Nocturnal books and stories free download online pdf in Gujarati

રાતચર્યા

આજનો આખો દિવસ ન જાણે કેમ મન ઉદાસ જ રહ્યું. સવારે ઉઠ્યો ત્યારે સ્ફૂર્તિ જ ન હતી. એવું ન હતું કે રાત્રે સારી ઊંઘ આવી ન હતી. બહુ મોજથી ઊંઘ્યો હતો. પૂરા નવ કલાકની ઊંઘમાં એક વખત જાગ્યો ન હતો. તેમ છતાં મન અને શરીર સુસ્ત કેમ લાગતા હતા એ સમજાતું ન હતું. હું મારી જાતને જ પૂછી રહ્યો હતો કે આજે કેમ કંઇ કામ કરવાનું મન થતું નથી? તબિયત તો સારી જ લાગે છે!

પત્નીએ એક-બે વખત પૂછી લીધું કે આજે મૂડમાં કેમ દેખાતા નથી? લીંબું સરબત બનાવી દઉં? મેં ના પાડી એટલે વળી પૂછ્યું. કંઇક ચટપટું બનાવી દઉં? મને થયું કે જીભ તો તૈયાર છે પણ મન નથી. કંઇક સારું ખાઇશ તો પણ આનંદ અનુભવી શકવાનો નથી. પુત્રને પણ મારા ઉદાસ મનનો અણસાર આવી ગયો હતો. તેણે કહ્યું કે પપ્પા, આજે ઓફિસ જવાનું જ રહેવા દો. મેં કહ્યું કે મને કોઇ તકલીફ નથી. પછી પત્ની અને પુત્રએ ખાનગીમાં વાર્તાલાપ કર્યો અને કહ્યું કે તમે ઓફિસ જઇ જ આવો. લોકોને મળશો તો તમારા મનને સારું લાગશે. તમને જરાપણ અસ્વસ્થતા લાગે તો પાછા આવી જજો. બંનેએ મને ઘણું આશ્વાસન આપ્યું. તેમને સમજાતું ન હતું કે મારું મન કેમ આમ પરેશાન થયું છે. એમણે વારાફરતી ગઇકાલે મારી સાથે કોઇ ઘટના બની હોવાનું પૂછ્યું. મેં યાદ કરીને કહ્યું કે કોઇ મોટી કે ઉલ્લેખનીય ઘટના બની નથી. મેં ગઇકાલની સવારથી રાત સુધીની દિનચર્યા પણ કહી દીધી. એ રીતે મેં પણ મારા મનને તપાસી લીધું. ક્યાંય કોઇ એવો મુદ્દો ન હતો જે મનને ખટકી ગયો હોય કે ઊંડો વિચાર કરવા પ્રેરતો હોય. મન એકદમ સાફ હતું. તો પછી એવી કઇ વાત હતી જે મનને મૂંઝવતી હતી.

પુત્રએ કહ્યું પણ ખરું કે આજે તમે કોઇ રહસ્ય ખડું કરી રહ્યા છો. પત્ની અને પુત્રની ચિંતાએ મને વધારે ગંભીર બનાવી દીધો હતો. ક્યાંય કોઇ આસમાન તૂટી પડ્યું ન હતું. હું ઘરેથી નાસ્તો કરીને પત્નીએ આપેલું ટીફીન લઇને ઓફિસ પર પહોંચ્યો. ત્યાં દરવાજામાં જ પટાવાળા ભાઇએ મને પૂછ્યું:'કેમ સાહેબ, આજે ઠીક નથી?' મેં પૂછ્યું કે કોઇએ તને મારા વિશે કંઇક કહ્યું છે? મને એમ લાગ્યું કે ઘરેથી ફોન આવી ગયો હશે. પણ એ શક્ય ન હતું. તેણે કહ્યું કે તમારો ચહેરો જ આ વાતની ચાડી ખાય છે. બપોર સુધી હું મનની કોઇ વાતમાં ફસાયો હોય એમ મૂડ વગર કામ કરતો રહ્યો. સારી વાત એ હતી કે સાહેબને કોઇ કામ પડ્યું નહીં અને મને બોલાવ્યો નહીં. બે –ત્રણ સહ કર્મચારીઓ આવીને વાતચીત કરી ગયા. મારા વિશે પૃચ્છા કરી ગયા પણ હું કોઇ વાતમાં રસ બતાવી શક્યો જ નહીં. એમને થયું કે એક કર્મનિષ્ઠ, ઇમાનદાર અને સદા ખુશમિજાજ રહેનાર આ માણસ આજે સૂનમૂન કેમ થઇ ગયો હશે? મને જ સમજાતું ન હતું કે કેમ આવી વિચિત્ર સ્થિતિમાં છું. બપોરે જમીને હું બે ઘડી મારી ખુરશીમાં જ આંખ મીંચીને બેઠો હતો. ત્યાં સાહેબનું કહેણ લઇને પટાવાળો આવ્યો.

મેં મારા ચહેરા પર કૃત્રિમ હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો પણ હું એમ કરી શક્યો નહીં. આજે ઓફિસમાં બધા મને હું કોઇ અજીબ પ્રાણી હોય એમ જોઇ રહ્યા હતા. આટલાં વર્ષોમાં પહેલી વખત હું આવી સ્થિતિમાં દેખાયો હતો. બૉસની કેબિનમાં પ્રવેશ્યો કે તરત જ એમણે મને મોટા અવાજે કહ્યું:'ભાઇ, આ શું માંડ્યું છે?' મેં નવાઇથી પૂછ્યું:'સાહેબ, શું થયું?' એમણે સામું પૂછ્યું:'શું નથી થયું એ પૂછો...' હું બાઘાની જેમ એમની સામે જ જોઇ રહ્યો. એમણે ફરી કહ્યું:'હું આ જ પૂછું છું. તમે આજે બાઘા બનીને ફરી રહ્યા છો. સૂધબૂધ ખોવાઇ ગઇ હોય એવા કેમ લાગો છો? સારા દેખાતા નથી! ક્યારનોય સીસીટીવીમાં જોઇને વિચારી રહ્યો છું કે આજે તમને સાપ સૂંઘી ગયો છે કે શું?' હું કહેવા લાગ્યો:'મને જ ખબર નથી સાહેબ...' તે 'ઠીક છે જાવ' કહી પોતાના કામમાં લાગી ગયા.

એમ જ દિવસ વીતી ગયો અને સાંજે ઘરે પહોંચ્યો. પત્ની અને પુત્ર મારી રાહ જોતા બેઠા હતા. હું જાણે 'ધોયેલા મૂળા' જેવો પાછો આવ્યો હોય એમ એ સોગિયા મોંઢા રાખીને મને જોવા લાગ્યા. રાત્રે જમીને બેઠા પછી સૂઇ જવાની તૈયારી કરવા લાગ્યા. પત્નીએ કહ્યું કે આજે વહેલા સૂઇ જઇએ. તે ઇચ્છતી હતી કે મારો આ ખરાબ દિવસ જલદી પૂરો થાય. તેણે સૂતી વખતે પ્રાર્થના કરી કે મને કોઇ બૂરું સપનું ના આવે. અને અચાનક મારા મનમાં ઝબકારો થયો. મેં કહ્યું કે હા, કાલે રાત્રે એક સપનું આવ્યું હતું. એમાં કોઇ ગરીબ માણસ મારી મદદ માગી રહ્યો હતો. હું એવી સ્થિતિમાં ન હતો કે તેને કંઇ મદદ કરી શકું. હું એને કેવી રીતે મદદરૂપ બની શકીશ એવો વિચાર કરતો હતો એટલું યાદ છે. પછી સપનામાં શું થયું તેનો ખ્યાલ નથી. પત્નીએ તરત જ મને ઊઠાડ્યો અને કબાટમાંથી એક નવી ચાદર કાઢીને મને કહ્યું કે ચાલો જઇ આવીએ. હું કંઇ સમજું કે વિચારું એ પહેલાં એ મને નજીકના ગરીબોની વસ્તીમાં લઇ ગઇ અને બહાર સૂતેલા એક પરિવારના સભ્યો પર એ ચાદર ઓઢાડી દેવા કહ્યું. મચ્છરથી પરેશાન થતા એ પરિવારના સભ્યોના હાથ થંભી ગયા. એમને શાંતિની નિદ્રા આવી ગઇ. એ જોઇ મારા મુખ પર ખુશીની લહેર ફરી વળી. પત્નીએ મને કહ્યું. તમે મને બધી વાત કરી હતી પણ સપનાની વાત કરી ન હતી. હું તમારો સ્વભાવ સારી રીતે જાણું છું. સવારે જ તમે આ સપનાની વાત કરી હોત તો આખો દિવસ તમારે જ નહીં અમારે અને તમારા સંપર્કમાં આવનારા હર કોઇએ ચિંતા કરવી પડી ન હોત. મેં કહ્યું કે તેં દિનચર્યા પૂછી હતી રાતચર્યા નહીં! હું ઘરે પહોંચ્યો ત્યારે જૂનો અવતાર ધારણ કરી ચૂક્યો હતો. પછી તો પત્ની અને પુત્ર સાથે કેટલીય રમતો રમ્યા અને વાતો કરી. હું મારા અસલ રૂપમાં પાછો ફર્યો છું એ વાતની એમના ચહેરા પરની ખુશી જોઇને મને આનંદ થઇ રહ્યો હતો!

બીજા રસપ્રદ વિકલ્પો