શરત - ૭ મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શરત - ૭

(પરીનો હાથ પકડી રૂમમાં પ્રવેશતાં ગૌરીએ જોયું...)
_________________________________

પરી એને મૂકીને જતી રહી. ગૌરીએ જોયું કે બે જણે આદિનો હાથ અને ગળું પકડેલુ હતું અને આદિ "અરે છોડો... છોડો..." એમ બોલી રહ્યો હતો.

ગભરાયેલી ગૌરીને કંઈ ન સમજાયું. એણે આમતેમ નજર દોડાવી તો એને એક લાકડી દેખાઈ એણે એ ઉપાડી વારાફરતી પેલા બંને પર પ્રહાર કર્યો. અણધાર્યો હુમલો થયો એટલે બંને અવાચક બની ગૌરીને જોઇ રહ્યાં ને વેશભૂષા જોઈ, "અરે ભાભી શું કરો છો? એ ભાઈ બોલને." એમ કહી આદિની પાછળ છૂપાઈ ગયાં ને આદિ સોફા પર બેસી હસવા લાગ્યો.

ફરી ગૌરીને કંઈ ન સમજાયું. આદિને હસતાં જોઇ એને આશ્ચર્ય થયું ને એનાથી કંઈ ખોટું થઈ ગયું એનું ભાન થતાં લાકડી પરની પકડ અનાયાસે જ છૂટી ને આદિના માથે પડી.

"આહહ્.." એવો કણસતો અવાજ સાંભળી એણે જોયું તો આદિ કપાળ દબાવી બેઠો હતો ને એનાં મિત્રો હસી રહ્યાં હતાં. ગૌરી તો કાપો ને લોહી ન નીકળે એવી સ્થિતિમાં જ ઉભી હતી. એ માત્ર "સૉરી" એટલું જ બોલી શકી. હાથ લંબાયો પણ આદિના કપાળ સુધી ન પહોંચ્યો.

"હાહાહા...ભાભીએ તો તારું પણ સામૈયુ કરી નાખ્યું. શેરને સવાશેર મળી ગયું." એક મિત્ર બોલ્યો.

"અમને બહું હસતો હતો. હવે અમારો વારો." બીજો મિત્રએ પણ રમૂજ કરી.

બંને મિત્રો સાથે જતાં જતાં આદિ ગૌરીની નજીક આવીને બોલ્યો, "મને માર્યુને, હવે જૂઓ. તમારી સાથે શું શું થાય છે!! મમ્મીને જ કહી દઉં છું."

"અરે પણ એ તો ભૂલમાં..." ગૌરી હજુ વાક્ય પૂરું કરે એ પહેલાં આદિ જતો રહ્યો.

ગૌરી થોડી ડરી ગઈ. એક તો નવી જગ્યા, નવાં લોકો અને આ વિચિત્ર માણસ. હું શું કરીશ? હું તો જે કરીશ તે ત્યારની વાત, હમણાં આ માણસ શું કરશે? એ ચિંતા સાથે એ ફ્રેશ થઈ ત્યાં જ મમતાબેને એને બોલાવી. એ નીચે ગઇ.

"આ આદિ શું કહે છે? એ સાચું છે?" મમતાબેને પૂછ્યું.

"હ... હા... પણ મેં જાણીજોઈને કંઈ નથી કર્યું." એ જાણે કોઈ નાનાં બાળકની જેમ પોતાને બચાવવાનો પ્રયાસ કરતી હોય એમ બોલી.

"શું જાણીજોઈને નથી કર્યું?" મમતાબેને આશ્ચર્યથી પૂછ્યું.

ગૌરી થોડી હેબતાઈને મમતાબેનને જોવાં લાગી.

"મારી જ ભૂલ થઈ ગઈ. તારા માટે આ ઘર હજું નવું છે. તારી મુંઝવણ સમજવી જોઇતી હતી. તેં પણ મને કંઈ ન કહ્યું. ઠીક છે... વાંધો નહીં. તારે જે પૂછવું હોય તે નિઃસંકોચ પૂછી લેજે. એ પહેલાં આદિ ગૌરીને ઘર બતાવી દે."

"ચાલો... ઘર બતાવું." આદિ કપાળે હાથ રાખી બોલ્યો. મમતાબેનની વાતથી વધું મુંઝાયેલી ગૌરી એની સાથે ચાલવા લાગી.

આદિ એક પછી એક રૂમ, કિચન, પૂજાનો રૂમ બતાવતો હતો ત્યાં જ ગૌરી બોલી, "સૉરી અને થેંક્યું."

"શેનાં માટે?"

"મારાથી તમને વાગી ગયું એટલે ને તમે તમારા મમ્મીને ન કહ્યું એટલે."

"હા પણ એનો હિસાબ તો તમારે આજે જ ચૂકવવો પડશે. હું સંત મહાત્મા નથી કે માફ કરું." આદિ દ્રઢતાથી બોલી ત્રાંસુ હસ્યો.

"પ...ણ....પણ મેં જાણીજોઈને નથી માર્યું. એ તો પેલાં લોકો તમને.... મેં તો મદદ કરી તમારી." ગૌરી થોથવાઈ ગઈ.

"આવી મદદ!!! એ લોકો મારા ખાસમખાસ મિત્રો છે ને તમે એમને તો માર્યુ ને મને પણ...!!! પહેલાં જ દિવસે આટલી હિંમત! આની સજા તો મળશે જ." આદિએ કપાળે આંગળી ચીંધી ગૌરીની આંખોમાં આંખો પરોવીને ગુસ્સામાં બોલ્યો.
______________________________

બધાં જમવા બેઠા. આદિ પરીને જમાડી રહ્યો હતો. ગૌરી મમતાબેન અને કેતુલભાઈને પિરસી રહી હતી.

"ગૌરી બેટા, તમે પણ બેસી જાવ. અમારે ત્યાં બધાં સાથે જ જમે છે." કેતુલભાઈ બોલ્યાં.

"હા ગૌરી બેસી જા. એમ પણ મારે વાત કરવી છે." મમતાબેને વાત શરૂ કરતા જણાવ્યું કે આવતીકાલે સોસાયટીના કેટલાક લોકો ઘરે આવશે તો જરા સાચવજો. ગૌરીને એમણે ખાસ કહ્યું કે જો એ લોકો કંઈ પૂછે તો હાલ પૂરતું વધુ કહેવાની જરૂર નથી. આમ તો એ બધું સાચવી લેશે છતાં કોઈની વાત મન પર ન લેવી.

"મમ્મી... હું તો કાલે ઑફિસ જઈશ."

"શું તું પણ... કાલે બધાં આવશે. તું નહીં હોય તો લોકો શું કહેશે!"

"શું કહેશે! અને એમ પણ મારું શું કામ! ઑફિસે ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે."

"પણ..."

"જવા દે એને. જરુરી કામ હશે. કામ પહેલું. એમ પણ એણે થોડાં દિવસની રજા લેવી પડશે." કેતુલભાઈ મમતાબેનને બોલતાં અટકાવતા બોલ્યાં.

"રજા? શું કામ પપ્પા?"

"એ હું તને પછી સમજાવું."

જમવાનું પતાવી પોતાના રૂમમાં જતાં જતાં આદિ ગૌરીને ધીરેથી કહી ગયો, "સજા માટે તૈયાર રહેજો."

(ક્રમશઃ)

- મૃગતૃષ્ણા
🌸🌸🌸