બાળ બોધકથાઓ - 7 - વિરન Yuvrajsinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળ બોધકથાઓ - 7 - વિરન

વિરન

બહુ સમય પહેલાની વાત છે . દિવારજની નામનું એક રાજ્ય હતુ . આ રાજ્યના રાજા હતા સોમસુર્યદત્ત . બહું સુખી સંપન્ન રાજ્ય અને અતિશય ગુણિયલ નૃપતી પણ આજે વાત કરવાની છે એ રાજ્યના એક યુવાન વિરનની .
વિરન માંડ અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ વરસનો હશે પણ અદમ્ય સાહસ અને વીરતાથી ભરેલો જુવાન . સૈન્યમાં બહું થોડા સમયમાં મોટું માન મેળવી લીધું . ધીરે ધીરે વિરન રાજા સોમસુર્યદત્ત નો ખાસ બની ગયો .

આમ દિવસો નીકળતા હતા અને વિરન પર રાજાજીનો રાજીપો વધતો હતો . એવામાં એક સમી સાંજે રાજાજી એમના રાણી સાથે મહેલના ઝરુખે બેઠા હતા . વાતો કરતાં કરતાં રાણીજી એ વિરનની વાત ઉખેડી અને રાજાજીને કહ્યું કે રાજ્યમા આટલા વીર સૈનિકો છે આટ આટલા અનુભવી સૈનિકો છે . છતાં તમે આ છોકેડા વિરનથી આટલા પ્રભાવિત કેમ છો ? રાજાજીએ રાણીને સમજાવ્યા કે વિરનની યુવાનીના સમંદરમાં વીરતાના મોજા હિલોળા લે છે . વિરન તો વિરન છે પણ એમ સમજી જાય તો તો રાણી શેના ? રાજાજીએ કહ્યું કે સમય આવે હું તમને આનો સચોટ જવાબ આપીશ .

આ વાતને થોડો સમય ગયો હશે કે સોમસુર્યદત્તે રાજ્યના શ્રેષ્ઠ સૈનિકોની ટુકડીને રાજ દરબારમાં બોલાવી ને કહ્યું મારે તમારી વીરતાની પરિક્ષા લેવી છે . તમારે મને એક સો આંઠ મોતીઓની માળા બનાવી આપવાની છે . રાણીજી સહિત બધા વીચારવા માંડ્યા આમાં શું મોટી વાત છે ? પછી રાજાજીએ ફોડ પાડ્યો કે આ મોતી તમારે સિંહના પિંજરામાં જઈને પોરવવાના છે . બધાના મોઢા સિવાય ગયા બધા જ સમજી ગયા કે રાજાજીને કંઈ નવી કમત સૂઝી છે પણ રાજાજીનો આશય જાણ્યા સિવાય હા કેમ પાડી શકાય . રાજાજીની આવી વાત સાંભળી રાણી પણ અવાક થઈ ગયા . પછી રાજાજી સૈનિકોને મહેણું મારતા હોય એમ મુંછમાં હસ્યા . આ હાસ્ય વિરનના હ્રદયમાં શૂળની જેમ ખુંચી ગયું એના એક એક રૂંવાડા બેઠા થઈ ગયા જાણે શરીરનું અંગ અંગ મરવા માટે તૈયાર હોય એમ ફફડી ઉઠ્યું અને એ મોટેથી બરાડ્યો " હું કરીશ આ કામ" બધા વિરનને જોતાં રહ્યા . રાજાજીએ કહ્યું તો ભલે...કાલે વહેલી સવારે તારે સિંહના પિંજરામાં જવાનું છે . આજની રાત બહું ભારી હતી . કોઈને નિંદર ન્હોતી આવતી . રાણીજી પણ એ દ્વિધામાં હતા કે મારો નાનકડો વાદ ઓલા યુવાનનો જીવ લેશે પણ આ તો રાજા.... કહ્યું એટલે વાત પુરી .

વહેલી સવારે બધા એકત્ર થઈ ગયા . મોટું પિંજરુ ગોઠવાઈ ગયું . ને વિરન પણ તૈયાર થઈ ગયો . કમરે કટાર રાખી નક્કી કરી લીધું કે કાં આજે સિંહ નહીં કાં આજે હું નહીં પણ આવડા મોટા પિંજરામાં સિંહ ક્યાંય દેખાતો ન્હોતો બસ એક ગુફા માંથી એની ભયાનક ડણક સંભળાતી હતી એ ડણક લોકોના હ્રદય આરપાર થઈ જતી હતી . પિંજરાની બહાર પણ લોકોના પગ ધ્રુજતા હતા . એવામાં એક પોટલીમાં દોરો અને એક સો આંઠ મોતી લઈ વિરન અંદર ગયો . સિંહની ગર્જનાઓ સંભળાતી હતી પણ સિંહ બહાર આવતો ન્હોતો . વિરને તો અંદર જઈ મોતી પરોવવાની શરૂઆત કરી . બધા એમ સમજતા હતા હમણાં સિંહ આવશે ને આ છોકરાને ફાડી ખાશે આ રાજ્યનું એક રતન ખોવાશે . વિરન પણ સિંહ માટે તૈયાર હતો અને મોતીઓ પરોવતો હતો . વિરને તો થોડી વારમાં મોતી પરોવી લીધા અને પિંજરાની બહાર આવી ગ્યો . બધાએ વિરનને તાળીઓથી વધાવી લીધો . રાણીજી એ હાશકારો લીધો . પણ બધા એ વિચારતા રહી ગયા સિંહ આવ્યો કેમ નહીં ? વિરન પોતે પણ એજ વિચારમાં હતો . રાજાજીએ એક એક મોતી બદલે એક એક સોનામહોર વિરનને પુરસ્કાર આપી .પછી ફોડ પાડ્યો કે સિંહ પિંજરાની ગુફામાં એક નાના પિંજરામાં બંધ છે . આ વાત સાંભળતા જ બધાનો ઉત્સાહ ઓસરી ગયો ને રાણીજી પણ ચોંકી ઉઠ્યા .

કોઈ એક મંત્રીએ રાજાજીને કહ્યું તો પછી આમા શું વીરતા ? વિરનને ઈનામ શું કામ ? રાજાજીએ કહ્યું કે એ વાત મને ખબર છે એ પિંજરામાં સિંહ બંધાયેલ છે . પણ વિરનને તો આ વાતની જાણ ન્હોતી છતાંએ પિંજરામાં જવા તૈયાર થયો એ આખી રાત મોતના ડર સામે લડીને સવારે અહીં આવ્યો બીજું કોઈ હોત તો રાત્રે જ નગર છોડી જતું રહ્યું હોત . પછી પણ એ સિંહની કારમી ગર્જનાઓ વચ્ચે એ પિંજરામાં ગયો . એણે એના આ સાહસનુ ઈનામ મળ્યું છે . છેલ્લે સોમસુર્યદત્ત રાણીજી સામે જોઈ મરક મરક હસ્યા અને રાણીજીને એમનો જવાબ મળી ગયો .