શ્વાસ અધૂરાં તુજ વિના - 4 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વાસ અધૂરાં તુજ વિના - 4

પ્રકરણ - ૪

બંસરી આહનાની વધુ પૂછપરછ કરતાં બોલી, "તો તારી સાથે એ શ્યામ? એ તારી ટીમમાં કેવી રીતે છે? એને તો તમે બંને પસંદ પણ નહોતા કરતાં ને? "

"કોણ જાણે સમય બદલાતો રહે એમ અમે કરિયરને તિલાંજલિ આપવાની તૈયારીમાં હતાં અને એમ એણે ગિટાર સાથે તાલ મેળવીને કંઈ નવી દુનિયા રચવાનું નક્કી કર્યુ હતું. એને કેવી રીતે ખબર પડી એ તો ખબર નથી પણ એણે મને એક દિવસ સામેથી ફોન કર્યો અને લાઈવ શૉ માટે ઑફર કરી. મને એવો કોઈ શોખ રહ્યો ન હતો પણ એ સમયે મમ્મી પપ્પા ભાઈ સાથે કેનેડા હતા. મારે જીવન ચલાવવા કંઈ તો કરવું પડે એમ હતું. એ લોકોએ મને કેનેડા આવવા કહ્યું પણ મારી ત્યાં જવાની ઈચ્છા નહોતી એટલે બસ મેં એ શરૂઆત તરીકે એ ઓફર સ્વીકારવાનું વિચાર્યુ. તું તો હતી નહીં પણ પ્રિન્સી, સંવેગ અને દીપે મને આ તક ઝડપી લેવા કહ્યું. અનમોલ એની લાઈફમાં આગળ વધી રહ્યો છે તો તું શું કામ નહીં?

બસ મેં એ હા પાડી અને આજે હું રીતે ટેલેન્ટ શૉ કરીને મારું એકાકી જીવન પસાર કરું છું. ભવિષ્યમાં શું હશે એ તો મને ખબર નથી પણ અનમોલ વિના આજે પણ આહના અધૂરી છે હું મારાં ટેલેન્ટને ફક્ત પૈસા ખાતર દુનિયા સામે રજુ કરી રહી છું બાકી એની જાન તો અનમોલના જતાં જ પૂર્ણ થઈ ગઈ હતી." કહેતા આહના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

"હમમમ. તમે મને જે પણ બનતું એને સ્પષ્ટ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન ન કર્યો?" બંસરી બોલી.

"મેં ઘણાં પ્રયત્નો કર્યા પણ એ કંઈ સામે જવાબ આપે તો ને? બસ હવે બધું જ પૂરું થઈ ગયું."

"ઠીક છે. તું ટેન્શન ના કર. હવે શાંતિથી સૂઇ જા." કહીને બીજું કંઈ પણ કહ્યાં વિના બંસરી આહનાને નાના બાળકની જેમ સુવાડવા લાગી અને આહના આજે અનમોલને વધારે યાદ કરતી રડતી રડતી સૂઈ ગઈ.

***********

આહના સૂઈ જતાં બંસરી બહાર ગઈ અને એક ફોન લગાડીને બોલી,"સાગર મારી કાલની ટિકિટ કેન્સલ કરાવી દેજે અહીં એક અગત્યનું કામ છે. હું કહું એટલે ફરીવાર તત્કાલમા કરાવજે. જોબમાં વાત કરી દઉં છું. સોરી ડિયર તને બે દિવસ વધારે એકલા રહેવું પડશે પણ અહીં એક જરૂરી કામ છે આવીને બધું કહીશ." કહીને બંસરીએ સરસ રીતે વાતચીત કરીને ફોન મૂકી દીધો.

પછી તરત ફરી એક ફોન લગાડીને બંસરી બોલી,"સોરી લેટ ફોન કરવા માટે પણ કાલે તને મળવું છે એકલામાં. અહીં આવી શકીશ કે હું આવું?"

સામેથી કંઈ હા કે ના થતાં એ બોલી,"મળવાનું ફાઈનલ છે, બાકી તું જે સેટિંગ કરે એ મને કોઈ ફેર પડતો નથી. દિવસ મારો છે ટાઈમ એન્ડ પ્લેસ તારાં." આખરે કદાચ સામેથી હકારમાં જવાબ મળતાં "ઓકે ડન" કહીને એણે ફોન મુકી દીધો. ફરી એક બે ફોન કર્યાં અને પછી રૂમમાં આવીને કંઈ કાગળમાં થોડું લખવા લાગી અને પ્લાન બનાવતી એ એને રાત્રે એક વાગ્યે આખરી ઓપ આપીને હાશકારો લેતી સૂઈ ગઈ.

*********

રાત સરસ રીતે પસાર થઈ ગઈ. આહનાને થોડું કામ હોવાથી એ બંસરીના ઘરે બ્રેકફાસ્ટ કરીને નીકળી ગઈ અને કોઈ કારણોસર અત્યારે બંસરીએ એને રોકી નહીં.

એ પછી બંસરી તૈયાર થઈને નીકળી ગઈ. એક ગ્રીનવુડ કાફે નામની જગ્યાએ ગઈ. દુપટ્ટો બાંધીને બરાબર એ રીતે ગઈ કે કોઈ એને સરળતાથી ઓળખી ન શકે. ત્યાં એક વ્યક્તિ આવી.

એને પોતાની આદત મુજબ થોડાં હાલચાલ પૂછીને સીધું પૂછ્યું, "અનમોલ, એક વાત પૂછું બકા? લાઈફ તારી છે, પર્સનલ છે પણ તને યાદ હોય તો કે તે સ્કુલથી મને બહેન બનાવીને રાખડી પણ બંધાવી હતી અને અફકોર્સ તે મારી સાથે એવો વ્યવહાર પણ રાખ્યો છે. મને કોઈ પણ સ્થિતિમાં હેલ્પ કરી છે. કેટલીકવાર તો ગૃપમાં કોઈને ખબર ન હોય એમ પણ તે મને મદદ કરી છે. હા પહેલાં ભણવામાં, પછી જોબ અને મારાં અચાનક સાદાઈથી થયેલાં લગ્ન પછી આપણે ફોન પર પણ બહું ઓછાં કોન્ટેક્ટમા હતાં પણ હું તમને બધાને એટલું જ યાદ કરતી. બસ એ સંબંધને ખાતર જો જરા પણ માન હોય તો મને સાચું કહેજે, "તું અને આહના કેમ અલગ થઈ ગયાં? તારાં મનમાં હવે એનાં માટે કંઈ પણ લાગણી બચી નથી?"

અનમોલ એકદમ મૂઝાઈ ગયો અને બોલ્યો,"પ્લીઝ મને ભાઈ માનતી હોય તો આ સિવાય કોઈ વાત કરી શકાય? હવે આ ચર્ચાનો કોઈ અર્થ નથી. હું એક સીધો સાદો જોબ કરનાર વ્યક્તિ છું અને આહના એક મોટી હસ્તી. એટલે હવે અમારું સાથે રહેવું શક્ય જ નથી.

"એ જે હોય મને ફેર નથી પડતો પણ તું મને તમારી લાઈફમાં પ્રેમમાંથી નફરત થવાની શરૂઆત ક્યારે થઈ એ જણાવ. પછી એક થવું અને રહેવું કે નહીં એ તમારી પર્સનલ મેટર છે. હું ફોર્સ નહીં કરું." બંસરી બોલી.

આખરે નાછુટકે અનમોલ વાત શરુ કરતાં બોલ્યો, "બસ જે દિવસથી એને મને કહ્યું પણ નહીં અને જીવનનો મહત્વનો નિર્ણય એણે જાતે જ કરી દીધો. લાઈવ શૉ કરી રહી છે એ વાત એને મને તો સામેથી કરી નહીં અને મને કોઈ દ્વારા ખબર પડી. હું એને ક્યારેય ના ન પાડત પણ એને મને કહેવું તો જોઈએ ને. હું તો હંમેશાં એને આગળ વધતી જ જોવા ઈચ્છતો હતો."

"તને કોને કહ્યું? બની શકે કે એ તને કહેવાની પણ હોય?"

"મને તો પ્રિન્સીએ આ વાત કરી. મને ગુસ્સો આવેલો તો ઠારતા એણે કહ્યું કે તું એને કંઈ કહીશ નહીં મને એમ કે એણે તને તો કહી દીધું હશે અને કહેવું છે જ જોઈએ ને, પરમિશન ન લીધી તો કંઈ નહીં હજુ કીધું પણ નહીં, ભવિષ્યનો આટલો મોટો નિર્ણય એમનેમ ના કરાય." અનમોલની બધી વાત પરથી ખબર પડી બંને વચ્ચે સોથી મોટું વિલન હોય તો એ પ્રિન્સી છે. કોણ જાણે એ શું વિચારે છે અને એનાં મનમાં શું છે એ તો ખબર ન પડી પણ બધાની પાછળ એ જ મુખ્ય વિલન છે.

એણે આહના પાસે જે કામ કરાવ્યું એનું જ પાછું અનમોલને એનાં વિશે ઉલટું ભડકાવ્યુ. એ બંનેની કોમન ફ્રેન્ડ હોવાથી બંને અંધની જેમ વિશ્વાસ કરતાં રહ્યાં અને બસ એ મુજબ હંમેશાં પ્રિન્સી એ આહના વિશે અનમોલને ભડકાવીને એ આ બધું એને કહ્યું છે એ આહનાને ન કહે એવું કહીને એને ચૂપ રાખતી રહી.

પ્રિન્સી પાસાં જ એવાં ખતરનાક ફેકતી કે જેનું એ અનમોલને કહે એવું જ આહના કરતી એને જોવા મળતી કારણ કે બેય વિશ્વાસની આડમાં એને બધું જ કહી દેતાં. છેલ્લે એને બંનેને એટલાં હરાવી દીધાં કે એમણે પોતાનાં પેશન અને ખુશીને જ તિલાંજલિ આપી દીધી. બસ આજ એમનો સુંદર સંબંધ તૂટવાનું કારણ છે બંસરી બરાબર સમજી ગઈ.

આ બધું સાંભળીને બંસરી બોલી,"આ બધું બરાબર પણ હવે તું શું વિચારે છે? મતલબ તે તો જોબ શરું કરી દીધી છે, અને મને ખબર છે ત્યાં સુધી તારી મરજી વિનાનું કરિયર? કારણ કે જોબ કે બિઝનેસ શબ્દથી તને ચીડ ચડતી અને હવે એનાથી જ પ્રેમ થઈ ગયો કે શું?"

"કંઈ નહીં બસ જીવનમાં બધું વિચારીએ એવું થોડું થાય? આહના તો મારો જીવ હતી પણ હવે એને મને છોડી દીધો અને એ જીવનમાં આગળ વધી ગઇ તો હવે મારે કોઈ રીતે તો જીવવું ને. બસ જવાનું, કામ કરવાનું અને ઘરે આવીને કામ પતાવીને સૂઈ જવાનું." અનમોલ બોલ્યો અને એનાં આહના વિનાની જિંદગીના નિરસતાભર્યા ભાવોને બંસરી જોઈ રહી.

બંસરીના મનમાં શું ચાલી રહ્યું હશે? એને આહનાની બધી હકીકત સાંભળીને એને કેમ કંઈ કહ્યું નહીં હોય? શું અનમોલ અને આહના ફરીવાર એક થશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, શ્વાસ અધૂરાં તુજ વિના - ૫ ( અંતિમ ભાગ)