દુબઈ પ્રવાસ - 3 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુબઈ પ્રવાસ - 3

દુબઈ પ્રવાસ 3

બીજે દિવસે રૂમના પડદા ખોલ્યા ત્યાં મીઠો તડકો આવતો હતો. બિલમાં સમાવેશ હતો તે બ્રેકફાસ્ટ માટે ગયાં. મેં તો પહેલાં ફ્રૂટ પછી પેલા પ્રિન્ટઆઉટની જેમ બહાર આવતા ટોસ્ટ અને મધ તથા જામ, પછી બોઇલ્ડ એગ સાથે કોઈ બાફેલા ટામેટા, લેટ્યુસ, ઓલિવ વ. નો સેલાડ ઉપર ક્રીમ અને એકાદ ફ્રાઇડ વસ્તુ ઉપર ફિલ્ટર કોફી 'દબાવ્યું'. ઘરનાંઓએ તેમની રુચિ અનુસાર. આજે ઉતાવળ નહોતી. કાલનો થાક ઉતારવા અને નાનાં બાળકોની ઊંઘ પૂરી કરવા. હોટેલના સ્વિમિંગ પુલમાં તર્યો. 5 વર્ષનો પૌત્ર પણ એનું હવા ભરેલ જેકેટ પહેરી ખૂબ તર્યો.

થોડું નેટ પર સર્ચ કરી 11.30 આસપાસ શુક અને મ્યુઝીયમ જોવા નીકળ્યા.


રસ્તે શેખ જાહેદ રોડ પરથી ટેક્સી પસાર થઈ. મકાનોના આકાર આવા હોય તેમ ન માની શકાય. ખોખાં એક પર એક ગોઠવ્યાં હોય તેવા, ઓવલ આકારના, મિનારા આકારના, ટાયર આકારનું એક વિશાળ મ્યુરલ અને એવા આકરો ઉપરાંત સાચે જ ગગનચુંબી ઇમારતો. ટેક્સીમાંથી ડોકું બહાર કાઢી ઊંચે જોઈએ તો પણ ટોચ ન દેખાય એટલાં ઊંચાં. ત્રીસ માળ તો સામાન્ય હતા. કેટલાંક તેથી પણ ઊંચાં હતાં.

બધા જ રસ્તાઓ ફોર લેન જેવા અને ટ્રાફિક ખૂબ વ્યવસ્થિત કેમ કે અહીં દંડ ખૂબ મોટો હોય છે. રસ્તો ક્રોસ કરવા પણ માણસની ગ્રીન લાઈટ થાય તે પહેલાં દોડીને ક્રોસ કરો તો દંડ થાય. તે પહેલાં તો કોઈ ખૂણેથી આવતી બસ તમને ઠોકીને આગળ ઊભી ગઈ હોય. કારો પણ અત્યંત વૈભવી. લીમોઝીન, મસ્તાંગ અને મસ્કત રહેતો હોઈ પુત્રને જ આવડે એવાં નામની. મોટી અને ભવ્ય. ઢુર.. કરતો મોટો અવાજ કરતી નીકળે. એ બધીની એવરેજ પણ 3 કે 4 કિમી લિટરે હોય.

ટેક્સી ઊભી તેની નજીક બેંક ઓફ બરોડાનું મોટું ટાવર હતું. મેં 38 વર્ષ એ બેંકમાં નોકરી કરી એટલે ઘરનાંઓએ કહ્યું કે મને શેર લોહી ચડી જશે. ત્યાં એટીએમમાંથી પૈસા ઉપાડવાનું કર્યું તો ન નીકળ્યા. બાકીનાં ફંકશન થતાં હતાં.

અંદર જઈ ચીફ મેનેજરને મળી મારી સ્ટાફ તરીકે ઓળખાણ આપી. તેમણે જોઈ આપ્યું કે કાર્ડ જૂનો હોઈ ઇન્ટરનેશનલ માટે નહીં ચાલે. ક્રેડિટ કાર્ડ ચાલતો હતો એટલે વાંધો ન હતો. ત્યાં ભારતીય અને લોકલ બેય કસ્ટમર્સ ઊભા હતા.

નશીબ હશે તે મ્યુઝીયમ બંધ હતું. બહારથી ખાખી પથ્થરનું, આગળ તોપ મૂકેલું અને આપણી ડેલીઓ નાં બારણાંઓને વાર્નીશ કર્યો હોય તેવો ગેઇટ. તેને ચક્કર મારી નજીકની દુકાનો જોઈ. ઘણી સિંધીઓ કે ગુજરાતીઓની હતી. એક મોટા ચોક આસપાસ પાર્કિંગ, જૂનો ફોર્ટ. બધું ખાખી રંગના રેતીના પથ્થરોનું.

આ મ્યુઝીયમ અને એક તરફ શુક જતો રસ્તો હતો. પાછળ જ નાની શેરીમાં શિવ અને કૃષ્ણનાં હિંદુ મંદિરો છે તે જોવા ગલીમાં ગયા તો પ્રસાદ, ચૂંદડીઓ, ફોટા અને પુજાની દુકાનો જોઈ જાણે ભૂલેશ્વર, રાણીનો હજીરો કે દિલ્હી કાલી મંદિર પાસેની ગલીમાં હોઈએ તેવું લાગ્યું. બહાર ઘંટ હતો તે વગાડી શિવ મંદિરના તુલસી ક્યારાને નમન કરી સંતોષ માન્યો. મંદિરો બાર થી પાંચ બંધ રહે છે.

આ બર દુબઈ વિસ્તાર હતો.

પહેલાં હમણાં જસ્ટ ખુલી હોય તેવી દુકાનો સાથેની કલોથ શુક માં પ્રવેશ્યાં. કાપડની અને ફેન્સી વસ્તુઓ વેચતી લાઈનબંધ દુકાનો અને મોટા, ખાસ જાતનો વાર્નીશ કરેલા થાંભલા , અંદર ઊંચે લગાવેલાં ફાનસો વાળી શેરી. મસ્કતમાં એવું નથી જ્યારે અહીં દુકાનની બહાર ઊભી 'આવો સાહેબ.. આવો મેમ .. આ લઈ જાઓ.. ' વગેરે કહેતા એમના માણસો ફરતા હતા.

શાંતિલાલ, ધ્યાનચંદ, એવાં ગુજરાતી નામોની પણ ઘણી દુકાનો હતી. બહારથી તેમના શો પીસો, દેશ વિદેશનાં કાપડ જેમ કે ઇજિપ્ત કોટન, ઈરાનની કાર્પેટ, એ તરફનું રેશમી કાપડ અને ભારતીય દુપટ્ટા કે બાંધણી વગેરે જોયાં.

ત્યાંથી નજીકની જેટી પરથી 1 દિરહામ બોટ પકડી દરિયાની ખાડી ઓળંગી સામે કાંઠે અબ્રા વિસ્તારમાં ગયાં.


ત્યાં baniya street છે તેમાં જઈ સ્પાઈસ શુક માં દાખલ થયાં.

ત્યાં તો જાતજાતનાં કેસર, સાંભળ્યું ન હોય તેવી પચીસ ત્રીસ જાતની ખજૂર, બરણી ખોલતા જ બહાર સુગંધ આવે તેવી મોટી એલચી, ચા માં મેળવવા સૂકવેલી ફૂલ પાંદડીઓ, વાગે કે હાડકામાં દુ:ખે ત્યારે પીસીને લગાવવાની ચોકલેટી ગોટી અને એવું બધી mind boggling ચીજો જોઈ. શ્રીમતી અને પુત્રવધુએ એક દુકાનમાંથી અરેબિક ટી અને ઈરાનની મોટી એલચી, થોડું ડ્રાય ફ્રૂટ વગેરે લીધું. ત્યાં મને તો આસામમાં જોયેલી તેવી તજ લવીંગની લાકડીઓ, બે ચાર જાતની સોપારીઓ ને આસપાસનાં દેશોના મસાલા જોવાની મઝા આવી.

વચ્ચે કોઈ નાનાં કાફેમાં જઈ લસ્સી, સમોસા, આપણી સામે બનતો ફ્રૂટ આઈસ્ક્રીમ, ફલાફલ સેન્ડવીચ વગેરે લઈ પેટ ઠાર્યું.


બપોરના આશરે ત્રણ આસપાસ એન્ટર થયા ગોલ્ડ શુક માં. આશરે એકાદ કિમી લાંબી શેરી, બેય બાજુ ઝળહળતા પ્રકાશ વાળા શો કેઇસોમાં એકદમ મોંઘાં અને વજનદાર સોનાનાં ઘરેણાં, મુગટ, સોનાનાં વસ્ત્રો, સોનાની જાળી વાળું ટોપ , સોનાનાં ચિત્તો, ગરુડ વગેરે જોયું. સાચા હીરાની વીંટીઓ, નેકલેસ, ચેઈનો, બેંગલ્સ જોઈ.

વચ્ચે લાકડાના બાંકડાઓની લાઇન. એક બે ફેરિયા આગળ નાની ટ્રે માં પાણીની 100 ml બોટલો, બિસ્કીટ, શીંગ જેવું વેંચતા મળ્યા. ત્યાં હિતેશ, વજુભાઈ, રાજકોટ ગોલ્ડ, ધકાન વગેરે નામો વાળી દુકાનો હતી. તેમાં સ્ત્રીઓ મારા પુત્ર સાથે ગઈ અને એટીએમ કાર્ડ ન ચાલતું હોઈ હું બાંકડે બેઠો. વિદેશી કપલ્સ પણ હાથમાં હાથ લઈ ફરતાં હતાં. રાજકોટની સોની બજારમાં હોઉં એવું લાગ્યું. વૈભવી ચીજો સિવાય.

સોનાનો ભાવ 12.7.22 ના 46500 જેવો 10 ગ્રામનો ત્યાંના દિરહામ ને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો હતો. અહીં અમદાવાદ તે દિવસે 52000 જેવો હતો. એટલે જેને બે ત્રણ તોલા સોનું લેવું હોય એને ખાસ ફેર ન પડે. બે છોકરાં હોય અને એમના લગ્નનું એક જ વખતે વીસેક તોલા લેવું હોય એને પડે. દસ તોલાએ 60 હજાર ઓછા થાય. પણ 5 લાખ રૂપિયા એક સાથે કોઈ લાવે ખરું? મને ખબર નથી.

ત્યાં મને જોરદાર બે નંબર લાગી. કોઈ કહે ગેટ 1 પાસે ટોઇલેટ છે. ત્યાં 4 દિરહામ ચાર્જ. એ પણ સિક્કા નાખવાના. મારી પાસે ક્યાંથી હોય? પાછા આવીને ધીમેથી દુકાનમાં શ્રીમતીને કહ્યું "કાઈં 95 રૂ. પાયખાને જવાના અપાય?" દુકાન વાળો હસ્યો. તે ગુજરાતી હતો!

આવ્યા એટલે પૌત્રી માટે કાઈંક શુકનનું લીધું. પુત્રવધુએ પણ કાઈંક લીધું.

હું કોઈ ફ્રી ટોઇલેટની શોધમાં અને ડેટા પેક ચાલુ કરી ઈન્ટરનેશનલ ટ્રાનઝેક્શન enable કરી એટીએમ માં ડેબિટકાર્ડ ચાલે તો જોવા ગેટ 3 થી બહાર નીકળ્યો.

ત્યાં તો મલબાર જ્વેલર્સ, આપણો કલ્યાણ, બીજી મોટી મોટી બ્રાન્ડેડ જ્વેલર્સની દુકાનો અને કેટલીયે મોંઘી કારની આવજા વાળો રસ્તો હતો. એક NBH કે એવાં નામની બેંકના એટીએમની મોટી લાઈનમાં ઊભો. 25 મિનિટે વારો આવ્યો પણ એટીએમ થી દીરહામ ન નીકળ્યા. હું કુટુંબને ગોતતો, તેઓ મને, વચ્ચે ચોકમાં મળી ગયાં. ત્યાં ઓફિસો 8 થી 4 જેવી હોઈ ઓફિસોથી છૂટેલા લોકો પૈસા લેવા ઊભા હશે એટલે આવી લાંબી લાઈન હતી.

ફરી 1 દીરહામ બોટમાં બેસી સામે ઇવનિંગ રાઈડની લક્ઝરી શીપની ટીકીટ લેવા ગયા. તે લગભગ દેરા વિસ્તાર હતો. ત્યાં બેસવાનું સારું હતું. હું ત્યાં જ ક્યારનું રોકી રાખેલું તે ટોઇલેટમાં જઈ રિલેક્સ થઈ આવ્યો. ત્યાં છત્રીઓમાં એમ ને એમ પણ દરિયો જોતાં બેસી શકાય છે.

ત્યાંથી ઉપડતી શીપની બે જર્ની સાંજની હતી, 4.30 થી 6 અને 6 થી 8. અમે 6 થી 8 ની જર્ની ની 50 દીરહામની એક એવી ટિકિટ લીધી. શીપ એસી હતી. અંદર ટીવી પણ મોટા સ્ક્રીન પર ચાલતું હતું. શ્રીમતી અંદર બેઠી પણ મેં ઘણો ખરો સમય ડેક પર વિતાવ્યો. ફરફરતા પવનમાં ફાસ્ટ શીપ સાથે દુબઈની સ્કાય લાઇન અને અમુક અંતર મધ દરિયે લઈ જાય તે અનુભવ માણવાની મઝા આવી. દરિયામાં સૂર્યાસ્ત જોયો, ધનિકોના પણ ધનિકોની વિલાઓ વાળો ટાપુ જોયો, અંધારું થતાં બહારથી AIN દુબઈ આઇ નું વિશાળ મેરી ગો રાઉન્ડ જોયું અને જાણ્યું કે તે પણ હમણાં બંધ છે. વૈભવી બહુમાળી મકાનો અને પેલેસ જેવી હોટલો બેય કાંઠે જોતાં 8 વાગ્યે બીજા ડેક પર મરીના બીચ લાંગર્યા. ત્યાં રિવર ફ્રન્ટ જેવો વોક વે, લાંબી બજાર અને ફરવાના રસ્તે અર્ધો કલાક ફરી ટેક્સી કરી ગોલ્ડન સેન્ડ 5 પહોંચી ગયા. ટેક્સી નું પેમેન્ટ બોબકાર્ડ સ્વાઈપ કરી કર્યું. 80 દીરહામ. મરીનાબીચથી આખું દુબઈ ક્રોસ કરી બર દુબઈ આવ્યા તે!

રસ્તે રાત્રીના દુબઈની જાહોજલાલી અને ટ્રાફિક જોયાં.

જમવા ગૂગલ મેપથી જોઈ ઇન્ડિયન ફૂડ વાળી સ્ટ્રીટ ગયા જે મેપે કારનો રસ્તો લઈ દોઢ કિમી ચલાવ્યા. વળતાં અટકળે એક મેદાન ક્રોસ કરી આવ્યા તો 800 મીટર, પંદર મિનિટ ચાલતાં!

હોટેલમાં અમારા બે રૂમ વચ્ચેનું ડોર ખૂલે તેમ હોઈ મોડી રાત સુધી સહુ સાથે બેઠાં. બીજા દિવસ માટે પુત્રએ હાફ ડે ટુર બુક કરાવી. સવારે 9 વાગે બુર્જમાન મેટ્રો સ્ટેશન પાસે અલ ખલીજ મોલ પાસેથી પિક અપ કરશે તેમ જણાવ્યું.

આમ દિવસ 2 પૂરો.

ત્રીજો દિવસ કાલે.