// જીવની અહંતા -૪//
// સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ
મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત //
મેં કેયુરને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની મા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. શાંતિભાઇ કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે આ તો છોકરું છે ક્યારેક તો એને એની મા યાદ આવી જાય.
“હા. તમારી વાત બરોબર છે. જમનાની યાદ આવી જાય. એ હતી જ એવી. હું હવે મારા દીકરાનું વધારે ધ્યાન રાખીશ” આવા માણસો બહુ ઓછા જોવા મળે સપના. તને બર છે બેટા, એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. બીજીવાર લગ્ન પણ ના કર્યા. દીકરાનું ધ્યાન રાખવું એ એક જ એમના જીવનનું લક્ષ્ય છે, મરતી પત્નીને વચન આપેલું ! તારા ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે, એની એમને ખબર છે છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે. જેથી તું અને કેયુર સારી રીતે, સુખેથી જીવો ! આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું. તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે. કેયુરને આ વાત ક્યારેય નહિ જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ.
સપના તો તેની માસીની વાત સાંભળી, એકદમ હેબતાઇ ગઇ પરંતુ, શું બોલે તો શું બોલે. એ બીલકુલ ચૂપ હતી. તેને તેના સસરાની ટક ટક એને પરેશાન જરૂર કરતી હતી પણ તેના મનમાં એનો એવો મતલબ હરગિજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. સપના ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ.
શાંતિભાઈ સોફામાં બેઠા કપડાંની ગડી કરી રહ્યા હતા. બીજો કોઈ દિવસ હોત તો સપનાને આ જોઈને અણગમો થયો હોત. એ પોતે ના કરી લેત, શી જરૂર છે એના સસરાને આવા બૈરાના કામ કરવાની ! પણ, આજે એ એવું ના વિચારી શકી.
“ પપ્પા...મારે તમને કંઇક કહેવું છે !" સપના ધીમે રહી બોલી.“ હા બોલ ને બોલ દીકરા !” શાંતિભાઈએ સામેના સોફા પરથી ગડી કરેલ કપડાં ઉઠાવી સપનાને બેસવાની જગા કરી આપી. સપના ત્યાં બેઠી. થોડીવાર ચૂપ રહી. શાંતિભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા બેબાકળા થઈ રહ્યા.“ પપ્પા, હું મમ્મી બનવાની છું. તમે દાદા ! મને ત્રીજો મહિનો જાય છે. હું મનમાં ને મનમાં ખુબ જ મુંઝાતી હતી કે આ વાત કોને કહું કેયુરને આ વાત કરતા પહેલા પાકી ખાતરી કરી લેવા માંગુ છું. મારે ડૉક્ટરને બતાવવા જવું છે. મારી ઇચ્છા છે કે, તમે મારી સાથે આવશો ? એકલા જતા મને ડર લાગે છે, તમે આવશોને મારી સાથે ?” સપના રડમસ અવાજે બોલી હતી.
અરે બેટા, આ કોલ પુછવાની વાત છે, “ચોક્કસ દીકરા ! ચોકકસ જરૂર આવીશ. આ ખબર આપીને તો તમે મને ફરી યુવાન બનાવી દિધો. જમના જો તું દાદી બનવાની અને હું દાદા ! હું મારા વ્યાજને સંભાળીશ તમે કેયુરને સંભાળજો અને જો આજે કહી દઉ છું આજથી તમારે રસોડામાં આંટાફેરા બંધ. હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે.” શાંતિભાઇની આંખોમાં આંસુ તો હતા પરંતુ હોઠો પર તો મંદ મંદ સ્મિત..
“ જી પપ્પા ! ” સસરા વહુ બંનેની આંખો વરસી પડી. શાંતામાસી હળવેથી એમના ઘરે પાછા જતા રહ્યા આંખો તો એમની પણ ભીંજાયેલી હતી....
Dipak Chitnis (DMC)