શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા
ભાગ-૧
મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના મેલડીમાના ઇતિહાસ વિશે વાત કરીશું. તે પછી મહેસાણામાં આવેલ તેમના મંદિરની મુલાકાત લઇશું. કડીનો ઇતિહાસ આશરે ૧૫૦ વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું ને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઇ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી. મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તીક પણ હતો. આખો દિવસ જાહોજલાલી અને મોજશોખમાં સમય પસાર કરતો. તેને શિકાર કરવાનો શોખ હતો. એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના સિપાઇઓને લઇને વગડામાં શિકાર કરવા નીકળ્યો. રસ્તામાં રાજાને તરસ લાગી. ત્યાં એણે જાસલપુરની વાવ જોઇ. હવે કહેવાય છે કે, વાવમાં મેલડી મા બેઠા હતા અને વાવની બાજુમાં દેવીપૂજકોના ઝૂપડાં હતા. આ દેવીપૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે. મલ્હાર રાવ જયારે પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેણે આ વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે, આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના? કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાઉ અને જો મજૂરોથી વાવ ના તૂટેને તો તોપના ભડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીથી લઇનેજ છૂટકો. બીજે દીવસે પંચાસેક ગાડા લઇ મલ્હાર રાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને ત્યાં જાહેર કરે છે કે, આ વાવ તોડી કાઢવાની છે. આ વાત દેવીપૂજકના ઝૂપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેલડીમાને કહેવા લાગ્યા કે,‘‘ જો આ મલ્હાર રાવે વાવને તોડી કાઢીને તો જાણું કે અમે મેલડી નહિ કોઇ મડું બેસાડ્યું હતું. નહિતર કડીનો રાજા જીવતો શેનો રહે? અમે તો તારી શરણે મા. જો અમારા દેખાતા તને કોઇ ઉખાડી નાખે તો તને કોઇ ચોરી ગયું હોય હશે કે તને કોઇ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું. જો તું જાગતી હોય ને તો તું પ્રમાણ દે મા.’’ ડોશીમાં જે આટલું બોલ્યા ને ત્યાં બાજુમાં રમતી સાત વર્ષની દીકરીના ખોયામાં મેલડીમાં આવ્યા અને બોલ્યા, ‘‘અરે તૂટવા દે વાવને ને લૂંટવા દે મલ્હાર રાવને પથ્થરો, ભલે બંધાવે કડીનો મહેલ પણ જો એનો મહેલ સાત-સાત વાર ના પાડુને તો માનજે કે હું મેલડી બોલી હતી અને મલ્હાર રાવના મહેલના કાંગણે-કાંગણે નાગણી થઇને બેસીશ અને બાવન ગજની મારી ધજા ના ફરકાવુને તો માનજે કે મેલડી બોલી હતી.’’ વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મૂકતા જ ગાડા ભાંગી જાય છે. એટલે રાજાએ હાથી બોલાવ્યા. હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઇ જવા નીકળ્યા. પણ આ તો મા મેલડીની વાવ. મેલડી કરે એવું કોઇ ના કરે. આતો જાસલપુરની બહાર એક ટેકરી પર પહોંચ્યા. ત્યાં મેલડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી. પાડાનું ભયંકર રૂપ જોઇ હાથીઓએ પથ્થરો નીચે મૂકયા એ સૂંઢ ઉંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા. પણ આ તો ઉગતાની મેલડી. બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા. આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે. મા મેલડી વિચાર કરે છે કે, મલ્હાર રાવને મહેલ બાંધવા દઉં પછી કરામત કરું. જેથી મલ્હાર રાવ પણ જાણે કે એને મેલડી પને પડી હતી. હવે મલ્હાર રાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હાર રાવે સાત માળનો મહેલ બંધાવ્યો. જેવો મહેલ બન્યો કે મેલડીએ નજર કરી અને સાતેય માળનો મહેલ પડી ગયો. વળી બીજા ત્રણ મહિને ફરી મહેલ બનાવ્યો. વડી પડી ગયો. આ રીતે સાતવાર મહેલ પડી ગયો.
(વધુ આવતા પ્રકરણે ભાગ-૨માં)
- પાયલ ચાવડા પાલોદરા