ભાગ બીજો (૨)
'બેટા પવિત્રા ચાલ તો તારી ચા, નહીં મારી ચા, નહીં આજ તો આપણી ચા રાહ જોવે છે તારી' દાદી બોલ્યા. પરંતુ પવિત્રા તો સુનમુન બેઠી રહી ચાની એ તડપ પણ પ્રેમની સાથે જતી રહી હોય એમ મનોમન નક્કી કરી લીધું કે આજ પછી ક્યારેય ચા નહીં પીવે. દાદી પવિત્રાને જોઈ સમજી ગયા કંઈક તો થયું છે જે મનમાં ઘાવ થયાં વગર પવિત્રા ચા ન છોડે એવું તો શું થયું હશે કે પવિત્રા ચા મૂકી શકે?
પવિત્રાએ પ્રેમનો ફોટો પણ જોયો ન હતો. મોબાઈલ નંબર પણ પાસે ન હતા, ફક્ત મેસેજથી વાતો કરી મળવાનો નિર્ણય લઈ લીધો હતો. અને પરિણામ શૂન્ય.
એક મહિનો, બે મહિના દિવસો જતાં જતાં વર્ષ વિતી ગયું. મહામહેનતે આંસુનાં બાંધને રોકી કોલેજ પૂરી કરી. દાદીને એમ હતું કે સમય સાથે બધાં ઘાવ ભરાઈ જાય છે. પરંતુ પવિત્રા વધારે વધારે દુઃખી રહેવા લાગી. દાદીએ એક દિવસ આરતીને બોલાવી કહ્યું કે પવિત્રાને શું થયું છે ખબર છે તને? એને ચાની સાથે ઈન્સ્ટાગ્રામનો ચસકો પણ કયારનો છુટી ગયો હતો.
આરતીએ થોડીવાર આનાકાની કરી પછી શરૂઆત થી અંત સુધીની કથની કહી સંભળાવી. દાદીએ તો કરીટભાઈને કહી દીધું કે શકય હોય એટલાં જલ્દી પવિત્રાનાં ચોઘડિયાં લગ્ન લેવડાવો, તારા ધ્યાનમાં કોઈ છોકરો છે કે હું મારી બેનના જેઠના છોકરાં સાથે માગું નાખું? જે વિદેશમાં રહે છે અને ધંધે ઠાઠમાઠ સારાં છે.
ભારતીય વિદેશમાં વસતા હોય તે બધાં ખૂબ સુખીયા હોય એવી તો આપણી માન્યતા છે. બાકી એક ભારતીય વિદેશમાં કેટલાં દુઃખી હોય એતો એમને પુછશો તો જાણ થશે. કેમ કે મહેનત કરવાથી પૈસા તો બધા કમાઈ શકે પણ લાગણીઓ મરી પરવારી જતી હોય છે. લાગણીશીલ વ્યક્તિઓ વિદેશ નથી રહી શકતા. લાગણી માટે તડપતા હોય છે પણ તે પૈસા ખર્ચીને પ્રાપ્ત થતી નથી.
પવિત્રાએ તો દાદીની વાત પર આવાજ તો શું ધ્યાન પણ ન આપ્યું કે તે શું કહી રહ્યા છે. પવિત્રતાને તો તેનાં મમ્મીના ગયા પછી દાદીમા જ દુનિયા હતી. દાદીને પણ પવિત્રા દુનિયા જ હતી. આજ દિન સુધી પવિત્રાએ દાદીથી કંઈ છુપાવ્યું નથી. આ પ્રેમ જ લાઈફની ફર્સ્ટ અને લાસ્ટ વાત ન કહી શકી.
કિરીટભાઈ કામમાં વ્યસ્ત હોવાથી દાદીને કહી દીધું કે તમને યોગ્ય લાગે તે કરો. એટલે દાદીએ તો એમની બેનને વાત કરી દીધી. પવિત્રાએ પણ મનોમન નક્કી કરી લીધું કે જ્યાં દાદી અને પપ્પા કહે ત્યાં ચુપચાપ પ્રરણી જવાનું છે. છોકરો વિદેશ હોવાથી ભારત આવવું શક્ય ન હતું.
દાદી અને તેમના બહેન બંનેએ મળીને વિડિયો કોલ કોન્ફરન્સમાં મળવાનું નક્કી કરાયું. પવિત્રાએ દાદીમાની વાત ન ટાળી અને મળવા સહમતી આપી. પવિત્રાએ એક શર્ત મૂકી કે હું મળું પણ એ રૂમમાં ફક્ત હું અને આરતી બે જ હોય. દાદીએ પણ પવિત્રાની વાત માની લીધી.
સંસારરૂપી સાગરમાં ડૂબી જવું કે પેલે પાર જવું એ તો આપડા હાથમાં હોય છે.
પવિત્રાએ તો હાં પાડી દીધી. દાદી તો ખુશીના માર્યા મીઠાઈ શોધવા લાગ્યા અને કિરીટભાઈને કોલ કરી જણાવ્યું કે પવિત્રાએ હાં પડી દિધી છે. મુહુર્ત કઢાવો ને ગામોગામ લગ્નના તેડાં મોકલાવો, મારી વ્હાલસોય એકની એક દિકરીના ચોઘડિયાં લગ્ન કરાવો.
દાદીમાએ તો એમનાં બહેનને પણ સમાચાર મોકલી આપ્યા. કિરીટભાઈ અને દાદીએ મળી લગ્ન વ્યવસ્થાની તાત્કાલિક ગોઠવણી કરાવી. બંને સાથે બેસીને છોકરાં સાથે પણ વાતચીત કરી. છોકરાનાં દેખાવ પરથી તો છોકરો સંસ્કારી અને સમજદાર લાગતો હતો. પણ ખાનદાની ખુમારી ખબર હોવાથી બહુ તપાસ કરવી જરૂરી ન લાગી.
થોડીવારમાં ઘરમાં અચાનક અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું. થોડીવાર પહેલાં તો દાદીમાં વાતો કરી રહ્યા હતા ને અચાનક જ કિરીટભાઈની બૂમ નીકળી ગઈ મા.........
દાદીના ઘબકારા બંધ પડી ગયા હતા. શ્વાસોશ્વાસની પ્રક્રિયા મંદ નહીં પણ બંધ થઈ ગઈ હતી.
ક્રમશ:.........