગયો.
એટલે અનામિકાએ એને પૂછ્યું, "કેમ? શું થયું? ઉભા કેમ થઈ ગયાં. હજુ પણ બરાબર નથી?"
"બરાબરની ક્યાં કરે છે? અડધોઅડધ પૌંઆ તો તે બાળી નાખ્યા છે. બધાં પૌંઆ વેસ્ટ થઈ ગયાં. બધું મફત આવે છે?" નિશ્ચય બોલ્યો.
"અરે! પણ આ રીતે અન્નનું અપમાન ન કરાય. અને તમને એવું લાગતું હોય તો જાતે જ બનાવી લેવા હતાં ને? આમેય તમને બધી રસોઈ તો આવડે જ છે ને!" અનામિકા બોલી.
અનામિકાની આ વાત સાંભળીને નિશ્ચય તો વધુ જોરથી ભડક્યો અને બોલ્યો, "મારે જ બનાવવાના હોત તો હું તારી સાથે લગ્ન જ શું કામ કરત? અને તે આ પૌંઆનો બગાડ કરીને મારા ધનનું અપમાન કર્યું એનું કંઈ નહીં?" આટલું કહીને એ ગુસ્સામાં જ ઓફિસે જતો રહ્યો.
અનામિકા હવે ઘરમાં એકલી પડી અને એની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. જે નિશ્ચયે આગલી રાતે એને ખુશીઓ આપી હતી એ જ નિશ્ચયે આજે એની આંખમાં આંસુ આપ્યા હતા. અનામિકાએ પોતાની આંખના આંસુ લૂછયાં અને કામ કરવા લાગી ગઈ.
એ મનોમંથન કરવા લાગી કે, નિશ્ચયે શું માત્ર હું રસોઈ બનાવી આપું એટલે મારી જોડે લગ્ન કર્યા છે? શું નિશ્ચયના જીવનમાં મારી કિંમત એક રસોઈયાણી જેટલી જ છે? એથી વિશેષ કશું જ નહીં? પણ અત્યારે એને એના કોઈ જ પ્રશ્નોના ઉત્તર મળી રહ્યાં નહોતા.
*****
શું અનામિકા નિશ્ચયના જીવનમાં એની જીવનસંગિનીનું સ્થાન કાયમ કરી શકશે? શું અનામિકા અને નિશ્ચયના નાના નાના ઝઘડાઓ કોઈ મોટાં ઝઘડાનું સ્વરૂપ લેશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.