Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લી બેન્ચની મસ્તી.. - 2 - આઠનું ગ્રુપ

૨. આઠનું ગ્રુપ


અમારું ગ્રુપ બન્યું એમાં પાંચ છોકરાઓ અને ત્રણ છોકરીઓ હતી. એશાના લીધે એની બે બહેનપણીઓ પણ અમારા ગ્રુપમાં આવી ગઈ. હું, રાજ, દેવ, યશ, જય, એશા, રાજવી અને વિરાલી એમ મળીને અમારું આઠનું ગ્રુપ થયું હતું. રોજ રીસેસમાં સાથે બેસીને નાસ્તો કરવાનો, લેશન આપે એટલે જો કરવું હોયતો બધાને કરવાનું નહીંતર કોઈ નહિ કરવાનું. અમારા ગ્રુપ જેટલી એકતા કદાચ સ્કૂલના કોઈ પણ ગ્રુપ માં નહીં હોય. કલાસના ટોપ દસ વિદ્યાર્થીઓના લિસ્ટમાં અમારા ગ્રુપ માંથી છ જણાં આવતા હતા.

● છેલ્લી બેન્ચ ની ત્રિપુટી

હું - ભણવામાં અને ભણાવવામાં સૌથી આગળ પરીક્ષાના સમયે એશાની નોટ્સ માંથી મારે જ બધાને શીખવાડવાનું એ લોકો એવું કહેતા કે હું શીખવાડું એ તરત યાદ રહી જાય અને જલ્દી આવડી પણ જાય.

રાજ- મસ્તી અને પરિણામ માં સૌથી આગળ, શીખવાનું મારી પાસે અને પરિણામમાં મારી આગળ જ હોય અને એની મસ્તીની તો શું વાત કરવી, કલાસના કોઈ પણ કાંડમાં એનુ નામ ના હોય એવું બને જ નહીં. એ પાછો મારો બેસ્ટ ફ્રેન્ડ એટલે અમુક કાંડમાં મને પણ ખેંચી જાય.

દેવ - ભણવામાં થોડો નબળો હતો અને આખા ગ્રુપ માં સૌથી શાંત અને સીધો હતો, પરંતુ મારી અને રાજની સાથે બેસીને એ પણ તોફાની થઈ ગયો. પરંતુ એના તોફાન ક્યારેય બહાર આવતા જ નહીં અમારી લીધે. એ પહેલેથી સીધો હતો અને પાછો બે મોસ્ટ વોન્ટેડની બાજુમાં બેસતો એટલે એનું નામ તો કેમ આવે!

● છેલ્લેથી આગળની બેન્ચના ડોન

યશ અને જય આ બેન્ચના ડોન હતા. એ બને સિવાય એ બેન્ચ પર કોઈ બેસી જ ના શકે. અમારે બેસવું હોઈ તો પણ પૂછવું પડતું.

યશ - એક અદભુત કળા હતી એની પાસે. તમે જેટલું વાંચવાનું આપો એટલું એ ગોખી નાખે અને પાછો પરીક્ષામાં સારા માર્કે પાસ પણ થઈ જતો. દેખાવે નમણો અને સુંદર હતો એટલે છોકરી એની આસપાસ ના હોઈ એવું બને જ નહીં.

જય - અમારા બધાથી એક વર્ષ મોટો હતો. એની પાસે જનરલ નોલેજનો ખજાનો હતો. કોઈપણ વસ્તુની વાત કરો એની પાસે એની માહિતી હોય જ. અમે એને "મોટાભાઈ" ના નામે બોલાવતા.

● છોકરીઓની છેલ્લી બેન્ચ…

અમારા ગ્રુપમાં જોડાયા પછી છોકરીઓના વિભાગની ખાલી પડી રહેતી બેન્ચ પણ ભરાય ગઈ.

એશા - ક્લાસની ટોપર અને અમારા માટે નોટ્સ. એને ક્લાસના ટોપર હોવાનો કે એની સુંદરતાનો કોઈ અભિમાન નોહતો. એ કલાસમાં કોઈને પણ નોટ્સ આપી દેતી, આ અમને પસંદ નહતું એટલે એને અમારા ગ્રુપ સિવાય કોઈને પણ નોટ્સ દેવાની સખ્ત શબ્દોમાં ના પાડી દીધી. બિચારી જીવની બહુ મોળી એટલે કોઈને ના નહોતી પાડી શકતી. એની પાસે કોઈ નોટ્સ માંગે એટલે એ કહી દેતી રાજ પાસે છે. એ સાંભળીને કોઈ નોટ્સ માંગતું જ નહીં.

રાજવી - આ એના નામની જેમ જ રાજનું ફિમેલ વર્સન હતી. ક્લાસની સૌથી તોફાની છોકરી , છોકરાઓ પણ એની સાથે વાત કરતા ડરતા હતા. અમે એને "લેડી સિંઘમ' નુ નામ આપ્યું હતું.એ નામ એના ગુસ્સા ના લીધે પડ્યું હતું.

વિરાલી - આ અમારા "મીઠીબેન", ભણવામાં નબળી પણ વાણીએ મીઠી એટલે સર ટીચરોની ફેવરિટ હતી. અમારે પ્રિન્સીપાલની ઓફીસમાં જવાનું થાય એટલે એને સાથે લઈ જવાની. એની પાસે નવા નવા બહાના હોય જ.

અમારા લીધેથી ક્લાસ માં અલગ અલગ ગ્રુપ પડી ગયા હતા. અમે બધા ગ્રુપના નામકરણ કરેલા હતા. ક્લાસમાં બધાથી આડુ ફાટતું એક ગ્રુપ હતું, એનું નામ અમે "યુપી-બિહાર" પાડેલું હતું. જોકે એમ કોઈ યુપી કે બિહારનું ન હતું છતાં પણ એ લોકો ક્યારેક ક્યારેક હિન્દીમાં વાતો કરતા, અરે આપણી આટલી સારી માતૃભાષાને મુકીને જરૂર વગર શુ કામ હિન્દી બોલવું? જરૂર હોય ત્યાં બોલો એ વાત બરાબર છે. આમ તો ગુજરાતી હોવાનો ગર્વ લેતા હોઈએ છીએ કે ગુજરાતી એટલે બિઝનેસમેન, તો પછી ગુજરાતી જ બોલોને એવું અમારા ગુજરાતીના બા(ટીચર) અમને શીખવાડતા હતા.

બીજા ગ્રુપનું નામ હતું "ઠ" એ ગ્રુપ અમારી સાથે જ હોય કેમ કે એમાં બધા પરિણામમાં છેલ્લેથી પહેલા આવતા. બધા સ્વભાવે સારા પણ બધા ને કંઈક ને કંઈક વ્યસન હતા. કોઈ માવા ખાતુ તો કોઈ ચિંગમ ચાવતું હોઈ. અમારા ગ્રુપનો કોઈની સાથે ઝઘડો થાય એટલે એ લોકો પહેલા પહોંચી જતા. બદલામાં અમે એને પરીક્ષામાં પાસ કરવી દેતા.

"અંબોડો" આમાં ખાલી બે જ છોકરીઓ હતી. આખો ક્લાસ જ્યારે લેશન કરીને ના આવ્યું અને નક્કી કર્યું હોય કે આજે સરને કોઈ લેશન બતાવશે નહીં, ત્યારે જ એ બંને લેશન બતાવતી. લેડી સિંઘમ તો એ બંનેને એટલી ગાળો દેતી કે સાંભળી પણ ના શકાય. એમાંની એક છોકરી હંમેશા અંબોડો લઈને આવતી એટલે એનું નામ "અંબોડો" પાડી દીધું હતું.

"ફેંકાફેકી" આ ગ્રુપ માં ચાર જણા હતા અને ચારેય એકથી એક ચડિયાતા ફેકુ. એમની વાતો સાંભળી ને ગધેડાને પણ તાવ આવી જાય. કરોડ નીચેની વાતો તો એની પાસે ભાગ્યે જ સાંભળવા મળે અને એ પણ જો એમનો મૂડ સારો હોય તો જ. બાકી રીસેસ ભૂલથી પણ એની બાજુમાં બેસી ગયા તો પછી ઘરે જ જતું રહેવાનું રીસેસ પછી.

અમારા ગ્રુપનું નામ તો રહી જ ગયું. "બ્રિલીએન્ટ ગ્રુપ" જે અમે જાતે જ રાખ્યું હતું. કોઇપણ જગ્યા એ ગ્રુપમાં નામ લખવાનું હોઇ એટલે આજ નામ લખાવવાનું. જોકે નામ પ્રમાણે કામ પણ હતા અમારા. અમારું ગ્રુપ ટોપરો થી ભર્યું પડ્યું હતું અને જે ટોપર નોહતા એને શીખવાડીને આગળ વધારવાનું કામ પણ કરતા હતા. ક્લાસમાં કોઈને કઇપણ કામ હોય તો એ અમારું ગ્રુપ કરી અપાતું હતું સિવાય અંબોડા ગ્રુપ, એનું કામ ક્યારેય નો કરતા અને બને ત્યાં સુધી થવા પણ ના દેહતા.