બાળ બોધકથાઓ - 2 - સાયકલ Yuvrajsinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બાળ બોધકથાઓ - 2 - સાયકલ

સાયકલ


ઉલ્લાસ પુર ગામમાં રહેતા એક નાનકડા પરિવારની આ વાત છે . પંખીના માળા જેવડા આ પરિવારમાં ત્રણ જ સદસ્ય . મોહનભાઈ અને યશોદાબેન નામનું પ્રેમાળ સંસ્કારી દંપતિ અને તેમને જીવથીયે વધુ વ્હાલો તેમનો એકનો એક દિકરો સંજય . મોહનભાઇ પાસે એક નાનકડું ખેતર હતું અને થોડી ગાયો-ભેંસો . થોડા માણસો રાખી મોહનભાઈ ખેતરનું અને ગાયો-ભેંસો નું ધ્યાન રાખે અને એ અનાજ અને દુધના કારોબારથી એમનું ગુજરાન સારી રીતે ચાલતું .

યશોદાબેન અને મોહનભાઈને ચિંતા રહેતી તો બસ સંજુની હા સંજયને બધા સંજુ જ કહેતા . સંજુ હજુ તો સાતમા ધોરણમાં જ હતો પણ એ ઘણો જીદ્દી હતો . શાળામાં કોઈપણ પાસે કંઈક નવું જોવે એટલે એને તે લેવું જ હોય . યશોદાબેન અને મોહનભાઈ એને હંમેશા જરૂરિયાતથી વધુ વસ્તુઓ અપાવતા પણ એ તેને ક્યારેય પૂરી પડતી નહીં એની જીદ્દ કાયમ ઉભી જ રહેતી . અન્ય બાળકો સાથેની સરખામણીના કારણે એ કાયમ દુખી રહે અને પોતાના મમ્મી પપ્પાની મહેનતની કિંમત ન કરી શકે .

આજે ફરી એવું થયું , સંજુ સ્કૂલમાં કોઈની નવી સાયકલ જોઈ આવ્યો ને એને એવી જીદ્દ પકડી કે એવીજ સાયકલ જોઈએ . યશોદાબેને એને ખૂબ સમજાવ્યો કે બેટા તારી સાયકલને હજુ માંડ છ એક વર્ષ થયું છે એ નવી જ છે . પણ સંજુ એક નો બે ના થયો અને બપોરે રીસાઈને જમ્યા વગર જ સુઈ ગયો .

મોહનભાઈએ યશોદાબેનને કહ્યું કે એને સાયકલ અપાવી દઈએ કેટલું રડતો હતો . યશોદાબેન જાણતા હતા કે આમ તેની દરેક જીદ્દ પૂરી કરવી યોગ્ય નથી હવે સંજુને સમજાવવા કંઈક તો કરવું જ પડશે અને યશોદાબેને એક યુક્તિ વિચારી .

યશોદાબેને સંજુને કહ્યું બેટા આપણે કાલે એક જગ્યાએ ફરવા જવાનું છે પછી તને નવી સાયકલ પણ લઈ આપીશું . સંજુ તો બે-બે ખૂશખબર સાંભળી મોજમાં આવી ગયો . યશોદાબેને કહ્યું નહીં કે ફરવા ક્યાં જવાનું છે .

બીજા દિવસે સંજુ અને યશોદાબેનની સવારી ઉપડી ફરવા . યશોદાબેન એને બાજુના ગામડે લઈ ગયા . સંજુને તો એમ કે મમ્મી કોઈ બગીચામાં અથવા મંદિરે લઈ જશે પણ સંજુના આશ્ચર્ય વચ્ચે મમ્મી તેને કોઈના ઘરે લઈ આવ્યા . એ ખખડધજ ઘર હતું એમને ત્યાં ખેતરમાં કામ કરતા ખેતમજૂર ભૂરા નું . ભૂરો તો બીચારો શેઠાણી આવ્યા શેઠાણી આવ્યા કરતો હતો જાણે કોઈ મંત્રી ન આવ્યું હોય . એની વહુ લખમી ને કીધું જલ્દી ચા બનાવી લાવ . બીચારો ભૂરો અને લખમી બેઉ તો શેઠાણીને જોઈ ઘાંઘાવાંઘા થઈ ગયા .

સંજુ તો એકી નજરે આ ઘર જોઈ રહ્યો . આજુબાજુ બધે થીગડા . જાણે આ ઘરે કદી દિવાળી જોઈ જ ન હોય એટલો જૂનો રંગ . પાયા નીચે પત્થર રાખી જેમતેમ ઉભો રાખેલો પલંગ અને એક સાજી ખૂરશી કે જેના પર યશોદાબેન બેઠા હતા અને એક થોડી તુટેલી ખૂરશી જેના પર સંજુ બેઠો હતો . ફ્રિજ કે ટીવી જેવું કંઈ જ નહીં .

ભૂરાને એક છોકરો . મહેશ એનું નામ . યશોદાબેને જાણી જોઈ સંજુને કહ્યું કે જા બેટા મહેશ સાથે રમ . એના ચોપડા જો એના રમકડાં જો . સંજુ ને મહેશ રમવા લાગ્યા . મહેશ સંજુ ને એના રમકડાં બતાવતો અને રમકડાંમાં સોડા બોટલના બીલ્લા , માચીસની છાપ , લખોટીઓ પ્લાસ્ટિકના ડબ્બા એવું બધુંજ . સંજુ મહેશના ચોપડા જોતો જ રહ્યો એક ચોપડી નવી નહીં બધી જ વપરાઈ ગયેલી ચોપડીઓ . સંજુએ પુસ્તકો પર નામ જોયું રાહુલ અને કુતૂહલવષ મહેશને પૂછ્યું આમાં રાહુલ કેમ લખ્યું છે..? મહેશે જવાબ આપ્યો કે હા એ અમારા ગામના એક શેઠના દિકરાના ચોપડા છે એટલે . એ મારાથી એક વર્ષ મોટો છે એટલે હું એના ચોપડા વાપરું છું . આજે પહેલીવાર સંજુ ને સમજાયું કે એના મમ્મી પપ્પા એને કેટલું આપે છે એનો કેટલો ખ્યાલ રાખે છે . કેટલું સારું સારું જમવાનું , નવા પુસ્તકો , નવા કંપાસ બોક્સ , કપડા બધુંજ અને બીજા બાળકો કેવી પરિસ્થિતિમાં પણ હસતા હસતા જીવી રહ્યા છે જેમના પાસે જીવન જરુરિયાતની વસ્તુઓ પણ પૂરતી નથી . એના ગળે ડૂમો બાજ્યો અને તેની નજર એક જૂની અને સાવ કટાય ગયેલી સાયકલ પર પડી . સંજુએ મહેશને પુછ્યું કે આ સાયકલ તારી છે ? આવડી મોટી ? મહેશે જવાબ આપ્યો ના ના આતો પપ્પાની છે મારી પાસે સાયકલ નથી . હવે સંજુની આંખ ભીની થઈ ગઈ .

યશોદાબેને કહ્યું ભુરા ભાઈ હવે રજા લઈએ . સંજુને મહેશ પણ છુટા પડ્યા મહેશ ક્યાંય સુધી સંજુને આવજો કહી હાથ હલાવતો હતો . રસ્તામાં સંજુએ સામેથી યશોદાબેનને કહ્યું કે મારે નવી સાયકલ નથી જોઈતી . હું જીદ્દ નહીં કરું પણ હવે આપણે જ્યારે સાયકલ લેશું ત્યારે જુની સાયકલ મહેશને આપશું હો . યશોદાબેને હસતા હસતા હા પાડી . સંજુ જેવો ઘરે પહોંચ્યો કે એને આંગણે નવી સાયકલ જોઈ . પપ્પા એના માટે સાયકલ લઈ આવ્યા હતા . સંજુ પપ્પાને બાથ ભરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો . સંજુને પોતાની નવી સાયકલ આવવા કરતાં એ વાતનો વધુ આનંદ હતો કે હવે મહેશને પણ સાયકલ મળશે...

રેટ કરો અને રિવ્યુ આપો

Zelam Jasani

Zelam Jasani 10 માસ પહેલા

Raj

Raj 11 માસ પહેલા

Rakhee Mehta

Rakhee Mehta 11 માસ પહેલા

Parv

Parv 12 માસ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 12 માસ પહેલા