શ્વાસ અધૂરાં તુજ વિના - 3 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વાસ અધૂરાં તુજ વિના - 3

પ્રકરણ - ૩

આખરે આહના સુધી બંસરીનો સંદેશ પહોંચ્યો. એ ફટાફટ બધું પેકિંગ કરીને ઘરે જવાની ઉતાવળમાં જ છે પણ બંસરીનું નામ સાંભળતાં એનાં પગ થંભી ગયાં. કદાચ એનું મન ઉલઝનમા છે કે શું કરવું? એને મળવું કે નહીં?

આખરે એણે કહ્યું,"હા એમને મોકલો પણ અહીં નહીં પાર્કિંગમાં રહેલી મારી ગાડી પાસે."

આટલું પણ બહું હતું. બંસરી અને આહના બેય ત્યાં સામસામેથી આવ્યાં. બે મિનિટ બંને એકબીજા સામે જોઈ રહ્યાં પણ પછી શું થયું કે બંને એકબીજાને ભાવુક બનીને ભેટી પડ્યાં. બંસરીને થયું કે બહું સમય બગાડવો યોગ્ય નથી એટલે એણે સીધું જ પૂછ્યું, "આહુ, તું તો મોટી સ્ટાર બની ગઈ. આઈ એમ પ્રાઉડ ઑફ યુ કે તે તારું સ્વપ્ન પૂર્ણ કર્યું પણ અનમોલ? એ ક્યાં છે? તમે બંને એકબીજા વગર? હું તો એકબીજાના પડછાયા તરીકે તમને શોધું છું તો આજે તું એકલી?"

આહનાનો ચહેરો મૂરઝાઈ ગયો. એને શું કહેવું ખબર ન પડી પણ એ માત્ર એટલું બોલી, "બસ અનમોલ માટે આહના હવે અનમોલ નથી. અમારાં રસ્તા અલગ બની ગયાં છે અને મંઝીલ પણ."

"એવું કેવી રીતે બની શકે? નાનપણથી સફર શરૂ કરીને લગ્નની વેદી સુધી બંધાયા પછી માત્ર દોઢ વર્ષમાં અલગ થઈ ગયાં? કંઈ સમજ ના પડી. મને તમારાં બંનેનાં સંબંધ પર કદાચ તમારાં કરતાં વધારે વિશ્વાસ છે. આવું શક્ય જ નથી કે તમારો પ્રેમ આમ મૂરઝાઈ શકે." બંસરી બોલી.

"એવું તો મને પણ હતું પણ એ ખોટી આશાઓ હતી, ઠગારી હતી, હવે જે છે એ આ જ સત્ય છે બકા." આહના બોલી.

"તો તું અત્યારે ક્યાં રહે છે? અમદાવાદ કે બીજે?" બંસરી બોલી.

"અહીં અમદાવાદમાં એક ફ્લેટ ભાડે લઈને."આહના બોલી.

"અનમોલ?"

" મને કંઈ ખબર નથી એનાં વિશે." આહના બોલી.

"ઓકે તું એકલી જ રહે છે ને ફ્લેટ પર?" બંસરી બોલી.

"હા."

"મારી એક વાત માનીશ? હોપ સો કે હવે અત્યારે તારે કોઈ પ્રોગ્રામ ફિક્સ નહીં હોય." બંસરી બોલી.

"ના, હા" આહનાના અચકાતા એ વાક્ય એ જ કહી દીધું કે એ ફ્રી છે પણ કદાચ એને ફ્રી પડવું નથી કે એ કહેવા માગતી નથી. એટલે બંસરી આહનાનુ મન કળી ગઇ અને બોલી,"હું સમજી ગઇ. ભલે તું આ લોકો માટે સુપરસ્ટાર બની ગઇ પણ મારાં માટે પહેલાં મારી આહુ જ છે. તું અત્યારે મારી સાથે મારાં ઘરે આવે છે. નો એક્સક્યુઝ, નો બહાનાબાજી. ઓકે? કોઈ દિવસ ફ્રેન્ડ માની હોય તો ના નહીં કહે." બંસરી એકદમ હકથી બોલી.

આખા ગૃપમાં બધાને જોડનારી એક માત્ર બંસરી જ હતી અને એ અનમોલ અને આહનાની સૌથી નજીક હતી. એ પોતે સિંગલ હતી પણ એમના પ્રોબ્લેમને એ બહુ સમજદારીથી સુલઝાવતી એ આહનાને બરાબર યાદ છે. એકલવાયું અનુભવતી આહના બંસરીના પ્રેમભર્યા પ્રસ્તાવને ઠુકરાવી ન શકી અને બેય બંસરીના બંગલા પર પહોંચી ગયાં.

***********

રસ્તામાંથી જ આહનાનુ મનપસંદ ફુડ પેક કરાવીને લઈ લીધું હોવાથી જઈને પહેલાં એમણે બંનેએ જમી લીધું. સ્વાતિબેન પણ આહનાને ઘણાં સમય પછી જોઈને ખુશ થઈ ગયાં પણ બંસરીએ ખાનગીમાં કહી દેતાં એમણે સામાન્ય ખબર અંતર સિવાય કંઈ વધારે પૂછપરછ કરી નહીં.

આખરે બધું પતાવીને બેય બંસરીના બેડરુમમાં સુવા ગયાં. બંસરી આમ મોર્ડન, પહેરવાં ખાવા પીવામાં, ફેશનમાં ,ભણવામાં પણ એટલી જ હોશિયાર બધી રીતે,  પણ સાથે એટલી જ શાંત, સમજુ અને ઠરેલ પણ ખરી. સંબંધોની બાબતોમાં એનું કહેવું પડે. એ કોઈ પણ નિર્ણય બહું લાબું સમજી વિચારીને કરે. આહનાને એનાં નિર્ણય, સ્વભાવ પર વધારે વિશ્વાસ.

બંસરીએ કંઈ પણ ગોળ ફેરવ્યા વિના પૂછ્યું,"આહુ તું મને પહેલેથી કહે કે આ શરુઆત કયાંથી થઈ અને છેક આટલે બધું કેવી પહોંચી ગયું? ડિવોર્સ લીધાં કે શું છે?"

"ના એ લેવાનાં છે."

"હાશ! તો દુનિયા જીતાશે." કહેતી બંસરી ખુશ થઈ ગઈ.

"પણ મન જ તૂટી ગયાં તો કાગળની સહીઓ બાકી હોય કે ના હોય શું ફેર પડે?" આહના બોલી.

"હું એવું જ કહું છું કે તું ભલે એવું કહે છે પણ એવું થયું નથી એ મને ખબર છે. બસ તું મને એકવાર બધું કહે."એકદમ વિશ્વાસથી બોલીને બંસરીએ આહના પાસે વાતની શરૂઆત કરાવી.

**********

આહના બહું દુઃખ સાથે પોતાની વાતની શરૂઆત કરતાં બોલી,

"અમે બંને લગ્ન પછી ખુબ જ ખુશ હતાં. અમે સિંગાપુરને હનીમૂન પર પણ જઈ આવ્યાં. પછી અહીં અનમોલના મમ્મી પપ્પા અને બંગલો બધું હોવાથી અમદાવાદમાં જ સેટ થઈને અમારો કરિયર બનાવવાનું બંનેની ઇચ્છાથી નક્કી કર્યુ. બંનેનું સ્વપ્ન એક જ હતું સંગીત અને ડાન્સના સમન્વય સાથે કરિયર એકેડમી ખોલવી જે અનેક લોકોને એવું શીખવે કે ભવિષ્યમાં દેશને એવાં વિરલાઓ મળી શકે કે જેમને ખરેખર સંગીત અને ડાન્સ પ્રત્યે દિલથી લગાવ હોય. મોટા ટેલેન્ટ શો કરીને પૈસા અને પ્રસિદ્ધિ તો ખરી જ પણ એકબીજાનાં પડછાયા બનીને નહીં કે અલગ થઈને.

સદનસીબે પરિવાર પણ બંનેના સુખી હોવાથી એવું મુડીરોકાણ કે કરિયર માટે આપવા પડતાં સમયની એવી બહું ચિંતા નહોતી. નવ મહિના બધું સરસ ચાલ્યું. અમારી એકેડમી શરું થવાની તૈયારી પણ થઈ ગઈ હતી. એક દિવસ અમારા ત્યાં સમાજનો એક મોટો પ્રોગ્રામ હતો પણ ફકત લેડીઝનો. એમાં હું ગયેલી. એ દિવસે બધાને મારી ટેલેન્ટ વિશે ખબર પડેલી. ત્યાંના મેઈન વ્યક્તિ હતાં એમણે સમાજનું મહત્વનું બીજો કોઈ પ્રોગ્રામ હતો એમાં મને લાઈવ શૉ આપવા ઇન્વાઇટ કરી.

મેં તો એમને ડાયરેક્ટ કંઈ હા કે ના કહ્યું નહીં કારણ કે બીજી જગ્યાએ જઈને આવાં શૉ કરવા એ અમારા કરિયરનો ભાગ તરીકે વિચાર્યુ નહોતું અને અનમોલ વિના મેં કરવાની ના પાડી. એમણે કહ્યું કે બંને માટે સેટ થાય એવું નથી અત્યારે એટલે તમને જ કહીએ છીએ.

અનમોલ વિના કરવા હું ઈચ્છતી નહોતી અને એને કંઈ પૂછયા વિના તો જવાબ પણ કેમ આપું? પ્રિન્સી એ અનમોલના સમાજની જ હોવાથી એ પણ ત્યાં આવી હતી. એ મારી પાસે આવી હું ટેન્શનમાં હતી. એણે મને પૂછતા મેં બધી વાત કરી તો એ કહે કે હા પાડી દે ને? આવી તક થોડી ગુમાવાય? અનમોલ તો સમજું છે પછી ઘરે જઈને શાંતિથી કહી દેજે.

મારું મન માનતું ન હતું છતાં પ્રિન્સીએ બ્રાઈટ ફ્યુચર માટે ફોર્સ કરતાં મેં હા પાડી દીધી. બસ પછી તો ઘરે આવીને હું વાત કરવાની હતી પણ એ બે દિવસ થોડાં કામમાં વ્યસ્ત હતો એટલે એ વાત ન થઈ શકી કારણ કે એ વાત હું એને શાંતિથી કહેવા ઈચ્છતી હતી કે જેથી ભવિષ્યમાં આ કારણે કોઈ પ્રોબ્લેમ ન થાય અને આમ પણ શૉ માટે હજુ થોડાં દિવસોની વાર હતી.

ત્રીજા દિવસે એ શાંતિથી ઘરે આવતાં મેં રાતે વાત કરવા માટે વિચાર્યુ પણ એ સમયે એ મૂડમાં ન લાગ્યો. મેં એને પૂછવાની કોશિષ કરી પણ કંઈ બોલ્યો નહીં અને વાત કર્યા વિના સુવા લાગ્યો. પણ મને ચેન ન પડ્યું મેં બહું પૂછતાં એ બોલ્યો,"તને ક્યાં હવે મારી જરૂર છે્, તું તો તારાં નિર્ણયો સ્વતંત્ર રીતે જ કરે છે ને? તારે તારી અલગ ઓળખ બનાવવી છે ને, મારો પડછાયો બનવું તને પસંદ નથી ને?"

મને તો કંઈ સમજાયું નહીં કે એ કેમ આવું કહી રહ્યો છે પણ પછી વધારે પૂછતાં ખબર પડી કે જે લાઈવ શૉ માટે મેં હા પાડી છે એની એને કોઈ દ્વારા ખબર પડી ગઈ છે. મેં એને પૂછ્યું પણ એને કોને કહ્યું એ વાત ન કરી.

બસ પછી તો શું થયું કે અમારી વચ્ચે સારું થતું કે હું કેટલો પ્રયત્ન કરતી છતાં થોડાં દિવસમાં કંઈ ને કંઈ બાબતે માથાકુટ થયા કરતી. મારી ઈચ્છા ન હોવા છતાં પ્રિન્સી મને એ લાઈવ શૉ કરવા લઈ ગઈ કે એ તો અનમોલ માની જશે પણ મારાં ફર્સ્ટ શોમાં પણ એ ના આવ્યો અને જાણે મારું દિલ જ તૂટી ગયું અને હું મનથી હારી ગઈ.

એ પછી મેં કોઈ પણ શૉ કરવાની કે એમાં આગળ વધવાનો વિચાર માંડી વાળ્યો કે જેનાથી અમારાં બંને વચ્ચે એવું કંઈ ન થાય. તો અનમોલ કહેવા લાગ્યો કે હવે તું બંધ કરી દે એટલે બધાંને એવું જ થાય કે મેં તારું બધું બંધ કરાવી દીધું છે. તું મને જ બધાની સામે ખરાબ દેખાડવા ઈચ્છે છે. મને સમજાતું નહોતું કે મારો અનમોલ ક્યારેય આવી નેગેટિવ બાબતો વિચારે પણ નહીં એ આજે બોલી રહ્યો હતો. મેં એને એમાં એને એકલાને પણ કેરિયર એકડમી ખોલવા અને બંને સાથે પણ ખોલવા કહ્યું પણ એને કંઈ મંજૂર જ નહોતું જાણે.

એનાં દિમાગમાં શું ચાલતું હતું એ જ મને સમજાતું નહોતું અને એક દિવસ એણે આવીને મને કહ્યું કે એ સંગીત અને ડાન્સની એની સપનાની દુનિયાને હંમેશાં માટે તિલાંજલિ આપી રહ્યો છે અને એની ડીગ્રી પર જોબ જોઈન કરી રહ્યો છે. એક અમારો શોખ કદાચ એનાં કારણે જ અમે બંને એકબીજાને પસંદ કરતાં, પ્રેમમાં પડ્યાં અને કરિયર બનાવવા અને જીવન જીવવા સાથે થયાં અચાનક એ જ છોડી દેવાનો ફેસલો? અને બિઝનેસ કે જોબ જે એનાં માટે એક અસહ્ય કહી શકાય એને સ્વીકારવાનો નિર્ણય?

હું અંદરથી ભાગી પડી કે મારાં કારણે આ બધું થયું? એને સંવેગના કોઈ નોન હતાં એમની કંપનીમાં બરોડા જોબ શરું કરી દીધી અને હું અહીં એનાં ઘરે રહી. એનાં પરિવારજનોએ પણ એને સમજાવ્યો પણ એકનો બે ન થયો.

બસ પછી તો હું શું કરું? આખરે મેં એ ઘર છોડવાનો નિર્ણય કરી દીધો.

અનમોલ અને આહના વચ્ચે બંનેના મનમાં હજુ એકબીજા માટે લાગણી હશે કે નહીં? બંસરી હવે કંઈ કરી શકશે? આહના અને અનમોલ ફરીવાર એક થશે ખરાં? આ કોઈની સાજીશ હશે કે વિધિના ખેલ? જાણવા માટે વાચતા રહો, શ્વાસ અધૂરાં તુજ વિના - ૪