જેમ જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમ મારી એલીસ પ્રેત્યેની આસક્તિ વધતી જતી હતી. મારું ધ્યાન હવે કામમાં લાગતું ન હતું. હું સબ વેની મારી શિફ્ટ પૂરી કરી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાઉં અને ત્યાંથી ઘરે આવું એટલે દરેક રાત મારા માટે ભારે બની જતી અને હું ફરી જલ્દી સવાર પડવાની રાહ જોતો ને એલિસને યાદ કરતો સુઈ જતો.
એલીસ પણ મારી સાથે ભળવા લાગી હતી. એ મહર્ષિ બોલવા જતી, પણ એના મોમાંથી હંમેશ મરશે બોલાતું પણ મને બહુ પ્રિય લાગતું. હું એને કામ કરતી વખતે ઉડતી નજરે જોઈ લેતો, પણ ઘણીવાર મારૂ ચોરીછૂપીથી જોવું એ પકડી લેતી અને આછકલું સ્મિત કરી દેતી.
હજી તો હું એલીસના પ્રેમમાં ગળાડૂબ થવું ત્યાં જ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મેં એક નવી આવેલી યુવતીને જોઈ અને અમારી વચ્ચે થયેલા હાય હેલ્લોમાં મને જાણવા મળ્યું કે એનું નામ કૃતિકા છે ને તે બંગાળી છે. કૃતિકા ખરેખર સુંદર હતી. પણ કૃતિકા એલિસના તોલે આવે તેમ ન હતી. મને રજનીકાકાના શબ્દો યાદ આવ્યા, “વ્હાલા, એક સ્ત્રીની સરખામણી બીજી સ્ત્રી સાથે ક્યારેય ન કરવી. કારણ કે દરેકની પોતાની આગવી ઓળખ અને સુંદરતા હોય છે, તમને ફક્ત એ ખબર પડવી જોઈએ. તમે પ્રેમ આપો તો દરેક સ્ત્રી તમને તેનું સર્વસ્વ અર્પી દે. એનો વિશ્વાસ એના પ્રેમમાં હોય છે. વિશ્વાસ તુટ્યો નથી કે પ્રેમ પણ વેરણછેરણ.” એમની વાત સાચી હતી. રીચા, કૃતિકા કે એલીસ ત્રણેયની પોતપોતાની આગવી છટા હતી, ભલે ત્રણેયની સંસ્કૃતિ અલગ અલગ હતી છતાં સ્ત્રી એ સ્ત્રી. એમનામાં પ્રેમ એ સમાન ગુણ છે.
કૃતિકા પણ મારી નજીક આવવા લાગી હતી. પણ હું એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો હતો કારણ કે મને એલીસ વધુ ગમતી હતી. હું કૃતિકાને છેતરવા માંગતો ન હતો.
એલીસ સાથે મુલાકાત થયાના આશરે પંદરેક દિવસ પછી એક દિવસ એલીસ મારી પાસે આવી ને મને એના ઘરે આવવાનું આમંત્રણ આપી ગઈ. મારા રોમરોમમાં પ્રેમન તરંગો ઉમટવા માંડ્યા હતા. મેં જયારે એને આમંત્રણના પ્રસંગ વિષે પૂછ્યું તો એણે એનો બર્થ ડે છે અને ચોક્કસ આવવાનું છે એવું ભાર દઈને કહ્યું. મને સમજાતું ન હતું કે શું કરું. ઘણીવાર આપણને જે જોઈતું હોય એ આસાનીથી મળી જાય કે જેની આપણે હજી સુધી કલ્પના કરતાં હતા ને એ મળી જાય ત્યારે આપણે અચાનક જ એવા અસમંજસમાં ફસાઈ જઈએ છીએ કે આપણને થાય છે કે કોઈની સલાહ લઈએ કે મારે આ બાબતમાં શું નિર્ણય લેવો.
હું ને રીચા હવે એકદમ પાક્કા દોસ્ત બની ગયા હતા. મોટેભાગે રોજ સવારે સાથે જ નીકળતા. એણે પણ એક એગ્રીકલ્ચર કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દીધી હતી. મેં એને હજી સુધી એલીસની વાત કરી ન હતી. ખબર નહીં પણ કેમ એને કહેવાનું યોગ્ય લાગતું ન હતું. મેં સંદીપને પૂછવાનું વિચાર્યું.
મેં સંદીપને મને એલીસ તરફથી મળેલા આમંત્રણ વિશે વાત કરી, કારણ કે ઓસ્ટ્રેલીયાની છોકરીઓનો બહુ અનુભવ ન હતો અને જો કંઈ ન ઘટવાનું ઘટી જાય એના કરતાં સંદીપને જાણ કરવાનું ઉચિત સમજીને જ મેં એને જવાય કે ન જવાય એ માટે સલાહ આપવા કહ્યું. એ મારો જીગરી દોસ્ત હતો, એણે મને કહ્યું કે જા કંઈ નહીં થાય, અનુભવ લઈશ તો જ ખબર પડશેને. મને એ વખતે તો ખબર ન પડી કે એ કયો અનુભવ લેવાની વાત કરે છે.
શનિવારની સાંજે એલીસે આપેલા એડ્રેસ પર પહોંચીને મેં ડોરબેલ વગાડી. દરવાજો ખુલ્યો અને દરવાજો ખુલતા મેં મારી સામે ઉભેલી એલિસને જોઈ ને હું એની સુંદરતાને જોવામાં એટલો મંત્રમુગ્ધ બની ગયો કે સંદીપની સલાહથી લીધેલ મારા હાથમાં પકડેલો ગુલદસ્તો આપવાનું ભૂલી ગયો. એણે પહેરેલો બંધ ગળાનો, ટૂંકી બાંયનો ને ઘૂંટણ સુધીનો ક્રીમ કલરનો સાટીનનો વન પીસ ડ્રેસ તેની સુંદરતાને વધારે ઓપ આપતો હતો. તેણે પહેરેલા એ ડ્રેસમાં ગળાથી નીચે તેના બંને સ્તનયુગ્મ વચ્ચે દિલ આકાર કોતરીને ડીઝાઈન બનાવેલી હતી. ડ્રેસ પર કમરે ઘાટા ક્રીમ કલરનો પટ્ટો બાંધેલો હતો અને એ જ કલરનો લગભગ ત્રણ ઈંચનો ડ્રેસનો પાલવ હતો. પાલવની ઉપર સરસ હારબંધ ગોઠવેલા ગુલાબની ભાત પાડેલી હતી અને એવા જ પણ ક્યાંક ક્યાંક નાના ગુલાબના ફૂલોની ભાત આખા ડ્રેસને વધુ સુંદરતા બક્ષતી હતી.
એલીસે મને અંદર આવવા આવકાર આપ્યો ને હું એની પાછળ પાછળ તેના આ અલગ અવતારને નીરખતો નીરખતો દોરાયો. મને તે જે રૂમમાં લઈ ગઈ, તેમાં હળવા ગુલાબી, સફેદ ફુગ્ગાઓથી અને પીળા અને આસમાની પ્રકાશથી આખા રૂમને સુશોભિત કરાયો હતો. રૂમમાં હળવું જાઝ સંગીત વાગી રહ્યું હતું. કોઈ પણ યુવાન દિલને મદહોશ કરી નાંખે તેવું વાતાવરણ હું અનુભવી રહ્યો હતો.
તેનો આ ફ્લેટ સ્ટુડીઓ પ્રકારનો હતો કે જેમાં ડ્રોઈંગરૂમ અને બેડરૂમનું મિશ્રણ એક જ રૂમમાં હતું, રૂમને અડીને નાનકડું કિચન અને તેની સામેની બાજુએ અટેચ ટોઇલેટ બાથરૂમ નજરે ચડતું હતું. બે સોફા ખુરશીઓ સામસામે ગોઠવેલી હતી, એમાં એકમાં હું અને બીજીમાં એલીસ ગોઠવાયા. શરૂઆતમાં ઔપચારિક વાતો થઈ, જેમાં અમે એક બીજાની પસંદ નાપસંદ અને શોખ વિશે એક બીજાના અભિપ્રાય શેર કર્યા. એણે કહ્યું કે એને દુનિયાની અલગ અલગ સંસ્કૃતિના લોકોને મળવાનું અને તેમના વિષે ને તેમની સંસ્કૃતિ વિષે જાણવાનું બહુ ગમે છે. હું એટલી સરળ જિંદગી જીવ્યો હતો કે મને તો સમજાતું જ નહતું કે હું શું કહું એટલે હું ફક્ત એને બોલતી સાંભળીને હકારમાં માથું હલાવ્યે રાખતો હતો. મેં એને માર ડર પર કાબુ રાખતા પૂછ્યું કે બીજા લોકો હજી આવ્યા નહીં, એના જવાબમાં એણે જે જવાબ આપ્યો એ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા. એણે આ બર્થ ડે પાર્ટી ફક્ત મારા માટે રાખી હતી.
મને અંદરથી એવો ડર સતાવી રહ્યો હતો કે આજે જરૂર કંઈક અઘટિત બનવાનું છે અને એ ડર ત્યારે સાચો પડતો જણાયો જયારે એલીસે મને વાઈનનો ગ્લાસ ધરતા મારી સામે ધારદાર નજરે જોયું. મેં આનાકાની કર્યા વિના વાઈનનો ગ્લાસ શરબત સમજીને લઈ લીધો અને ચીયર્સ કરીને પહેલો ઘૂંટ ભર્યો ત્યારે સ્વાદ અલગ જ પ્રકારનો લાગ્યો. પણ હવે પીધા વિના છૂટકો ન હતો. બે ગ્લાસ પીધા પછી મેં હળવો ખુમાર છવાતો અનુભવ્યો.
એલીસે મને એનો હાથ લંબાવતા ડાન્સ માટે ઓફર કરી, જે હું નકારી ન શક્યો. હળવા મ્યુઝીક અને વાઈનના હળવા નશામાં મુઝીકના તાલે અમે બંને એકબીજાની એટલી નજીક આવી ગયા કે હું એના ગરમ શ્વાસોચ્છવાસ મારા ચેહરાને અડતા અનુભવી રહ્યો હતો. તેના ઉરોજ મારી છાતી સાથે જે રીતે ભીંસાઈ રહ્યા હતા એનાથી મારી ઉપર કામદેવ સવાર થઈ રહ્યા હતા. એની આંખોના કામણ ને તેના ગાલો પર છવાયેલી લાલીમા મને તેના તરફ આકર્ષિત કરી રહી હતી. મેં એને કમરથી મજબુતીથી પકડીને મારા હોંઠ એના હોંઠ પર જડી દીધા. પ્રતિકાર કરવાને બદલે એણે પણ એના હોંઠ મારા હોંઠમાં પરોવી દીધા.
અમારા શરીર પર ધારણ કરેલા કૃત્રિમ આવરણો હટવા લાગ્યા ને કુદરતી આવરણરૂપી એકબીજાની ચામડીનો સ્પર્શ થતા અમારા આવેગોની ઉત્કંઠા ઓર વધી જવા પામી. અમે બંને એકબીજામાં ધસી રહ્યા હતા. તોફાની નદી ગાંડીતુર બને અને સમુદ્ર તેને ઝીલવા તૈયાર હોય એવી અવસ્થામાં અમે પહોંચી ચૂકયા હતા. તોફાન પછી નદી સમુદ્રને મળીને શાંત થઈ જાય તેમ મેં તેને મારામાં સમાવી લીધી અને એક અંતિમ જબરદસ્ત આવેગ પછી અમે બંને શાંત થઈ ગયા. અમારા શ્વાસ ધીમા પડ્યા છતાં અમે એકબીજાને પામવા હજી અધીરા હોઈએ એમ એકબીજાને ચૂમતા રહ્યા.
લગભગ એકાદ કલાક સુધી એકબીજાને વળગીને પડ્યા રહ્યા ને જયારે પેટે મગજને ભૂખનો ઈશારો કર્યો એટલે એણે એના હાથે બનાવેલો પીઝા આરોગી ક્યાંય સુધી અમારી સ્મૃતિઓ મમરાવતા કયારે સુઈ ગયા ને કયારે સવાર પડી એ જાણ જ ન થઈ. સવારે ઊઠી એને એક ગુડમોર્નિંગ કિસ કરી હું ઘર તરફ તેની સાથેના પાછલી રાતના સંભારણા વાગોળતો રવાના થયો.