પ્રકરણ-૫
(કવિતાનો ઉદય)
કલગીનું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું. કોલેજમાં એ સારા માર્કસથી પાસ થઈ ગઈ હતી. બધાં ખૂબ જ ખુશ હતા. માનસીબહેને મનોહરભાઈને કહ્યું, "કલગી હવે મોટી થઈ ગઈ છે. હવે આપણે એના લગ્ન માટે વિચારવું જોઈએ."
"હા, તું ઠીક કહે છે. મેં પણ મારા બધાં મિત્રોને કહી રાખ્યું છે કે, કોઈ સારો છોકરો હોય તો બતાવે. અને હા, બીજી પણ એક વાત કે, અનામિકાને પણ હવે સ્કૂલ પુરી થઈ ગઈ છે અને એ હવે ફેશન ડિઝાઈનિંગમાં આગળ પોતાની કેરિયર બનાવવા માંગે છે તો આપણે એને ભણવા માટે હોસ્ટેલમાં મોકલવાની થશે. તો એના માટે પણ આપણે સારી કોલેજમાં એડમિશન લેવું પડશે."
"હા, તો હું ક્યાં ના પાડું છું? પણ અત્યારે તો મને કલગી ના લગ્નની જ ચિંતા કોરી ખાય છે." માનસીબહેને પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
એક મા ને હંમેશા પોતાની દીકરીઓના લગ્નની ચિંતા કોરી ખાતી હોય છે. પોતાની દીકરીને કેવું પાત્ર મળશે? પોતાની દીકરી સાસરીમાં ખુશ રહેશે કે નહીં? સાસરીમાં એને માન સન્માન મળશે કે નહીં? એ બધાંને ખુશ રાખી શકશે કે નહીં? આવા અનેક પ્રશ્નો લગ્ન માટે જુવાન થયેલી દીકરીની મા ને થતા હોય છે. માનસીબહેન પણ આમાંથી બાકાત નહોતા. એમના મનમાં પણ અત્યારે આવા અનેક પ્રશ્નો રમી રહ્યાં હતાં.
આ વાતને થોડો સમય થઈ ગયો. એવામાં જ એક આયુર્વેદિક ડૉક્ટર છોકરાનું માંગુ કલગી માટે આવ્યું. બંને પરિવારોની મુલાકાત ગોઠવાઈ. અને કલગી અને માનવ બંનેએ એકબીજાને પસંદ કર્યા. કલગીના લગ્ન ગોઠવાયા. કલગીના લગ્નમાં બધાંએ ખૂબ મજા કરી. એમાંય અનામિકા તો વિશેષ ખુશ હતી. લગ્નમાં બધા પોતાની સ્વરચિત કવિતાઓ સંભળાવતા હતાં. કલગીના એક ફુવા, એમની દીકરી, કલગીના એક કાકાની દીકરી અને ખુદ માનવ કુમાર પણ. આ બધાં જ કવિ હતા અને પોતાની લખેલી કવિતાઓ સંભળાવી રહ્યાં હતા. અનામિકા પણ બધાની કવિતાઓ સાંભળી રહી હતી. એને પોતાને પણ થયું કે, આ બધાં જ જો કવિતાઓ લખી શકે છે તો હું કેમ ન લખી શકું! એમ વિચારી એ પોતાના મનમાં જ કવિતા બોલી ઉઠી.
ગજબની આહલાદક ક્ષણ દિલને ધડકાવી જાય છે,
જોને હૃદય બેવડી લાગણીથી મનને થનગનાવી જાય છે!
મનના એક ખૂણે હરખનો ઉભરખો છલકાય છે અને બીજે ખૂણે વસમી વિદાય મનને વલોવી જાય છે.
જાણે હૃદય ક્ષણિક ધબકાર ચૂકી જાય છે,
દોસ્ત! વિદાયની વેળાએ ઉંબરો ઓળંગતા આંખ એમ જ થોડી વરસી જાય છે!
કલગીના લગ્ન રંગેચંગે પુરા થઈ ગયા અને એની વિદાય પણ થઈ ગઈ. દીકરીની વિદાય એ એક એવો પ્રસંગ છે કે, જેમાં સુખ અને દુઃખ બંને સાથે હોય છે. એક આંખમાં દીકરીની વિદાયની ખુશીના આંસુ હોય છે તો બીજી આંખમાં એના જવાના દુઃખના પણ આંસુ હોય છે. કલગીની વિદાયમાં બધાંની આંખમાંથી આંસુઓ છલકી ઉઠ્યા. કલગી હવે પોતાના સાસરે ચાલી નીકળી એક નવા અનુભવને લેવા માટે.
અનામિકા હવે ફેશન ડિઝાઈનિંગનું આગળ ભણવા માટે સુરેન્દ્રનગર જવાની હતી. મનોહરભાઈએ બધી તૈયારીઓ કરી લીધી હતી. આખો પરિવાર અનામિકાને હોસ્ટેલમાં મૂકવા માટે ગયા. કલગીની વિદાય પછી હવે અનામિકા પણ જતી રહી. થોડા દિવસ તો મનોહરભાઈ અને માનસીબહેનને બંને દીકરીઓ જતી રહેવાથી ઘર ખાલી ખાલી લાગવા માંડ્યું. ઘરમાં હવે એ બે અને દીકરો રાજવીર ત્રણ જ જણ રહ્યાં. રાજવીર હવે બારમાં ધોરણમાં આવી ગયો હતો. એ પણ પોતાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો. પણ ધીમે ધીમે બધાંએ હવે કલગી અને અનામિકા વિના જીવવાની આદત પાડી લીધી હતી અને સત્યને સ્વીકારી લીધું કે, એક ને એક દિવસ તો દીકરીઓ ચાલી જ જવાની છે. સમયને વહેતા ક્યાં વાર લાગે છે?
*****
આ બાજુ નિશ્ચય પણ પોતાના કોમ્પ્યુટર એન્જીનીયરનું ભણવામાં વ્યસ્ત થઈ ગયો. એ ખૂબ જ મહેનત કરતો. એવામાં એના જીવનમાં એક છોકરી આવી મીનલ. એ અને મીનલ બંને હંમેશા સાથે જ વાંચતાં અને બંને સાથે જ કોઈ પણ પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરતાં. એ બંનેને હવે એકબીજાનો સાથ ગમવા લાગ્યો હતો. બંનેને એકબીજા જોડે પ્રેમ થઈ ગયો હતો. બંને લગ્ન કરવા માંગતા હતા. પણ મીનલ દરબાર જ્ઞાતિની હતી અને નિશ્ચયની દરજી જ્ઞાતિ થોડી નીચી હતી. મીનલે પોતાના ઘરમાં બધાને સમજાવવાના બહુ જ પ્રયત્નો કર્યા પણ કોઈ ટશ ના મસ ના થયા અને મીનલનનું ભણવાનું પણ છોડાવી દીધું અને જબરદસ્તી પોતાની જ્ઞાતિના બીજા છોકરા સાથે પરણાવી દીધી. મીનલના લગ્ન થઈ જતાં નિશ્ચય ખૂબ જ દુઃખી થઈ ગયો. પણ પછી એણે પોતાનું મન ભણવામાં પરોવ્યું અને એણે ફાઈનલ પરીક્ષા આપી. એમાં પણ એ ખૂબ જ સારા માર્કસથી પાસ થઈ ગયો. હવે એ નોકરીની તલાશમાં લાગ્યો. એ સારી નોકરી મેળવવાની આશા સાથે એ અલગ અલગ જગ્યાએ ઈન્ટરવ્યુ આપવા માંડ્યો.
*****
આ બાજુ મેહુલ પણ નોકરીની તલાશમાં હતો. એ પણ નોકરી માટે દર દર ભટકી રહ્યો હતો. પણ હજુ એને નોકરી મળી ન હતી. એવી જ રીતે એ એક દિવસ થાકીને એક બાંકડા પર બેઠો હતો ત્યાં જ એની નજર એક બોર્ડ પર પડી, જેમાં એક કોચિંગ ક્લાસની જાહેરાત હતી અને એ કોચિંગ કલાસ ચલાવનારનું નામ એણે વાંચ્યું. એ નામ વાંચીને એ ખુશ થઈ ગયો. કારણ કે, જે નામ એણે વાંચ્યું હતું એ એનો એક સમયનો ખાસ મિત્ર ઈકબાલ હતો. એણે મનોમન કંઈક વિચાર્યું અને પછી એણે ઈકબાલને મળવા જવાનું વિચાર્યું. એ પોતાના મિત્ર ઈકબાલને મળવા માટે એક આશા સાથે ચાલી નીકળ્યો.
*****
કેવી રહેશે અનામિકાની હોસ્ટેલ લાઈફ? શું નિશ્ચયને કોઈ સારી કંપનીમાં નોકરી મળશે? શું મેહુલનું પોતાના મિત્ર ઈકબાલને મળવું સફળ થશે? શું સંબંધ રચાશે અનામિકા, મેહુલ અને નિશ્ચય વચ્ચે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.