શરત - ૧૩ મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

શરત - ૧૩

(ગૌરી બાલ્કનીમાં બેઠી બેઠી આદિ અને નિયતીની વર્તણૂક વિશે વિચારી રહી હોય છે. ખાસ તો આદિનું મૌન એને અકળાવી ગયું. એણે આદિનું મન જાણવું હતું પણ કેમ પૂછવા એ અસમંજસ હતી.)

********************
કંઈ ન સૂઝતાં થોડીવાર રહી એ નીચે ગઇ. મમતાબેન બેઠકમાં પુસ્તક વાંચી રહ્યા હતા. એમની બાજુમાં ગોઠવાઇ એણે સૂતેલી પરીને માથે હાથ ફેરવ્યો. એક-બે પાનાં વાંચી મમતાબેને પૂછ્યું,

"આદિ જમ્યો?"

ગૌરી માત્ર હકારમાં જવાબ આપ્યો.

"ઓફિસમાં બીજાં કોને મળી? આદિએ ઓળખાણ કરાવી હશે ને બધાં સાથે?"

"ના... એમને કોઈ મહત્વની મિટિંગ હતી."

"નિયતી હતી?"

"હા."

"તને શું થયું! કેમ ઉદાસ લાગે છે? આદિએ કંઈ કહ્યું?"

"ના... એમ જ."

"ગૌરી, મનમાં જે કંઈ હોય એ જે તે વ્યક્તિને કહી દેવું સારું. કહી દેવાથી કે પૂછી લેવાથી ઉકેલ મળે. કોઇકે તો પહેલ કરવી પડે."

"જી મમ્મી."

"આદિ કોઈ ગેરવર્તન તો નથી કર્યું ને તારી સાથે ઓફિસમાં?"

"ના... ના.. મમ્મી. જરાય નહીં."

"તો કેમ ખોવાયેલી ખોવાયેલી લાગે છે?"

"કંઈ નહીં બસ એમ જ..."

"ઠીક છે. જ્યારે કહેવું હોય ત્યારે કહેજે. હમણાં તો રસોઈની તૈયારી કરવાની છે. ચાલ, શાક સમારી લઈએ."

ગૌરી શાક લઇ આવી અને મમતાબેને એને રેસિપીની વાતમાં પરોવી.

સાંજ થતાં આદિ ઘરે આવે છે. ગૌરી પાણી આપે છે પણ બંને એકમેક સાથે નજર નથી મેળવતાં. પાણી પી આદિ રૂમમાં જાય છે અને ગૌરી ચા મૂકવાં રસોડામાં. થોડીવાર પછી ગૌરી ચા-નાસ્તાની ટ્રે સાથે રૂમમાં પ્રવેશે છે અને જૂએ છે કે આદિ કોઈ વિસામણમાં છે.

"મારે એક વાત કરવી છે ગૌરી."

"મારે પણ..."

"આજે ઓફિસમાં જે બન્યું એ વિશે?"

"ના."

"કેમ? એટલે કે મને એમ કે તું ગુસ્સે હોઇશ. હું ત્યારે એક ટેન્શનમાં હતો. તું પહેલીવાર ઓફિસ આવી પણ..."

"ઈટ્સ ઓકે."

"ઓકે... તમે શું કહેવાના હતા?"

"કંઈ ખાસ નહીં. આવતીકાલે પરીનો પાટો છોડવાનો છે તો થયું તમને જણાવી દઉં." ગૌરીએ વાત બદલી કાઢી.

"ઠીક છે. આપણે સાથે જઈશું."

"હમમમ્..." એમ કહી ગૌરી નીચે જઈ કામમાં પરોવાઈ ગઇ.
______________

બીજાં દિવસે સવારે દસેક વાગ્યે આદિ, પરી અને ગૌરીને બાઈક પર લઈ જાય છે. ગૌરી પહેલીવાર આદિ સાથે એકલી બાઈક પર જઈ રહી હોય છે. આજે આદિ મજાક નહોતો કરી રહ્યો. ગૌરીને એની અપેક્ષા હતી.
"બાઈક પર બેસતાં તો આવડે છે ને!" એવું કંઈક આદિ ગૌરીને કહેશે અને ગૌરી ખોટેખોટો છણકો કરશે પણ એવું ન બન્યું. ચૂપચાપ બંને હોસ્પિટલ પહોંચ્યા. પરીનો પાટો છૂટી ગયો માત્ર એક બેન્ડેજ ડોક્ટરે લગાવી આપી, કેટલીક દવાઓ અને ઓઈન્ટમેન્ટ લખી આપી. આદિએ દવા લીધી અને પાછા ઘરે તરફ રવાના થયાં.

ગૌરી બેધ્યાનપણે બેઠી હતી. બંનેનાં મનમાં એક જ વાત ચાલી રહી હતી કે વાત કરવી છે પણ શરુઆત કોણ કરે!

થોડીવારમાં બાઈક રોકાઇ એટલે ગૌરી ઉતરી પણ આ તો ઘર નહીં કોઈ પાર્ક હતો. એને આમ જોઈ આદિ બોલ્યો, "પરીને આ પાર્ક બહું ગમે છે. ઘણાં સમયથી આવી નથી તો થયું એને સારું લાગશે."

"હમમમ્.."

"તો અંદર જઈએ?"

ગૌરીએ હકારમાં માથું હલાવ્યું અને ત્રણેય પાર્કમાં દાખલ થયા. પાર્કમાં અગિયારેક વાગ્યા હોય બાળકો ઓછા હતાં. પરી તો ખુશ થઈ ગઇ. એ આદિના હાથમાંથી ઉતરવા ગઇ પણ આદિએ એને સમજાવી એને વાગ્યું છે એટલે દોડાદોડી ન કરવા. ત્રણેય એક ઘટાદાર વૃક્ષ નીચેની બેન્ચ પર બેઠા. પરી આસપાસ રમી રહી હતી. એકા લાલ રંગનું ફૂલ એણે ગૌરીને આપી વ્હાલી વ્હાલી કરી એટલે આદિ બોલ્યો, "બસ પરી, મને ભૂલી ગઇ મામી આવી એટલે, હંહ?"

પરી એને હથેળીમાં તાળી આપી ભાગી ગઇ.

"ઊભી રહે તોફાની."

ગૌરી ખુશ થતાં આદિને જોઇ રહી હતી એ ખ્યાલ આવતાં આદિ બોલ્યો,
"મારે તમને એક અગત્યની વાત કરવી છે નિયતી વિશે."

"હા બોલો."

"કોલેજમાં હું... હું..."

"તમે નિયતીને પસંદ કરતાં હતાં."

"તમને ખબર છે? કંઈ રીતે? કોણે કહ્યું?" આશ્ચર્ય સાથે એણે પૂછ્યું.

"મમ્મીએ કહ્યું. જ્યારે નિયતી ઘરે આવ્યાં હતાં." ગૌરી સહજતાથી બોલી.

"મમ્મી.. હમમમ્.. પણ એ એક તરફી લાગણી હતી. યુ નૉ પહેલીવહેલી લાગણી. જે માત્ર મારા તરફથી હતી."

"હમમમ્.. ખબર છે."

"આ પણ ખબર છે! મમ્મીએ મારા માટે કંઈ બાકી રાખ્યું છે?"

"તમે બોલોને. તમારા કહેવામાં અને મમ્મીનાં કહેવામાં ફરક હોય. તમારી લાગણીઓ તમે જ સારી રીતે કહી શકો ને!"

"હવે શું કહું? તમને તો બધી જ જાણ છે. હમમમ્.. એટલે જ ઓફિસમાં કંઈ નહોતાં બોલ્યાં."

"એવું નથી. મને સત્યની ખબર હોય તો હું કંઈ બોલું ને!"

"એટલે?"

"આપણાં લગ્ન જે સંજોગોમાં થયાં એ પછી મારે તમારી નિયતી માટેની લાગણી જાણવી જરૂરી છે. જો તમે હજું પણ નિયતીને ચાહતાં હોવ તો હું તમને બંનેને મેળવવા મદદ કરીશ. તમે ચિંતા ન કરતાં. મમ્મીને પણ હું સમજાવી લઈશ. કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને..."

"ઓ મેડમ... ધીરા પડો ધીરા... આ શું છે, હેં? બધું જાતે જ નક્કી કરી બેઠાં છો? મારાથી એટલાં કંટાળી ગયા!"

"શું?"

"શું એટલે કે એ તરુણાવસ્થાની લાગણી હતી. ખોટી હતી એમ નહીં કહું પણ હવે એ લાગણી નથી."

"એવું કેવી રીતે શક્ય બને! લાગણી થોડી બદલાય."

"ના બદલાય? સમય ઘણું બધું બદલી દે છે. ખરું કે નહીં!"

"હા. પણ ..."

"પણ બણ કંઈ નહીં. નિયતી હાલ મારા કલિગથી વધારે કંઈ નથી, મિત્ર પણ નહીં એટલે મને દાનમાં આપવાનો વિચાર ત્યાગી દેજો, અને હા ગઈકાલે એણે મને પ્રપોઝ પણ કર્યું."

"ખબર છે."

"આ પણ ખબર છે!"

"હા."

"તો તમને શું નથી ખબર એ કહેશો!"

"તમારો જવાબ."

"એ મેં હમણાં જ તો તમને આપ્યો કે એ માત્ર કલિગ છે. હા.. એ વાત અલગ છે કે એનાં એવાં અચાનક વર્તનથી હું થોડો અસ્થિર અને અસ્વસ્થ જરૂર થયો હતો પણ હવે હું દ્રઢપણે કહી શકું છું કે નિયતી એક કલિગથી વિશેષ કંઈ નથી."

"હમમમ્..."

"માત્ર હમમમ્..."

"તો શું કહું?"

"શું કહે કહેવું એ પણ હું કહીશ? ખરાં છો તમે! મારી સામે તમારો કોઈ એક્સ બોયફ્રેન્ડ આવ્યો હોત તો ખબર નહીં હું શું કરત."

"ઓ હલ્લો... મારે કોઈ બોયફ્રેન્ડ નહોતો, હા.. છોકરાંઓ ફેન્ડ હતાં પણ બોયફ્રેન્ડ નહીં."

"હા... અરે ભૂલાઇ ગયું. શિક્ષકાને પ્રપોઝ કરવા હિંમત જોઈએને!"

"હું કંઈ બાળપણથી શિક્ષિકા નથી."

"તો પણ કોઇએ પ્રપોઝ ન કર્યું! ગજબ કહેવાય."

"એમાં ગજબ શું! હું ગધેડાઓને ઘાસ જ નહોતી નાખતી."

"એટલે બોયફ્રેન્ડ ગધેડા! છોકરાઓ માટે તમારા આવા વિચારો છે?"

"ના એટલે કે બધાં નહીં પણ અમૂક તો ખરાં જ."

પછી આદિ અને ગૌરી બંને હસી પડ્યાં. હસતાં હસતાં આદિ બોલ્યો,

"ચાલો હવે ઘરે બાર વાગવા આવ્યા."

ત્રણેય ઘરે આવ્યાં. ગૌરી અને આદિના ખિલેલા ચહેરા જોઇ મમતાબેન પણ મલકાઇ ઉઠ્યાં.

ઘરે આવી આદિ વિચારવા લાગ્યો કે ગૌરી તો સમજદાર છે એટલે વાંધો ન આવ્યો પણ નિયતીને કેમ સમજાવવી.

(ક્રમશઃ)