Jugupsa - 2 books and stories free download online pdf in Gujarati

જુગુપ્સા ..અણચાહી હકીકત - 2

પ્રકરણ 2

મીરાંની વાત સાંભળી વિકાસ વિચારમાં પડી ગયો એને થયું આમાં ચોક્કસ કોઈક ગેરસમજ છે. જયભાઈ મારાં મોટા ભાઈ છે વળી એ ખુબ ધાર્મિક સ્વભાવનાં અને યોગ શાસ્ત્રનાં નિષ્ણાંત છે તેઓ પોતાની ભત્રીજી સાથે આવું વર્તન કરે ? ના ના એમાં શ્રુતિને કંઈક ...જયભાઈ મને કેટલી મદદ કરે છે કેટલાં પૈસા આપે છે એમનાં માટે કુટુંબ એટલેજ હું અને મીરાં અને શ્રુતિ. 

વિકાસનાં મનમાં આ વાત બેસતીજ નહોતી એણે મીરાંને બોલાવી અને કહ્યું “મીરાં ચોક્કસ આમાં કોઈ ગેરસમજ છે જયભાઈ મોટાભાઈ થઈને આવું ગંદું વર્તન કરે ? શા માટે ? એમનામાં આવી ખોટ ના હોય.. એ લગ્ન જ ના કરી લે ? અને શ્રુતિ તો એમની કેટલી લાડકી છે ? યાદ કર શ્રુતિનાં જન્મ સમયે એમણે આખી સોસાયટીમાં મીઠાઈ વહેંચી હતી અને મારી શ્રુતિ શ્રુતિ કહેતાં એમની જીભ સુકાતી નથી એ આટલી મોટી થઇ ત્યાં સુધી કેટલાં લાડ કરે એને ખોળામાં બેસાડી રમાડે....”

“ મીરાં એક પ્રશ્નનો જવાબ આપ આજ સુધી જયભાઈએ તારી સામે કદી એવી નજરે જોયું છે ? બીજા કોઈની કદી ફરિયાદ સાંભળી છે ? બંગલામાં ઉપરનાં માળે બે રૂમ પોતાનાં માટે રાખ્યા છે બાકી આખો બંગલો આપણે વાપરીએ છીએ ક્યારેય એમનામાં આપણાં માટે અભાવ આવ્યો છે ?”

“આપણે શ્રુતિ સાથે બંન્ને જણાં બેસીએ શાંતિથી એને સાંભળીએ એની કોઈ ગેરસમજ થતી હોય તો સમજાવીએ.” મીરાંએ કહ્યું “ વિકાસ તમારી વાત આમતો સાચી લાગે છે જયભાઈએ કદી મારી સામે આટલાં વર્ષમાં ઊંચી નજર નથી કરી અરે અનાયસે પણ કદી મારો સ્પર્શ નથી કર્યો અને ઉપરથી આપણનેજ સાચવ્યાં કરે છે.” 

“શ્રુતિને પણ કેટલાં રમકડાં , કપડાં ,બુટ, મોજડી બધી વસ્તુઓ તરત લાવી આપે છે આ છોકરીને કેમ શું થઇ ગયું છે ?ચાલો એની પાસે જઈએ શાંતિથી બધી વાત કઢાવીએ. તમે કોઈ રીતે એની પાસે ઉગ્ર ના થશો એને પણ શાંતિથી સાંભળીએ. જયભાઈ આવી જાય પહેલાં એની સાથે વાત કરી લઈએ.”

વિકાસે કહ્યું “ એમની આવવાની હવે તૈયારીજ છે ચાલ આપણે પહેલાં વાત કરી લઈએ.” મીરાં અને વિકાસ બંન્ને એમની લાડકી દીકરી શ્રુતિનાં રૂમમાં આવ્યાં અને જોયું તો શ્રુતિ રડીને ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. મીરાંએ હળવેથી ફરીથી શ્રુતિને ઉઠાડી ..

મીરાંએ કહ્યું “ શ્રુતિ બેટા જો તારાં પાપા આવી ગયાં છે ઉઠ એમની સાથે વાત કર”. શ્રુતિ ઉઠીને તરતજ પાપાને વળગી ગઈ. વિકાસે કહ્યું “ બેટા શ્રુતિ કેમ છે જો આજે ઓફિસથી પાછાં આવતાં તારાં માટે કેડબરી લાવ્યો છું” એમ કહીને શ્રુતિને કેડબરી આપી. શ્રુતિ એકદમ ખુશ થઇ ગઈ એ થોડીવાર માટે બધું ભૂલી ગઈ. શ્રુતિ કેડબરી ખાવા લાગી અને બોલી “ થેન્ક્સ પાપા મને કેડબરી ખુબ ભાવે છે.” 

શ્રુતિએ કેડબરી થોડી હોંશે હોંશે ખાધી પછી અચાનક જ અટકી ગઈ અને એની મમ્મીને પાછી આપી દીધી અને બોલી “બસ મમ્મી હવે મારે નથી ખાવી પ્લીઝ. 

મીરાં અને વિકાસ બંન્ને એકદમ આષ્ચર્યમાં પડી ગયાં. વિકાસે કહ્યું “કેમ દીકરા એકદમ શું થયું ? કેડબરી તો તને ખુબ ભાવે આમ અચાનક કેમ પાછી આપી દીધી ?”

શ્રુતિની આંખોમાં ભય ડોકાયો એણે કહ્યું “બસ હવે નથી ખાવી પછી ખાઈશ. જય અંકલ મારાં માટે કેડબરી બહુ લાવે હવે એમને પણ ના પડી દેજો ના લાવે મને હવે નથી ખાવી ગમતી.”

શ્રુતિ જયઅંકલ નું નામ બોલી અને વિકાસે એ વાત પકડી લીધી અને બોલ્યો “હાં દીકરા જય અંકલ તારાં મોટા કાકા છે એ તારી અને આપણી ખુબ કાળજી લે છે આપણને ખુબ પ્રેમ કરે છે.” આવું કીધું અને શ્રુતિ એની મમ્મી તરફ જોવા લાગી એની આંખોમાં ફરી પાછો એ ડર દેખાવા લાગેલો. 

મીરાંએ વિકાસ તરફ જોયું અને વિકાસે કહ્યું “શ્રુતિ બેટા તારી મમ્મીએ મને બધી વાત કરી પણ સાચું કહું જયકાકા એવાં છે જ નહીં તારી કંઈક ભૂલ થાય છે એતો બધાને ખુબ પ્રેમ કરે છે ધાર્મિક છે વળી બધાને ફ્રી માં યોગા શીખવે છે કેટલાં સારાં છે એમનાં અંગે આપણને એવો વિચાર આવે એય પાપા છે તારાં પાપાનાં...” શ્રુતિ આગળ જાણે સાંભળવા તૈયાર જ નહોતી એણે કહ્યું “સારું પાપા હું સમજી ગઈ. જયકાકા એવાં ના જ હોય પણ હવે હું એમની પાસે યોગા નહીં શીખું નહીં કરું એમાં મને દબાણ ના કરશો પૂર્વી સ્નેહા બધાં કરશે ત્યારે એમની સાથે કરીશ” એમ કહી મીરાં સામે જોઈને બોલી “હું સ્નેહાનાં ઘરે જઉં છું હમણાં આવી જઈશ.”

મીરાંએ કહ્યું “વિકાસ તમે સમજાવો તો ફરક પડે કેવી સમજી ગઈ ? ચોક્કસ કંઈક ગેરસમજ છે આતો નાનું છોકરું છે કોઈ બાબતમાં જયભાઈથી ખોટું લાગ્યું હશે એ ક્યાંય બધું ભૂલી જશે. હાંશ તમે આવીને મારું પણ મન શાંત કરી દીધું બધી વાત ઠેકાણે પડી ગઈ.” વિકાસે હસતાં હસતાં કહ્યું “તારી વાત સાચી છે હજી નાની છે કોઈ બાબતે જયભાઈ સાથે વાંકુ પડ્યું હશે.” મીરાં એ કહ્યું “એવું જ હશે.” મીરાં મન મનાવવા બધું બોલી પણ ઊંડે ઊંડે હજી શ્રુતિનાં શબ્દો પડઘા પાડી રહેલાં જયકાકા ગંદા છે હું નહીં બોલું એમની સાથે. મીરાંએ મનોમન નક્કી કરી લીધું કે હવે એ જયભાઈ ઉપર પણ નજર ચોક્કસ રાખશે ભલે એ એવું કંઈ કરીજ ના શકે... પણ જયભાઈ ઉપર કોઈ રીતે આવી શંકા કરવાનું પણ ગમી નથી રહ્યું.

******

રાત્રીનાં ૯ વાગ્યાં અને જયભાઈ બહારથી આવ્યાં. આવ્યાં એવાં સીધાં ઉપર એમનાં રૂમમાં ગયાં... વિકાસ અને મીરાંએ જોયું તેઓ આવ્યા છે ઉપર રૂમમાં ગયાં છે. મીરાં એમનાં માટે જમવાનું પીરસવાનું તૈયારી કરવા લાગી ત્યાં જયભાઈ કપડાં બદલી ફ્રેશ થઇને આવી ગયાં. 

આવીને વિકાસને કહ્યું “આજે થોડો થાક લાગ્યો છે વિકાસ સ્કૂટર પર ફરી ફરીને થાકી જવાય છે અને થોડાં પૈસા જમા પણ થયાં છે વિચારું છું કાર લઇ લઉ. તારું શું કહેવું છે ? ક્યારેક ઇમરજન્સી માં પણ કામ લાગે અને મારુ છે કોણ ? તમેજ લોકોને આજે મારાં મિત્ર રસિક જોડે જોઈને તપાસ કરી આવ્યો છું શરૂઆતમાં ૩-૪ લાખ ભરી દઈશ એટલાં મારી પાસે સ્પેર પડ્યાં છે બાકીનાં હપ્તા થઇ જશે જે આસાનીથી ચૂકવાઈ જશે.” 

વિકાસ સાંભળીને ખુશ થઇ ગયો એણે કહ્યું “વાહ જયભાઈ સાચી વાત છે” મીરાં અંદર રસોડામાંથી સાંભળી બહાર દોડી આવી એણે કહ્યું “વાહ મોટાભાઈ આતો ઘણાં આનંદની વાત છે.” 

જયભાઈએ કહ્યું “પણ મારી ગુડીયા ક્યાં છે ? એ દેખાતી નથી.... સૌથી પહેલાં એને ફરવા લઇ જવાની છે.” શ્રુતિનો ઉલ્લેખ થતાંજ મીરાં અને વિકાસનું મોં પડી ગયું જયભાઈએ એની નોંધ લીધી અને પૂછ્યું “ કેમ શું થયું ?”

મીરાંએ વાતને ફેરવી તોળતાં કહ્યું “અરે એ સ્નેહાનાં ઘરે ગઈ છે હમણાં આવશે. આતો આજે એની તબીયત ઠીક નથીને એટલે ...”જયભાઈએ કહ્યું “ઓહ તો ઠીક પણ એને શું થયું છે ? હવે તો એ મોટી થવા લાગી છે યોગા પણ ખુબ સરસ કરે છે.” 

ત્યાં મીરાંએ કહ્યું “મોટાભાઈ જમીલો ઠંડુ થઇ જશે.” જયભાઈ ઉભા થયાં અને ડાઈનીંગ ટેબલ પર બેસી જમી લીધું અને પછી કહ્યું “શ્રુતિ હજી આવી નથી હું થાક્યો છું સુવા જઉં” એમ કહી ઉપર એમનાં રૂમમાં જતાં રહ્યાં. 

મીરાં થોડીવાર પછી સ્નેહાનાં ઘરેથી શ્રુતિને લઇ આવ્યા અને કહ્યું “ચલ ખુબ મોડું થઇ ગયું છે સુઈ જઈએ તને એક ખાસ વાત કહું જયકાકા નવી કાર લેવાનાં છે કહેતાં હતાં તને ફરવા લઇ જશે.” 

શ્રુતિએ જવાબ ના આપ્યો ના ખુશી દર્શાવી અને એનાં રૂમમાં જતી રહી.... મીરાં પાછળ પાછળ ગઈ બોલી “એ તારો આટલો ખ્યાલ રાખે છે એવું કોઈ ના હોય તારાં કાકા છે લાડ કરતાં હશે બીજું કોઈ નહીં તું ખુબ વ્હાલી છે ને એમને એટલે.”

શ્રુતિએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને બોલી “મમ્મી આજે તું મારી સાથે સુઈ જજે પ્લીઝ...” મીરાંએ કહ્યું “ભલે તું સુઈ જાય પછી મારાં રૂમમાં જઈશ બસ ....” શ્રુતિ કાંઈ બોલી નહીં અને બાથરૂમમાં જઈને નાઈટ્ડ્રેસ પહેરીને આવી ગઈ. મીરાંએ કહ્યું “તું સુવાની તૈયારી કર હું પણ કપડાં બદલીને આવું છું.” 

શ્રુતિ એનાં બેડ પર પડી અને ત્યાં મીરાં પણ આવી ગઈ. શ્રુતિ મીરાંને વળગીને સુઈ ગઈ. મીરાંએ એનાં માથે કપાળે હાથ ફેરવ્યો અને એને સુવડાવા લાગી... ક્યાંય સુધી એનાં માથે હાથ ફેરવ્યો. 

મીરાં વિચારવા લાગી આટલી નાની છોકરી સાથે કોઈ ગંદુ વર્તન કરે ? એમાં જયભાઈ ? ના ના એવું ના જ હોય... 

શ્રુતિ એનાં કોમળ મનમાં વિચારી રહી મારુ કોઈ સાચું નથી માનતું નહીં મને હવે હું શું કરું એની આંખમાં આંસુ આવી ગયાં ... પણ એણે જતાવા ના દીધું અને કંઈક નિર્ણય કરીને સુઈ ગઈ. 

મીરાંએ જોયું શ્રુતિ સુઈ ગઈ છે એ એનાં રુમમાં ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો