લવ – એક કાવતરું - 3 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ – એક કાવતરું - 3

પ્રકરણ-૩

બેલા ઘરે આવી ત્યારે ગભરાયેલી અને ગમગીન હતી. બહારના તાપ કરતાં મનની ગભરામણને કારણે તેના ચહેરા પર પ્રસ્વેદના બુંદ વધારે હતા. તે પોતાની સ્થિતિ છુપાવવા આવીને તરત જ નહાવા ચાલી ગઇ. સાદા પાણીથી નહાયા પછી તેને શરીરમાં તાજગીનો અહેસાસ થયો પણ મન તો તપ્ત જ હતું. એક પછી એક બાબતો મેહુલને મુસ્લિમ સાબિત કરી રહી હતી. ત્યારે દેશ સાથે ઘરમાં ચાલતી લવ-જેહાદની ચર્ચાએ તેના ડરમાં વધારો કર્યો હતો. તેની મેહુલ માટેની શંકા વધતી જતી હતી અને એ પાયા વગરની ન હોવાની સાબિતીઓ મળી રહી હતી. મેહુલની કહેણી અને કરણીમાં તેને ચોખ્ખો ફરક દેખાઇ રહ્યો હતો. એ બહુ સરળતાથી પોતાને હિન્દુ સાબિત કરી રહ્યો હતો. તેનો બોલવાનો લહેજો અને હરકતો એને મુસ્લિમ સાબિત કરી રહી હતી. બેલાને થયું કે હવે આ મુકામ પર જ અટકી જવું જોઇએ. સારું છે કે તે આગળ વધી નથી. પિતાએ તેને બરાબર ચેતવી હતી. તે ગૂમસૂમ બેઠી વિચારી રહી હતી ત્યારે વિમળાબેને એને બૂમ પાડી. તે 'આવું છું' કહીને બહાર નીકળવા જતી હતી ત્યારે ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલમાં રીંગ વાગી. દૂરથી જ તેની નજર મોબાઇલના સ્ક્રીન પર પડી અને 'મેહુલ' નું નામ વંચાયું. તેણે ફોન ઉપાડવાને બદલે તેની રીંગનો અવાજ બંધ કરવાનું બટન દબાવી દીધું. આખી રીંગ પૂરી થઇ. બીજી જ ક્ષણે ફરીથી મોબાઇલ રણક્યો. તેણે કંઇક વિચારીને પોતાના રૂમનો દરવાજો આડો કરી ફોન ઉપાડી મેહુલની કોઇ વાત સાંભળ્યા વગર ધીમા અવાજે કહી દીધું:'મેહુલ, હું તારી કોઇ વાત સાંભળવા માગતી નથી. હવે પછી તું ક્યારેય મને ફોન કરીશ નહીં અને મને મળવા આવીશ નહીં. આપણી દોસ્તી અહીં જ પૂરી થાય છે....' અને ગુસ્સામાં ફોન કાપીને સાયલન્ટ કરી દીધો. મેહુલનો ફોન ફરી આવ્યો. તે ફોન પોતાના રૂમમાં જ વાઇબ્રેટર પર ધ્રૂજતો મૂકીને રસોડામાં જતી રહી.

રસોડામાં શાક સમારતી બેલાનું મન અને ધ્યાન પોતાના રૂમમાં પડેલા મોબાઇલમાં જ હતું. ત્યાં માએ વળી 'લવ જેહાદ' ની ચર્ચા ઉપાડી. તે બોલ્યા:'આજે પેપરમાં હતું કે લવ-જેહાદમાં વધુ એક યુવતી ફસાઇ ગઇ.'

સરલાબેનની ચાંચ હજુ લવ-જેહાદમાં ડૂબતી ન હતી. તેમણે પૂછ્યું:'એ કિસ્સો શું છે?'

'બેલાડી, તું પણ સાંભળ...' કહી વિમળાબેન લાડથી બેલા તરફ જોતાં બોલ્યા:'એક મુસ્લિમ યુવાને હિન્દુ યુવતીનું ધર્માંતર કરાવીને નિકાહ પઢી લીધા હતા. એટલું જ નહીં એને આતંકવાદી સંગઠનમાં ફિદાયન બનાવવામાં આવી રહી હતી. આ તો એના મા-બાપને ખબર પડી અને એમણે કોર્ટમાં દાદ માગી ત્યારે ખબર પડી. એણે છોકરીને કેવી ભરમાવી હશે? ઘણા છોકરાઓ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ બનાવે છે. હવે તો લવ- જેહાદ સામે કાયદો બની ગયો છે. પણ મુસ્લિમ યુવાનો યેનકેન પ્રકારે હિન્દુ યુવતીઓને ફસાવવાનું બંધ કરી રહ્યા નથી. હવે હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા બાદ એને મુસ્લિમ બનવા મજબૂર કરે છે. બહુ જૂજ લોકો એવા હોય છે. પણ એમના કારણે આખા સમાજને ભોગવવું પડે છે. ભલે આપણે દરેક હિન્દુ- મુસ્લિમ યુવક અને યુવતીઓના સંબંધને લવ-જેહાદ ના ગણીએ પણ એ બંને સત્યથી વાકેફ હોવા જોઇએ. એમનો પ્રેમ ખોટા આશયનો ના હોવો જોઇએ...'

વિમળાબેનની વાતો બેલાની ચિંતા વધારી રહી હતી ત્યારે એને ખબર ન હતી કે સતત ફોન કરતા મેહુલ વિશે કમલેશ જાણી જશે.

બેલા રસોડામાં વિમળાબેનને મદદ કરી રહી હતી ત્યારે તેના રૂમ પાસેથી પસાર થતા કમલેશને વાઇબ્રેટ થતા મોબાઇલનો અવાજ આવ્યો. તેણે એ વાત પર ધ્યાન આપ્યું નહીં. તે બીજી રૂમમાંથી પાછો ફર્યો ત્યારે પણ મોબાઇલ ધ્રૂજી રહ્યો હતો એટલે કુતૂહલવશ એણે મોબાઇલના સ્ક્રીન પર નજર નાખી અને ટ્રુકોલર પર 'જાવેદ' નામ જોયું. તે ચમકી ગયો. રીંગ પૂરી થયા પછી તેણે બેલાનો મોબાઇલ હાથમાં લીધો સ્ક્રીન લોક ખોલીને જોયું ત્યારે ચમકી ગયો. 'મેહુલ' ના નામના નંબરથી સેવ થયેલા ફોનથી ચાર વખત અને એક અજાણ્યા નંબર પરથી આઠ વખત ફોન આવ્યા હતા. અને એ અજાણ્યા નંબર વખતે ટ્રુ કોલરમાં 'જાવેદ' નામ આવતું હતું.

કમલેશે જયેશને બોલાવીને વાત કરી. બંનેએ બેલાને બૂમ પાડીને બોલાવી. ઘરમાં હલચલ મચી ગઇ. બધાં દોડી આવ્યા. કમલેશે મોબાઇલમાં આવેલા ફોન વિશે પૂછ્યું ત્યારે બેલા રડી પડી અને મેહુલ સાથેના પ્રેમ ઉપરાંત તે મુસ્લિમ હોવાની શંકા પણ જણાવી દીધી. જયેશ અને કમલેશને થયું કે બેલા ઘરમાં સતત થતી લવ જેહાદની વાતોથી ચેતી ગઇ છે. હવે એ 'મેહુલ' ને સબક શીખવવાનો સમય આવી ગયો છે. ત્યારે ઘરમાં આવી પહોંચેલા રમેશભાઇ બધાંને સ્તબ્ધ જોઇ ચિંતિંત થયા. કમલેશે એમને બેલાની વાતથી અવગત કર્યા ત્યારે એક ક્ષણ માટે તો એમને ગુસ્સાનો ઉભરો આવી જ ગયો હતો પણ બેલાની સતર્કતા વિશે જાણ્યા પછી એમણે સંયમથી કામ લેવાનું નક્કી કર્યું. ઘરની મહિલાઓ મેહુલ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરવાનું કહી રહી હતી. રમેશભાઇનો મત હતો કે કોઇ પુરાવા વગર ફરિયાદ થઇ શકે એમ નથી. ત્યાં બેલાનો મોબાઇલ રણક્યો. એ કોલ પર ફરી 'જાવેદ' નું નામ વંચાયું. જયેશ બોલ્યો:'કોઇ કંઇ બોલશો નહીં. અને બેલા, જરૂર પડે તો તું એને કોલેજ પાસે બોલાવજે...'

બેલાએ ફોન ઉપાડ્યો. તે કંઇ જ બોલવા માગતી ન હતી.

સામેથી મેહુલનો અવાજ આવ્યો:'બેલા...બેલા, તું ફોન કેમ ઉપાડતી નથી? મારે બીજા નંબર પરથી ફોન કરવો પડ્યો છે...તું સાંભળે છે ને?'

બેલાએ બધાંની સામે જોઇ અનુમતિ લઇ કહ્યું:'હા...'

'સાંભળ, હું તને ખાસ એક કામથી મળવા માંગું છું. કાલે સાંજે ચાર વાગે કોલેજ પાસે મને મળીશ? હું તને એક સરપ્રાઇઝ આપવા માગું છું...હા, ઘરે પાછા ફરવામાં મોડું થશે એમ કહીને આવજે...'

'હા, પણ હવે ફોન ના કરીશ...' કહી બેલાએ ફોન કાપી નાખ્યો.

'શાબાશ!' કહી રમેશભાઇએ બેલાની પીઠ થાબડી.

રાત્રે રમેશભાઇએ જયેશ અને કમલેશ સાથે આવતીકાલની મેહુલ સાથેની બેલાની મુલાકાત માટે આયોજન કરી લીધું.

જયેશ અને કમલેશે એના મિત્રોને હોકીસ્ટીક અને ક્રિકેટ બેટ સાથે હાજર રહેવા કહી દીધું.

બીજી તરફ મેહુલ પોતાના ઘરમાં અરીસા સામે પઠાણી કુર્તા- પાયજામામાં પોતાની જાતને જોઇ ખુશ થઇ રહ્યો હતો. તેણે વિચાર્યું:'આવતીકાલે બેલા મને આ ડ્રેસમાં જોઇ નવાઇ પામશે પણ ફિદા થઇ જશે!'

ક્રમશ: