ઇકરાર - (ભાગ ૧૭) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇકરાર - (ભાગ ૧૭)

મોલમાં આવતી વખતે કારમાં જે હિલોળે ચડી હતી એ જ રીચા જતી વખતે કારમાં એકદમ ગુમસુમ બેઠી બેઠી એકીટશે કારની બારી બહાર જોઈ રહી હતી. અચાનક તેનું તોફાન શમી જવાનું કારણ મને ખબર નહતી ને એમાં એને ધારણ કરેલી ખામોશી મને વધુ વિહવળ બનાવી રહી હતી. મોલમાં એવું તે શું બન્યું કે રીચા ગુસ્સે થઈ ગઈ અને કંઈપણ સાંભાળવા જ માંગતી નહતી કે મારા વારંવાર પૂછવાથી પણ કંઈ કહેતી ન હતી.


ઘરે આવીને પણ એ કોઈની પણ સાથે વાત કર્યા વિના સીધી જ એના રૂમમાં જતી રહી હતી અને દિવ્યાના કહેવા છતાં પણ જમવાનું એમ કહીને ટાળી દીધું હતું કે એને ભૂખ નથી. તેના આ અચાનક જ બદલાયેલા મૂડથી, હું એમ વિચારીને પરેશાન થઈ રહ્યો હતો કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હતી કે શું? પણ જો કોઈ ભૂલ થઈ હતી તો કઈ એ શોધવાના પ્રયત્નમાં ને પ્રયત્નમાં હું આખી રાત ઊંઘ્યા છતાં મારી ઊંઘ પૂરી થઈ નહીં.


સવારે ઉઠીને તૈયાર થઈને નીચે આવ્યો ત્યારે ઘરમાં કોઈ ન હતું. મેં રીચાને ગઈકાલે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો સોરી કહેવા માટે ફોન લગાડ્યો, પણ તેણે ફોન ઉઠાવ્યો જ નહીં.


સંદીપ અને દિવ્યાને એરપોર્ટ પર મુકવા જવાનું હોવાથી સાંજે જમ્યા પછી શિખા, યુવરાજ, રીચા અને હું બંનેને મુકીને ઘરે આવ્યા ત્યારે રાતના નવ વાગી ગયા હતા. આજે ગઈકાલ કરતાં એનો મૂડ સારો જણાતો હતો. રીચાને બધાની સાથે સ્વથતાથી વાતો કરતી જોઇને મને એ વાતનો હાશકારો થયો કે મારાથી એને કોઈ વાતનું વાંકું પડ્યું નથી, પણ તરત જ એક ખયાલ એવો પણ આવ્યો કે કદાચ બધાની સામે એ મારી સાથે સહજતાથી વર્તતી હશે તો. કારમાં મેં એને પૂછવાનો ઈરાદો કર્યો હતો, પણ એને ખુશ જોઈ એની દુખતી નસ પર અસર કરવાની મારી ઈચ્છા ન થઈ.


ઘરે આવીને શિખા અને યુવરાજને એમના રૂમમાં મૂકી હું ઉપર આવ્યો ત્યારે ફરી થયું કે રીચાને પૂછી જોઉં કે ગઈકાલે એને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હતું? પણ ફરી એ વાત ઉઘાડવાનો વિચાર માંડી વાળ્યો.


બીજા દિવસથી મેં રીચાને કામમાં મદદ કરવાના ઈરાદે વહેલા ઉઠવાનું નક્કી કર્યું હતું. હું નીચે આવ્યો ત્યારે ઘરમાં કોઈ ન હતું. આઠ ને વીસ થઈ હતી તો પણ ઘરમાં કોઈ ન હતું. મેં એ જાણવા માટે કે એ લોકો ક્યાં ગયા છે, રીચાને ફોન લગાડ્યો, પણ એણે ફોન ઉપાડ્યો નહીં. આજના નાસ્તામાં કટલેસ હતી, તેને આરોગતા જ ખબર પડી ગઈ કે આજે રસોયો બદલાઈ ગયો છે. લગભગ બે કલાક પછી એનો સામેથી ફોન આવ્યો ને એણે ફોન ન ઉપાડવાનું કારણ તે લેક્ચરમાં હતી તે આપ્યું અને સવારે વહેલા નીકળવાનું કારણ રોજ સવારે બધા આઠ વાગ્યે જ નીકળી જાય છે એ આપ્યું ત્યારે મને અહેસાસ થયો કે આજથી પહેલાં મને આ જાણ જ નહતી એ મારી ભૂલ હતી.


સાંજે હું પંજાબ ફૂડની જોબ પરથી સીધો જ ઘરે આવી ગયો, કેમ કે હવે ઘરની તમામ જવાબદારી મારી ઉપર હતી. મેં સાંજનું જમવાનું બનાવતી વખતે રીચાને મદદ કરવા કહ્યું પણ એણે ના પાડી એટલે હું શિખા અને યુવરાજ સાથે વાતો કરવા એમના રૂમમાં ગયો. રીચા ખુશ જણાતી હતી, પણ હતી નહીં, એ એના વર્તન અને એના નંખાઈ ગયેલા ચેહરા પરથી સ્પષ્ટ વાંચી શકાતું હતું.


જમી પરવારીને આજે તો મેં નક્કી કર્યા મુજબ રીચાને કોરી ખાતી ચિંતા વિષે પૂછવા હું તેના રૂમમાં ગયો ત્યારે તે મોબાઈલમાં કંઇક કરી રહી હતી. મેં એના નંખાઈ ગયેલા ચેહરા સામે જોઈને પૂછ્યું, “એક વાત પૂછું, જો ખોટું ન લાગે તો.”


એણે ગંભીરતાથી કહ્યું, “ના. ન પૂછીશ. ખોટું લાગે તો.” અને એ હસી, એની સાથે સાથે હું પણ હસી પડ્યો.


મેં હસવાનું બંધ થયું એટલે પૂછ્યું, “મને કેમ એવું લાગે છે કે તારા મનમાં કંઈ મૂંઝવણ છે પણ તું અંદર અંદર વલોવતી જાય છે. તારા મોં પરથી નુર હણાતું જાય છે. શું વાત છે?” એણે ફકત ‘કંઈ નહીં’ કહ્યું.


ખબર નહીં પણ આજે મારો એની ચિંતાનું કારણ જાણવાનો નિર્ધાર મક્કમ હોય એમ મેં પૂછ્યું, “ના કહેવું હોય તો તારી મરજી, પણ એ તો કહે કે તે દિવસે અચાનક મોલમાં શું થયું હતું.”


જાણે કંઈ ન યાદ કરવા જેવું યાદ આવી ગયું હોય એમ એ ગંભીર થઈ ગઈ અને તેની આંખો ભરાઈ આવી. તે બોલી, “મારે ઇન્ડિયા પાછા જવું છે?” એની આ વાત સાંભળીને મને આંચકો લાગ્યો. મનમાં તો થયું કે ‘મેલું પાટું જાય ગડથોલું ખાતી, મગજ તો ઠેકાણે છે કે નહીં આનું.’ પણ મને પેલો અવાજ સંભળાય એના પહેલાજ મેં એને પૂછ્યું, “કેમ અચાનક શું થયું? તને ખબર છે મેં બાવીસ લાખ રૂપિયા ભર્યા છે ફી માટે. તું ઇન્ડિયા જાય તો મારે પણ તારી સાથે પાછા આવવું પડે.” એ ફક્ત રડી રહી હતી. મારા પ્રશ્નનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો.


ડૂસકા ભરતા એ બોલી, “કેટલો પ્રેમ કરું છું, પણ કોઈ કદર જ નથી. હું એના જેટલી સુંદર નથી તો શું થયું. આજે સમજશે, આજે સમજશે પણ કંઈ ફરક જ પડતો નથી. આટલા દિલથી જો ભગવાને ચાહ્યા હોત તો એ પણ પીગળી જાત.”


એની વાત સાંભળીને મારું મગજ ભમવા માંડ્યું હતું. આ શું બોલી રહી છે? થોડીક ક્ષણો પછી મેં મગજ ઠેકાણે લાવી પૂછ્યું, “કોણ?”


રીચા એજ પ્રવાહમાં બોલી રહી હતી, “એના માટે છેક ઓસ્ટ્રેલીયા આવી. પણ એને કોઈ ફરક જ પડતો નથી. હું જ ગાંડી છું કે એના માટે આટલા વલખા મારું છું.” એ રડ્યે જતી હતી ને લવારો કર્યે જતી હતી, પણ મારું કંઈ સંભાળતી જ નહતી.


મેં ફરી પૂછ્યું, “કોણ?”


એણે આંખો લૂછતાં કહ્યું, “એ દિવસે પણ એ એની સાથે જ મોલમાં હતો. મારા પછી જ એને મળ્યો હશે તો પણ.”


મેં ફરી એકવાર પૂછ્યું, “કોણ? કોની વાત કરે છે?”


“આદિ.” એ નામ બોલી ને મને હાશકારો થયો. પણ એ વિચારથી ફરી મારું મગજ ચકરાવે ચડ્યું કે કોણ છે આ આદિ. મેં એને પૂછ્યું, “કોણ આદિ?” અને એના જવાબની રાહ જોતો રહ્યો.


રીચા એટલું રહસ્ય ઘુંટી રહી હતી કે મને બેચેની થઈ રહી હતી. મેં છ મહિનામાં પહેલીવાર એના મોંએ આદિ નામ સાંભળ્યું હતું.


એ આંખો ચોળતા બોલી, “દિવ્યા કહેતી હતી કે થોડો સમય રાહ જો. એ સમજી જશે. પ્રયત્ન કરતી રહે. આજે નહીં તો કાલે સમજી જશે.” આ સાંભળી નવાઈ લાગી કે દિવ્યા પણ આદિ નામના વ્યક્તિને જાણે છે. એણે ઉમેર્યું, “મારે સંદીપભાઈની વાત માનવા જેવી હતી. એમણે તો મને કહ્યું જ હતું કે ભૂલી જા એને. રોગ વધે ને એ ફેલાય એના પહેલાં જ તેના મૂળ કાપી નાખવા જોઈએ.” આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ એ જાણીને કે ઘરમાં મારા સિવાય બધા આ આદિને ઓળખે છે.


મારી રહસ્ય જાણવાની અધીરાઈ વધતી જતી હતી એટલે મેં વિલંબ કર્યા વિના પૂછ્યું, “કોણ છે આ આદિ? અને શું થયું છે?”


એની આંખોમાં ફરી આંસુથી ઊભરાઈ. મેં નીચે જઈને પાણીની બોટલ લઈ આવી એને આપી. એણે બે ઘૂંટડા પાણી પી જમીન પર આંખો સ્થિર કરી જાણે કે ત્યાં કોઈ એવું મશીન લગાડેલું હોય જેનાથી ભૂતકાળ જોઈ શકાતો હોય. એની ખામોશી અને રૂમમાં પ્રવર્તેલી શાંતિ મને અશાંત કરી રહી હતી